કૂખ
લઘુ નવલકથા
રાઘવજી માધડ
પ્રકરણ : ૫
શું કરવું ? તે નક્કી કરવું પ્રકાશ માટે મુશ્કેલ થઇ પડ્યું હતું. એક બાજુ અંજુને બીજી બાજુ શોભના...આવી વાત પૂછી-પૂછીને શોભનાને પૂછે...તેને પૂછી લીધું. તેનું કહેવું અથવા તેની સલાહ કંઈ ખોટી કે નાખી દીધા જેવી નહોતી. દરેક કાર્યમાં વિચારીને પગલું ભરવું, ઉતાવળ ન કરવી...
અને અંજુ જૂના સંબંધની અપેક્ષાએ આવી હતી.તે સાચી છે,ખોટી છે...અથવા તો આમ કરવા પાછળ નો તેનો ઉદેશ્ય શું છે...આ બધું તો અનુભવે સમજાય.અગાઉથી ધારણા બાંધી લેવી એ પણ ઠીક નથી.
-તો શું કરવું જોઈએ...આ દ્વિધામાંથી જાતે જ પસાર થવાનું હતું, નિર્ણય લેવાનો હતો. એક પળે તો એમ થયું હતું કે,અંજુ કહે તેમ પણ કરવું નથી ને, શોભનાની સલાહ પણ...
-જાય બધું એના ઘેર. મારે શું લેવા દેવા !
કશું જ કરવું નથી...પણ આ વિચાર લાંબો ચાલ્યો નહી.વચ્ચેથી જ તૂટી ગયો.અંજુને પ્રકાશે મોબા ઈલ પર કહી દીધું : ‘પેલા તું અહીં આવી જા. પછી તારે ગામડે જવું હોય તો જાજે !’
આવું કહ્યા પછી પ્રકાશને થયું કે આ માધ્યમ માર્ગ છે.આમાંથી હા કે ના એવું કશું નીપજે નહી. અંતરથી ખટક્યું. જે કહ્યું હોય તે કરવું જોઈએ...જીભાનના પાકા રહેવું જોઈએ. કોઈને કામની હા પડી પછી અદ્ધવચ્ચે અડકી કે ફસકી જવું તે બરાબર ન કહેવાય. પ્રકાશ જાત સંતલસ કરવા લાગ્યો.
અને તું તો ત્યાં સુધી કહી ચૂક્યો હતો:‘અંજુ ! આવા અગત્યના ને સંવેદનશીલ કાર્ય માટે તેં મને પસંદ કર્યો, મારા પાર વિશવસ મૂક્યો. જાણે કે મને મારી જિંદગીનો અર્થ મળી ગયો.’
તે ક્યાંય સુધી મૌન બેસી રહ્યો. આખો કેસ, ઘટના...તેનાં મનમાં ફરીથી પસાર થઇ હતી.
પણ પ્રકાશના મનમાં એક બાબત સ્પષ્ટ થવા લાગી હતી કે, જે થવાનું છે તે વધારે સારું થતું હોય તો મૂળ વાત સાથે બાંધછોડ કરવામાં વાંધો ન હોવો જોઈએ.વ્યક્તિ કરતાં કાર્ય મહત્વનું બનવું જોઈએ. વ્યક્તિપણાના ઈજારામાં કાર્યને હાનિ પહોંચે,પરિણામ અસરકારક ન આવે...આવું થવું ન જોઈએ.આ સમયની માંગ છે.
પ્રકાશે અંજુ સાથે વાત કર્યા પછી શોભના સાથે પણ વાત કરી લીધી હતી.તેને કહ્યું હતું કે,‘મેં આપની સોનેરી સલાહ મુજબ તેનાં પતિ તરીકે સહી કે કરાર કરવાનું હવે માંડી વળ્યું છે.’
‘વેરી...ગુડ..’ શોભનાના મોંમાંથી શબ્દો સરી જ પડ્યા હતા.
એક તો પોતાની સલાહ સ્વીકારી અને બીજું કે એ સ્ત્રી હવે કોઈ બીજા પાસે ચાલી જશે. એક જ કાંકરે બે પક્ષી ઉડ્યાં હોય એવું થયું હતું. જેથી ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.
