Premnu Aganphool - 7 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 7 - 2

Featured Books
Categories
Share

પ્રેમનું અગનફૂલ - 7 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મંજિલ તરફ

ભાગ - 2

નાની-મોટી ટેકરીઓ વચ્ચે પસાર થતો સર્પાકાર અને ઊબડ-ખાબડ રસ્તો ઝડપથી પસાર થતો જતો હતો. ધીરે ધીરે જંગલનો એરિયા પૂરો થતો ગયો. હવે વેરાન ડુંગરાળ જમીન આવતી જતી હતી. બાવળના ઝાડ સિવાય આજુબાજુ કશું જ દેખાતું ન હતું. રસ્તો લગભગ ધોવાઇ ગયો હોવાથી ધૂળિયા રસ્તા પર ચાલતી જીપ્સી ધૂળોના ગોટાઓ ઉડાડતી આગળ વધી રહી હતી.

આકાશ વાદળોથી છવાયેલું હોત, સૂર્ય દેખાતો ન હતો અને ગરમીનું પ્રમાણ પણ ઓછું હતું.

જેમ જેમ આગળ વધતાં ગયા, તેમ તેમ વેરાન અને ડુંગરાળ જમીનનો રંગ બદલતો જતો હતો. ભૂખરો રંગ ધીરે ધીરે સમાપ્ત થતો જતો હતો અને ચારે તરફ લાલાશ છવાતી જતી હતી.

થોડા આગળ વધ્યા પછી ધરતીનું અનેરું રૂપ જોવા મળ્યું.

ઇ. રસીદએ સડકની એક તરફ ગાડીને વાળીને થોભાવી, ત્રણ ગાડીમાંથી બહાર આવ્યા.

‘પ્રલય... કદમ... જુઓ અહીંની ધરતીનો નજારો.’

‘વાઉ... શું કુદરતે રંગ પૂર્યા છે.’ અતિરિક્ત આનંદ સાથે પ્રલય બોલી ઉઠ્યો.

કદમ ઝડપથી જીપ્સીમાંથી દૂરબીન લઇ આવી, દૂરબીન આંખો પર લગાવી ચારે તરફ નિરીક્ષણ કરવા લાગ્યો.

ચારે તરફની ધરતી લાલ હિંગોળિયા કલરની દેખાતી હતી. એકદમ લાલ ચટાક ધરતી પર શંકુ આકારના રેતીના ઢગલા જેવી ટેકરીઓ ચારે તરફ ફેલાયેલી હતી.

નજારો જોઇ એમ જ લાગે, જાણે મંગળની ધરતી પર ઊતરી આવ્યા હોઇએ.

‘કુદરતનો પણ જવાબ નથી, ઇ.રસીદ... આટલો લાલચટાક અને દૂરદૂર સુધી ફેલાયેલી ધરતીનો આ નજારો મેં પહેલી વાર જોયો છે.’ ચારે તરફ ઉત્સુકતા સાથે નજર ફેલાવતાં આંખો વડે ખોબેખોબા ભરી પ્રલય નજારાને પોતના હ્રદયમાં ઉતારતો જતો હતો.

‘પ્રલય... દૂરબીન પરથી નજર હટાવતાં કદમે કહ્યું, ‘પ્રલય, અમારા કચ્છમાં પણ આવી જ ધરતી છે.’

‘હં... એમ...? ક્યાં કને...? અને એ મને અત્યાર સુધી બતાવી શા માટે નથી...?’ કહેતાં પ્રલયે કદમ સામે જોયું, રસીદ પણ કદમ સામે જોવા લાગ્યો.

‘દોસ્ત... તમે બતાવતાં હું ભૂલી ગયો છું, પણ કચ્છમાં અબડાસા તાલુકામાં નળિયા શહેરની બરન્દા જતા જ્યા સાંઘી સિમેન્ટની ફેક્ટરી આવેલી છે. તે એરિયામાં આવી જ લાલ હિંગોળિયા જેવી ધરતી દૂર દૂર સુધી ફેલાયેલી છે અને થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોની એક ટીમ રિસર્ચ કરવા ત્યાં આવી હતી, અને તેમણે મંગળના ગ્રહની ધરતીના કણો સાથે ત્યાંની મિટ્ટીને સરખાવી જોઇ. તમને આશ્ચર્ય થશે કે મિટ્ટીના પૃથ્થકરણ બાદ એવું તારણ આવ્યું છે કે મંગળની લાલ ધરતી પર અને કચ્છની તે જગ્યાની ધરતી એકદમ એક સરખી છે.’

