Ardh Asatya - 18 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 18

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 18

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૮

પ્રવીણ પીઠડીયા

“રઘુભાએ કાળીયા સાથે શું કર્યું હતું?” બંસરીએ પૂછયું ત્યારે તેનું હદય જોર-જોરથી ધડકતું હતું. કંઇક ભયાનક અમંગળની આશંકાથી તે રીતસરની થથરતી હતી. તેના હાથ તે જે ખરબચડી પાટ ઉપર બેઠી હતી એની સાથે મજબુતીથી ભીંસાયા હતા. અંધારામાં આંખો ફાડી-ફાડીને તે સુરાનો ચહેરો જોવાની કોશિશ કરતી હતી જાણે તેના હાવભાવ પરથી જ તે બધું સમજી લેવા માંગતી ન હોય!

“તેને મારીને જરૂર ક્યાંક દાટી દીધો હશે. રઘુભા એમ કોઇને છોડે એવો આદમી નથી. પોતાની ઉપર ખતરો જણાય તો એ સગા બાપને ય મારી નાંખે એવો છે તો પછી કાળીયો શું ચીજ છે!” સુરાનાં અવાજમાં એકાએક અજીબ પ્રકારની ગમગીની છવાઈ હતી અને પછી થોડી સેકન્ડોની ખામોશી બાદ તેના અવાજમાં આક્રોશ ભળ્યો હતો. “તેને સજા મળવી જ જોઇએ. કાળીયાએ એક્સિડન્ટ કર્યું હતું એ યોગ્ય નહોતું તો રઘુભાએ તેને માર્યો એ પણ યોગ્ય નથી જ. મારામાં જો રઘુભાનો સામનો કરવાની હિંમત હોત ને તો ક્યારનો મેં તેને પતાવી દીધો હોત.” તે બોલ્યો અને ખામોશ થયો.

તેના ખામોશ થતાં ટ્રકના કેબીનમાં અજીબ ખામોશી પથરાઇ હતી. તે આખો ક્રોધનાં અતીરેકમાં ધ્રૂજતો હતો. બંસરીને તેની હાલત સમજાતી હતી પરંતુ સંપૂર્ણ સત્ય હકીકત જાણ્યાં સીવાય તે કંઇ કરવા માંગતી નહોતી. તેને થોડી નિરાશા પણ ઉપજી હતી કે જો સુરો સાચું બોલતો હશે તો અભયનો કેસ અત્યારથી જ કમજોર પડી જશે કારણ કે જે કેસમાં મુખ્ય આરોપી જ ગાયબ હોય તો એ કેસમાં ન્યાય મળવાની આશા આપોઆપ ધૂંધળી બની જતી હોય છે.

“તને પાક્કી ખાતરી છે કે કાળીયાને રઘુભાએ ઠેકાણે પડી દીધો છે? કે પછી ખાલી અનુમાનને આધારે તું બોલે છે?” બંસરીએ પાક્કી ખાતરી કરવાં સવાલ કર્યો.

“અકસ્માત પછી કાળીયો રઘુભા પાસે આવ્યો હતો અને રઘુભાએ તેને ચામડી ઉતરડી જાય એટલો માર્યો હતો એ મેં મારી સગ્ગી આંખોએ જોયું હતું. એ પછી તેને ક્યાં લઇ જવામાં આવ્યો અને તેનું શું થયું એ કોઈ જાણતું નથી. હું જાણું છું ત્યાં સુધી તેનો એક જ મતલબ નીકળે કે હવે કાળીયો ફરી ક્યારેય દેખાશે નહી. રઘુભાએ તેનો રસ્તો સાફ કરી નાંખ્યો હશે તેમાં કોઈ બે-મત નથી.” સુરો બોલ્યો.

“ખરેખર ભયાનક કહેવાય. જો તારી વાત સાચી હોય તો આ કેસ લગભગ ખતમ જ સમજ. તું એક કામ કેમ નથી કરતો.” બંસરીને એકાએક એક રસ્તો સૂઝયો હતો. “રઘુભાએ તારા દોસ્ત કાળીયાનું ખરેખર શું કર્યું હતું એ જાણી લાવ. જો તેને ખતમ કરી નાંખવામાં આવ્યો હશે તો એની લાશ ક્યાંક તો દાટવામાં આવી જ હશે ને, એ કઈ જગ્યા છે એ તપાસ કર. આટલું કામ થશે તારાથી?” બંસરીએ પૂછયું.