અને સૌથી મોટું શોભનાને લાધ્યું હોય તો – પ્રકાશ હજુ પણ પોતાના કહ્યાં છે, કવરેજમાં છે...
‘તે હવે ચાલી જશે ને !?’
અંજુ આવે તો ક્યાં રોકાય...આ માટે એક સારી હોટલમાં પ્રકાશે રૂમ બુક કરવી લીધો હતો. તેને વહેલા મોડું થાય તો પણ આરામ કરી શકે !
‘ના...’ પ્રકાશ સહેજ અટક્યો. થોથરાયો. પણ પછી કહી જ દીધું : ‘તે અહીં મને મળવા આવશે !’
શોભના મોં પડી ગયું. તે વિચિત્ર નજરે પ્રકાશ સામે જોઈ જોઈ રહી.
ત્યાં ધડાકો કરતો હોય એમ પ્રકાશે કહ્યું : ‘તેનાં માટે રૂમ બુક કરાવ્યો છે...’
શોભનાને પ્રકાશ પર ભારોભાર વિશ્વાસ હતો તેથી પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો.ના,પ્રકાશ આટલી હદ જાય નહી. રૂમ બુક કરાવવા સુધીનું પગલું ભરે તો મને પૂછે...પણ નરવી કે નઘરોળ જે કહો તે બાબત સામે આવીને ઊભી હતી.સઘળી ધારણાઓ પોકળ પૂરવાર થઇ હતી તે પળભરમાં પ્રતીત થઇ ગયું હતું. તેનાં માટે ભોં ભારે થઇ પડી.ઊભું થઇ શકાય એમ રહ્યું નહોતું. રુંવે રુંવે આગ લાગી ગઇ હતી.તન-મન ભડભડ સળગવા લાગ્યું હતું. જાત પર કાબૂ રહ્યો નહોતો. તેથી એમ જ સ્થિર ને અબોલ બેસી રહી.
શોભનાનું આવું ભારેખમ મૌન પ્રકાશ માટે સહ્ય નહોતું.સમજાય એવું હતું. પણ જે થાય તે...તીર કમાનથી છૂટી જ ગયું છે. હવે ચિંતા શેની...જે થાય તે.
ત્યાં પ્રકાશના મોબાઈલમાં અંજુના મેસેજ આવ્યા. સામે મેસેજથી જવાબ આપવાના બદલે મોબાઈલ માં કહ્યું : ‘ગાંધીનગરમાં પથિકાશ્રમ ઉતરી જવાનું. ત્યાંથી રિક્ષામાં હોટલ પર પહોંચી જા. હું પછી આવું છું.’
શોભના આ સઘળું સાંભળતી હતી. એક સ્ત્રી માટે રૂમ બુક કરાવવો ને પછી ત્યાં જવું...તેનો અર્થ શું થાય, શું કરવો..શોભના માટે એક મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો. તેનાં માટે હવે કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ હતી.એક ક્ષણે તો પોતે જીવ દઇ દે અથવા લઇ લે...એવું થઇ આવ્યું.પણ ઓફીસમાં કશું થઇ શકે એમ નહોતું.અરે...ઊંચા અવાજે બોલી શકાય એમ પણ નહોતું.ભારે નહી,જાણે જીવલેણ સંજોગો સર્જાયા હતા. ત્યાં વળતી પળે કાનમાં અફળાયું,અથડાયું:‘આ વિધાન તારી અંજુને પણ લાગું પડે છે.વિચારી લેજે.’
પ્રકાશના પગ હતાં ત્યાં જ સ્તંભ માફક ખોડાઈ ગયા. તે આંખો તાણીને સામે ઊભો રહ્યો.શરીરમાં હળવો કંપ પ્રસરી ગયો હતો.કશુંક ન સમજાય તેવું મન-તનને પજવવા લાગ્યું.વળતો જવાબ આપવાનું જીભે ચઢી આવ્યું :‘તું શું સમજે છે...’પણ પાણીમાં અંગારો ઠરી જાય એમ ઠરી ગયો.