‘આશ્ચર્યની વાત છે, દોસ્ત...’ આ વાત મેં પહેલી વાર સાંભળી છે. અહીં પણ જો આ ધરતી પણ મંગળની ધરતી જેવી જ લાગે છે. મને તો એવું લાગે છે કે હું મંગળની ધરતી પર ઊભો છું, પણ દોસ્ત અફસોસની એ વાત છે કે અહીં કોઇ રિસર્ચ નથી કરતું. નથી અહીંની ગવર્મેન્ટને ઇન્ટરેસ્ટેડ નથી, અહીં વૈજ્ઞાનિકોને કે સ્થાઇ લોકોને ઇન્ટરેસ્ટ બસ... ભારતને કેમ નીચો બતાવવું તે જ વિચારતાં રાત-દિવસ રચ્યા રહે છે.’ દીર્ધ શ્વાસ લઇ ઊંડો નિસાસો નાખતાં ઇ. રસીદ બોલ્યો.

‘ભાઇ રસીદ... અમારા ગુજરાતમાં તો ચારે તરફ ટૂરિઝમ પોઇન્ટોને વિકસાવવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કમર કશી છે. પહેલાં ગુજરાતના લોકો બહાર ફરવા જતા, હવે તેનાથી ઊલટું થયું છે. ગુજરાતની બહારથી લોકો ગુજરાતમાં આવે છે. અરે અમારી ફિલ્મ જગતના મહાન કલાકાર અમિતાભ બચ્ચનને તેઓએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ગુજરાત આજ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. તે અમારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. પહેલા ગુજરાતમાં બી.ઇ.થયેલા એન્જીનીયરો કામ વગરના ભટકતા રહેતા, પણ હવે તો ગુજરાતમાં એટલી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થઇ છે કે એન્જિનિયરથી માંડી નાના માણસોને પુષ્કળ રોજીરોટી મળી રહે છે. અમારા કચ્છમાં એક તરફ રણ છે અને બીજી તરફ ફરતો દરિયાકિનારો છે. કોઇએ ક્યારેય વિચાર્યું ન હતું, પણ નરેન્દ્રભાઇની બુદ્ધતમા નજરે બધું જોયું અને તરત તેઓએ કચ્છને વિકાસના માર્ગ પર આગળ લાવવાના પ્લાન તૈયાર કર્યા. આજ કચ્છનું રણ એ રણ નથી રહ્યું. કચ્છના રણમાં અમુક જગ્યાએ દરિયાનું પાણી આવતું હોવાથી ત્યાં સફેદ રણ બન્યું છે અને તમે ચાંદની રાતના ત્યાં જાવ તો તમને લાગે કે તમે આર્કટિકા ખંડમાં આવી ગયા છો. જાણે ચારે તરફ બરફની સફેદ ચાદર ફેલાયેલી હોય તેણે ભાસ ઉતપન્ન થાય છે અને રણમાં ફરતા સુરખાબ પક્ષીઓ તેની સુંદરતામાં ચાર ચાંદ પૂરે છે. આજ તે રણમાં ટુરિઝમનો બહુ જ બહોળો વિકાસ થયો છે. ભારતભરના અને વિદેશના લોકો ત્યા ફરવા માટે આવે છે. જે સ્થળ ઉજ્જવળ અને વેરાન હતું. તે સ્થળ સુંદર ટુરિઝમ પોઇન્ટ બની ગયું અને વર્ષમાં એક વખત રણમહોત્સવ ઊજવે છે અને તેમાં ખુદ નરેન્દ્રભાઇ પોતે પણ તે નજારાને માણવા કચ્છ આવે છે અને કચ્છનો એક સ્લોગન પણ બની ગયો છે કે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ કચ્છમાં પ્રથમ વખત બે પ્રાઇવેટ મહાબંદરોની સ્થાપના થઇ છે. ગુજરાત કેવું હતું અને કેવું સુંદર બની ગયું તે તો તમે ગુજરાત આવો તો જ ખબર પડે. અરે... ! અમદાવાદની સાબરમતીના નદીમાં ગટરનાં પાણી ઠલવાતાં અને મોટી ફેક્ટરીઓના કચરો પણ તેમાં ઠલવાતા, પણ આજ એ બધું બંધ કરી નાખવામાં આવ્યું છે.