“મારાથી બનતી બધી કોશિશ કરી છૂટીશ પરંતુ રઘુભાને શક જાય એવું કશું નહી કરું. કાળીયાની જેમ હું કમોતે મરવા નથી માંગતો. જો રઘુભાને ખ્યાલ આવ્યો કે હું તેમના વિરુધ્ધ કંઇક કરી રહ્યો છું તો મારું પણ આવી બને” સુરાને પોતાની ચિંતા પણ સતાવતી હતી.

“તારે એ કરવું જ પડશે. એ તારો દોસ્ત હતો. જેવી હિંમત દાખવીને તે મને અહીં બોલાવી છે એવી જ હિંમત આગળ પણ રાખવી પડશે. તો જ આપણે કાળીયાની ભાળ મેળવી શકીશું. તું ખાલી સચ્ચાઈ જાણી લાવ બાકીનું હું મારી રીતે ફોડી લઈશ. મારો નંબર તું લખી લે અને તારો નંબર મને આપ. હવે આપણે ફોનથી જ એકબીજાનાં સંપર્કમાં રહીશું.” બંસરીએ તેનો નંબર ફોનમાં સેવ કર્યો પોતાનો નંબર આપ્યો. “તારે રઘુભા સાથે તારા દોસ્તનો બદલો લેવો છે અને મારે આ કેસની સચ્ચાઈ જાણવી છે. એક ઈમાનદાર અફસરને આમાં ફસાવાયો છે અને બેઈમાનો જલસા કરી રહ્યાં છે એ હકીકત મારે દુનિયા સમક્ષ ઉજાગર કરવી છે. જો આપણે ભેગા મળીને કામ કરીશું તો ચોક્કસ સફળ થઈશું એનો મને વિશ્વાસ છે. ફક્ત તારી તૈયારી જોઇએ?”

“એટલે જ તો તમને અહીં મળવા બોલાવ્યાં છે. મારી પણ પૂરી તૈયારી છે.” સુરાએ મક્કમતાથી કહ્યું એટલે બંસરીને આટલી તંગ પરિસ્થિતિમાં પણ રાહત ઉદભવી. તેણે અંધારામાં જ પોતાનો હાથ લંબાવ્યો, તે એટલી ખુશ થઇ હતી કે અનાયાસે જ તેનાથી સુરા તરફ હાથ લંબાવાઇ ગયો હતો. સુરો થોડો ખચકાયો હોય એવું લાગ્યું પણ પછી તેણે બંસરીનાં હાથમાં પોતાનો ખરબચડો હાથ મૂક્યો હતો. “તમે જાઓ હવે. વધું વાર અહીં રોકાવું જોખમ ભરેલું છે. ખબર નહીં કોણ, ક્યારે આ તરફ આવી ચડે!”

સુરાની વાત બરાબર હતી. બંસરી ટ્રકની કેબીનમાંથી ઉતરી હતી અને એકટીવા જ્યાં પાર્ક કરી હતી એ તરફ ચાલી નીકળી હતી. એકટીવા સ્ટાર્ટ કરીને પછી ઘર તરફ જવા નીકળી પડી.

આ સમયે બે માંથી કોઈ નહોતું જાણતું કે ખરેખર કાળીયાની હકીકત શું હતી! જો ખબર પડી હોત તો આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો હતો.

@@@

હોલીવૂડની કોઇ એડવેન્ચર ફિલ્મને પણ ટક્કર મારે એવું એ દ્રશ્ય હતું. સો-એક ફૂટ ઉંચા પહાડ ઉપરથી અહર્નિશ... એકધારા પાણીનાં ઝરણાંઓ ધોધ સ્વરૂપે નીચે ભરાયેલા નાનકડા અમથા સરોવરમાં પડતાં હતા. તેમાં મુખ્ય તો સાત મોટા ઝરણાંઓની ધારાઓ હતી, એ ઉપરાંત અસંખ્ય નાની-નાની ઝરવાણીઓ પણ વહેતી હતી જે બેહદ મનોરમ અને દિલકશ નજારો પેશ કરતી હતી. દાદા તેના પૌત્રને લઈને એ સરોવરને કાંઠે આવ્યાં હતા અને એક ઘેઘૂર વૃક્ષની નીચે ઉભડક બેઠા હતા. પૌત્રની આંખોમાં અઢળક વિસ્મય ઉમડતું હતું. એ વિસ્મય દાદાની અસંભવ સમાન લાગતી વાતોનું હતું કે પછી સામે દેખાતાં કુદરતની કરામત સમા દ્રશ્યનું, એ તેની સમજમાં આવતું નહોતું. તે તો બસ... કાળા પથ્થરોનાં બનેલા અર્ધ ગોળાકાર પહાડની તીખી ધારેથી વહેતા અને એક સમાન અંતરનાં ગેપમાં નીચે ખાબકતાં સાત ઝરણાંઓને અપલક દ્રષ્ટિએ નીહાળી રહ્યો હતો. એ સાત ઝરણાંઓ હકીકતમાં તો સાત દેવીઓ છે એવું તેના દાદા ક્યારનાં સમજાવી રહ્યાં હતા.