નિત્યક્રમ મુજબ શોભનાને પોઈન્ટના બસ સ્ટોપ પર છોડવી.પછી ત્યાંથી હોટલ પર જવું.આવું પ્રકાશે વિચારી રાખ્યું હતું.જેથી બંને કામ થઇ શકે.આ આયોજન મુજબ પ્રકાશ બાઈકને રસ્તામાં ઊભો રહ્યો.ત્યાં ધીમે-ધીમે ચાલતી શોભના સ્કુટર પાસે આવીને અટકી. બેઠક લેશે...એમ સમજી સ્કુટરને કિક મારી.સ્ટાર્ટ કર્યું..પણ શોભના બેસવાના બદલે સહેજ દૂર ખસી.પ્રકાશે સામે જોયું.તો સામે મોં બગાડીને કહે:‘જાવ,હું નથી બેસવાની...’‘કેમ ?’એવો સવાલ કરે ત્યાં બીજું એક બાઈક શોભના પાસે આવીને ઊભું રહ્યું:‘પ્લીઝ મેડમ..’ શોભનાએ દુશ્મન સામે જુએ એવી નજરે પ્રકાશ સામે જોયું.પછી ઝડપથી મોં ફેરવી બીજાના બાઈક પર બેસી ગઇ. જાણે કશો જ સંબંધ કે કોઈ લેવાદેવા ન હોય એમ !
પ્રકાશ મન મારીને ઊભો રહ્યો.તેની આંખોમાં દીવાસળી ઘસાઇ.તણખો ઝર્યો.તેમાંથી ધીમેધીમે ભડકો થયો ને પછી આખું શરીર સળગવા લાગ્યું. પાછળ જાય...બાવડું પકડીને નીચે ઉતારી લે...પછી કહે:‘શરમ નથી આવતી, કોઈના પાછળ બેસી જવાની...’
‘આવું શું કરવા કરવાનું ?’
‘અને તેને અટકાવનારો તું કોણ ?’
સણસણતા સવાલે પ્રકાશ ચોંકીને સાવધ થઇ ગયો. ગુસ્સો એકદમ ઓછો થઇ ગયો.
-બગડે નહી ત્યાં સુધી જ બધું સારું હોય છે...પોતાનું કહેવું, પોતાના તરફ પાછું આવ્યું.
ઠીક થતા થોડી વાર લાગી.આજુબાજુનો માહોલ વિખેરાઇ ગાયો હતો.આખું સચિવાલય લગભગ ખાલી થવામાં હતું.પંખીઓનો મેળો વિખેરવામાં હતો.કલબલતો માહોલ શાંત થવામાં હતો.ત્યાં એક પરિચિત કર્મચારી પાસેથી પસાર થયો. કહે :‘કેમ ઘેર જવું નથી !’સામે પ્રકાશ કશું બોલે તે પહેલા જ કહે :‘હા, તમારે શું ઉતાવળ હોય !?’
‘કેમ ?’ આવો પ્રતિસવાલ સાંભળવા પરિચિત કર્મચારી ઊભો રહ્યો નહોતો.
ફરી એકવાર સોઇ ઝાટકીને છાતી પર ઘા પડ્યો હોય એવું થયું. પીડાનો પાર ન રહ્યો.
‘ઘેર કોઈ રાહ જોનારું છે ?’આ સવાલનો સાંધો મારતા પ્રકાશ સ્વગત બોલ્યો:‘સાવ એવું નથી. મારી પણ કોઈ રાહ જુએ છે.’
અંજુ હોટલ પર રાહ જોતી હતી.
પ્રકાશ ઝડપથી હોટલ પર આવ્યો.ખબર નહી પણ એક પ્રકારનો ડર,ધ્રુજારો તન-મનને હચ મચાવવા લાગ્યો.બાઈક પાર્ક કરીને ઊભો રહ્યો.મોબાઇલ દ્વારા બહાર બોલાવી લે...ને અહીં ખુલ્લામાં જ બેસે.
-એવું શું કરવા ? તો પછી રૂમ બુક શું કરવા કરાવ્યો ?
‘અરે ભાઈ, રૂમ બુક કરાવવાનો મારો ઈરાદો...’
‘સાફ છે...એમ જ કહેવું છે ને !?’
અંજુના મોબાઇલે જાત સાથેનો સંવાદ તોડ્યો.
‘મોડું થશે..’
‘ના...’ પ્રકાશ ઉતાવળા પગલે ચાલતા કહે : ‘આ આવ્યો...’