હાલમાં પૂરી નદીની ઉપર સુંદર ‘રિવર ફ્રન્ટ ઓફ સાબરમતી’ બનાવવમાં આવ્યો છે. તેમા કોઇપણ જાતના કચરા કે ગટરનું પાણી નાખવાની સખ્ત મનાઇ છે. આ રિવરફ્રન્ટમાં નર્મદાનું પાણી છોડવામાં આવે છે. પાણીનું શુદ્ધીકરણ કરવા માટે ફિલટર પ્લાન્ટ પણ મૂકવામાં આવ્યો છે. રિવરફ્રન્ટની બંને બાજુ સુંદર બગીચાઓ, શોપિંગ સેન્ટર, રેસીડન્ટ ઝોન બનાવવાનો પ્લાન ઘડવામાં આવેલ છે.. અને નદીની અંદર ફરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મોટરબોટ ચલાવવાનો પણ પ્લાન ઘડવામાં આવ્યો છે. અરે... તમે ગુજરાતના રસ્તા જુવો, ગાડીમાં પાણી ભરેલ ગ્લાસ મૂકવામાં આવે તો પાણી ન છલકાય તેવા રસ્તા છે. આ બધું અમારા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આભારી છે.’

‘કદમ... તારી વાત સાચી છે. થોડા સમય પહેલા જ ગુજરાતની સાબરમતીથી અને દિલ્હીની યમુના નદીનો સર્વે ટીવી ચેનલમાં બતાવવામાં આવ્યો. ક્યાં દિલ્હીની યમુના નદી, જેમાં ગટરનાં પાણી, ફેક્ટરીઓના કચરા ઠાલવવામાં આવે છે અને ક્યાં ગુજરાતની સાબરમથી જેના પર સુંદર રિવર ફ્રન્ટ બનાવવામાં આવ્યો છે !’ પ્રલયે કહ્યું.

‘અરે... આવા તો કેટલાય પ્રોજેક્ટ ચાલુ થવાના બાકી છે. તમે માનશો ગુજરાતમાં નર્મદાની કેનાલ તથા મોટી પાઇપલાઇનો વડે એક એક ગામડામાં પાણી પહોંચાડવામાં આવે છે. કેનાલનું કામ હજુ ચાલુ છે જે ટૂંક સમયમાં પૂરું થશે.’

અત્યારે કચ્છમાં એટલા પાવર પ્રોજેક્ટ સક્રિય છે, કે પૂરા ભારતમાં વીજળી પૂરી પાડે તોય મેગવોટની બચત થાય, આ તો પાકિસ્તાન ભારત સાથે સારા સંબંધ રાખવાને બદલે કાયમ ભારતની વિરુદ્ધમાં જાય છે, નહીંતર કચ્છની પાકિસ્તાનને પણ વીજળી પૂરી પાડી શકે તેવા મોટા પ્રોજેક્ટો છે.’ કદમે કહ્યું.

વાતોમાં ને વાતોમાં સમય ક્યા પસાર થઇ ગયો તેની ખબર ન પડી.

બપોરના એક નાની હાટડી જેવી લોજમાં તેઓએ ભોજન કર્યું. ખાડા ટેકરાવાળો રસ્તો વરસાદ પડ્યો હોવાથી કાદવ-કીચડથી ભરપૂર થઇ, એકદમ ખરાબ થઇ ગયો હતો. તેથી તેઓને બુધ્ધઇ ગામ પહોંચવામાં ઘણું જ મોડું થયું હતું.

તેઓ જ્યારે બુધ્ધઇ ગામ નજદીક પહોંચ્યા ત્યારે સૂર્ય આથમી ગયો હતો. ધરતી પર અંધકારના ઓળા ઊતરી આવ્યા હતા. ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઇ ચૂક્યો હતો. બસો ખોરડાની વસ્તીવાળા બુધ્ધઇ ગામમાં એકદમ સન્નાટો છવાયેલો હતો. ટીનના છાપરાવાળા મકાન પર ટર...ટપ... પડતા વરસાદના અવાજ સિવાય ગહન ચૂપકીદી ફેલાયેલી હતી. તેઓ બુધ્ધઇ ગામ પહોંચ્યા ત્યારે લગભગ દસ વાગ્યાની તૈયારી હતી. ગામના લોકો નિંદ્રાધીન થઇ ગયા હતાં.

