અંગત ડાયરી
============
શીર્ષક : લાઈક એન્ડ શેર
લેખક : કમલેશ જોશી
ઓલ ઈઝ વેલ
કવિ શ્રી મકરંદ દવેની મસ્ત રચના છે: ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને, ગમતાનો કરીએ ગુલાલ. કોઈ વાક્ય, વિચાર, ઘટના, વાનગી, વસ્તુ, સ્થળ, ફિલ્મ કે કંઈ પણ તમને ગમી જાય, ભીતરે મજાનો અહેસાસ કરાવી જાય તો એને તમારા પુરતું સીમિત ન રાખતા, મનમાં ન દાટી દેતા, ગુંજે ન ભરી મૂકતા, જેમ ગુલાલની મુઠ્ઠી ભરી હવામાં ઉડાડીએ, અંગતોના ચહેરાને ગુલાબી કરી મૂકીએ તેમ મિત્રો-પરિચિતોને પણ એનો આસ્વાદ માણવા પ્રેરવા જોઈએ. ફેસબુક કે વોટ્સઅએપમાં શેરનું ઓપ્શન એ માટે જ આપવામાં આવ્યું છે. મોટા ભાગના લોકો આ ઓપ્શનનો ખૂબ સરસ ઉપયોગ કરતા હોય છે.
આપણા સ્વભાવની એક અવળચંડાઈ છે – એ ભૂલો પકડીને વખોડવા ખૂબ જ ઉત્સુક હોય છે, જયારે સરાહના, વખાણ કરતી વખતે કોણ જાણે કેમ એ સજ્જડ મૌન પાળે છે. હું સમજાવું. તમે રોજ ઘરે પત્ની કે માતાના હાથની રસોઈ જમતા હશો. દાળ સ્વાદિષ્ટ બની હશે તો બે વાર વધુ લેશો. પણ જે દિવસે દાળમાં મીઠું નહિ પડ્યું હોય, તે દિવસે દાળનો પહેલો ઘૂંટ ભરતાવેંત જ લગભગ તમામ સભ્યો બોલી ઉઠશે ‘દાળમાં મીઠું નથી નાંખ્યું?’. રોજે રોજ દાળમાં મીઠું નંખાતું, ટેસ્ટી દાળ બનતી ત્યારે કોઈ કશું બોલતું નહિ, જેવી ભૂલ થઇ કે તરત જ જીભ ખૂલી. કોઈ દલીલ કરશે કે એમાં શું? રોજ રોજ વખાણ શું કરવાના? તો મારે એમને કહેવું છે કે જયારે વ્યવસ્થિત બને છે ત્યારે ચુપ રહેતા હો તો, જે દિવસે વ્યવસ્થિત ન બની હોય તે દિવસે પણ ચુપ રહો? કેમ એમાં બોલ્યા વિના ન ચાલે?
જો કે એવાયે ઘણા સજ્જનો છે કે જે સત્કાર્યને કે સારી કૃતિને વખાણવાનો એક પણ મોકો ચૂકતા નથી. જયારે તમે કોઈ સારી કૃતિને વખાણો છો ત્યારે તમે, એ કૃતિ કરતી વખતે કર્તાને થયેલા પરિશ્રમનો સંપૂર્ણ થાક ઉતારી નાંખો છો, અને એના દ્વારા બીજા દસ સારા કામ થાય એ માટેની એનર્જી એનામાં ભરો છો. હું એમ નથી કહેતો કે તમે ખોટા વખાણ કરો, પણ જો કોઈ સારી કૃતિ માટે ‘બે સારા શબ્દો’ મોંમાંથી નીકળી જાય, તો એને રોકશો નહિ.
ચુપચાપ, કશી અપેક્ષા વગર સત્કાર્ય કરનાર જયારે ગેરહાજર હોય છે ત્યારે એની કીંમત વધુ સમજાય છે. હું સમજાવું. ઠંડીનું વાતાવરણ છે. આ દિવસો એટલે શરદી અને ઉધરસના દિવસો. દોઢ ઇંચના નાકની કીંમત એને પૂછો જેને શરદી થઇ છે. આખું શરીર-મન-બુદ્ધિ બધું હેંગ થઇ ગયું હશે. પણ જયારે શરદી નહોતી કે નહિ હોય ત્યારે નાકને કે ગળા દ્વારા થતી, એની નિયમિત કામગીરીની નોંધ આપણે કદી લેતા નથી. આખું અઠવાડિયું લાઈટ રહે તો જી.ઈ.બી.ને થેંક્યુંનો ફોન કરતા નથી, અને લાઈટ જાય ત્યારે કમ્પ્લેઇન કરવાનું ચૂકતા નથી. સફાઈ કામદારો જે દિવસે હડતાળ કરે તે દિવસે શેરીના કચરાની નોંધ લેતી બૂમો પાડનારાઓ, આખું વર્ષ સ્વચ્છ શેરીઓ માટે કદી ફેસબુક પર પોસ્ટ નથી મૂકતા. મુસીબત આવી પડે ત્યારે મંદિરમાં ધૂણી ધખાવી મચી પડતા આપણે, સુખના સમયમાં કેમ ઈશ્વરનો આભાર નથી માનતા?
ખેર, જાહેરમાં નહિ તો મનોમન, એક વાર આંખ બંધ કરી આપણું કે સમાજનું ભલું કરનાર, સ્વજનો, મિત્રો, પરિચિતો, અપરિચિતોને યાદ કરી, થેંક્યું કહીએ તોયે ભીતરે કોઈ અજાણ્યું પોઝીટીવ કેમિકલ એક્ટીવ થશે એની ગેરેંટી સાથે સ્વાધ્યાય પરિવારના એક મસ્ત ભાવગીતની પંક્તિ મમળાવીએ :‘બોલો થેંક્યું, બોલો થેંક્યું, બોલો થેંક્યું વેરી મચ, ઉપકાર કર્યા જેણે જેણે એને થેંક્યું વેરી મચ’
(મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હો...!)