અંજુના રૂમનો દરવાજો ખૂલતાની સાથે જ માદક સુગંધનો હલેસો જ્ઞાનેન્દ્રિયોને ભીંજવી તરબતર કરી ગયો.તે સહેજ ઓઝપાઈ ગયો.કોઈ સ્ત્રી રૂમમાં હોય અને તેનો દરવાજો ખુલ્લે અથવા ખોલવાનો..આવો અને આવી રીતનો પ્રથમ જ અનુભવ હતો.
‘તારા માટે તો બધા અનુભવ પ્રથમ વારના જ છે ને !’અંદરથી જાણે કોઈ બોલ્યું :‘શોભનાનો પણ...’
પગથી છેક માથા સુધી વીજળીનો કરંટ પસાર થઇ ગયો હોય એવો આંચકો પ્રકાશે અનુભવ્યો. આંખો સ્થિર થઇ ગઇ અને મોં ફિક્કું પડી ગયું.
‘વેલ્કમ, પ્રકાશકુમાર !’
આછા કે પારદર્શક વસ્ત્રોમાં અંજુ તરોતાજા થઇ હસતા ચહેરે સામે ઊભી હતી. તેનાં રૂપ-લાવણ્યનો નિખાર નોખોને નિરાળો લાગતો હતો.પ્રથમ નજરે તો લાગે કે,કોઈ નવોઢા અથવા પ્રિયતમા પિયુની પ્રતીક્ષા માં તલસતી ઊભી હોય !
ત્યાં એકાએક મનના દરવાજે શોભના ટકોરા મારીને ઊભી રહી. યાદ માત્રથી લખલખું આવી ગયું. આંખે કાળા વાદળા છવાઇ ગયા. અંદર પગ નથી મુક્યો તે પહેલા પાછો વાળી જાય...
‘પણ હવે અંજુ જવા દે એમ છે !’
-પ્રકાશ...આ તારો ભ્રમ છે અથવા તો વાંઝણી કે અતૃપ્ત અપેક્ષા છે...
તે એકદમ થથરી કે ઝઝકી ગયો. આંખો ફરી ગઇ. મુખવટો બદલાઇ ગયો.
‘દરવાજે જ ઊભા રહેવું છે !’
મોં પર કૃત્રિમ હાસ્ય ફરકાવતો તે એકદમ રૂમમાં આવી ધબ્બ દઇ સોફા પર બેસી ગયો. અંજુએ પાણી આપ્યું...એક શ્વાસે ગટગટાવી ગયો.થોડી નિરાંત થઇ. આમ છતાં બે-ચાર ક્ષણ આંખો બંધ કરી ઊંડાણ થી શ્વાસ લીધા. શરીરને ઢીલું કર્યું.
સામે આંખનું મટકું માર્યા વગર અંજુ પ્રકાશની પ્રત્યેક સુક્ષ્મ ક્રિયાને સાક્ષીભાવે જોઈ રહી હતી. થોડી વારે તે, વાતની શરૂઆત કરવાના ઈરાદે બોલી :‘ઓફિસમાં બહુ કામ રહે છે ?સાવ નખાઈ ગયો છે તે..’
જિંદગીમાં જાણે કોઈએ પ્રથમવાર આવા-ખબર અંતર પૂછ્યા..પ્રકાશે ગરદનનો ઝાટકો મારી અંજુ સામે જોયું. બંનેની નજરનું ક્ષણ-બેક્ષણ સંધાન થઇ છટકી ને અટકી ગઇ.
‘ન..ના...’કંઈ ખોટું કામ કરતાં પ્રકાશ રંગે હાથ પકડાઈ ગયો હોય એમ થોથરાઈને બોલ્યો :‘એવું કંઈ નથી પણ...’
પણ...તો શું છે ? આવો સવાલ સામે આવશે તેવાં ડરે પ્રકાશ આડું જોઈ ગયો.
અંજુએ રૂમનો દરવાજો બંધ કરી સોફા પર પ્રકાશની બાજુમાં બેસવાના બદલે સહજપણે સામે પલંગ પર બેઠી.તેનું આમ કરવું,બેસવું સ્વાભાવિક હતું.પણ પ્રકાશનું હ્રદય ધડકારો ચૂકી ગયું હતું.તેને રૂમનું બહોળું એકાંત ડરામણું ને બિહામણું લાગવા માંડ્યું હતું.પસાર થતી એક એક પળ વ્યાકુળ અને વિહવળ કરી રહી હતી. ઊભા થઇ જવાનું મન થઇ આવ્યું. થોડો ઊંચો પણ થયો...ત્યાં અંજુ વેધક નજરે જોઇને પૂછ્યું : ‘કોઈ પ્રોબ્લેમ !?’