આકાશ પ્રચંડ ઘટાટોપ વાદળોથી ઘેરાયેલું હતું અને ઝરમર ઝરમર વરસતો વરસાદ ક્યારે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ખૂબ જોરથી તૂટી પડે તેવી શક્યતા જણાતી હતી.

કાળા ડિબાંગ કાજળ ઘેરી કૃષ્ણપક્ષની રાત હતી. ગામથી થોડે દૂર આવેલ કાબુલ નદી તથા આસપાસનાં ગીચ જંગલોનો ઇલાકો ખોફનાક અંધકારમાં ડૂબેલો હતો. નદીનું પાણી જોરજોરથી વહી રહ્યું હતું. બુધ્ધઇ ગામ કાબુલ નદીના કિનારે વસેલું હતું. વરસાદના કારણે કાબુલ નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. અને તે વહેણના રૂપમાં જોશભેર દરિયાનાં મોજાંઓની જેમ ઘુઘવાટ કરતુ વહી નીકળ્યુ હતું.

પૂરના કારણે કિનારા પરની પથ્થરો ભેખડો પાણીમાં ધડધડ ધડામના અવાજ સાથે પડતી હતી. તો કેટલાંય તોતિંગ વૃક્ષો કડકડ ભૂસ કરતાં તૂટી પડ્યા હતા. ધીરે ધીરે વરસાદનુ જોર વધતું જતું હતું. ખોફનાક વાતાવણના નદીના પૂરને લીધે થતો ખડખડાટ રાત્રીને ઔર ભયાનક બનાવતો હતો.

ગામડાથી થોડે દૂર દૂર નદીના કિનારે રસીદએ જીપ્સીને ઊભી રાખી ત્યારે વરસાદ પૂરા જોશ સાથે તૂટી પડ્યો હતો.

‘પ્રલય... કદમ... આપણે બુધ્ધઇ ગામ પહોંચી આવ્યા છીએ. બુધ્ધઇ અહીંથી ફક્ત દોઢ કિલોમીટર દૂર છે.’ ગાડીને બંધ કરતાં રસીદ બોલ્યો.

‘વરસાદનું જોશ વધતું જાય છે. આપણે અત્યારે ક્યાંક આશરો લેવો પડશે, જો ગામની અંદર તારો કોઇ ખાસ માણસ હોય તો...’

‘ના... પ્રલય... આખુ બુધ્ધઇ ગામ ત્રાસવાદીનો અડ્ડો છે અને ગામમાં જવું હિતાવહ નથી. આપણે નદી કિનારે જ ક્યાંક આશરો લઇ રાત્રિ વિતાવવી પડશે.’

‘તારી વાત તદ્દન સાચી છે. આપણે બહુ જ સાચવીને પગલાં ભરવાં પડશે. આપણે પહેલાં તો ગાડીને જંગલમાં ક્યાંક છુપાવી દઇએ અને પછી નદી કિનારે કોઇ ઘટાદાર વૃક્ષોના ઝુંડમાં રાત્રિનો સમય વિતાવી દઇશું.’ કદમે કહ્યુ.

‘ઠીક છે કદમ... આપણે થોડા પાછળ જવું પડશે. જંગલમાં ક્યાંક ગાડીને એવી જગ્યાએ રાખી દઇએ કે કોઇની નજરે ન ચડે અને ગોલા-બારુદ પણ ત્યાંજ ક્યાંક ખોદી પ્લાસ્ટિકની બેગમાં ભરી મૂકી છુપાવી દઇએ.’ ગાડીને ફરીથી ચાલુ કરતાં રસીદએ કહ્યું.

સ્પાર્ક... સ્પાર્ક... આકાશમાં ચારે તરફ પ્રકાશના લિસોટા વેરતી વીજળી આકાશમાં વેરાઇ અને પછી કડડડ ધડામ... જોરદાર ગર્જનાથી જંગલ ધ્રૂજી ઊઠ્યું.