અહીં પહોંચીને દાદાએ સૌથી પહેલા એ ઝરણાંઓ તરફ હાથ જોડીને નમન કર્યું હતું. એવું કરતી વખતે અનાયાસે જ તેમની આંખોમાં આસું ઉભરાઇ આવ્યાં હતા પરંતુ એ આસું કોઇને દેખાવાનાં નહોતા કારણ કે માથેથી વહેતું પાણી આસું સાથે ભળીને ગાલ ઉપરથી વહી જતું હતું. પૌત્રને કંઇ સમજ ન પડતી હોવા છતાં તેણે દાદાનું અનુકરણ કર્યું હતું અને ઝરણાંઓ તરફ જોઇને માથું નમાવ્યું હતું. પછી તેઓ વૃક્ષ નીચે આવીને બેઠા હતા.

“મને ખ્યાલ છે કે તું સાત દેવીઓની કહાની સાંભળવા ઉત્સુક બન્યો છે. સાત દેવીઓનો આ ઝરણાંઓ સાથે શું સંદર્ભ છે એની તને ખબર નથી એટલે એવું થવું સ્વાભાવિક છે. હું એટલે જ તને અહીં લઇ આવ્યો છું. ધ્યાનથી સાંભળજે કારણ કે મારા ગયા પછી તારે જ અહીં આવવાનું છે અને આ પરંપરાને જીવિત રાખવાની છે. વર્ષો થયા એ દુઃખદ અને ગોઝારી ઘટનાને, જેણે એ સમયે કબીલાનાં લોકોમાં હાહાકાર મચાવ્યો હતો. કોઈ સમજી નહોતું શકયું કે કબીલા ઉપર એ આફત અચાનક કેમ કરતા ત્રાટકી હતી. એક એવી આફત કે જેણે આપણાં કબીલાની ખુશહાલ જીંદગીને મોતથી યે બદતર બનાવીને રાખી દીધી હતી. એ ઘટનાનો ઓછાયો એટલો ભયાનક હતો કે બધા કબીલાવાસીઓમાં રીતસરનો ભય ફેલાઇ ગયો હતો અને રાતોરાત બધાએ ઉછાળા ભર્યાં હતા.” દાદાનાં અવાજમાં એ ઘટનાને યાદ કરતાં અત્યારે પણ દર્દ અને ખૌફ મિશ્રિત ભય ડોકાતો હતો.

“એવું તે શું થયું હતું દાદા?” પૌત્ર અજબ અધીરાઈથી એક એવી કહાની સાંભળવા જઈ રહ્યો હતો જેમાં માનવીની હૈવાનિયતની પરાકાષ્ઠા છૂપાયેલી હતી. સાત-સાત કુમળી બાળાઓનું ભયાવહ આક્રંદ છૂપાયેલું હતું. અને... પૃથ્વિસિંહજીના ગાયબ થવાનું રહસ્ય છૂપાયેલું હતું. દાદાએ એક ભયાનક કહાની કહેવી શરૂ કરી હતી જે પૌત્ર ધડકતા હદયે સાંભળી રહ્યો. કહાની સમાપ્ત ન થઈ ત્યાં સુધી દાદાનાં એક-એક શબ્દે તે થડકતો રહ્યો હતો અને તેના જીગરમાં પ્રતિશોધની જ્વાળાઓ ભડકી હતી.

“કોણ હતું એ?” તેનો અવાજ ધ્રૂજતું હતો.

(ક્રમશઃ)