‘ના,ના...પ્રોબ્લેમ શું હોય !’આમ કહી તે સરખો બેઠો.તેના હૈયે અને હોઠે આવી ગયું હતું કે,અંજુ તારી હાજરીથી જ અકળામણ થાય છે...પણ ઘડીભર અબોલ રહ્યો.પછી માંહ્યલી હલચલને દબાવી,સમજાવીને તદ્દન સ્વસ્થ હોય એવા ભાવ, પ્રયાસ સાથે બોલ્યો :‘હં...તો શું હતું ?’
અંજુ કશું બોલ્યા વગર પ્રકાશ સામે ટકી રહી.
પ્રકાશને એકજાતનો ભાર લાગતો હતો. તેને કહેવું હતું,‘અંજુ હું તારી એવી કોઈ વાતમાં સંમત નથી. તારે જે કરવું હોય તે કરે...આજકાલ માણસનો ભરોસો કરવા જેવો હોતો નથી.’ પણ આવું કહેવાનું ભૂંસાઇ ગયું કે ભૂલાઈ ગયું...ખુદને ખબર રહી નહી. તેણે કહ્યું:‘તું કહે તે કરવા તૈયાર છું.મને તારા પર ભરોસો છે...’
‘મને પણ તારા વિશ્વાસ છે એટલે તો...’
પ્રકાશની અકળામણ થોડી ઓછી થઇ.
‘આ દત્તક લેવાનું તો ઠીક છે...’પ્રકાશ કહે:‘પણ મને બીજી વાત સૂઝે છે...જો કે તને ખબર જ હોય !’
અંજુ કશું બોલ્યા વગર પ્રશ્નાર્થ નજરે પ્રકાશ સામે જોઈ રહી.પ્રકાશ ધીમે ધીમે ઉઘડવા લાગ્યો હતો.
‘સેરોગેટ મધરનો કન્સેપ્ટ !’
‘યશ..’ સહેજ ઉછળીને બોલી : ‘કૂખ ભાડે રાખવી તે...’
‘હા..’પ્રકાશ ખુલ્લીને કહ્યું:‘આમાં અપેક્ષા મુજબનું બાળક મેળવી શકાય છે. જેની રગેરગમાં ગુજરાતી પણું પણ દોડતું હોય !’
‘રાઇટ, એકઝેટલી રાઇટ...’અંજુ આનંદ સાથે ઉછળીને એકદમ બોલી:‘મને ખબર છે. પણ મને આવું
સૂઝ્યું કે મેં વિચાર્યું જ નથી.’
‘વિચારી લે...!’ પ્રકાશે કહ્યું :‘તેમાં તો તું ધારે તો બાયોલોજીકલ માતા પણ બની શકે છે !’
પછી ઓછા શબ્દોમાં બધું કહેવા માગતો હોય એમ કહે:‘ટૂંકમાં કહેવું હોય તો તારું જ સંતાન !’
વાત છટકી નહી પણ અટકી ગઇ.
અંજુ આ સેરોગસીથી અજાણ નહોતી.અહીં પ્રકાશ પાસેથી જ સાંભળ્યું એવું પણ નહોતું.ત્યાં પરદેશ માં આ વાયરો શરુ થઇ ગયો છે.કૂખ ભાડે રાખી, બાળક તૈયાર કરાવીને લઇ આવવું...ખાસ કરી ગુજરાતીઓ. જો કે ત્યાં તો બાળકોને સાચવવા, ઉછેરવાનો પ્રશ્ન છે.અહીંથી માતા કે કોઈ સ્ત્રીને રાખવા- બોલાવવામાં આવે છે. બંને પતિ-પત્ની નોકરી-ધંધાએ જાય અને બાળકને આવી કોઈ સ્ત્રી સાચવે !