ત્યારબાદ ફરીથી ચારે તરફ ગાઢ અંધકાર છવાઇ ગયો.

સુસવાટા મારતા પવનથી ડોલતાં મોટાં મોટાં વૃક્ષો જાણે ચારે તરફ ભૂતાવળ થતી હોય તેવું ભાસતુ હતું. તે રાત્રિ અત્યંત ભયાનક હતી. વરસાદ પુરજોશ સાથે પડી રહ્યો હતો.

જંગલની થોડા અંદર ગયા પછી ઇ.રસીદએ જીપ્સીને ગીચ વૃક્ષોના ઝુંડની વચ્ચે ઊભી રાખી.

‘રસીદ... આપણે બધો બારુદ પોલીથીને બેગમાં એકદમ પેક કરી અહીં જ ખાડા ખોદી દાટી દઇએ... કદમે કહ્યું.

‘હા... આ સ્થળ સારું છે, અને જરૂર પડતા તાત્કાલિક બારુદનો જથ્થો આપણે કાઢી શકીશું.’ પ્રલય બોલ્યો.

‘ઠીક છે, તમે બંને બારુદ પોલીથીન બેગમાં ફિટ કરો હું એક મોટો ખાડો ખોદી નાખું.’ કહેતા રસીદએ જીપ્સીની અંદર પડેલ ત્રિકમને લઇ આગળ વધ્યો.

‘રસીદ... મને ત્રિકમ આપ એ કામ તારું નહીં મારું છે. હું ઝડપથી ખાડો ખોદી નાખીશ.’ હસતા હસતાં પ્રલયે રસીદના હાથમાંની ત્રિકમ લઇ લીધી અને થોડે દૂર ઝડપથી ખાડો ખોદવા લાગ્યો.

કદમ અને રસીદ ગ્રેનેટ, બોમ્બ અને હાથમાં રાખી દોડી શકાય તેવા નાના કદની મિસાઇલો, બારુદ વગેરેને પોલીથીન બેગમાં ઝડપથી ગોઠવી મૂકવા લાગ્યો. પ્રલયે ઝડપથી 3 બાય 6 ના માપનો ખાડો ખોદી નાખ્યો.

ત્યારબાદ બધો બારુદ પોલીથીન બેગમાં પેક કરી તે ખાડામાં મૂકી ખાડાને દાટી દીધા અને તેના ઉપરના વૃક્ષમાં કદમે નિશાન બનાવી દીધુ જેથી ઝડપથી બારુદ કાઢી શકાય.

ત્યારબાદ ગાડીની લાઇટ ઓફ કરી ગાડી બંધ કરી રસીદએ ગાડીને લોક કરી, ચાલો હવે આપણે કોઇ એવું સ્થળ શોધી કાઢીએ જ્યાં રાત વિતાવી શકાય.

‘રસીદ... આપણે જીપ્સીમાં જ બેઠા બેઠા થોડી નીંદર કરી લઇએ.’ અત્યારે આપણે આનાથી સારું કોઇ જ સ્થળ રાત્રિ વિતાવવા માટે નહીં મળે.’ કદમે કહ્યું.

‘તમારી વાત પણ સાચી છે. ચાલો જીપ્સીમાં બેઠા બેઠા ગપાટા મારશું. પછી થોડી નીંદર કરી લઇશું.’

‘કદમની વાત સાચી છે. આપણે જીપ્સીમાં જ રાત્રી વિતાવી દઇશુ. પરંતુ પહેલાં આપણે આસપાસ નદી કિનારાના એરિયામાં ચક્કર મારી બધું જોઇ આવીએ.’ પ્રલયે પ્રશ્નાર્થભરી નજરે કદમ સામે જોયું.

‘હા... પ્રલય, એ જરૂરી છે, દિવસના આપણે એ ચેક કરી નહીં શકીએ, અત્યારે વરસતા વરસાદ ભરી રાત્રિના ચારે તરફનું વાતાવરણ અને સ્થળ ચેક કરી લઇને પણ બે મિનિટ પહેલાં હું એક સિગારેટ પી લઉં.’ કહેતા, કદમે ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી ઝડપથી ગાડીના લોક ખોલી અંદર બેસી ગયો.