-પોતાનું ફિગર ન બગડે.શરીરને કોઈ જાતનું કષ્ટ વેઠવું ન પડે. પ્રસવની પીડા વગર જ...માત્ર પૈસા આપીને માતા કે પિતા બની થઇ શકાય.આ વાયરો હવે પ્રસરવા લાગ્યો છે. તે માટે સ્ત્રી પસંદ કરવાની હોય તો ગુજરાતણ !
આ વિચાર એકાદ વાર અંજુના મનમાં લબક-ઝબક પ્રગટી ચૂક્યો હતો. તેમાં પણ કેન્દ્રમાં તો પ્રકાશ જ હતો. બાળક માટેના સઘળા વિચારોમાં પ્રકાશ તેનાં પરિઘમાં જ અર્હ્યો હતો.તેને છોડી કશું વિચાર્યું નહોતું.
‘ખરું કહું પ્રકાશ !’ અંજુ આંખો સહેજ તાણી, ઝીણી કરીને ભાવસભર બોલી : ‘નજરમાં તું જ રહ્યો છે. અને દત્તક લેવાનું એમ જ સૂઝયું છે.’
અંજુનું કહેવું સાંભળી પ્રકાશની ગરદન ટટ્ટાર થઇ ગઇ.તેણે તેજ નજરે અંજુને ટ્રોફી.ચારે આંખો એક મેકમાં નજરને ઓગળવા લાગી. આ સંધાન ક્યાંય સુધી અવિરત ને અકબંધ રહ્યું.
અંજુ મરક મરક હસતી હતી. તેનાં મૃદુ હાસ્યમાં નર્યું નિખાલસપણું છલકાતું હોય એવું લાગતું હતું.
‘થેંક્યુ અંજુ !’
‘તને મારો ચેપ લાગ્યો કે શું !?’અંજુ ખળખળતા હાસ્ય સાથે બોલી :‘ત્યાં પરદેશમાં વાત વાતમાં આવો વિવેક, આભાર દર્શાવવાનો શિષ્ટાચાર છે.’
‘સાથે રહ્યાં તે વાન નહી તો સાન તો આવે જ ને !’
‘આવવી જ જોઈએ.પણ...’અંજુ સહેજ હોઠ દબાવીને બોલી:‘આપણે એમ સાથે રહ્યાં જ છીએ ક્યાં !?’
બંને એક સાથે અબોલ થઇ ગયાં. મૌનના લીધે હળવું વાતાવરણ ભારેખમ થઇ ગયું. એ.સી. ચાલુ હોવા છતાં ગરમાવા સાથેની અકળામણ થવા લાગી. નિર્મળ જળનો વહેતો પ્રવાહ એકાએક અટકીને દિશા બદલી નાખે એવું થયું. બંનેના મન ઉચક થઇ ગયાં.
‘આ માટે મને અહીં બોલાવી હતી એમ જ ને !’
પ્રકાશ કશું સમજ્યો ન હોય એમ અંજુ સામે જોઈ રહ્યો.
‘આનો એક અર્થ એ પણ થાય છે કે, તું કામચલાઉ પતિ તરીકે પણ તૈયાર નથી.’
પ્રકાશ અંજુ આવું કહેવું સાંભળી ડઘાઈ ગયો. આઘાત સાથે માઠું પણ લાગ્યું. મોં બગડી ગયું.
‘હા, એવું સમજે તો એમ....’ પણ આવું કહેવાના બદલે ઝડપ કે ઉતાવળથી બોલ્યો : ‘પ્લીઝ...એવો અર્થ ન કરીશ. તું કહે છે એવું કહેવાનો મારો આશય જ નથી.’
અંજુને થોડો સંકોચ થયો. પોતે આવું અવળું વિચારવું જોઈતું નહોતું. પણ ભૂલ થઇ ગઇ હતી. તેથી વાતને સલુકાઇથી વાળી લેવા તે બોલી : ‘ઈરાદો સારો જ હોય. તારી એ વાત મને ખરેખર ગમી...પણ...’
‘પણ શું ?’
અંજુ મુગ્ધા માફક સહેજ શરમાઈને બોલી :‘પણ પતિ થવાનું શું ?’
પ્રકાશ આંચકો અનુભવતો અંજુ સામે જોઈ રહ્યો. નજરમાં કોઈ બદલાવ આવે એ પહેલા જ પ્રકાશે કહ્યું : ‘પણ તું કહે છે એવી જરૂરિયાત જ ક્યાં છે...?’
***