‘કડડડ...ધડામ...’કાળી ડિબાંગ રાત્રિના ક્ષણ માટે ચારે તરફ પ્રકાશપુંજ વેરતી વીજળી ગર્જના કરતી દૂર દૂર ક્યાંક ધરતીના પટ પર ત્રાટકી અને પછી વરસાદ પૂર ગતિ સાથે ત્રાટકી પડ્યો.

નિશાચાર જંગલમાં ભયાનક અંધકાર વચ્ચે મોબાઇલમાંની ટોર્ચના આછા અજવાશમાં પ્રલય, કદમ અને રસીદ મક્કમ પગલે આગળ વધતા હતા.

તેઓએ રેકઝીનના કાળા કોટ પહેર્યા હતા. જે તેઓના માથાથી ઘૂંટણ સુધી શરીરને વરસાદથી બચાવતા હતા, પગમાં તેઓએ સેફ્ટી શૂઝ પહેર્યા હતા.

ચારે તરફ પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં. કાદવ કીચડમાં પડેલ સૂકાં પાંદડાંઓનો ચર... ચર... અવાજ અને વરસાદના અવાજ સિવાય વાતાવરણમાં એકદમ સન્નાટો છવાયેલો હતો.

લગભગ એક કિલોમીટર જેટલું જંગલના રસ્તે ચાલી તેઓ કાબુલ નદીના કિનારે પહોચ્યા. પછી તેઓ કિનારે કિનારે આગળ વધ્યા.

અચાનક સૌથી આગળ ચાલતો ઇ.રસીદ ચમક્યો અને પછી તરત ઊભો રહી ગયો.

‘શું થયું રસીદ... ?’ આશ્ચર્ય સાથે પ્રલયે કહ્યું.

‘સ... સસસસ.... સીસ...’નાક પર આંગળી મૂકતાં તે બોલ્યો.

‘જુઓ, ત્યાં નાની ઝૂપડી જેવું દેખાય છે. અંદરથી દીવાનો આછો પ્રકાશ રેલાય છે.’ એક તરફ આંગળી ચીંધતા એકદમ ધીમા અવાજે રસીદ બોલ્યો.

કદમ અને પ્રલયે તે તરફ જોયું.

તે જ વખતે આકાશમાં વીજળીનો ચમકારો થયો. ક્ષણભરના પ્રકાશમાં તેઓએ જોયું, થોડે દૂર નદીના કિનારે પર એક નાની ઝૂંપડી બનેલી હતી. જત લોકોના ભુંગા હોય તેમ વાંસ અને ખજૂરીનાં પાંદડા વડે તે બનેલી હતી.

‘આપણે ત્યાં જઇ તપાસ કરીએ. તે ઝૂંપડીમાં કોણ છે...?’

‘યસ... કદમ ચાલો...’ કહેતાં પ્રલયે સંકેત કર્યો. પછી ત્રણે જણા દબાતા પગલે ધીરે ધીરે તે ઝૂંપડી તરફ આગળ વધવા લાગ્યો.

કદમના હાથમાં ગમે તે ક્ષણે આગ ઓકવા માટે રિવોલ્વર તૈયાર હતી.

એકદમ સન્નાટાભર્યુ વાતાવરણ, ખોફનાક, કાળા ડિબાંગ અંધકાર ભરી રાત અને વરસતા વરસાદમાં ત્રણે જણા ખૂબ જ સાવચેતીથી ઝૂપડીના પાછળના ભાગ તરફ સરકવા લાગ્યા. ઝૂંપડીથી નજદીક આવ્યા પછી ત્રણે રેતી પર લાંબા થઇને સુઇ ગયા અને મગરમચ્છની જેમ ધીરે ધીરે ચારે પગે (બે હાત-બે પગ) સરકવા લાગ્યા, ઝૂંપડીની ઠીક પાછળના ભાગમાં આવી કદમ ગોઠણ પર બેઠો થયો અને બે વાંસ વચ્ચેની તિરાડ પરથી અંદર નજર કરી.

ઝૂંપડીની અંદર એક આદમી સૂતો હતો. તેમણે કાળી કમની પહેરી હતી. લાંબી દાઢી અને ભરાવદાર ચહેરો, ચહેરા પર સૌમ્યતા છવાયેલી હતી. તે કોઇ સૂફી સંત કે ફકીર હોય તેવું લાગી રહ્યું હતું. તે એક ચટાઇ પર સૂતો હતો. તેની બાજુમાં એક કમંડલ પડ્યું હતું. તે સિવાય થોડે દૂર એક મક્કા-મદિનાની દરગાહનો ફોટો લટકતો હતો.

કદમે નજર હટાવી, ત્યારબાદ પ્રલય તથા રસીદએ પણ અંદર નજર કરી જોયું.

‘આ તો કોઇ ફકીર બાબા લાગે છે. કદમ આપણે તેને મળીને સંત ફકીરોને હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, ઇસાઇ, કોઇ પણ જાત વચ્ચે ક્યારેય ભેદભાવ હોતો નથી. આપણે તેને કહીશું કે અમે ભુલા પડી આ તરફ આવી ગયા છીએ, તે ચોક્કસ આપણને આવકારી રાત્રિ તે ઝૂંપડીમાં ગાળવાની પરમિશન આપશે.’

‘પણ સંતના રૂપમાં કોઇ પાકિસ્તાની જાસૂસ નીકળ્યો તો...?’ રસીદના ચહેરા પર મૂંઝવણના ભાવ હતા.

‘તો મારી આ રિવોલ્વર તે ક્યારેય જાગે નહીં તેવી ચિરનિંદ્રામાં તેને પોઢાવી દેશે.’ જડબાં સખતાઇ સાથે ભીડતાં કદમે કહ્યું.

‘તો ચાલો ઝૂંપડીમાં, પડશે તેવા દેવાશે.’ હસતાં રસીદ બોલ્યો.

‘કોણ... ? કોણ છો ભાઇ ? પ્રલય, કદમ અને ઇ.રસીદ ઝૂપડીમાં પ્રવેશ્યો તેના અવાજ સાથે તે ફકીરબાબા સફાળા નિંદરમાંથી જાગીને બેઠા થઇ ગયાં.

‘બાબા અમે દૂરથી આવીએ છીએ. અમારે બુધ્ધઇ જવું છે, પણ આ વરસાદ...’

‘સમજી ગયો બેટા, અંદર આવો. તમારે રાત વિતાવવી છે. તો મારી આ ઝૂંપડીમાં તમે સૂઇ જાવ... થોડી તકલીફ પડશે, પણ...’ પ્રલયની વાત કાપતાં તે ફકીર બોલ્યો.

‘બાબા... અમને કોઇ જ તકલીફ નહીં પડે પણ અમે તમને તકલીફ આપીશું...’ અંદર પ્રવેશતા કદમ બોલ્યો.

અને પછી તે ત્રણે જણે તે પૂરી રાત ઝૂંપડીમાં ટૂંટિયું વાળીને સૂતાં સૂતાં વીતાવી.

સવારના તેઓ જાગ્યા ત્યારે સૂર્યનારાયણ ધરતીના પટ પર પ્રવેશવાની તૈયારી કરી રહ્યા હતા. પ્હો ફાટ્યો હતો. વરસાદ બંધ થઇ ગયો હતો, પણ પડેલા વરસાદથી વાતાવરણ એકદમ ખુશનુમા ભર્યું હતું. પક્ષીઓના કિલ્લોલના સંગીતથી વાતાવરણ મહેંકી ઊઠ્યું હતું.

‘પ્રલય... બાબા ક્યાંય નથી દેખાતા...?’ ઝૂંપડીની બહાર જઇ ચારે દિશામાં ચક્કર મારી આવી ઝૂંપડીમાં પ્રવેશતાં કદમે કહ્યું, ‘હશે ક્યાંક સવારની સ્નાન ઇત્યાદી કરવા માટે આજુબાજુ ગયા હશે.’ ત્યાં પડેલ માટલામાંથી પાણી લઇ મોં પર છંટકાવ કરી નીંદર ઉડાડતાં રસીદ બોલ્યો.

‘આપણે સવારનો નિત્યક્રમ પતાવી લઇએ પછી થોડીવાર બાબાની વાટ જોઇશું, નહીંતર બુધ્ધઇ તરફ જવા રવાના થશું.’ ઝૂંપડીની બહાર નીકળતાં પ્રલય બોલ્યો.

***