Pagalpanti - Movie Review in Gujarati Film Reviews by Siddharth Chhaya books and stories PDF | પાગલપંતી - મુવી રિવ્યુ

Featured Books
Categories
Share

પાગલપંતી - મુવી રિવ્યુ

ફિલ્મો ભલે ગમેતે વિષય પર બની હોય પરંતુ તેમાં કથા હોવી જરૂરી છે, પટકથા હોવી તો એકદમ જરૂરી છે. મોટાભાગની સફલતમ ફિલ્મોમાં કથા અથવાતો પટકથા અથવાતો બંનેની હાજરી હોય છે. તો ઘણી ફિલ્મો એવી હોય છે જેમાં ન તો કથા હોય છે કે ન તો પટકથા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો આવી ફિલ્મો દર્શકોને માથામાં રીતસર મારવામાં આવતી હોય છે.

પદ્ધતિ વિહીન પાગલપંતી

મુખ્ય કલાકારો: અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઈલિયાના ડી’ક્રુઝ, ક્રિતી ખરબંદા, ઉર્વશી રૌતેલા, સૌરભ શુક્લા, ઈમામુલહક, ઝાકીર હુસૈન, અશોક સમર્થ, બ્રિજેન્દ્ર કાલા અને મુકેશ તિવારી

નિર્માતાઓ: અભિષેક પાઠક અને કુમાર મંગત પાઠક

નિર્દેશક: અનીસ બઝમી

રન ટાઈમ: ૧૬૦ મિનીટ્સ

કથાનક

લંડનમાં જંકી (અરશદ વારસી) અને ચંદુ (પુલકિત સમ્રાટ) નો એક મિત્ર છે રાજ કિશોર (જ્હોન અબ્રાહમ). આ રાજ કિશોર જન્મતાની સાથે જ બદનસીબ લઈને આવ્યો છે. રાજ કિશોરનું બદનસીબ એવું હોય છે કે તે પોતાની આસપાસ રહેલા લોકોનું નસીબ પણ ખરાબ કરી નાખે છે. આટલું જ નહીં રાજ કિશોરના બદનસીબને લીધે અન્યોને પણ તકલીફ સહન કરવાની આવે છે.

આમ અન્યોના નસીબ ખરાબ કરતા કરતા જંકી, ચંદુ અને રાજ કિશોર પહોંચે છે રાજા સાહેબ (સૌરભ શુક્લા) નામના ડોનને ઘેર. રાજા સાહેબને વાઈફાઈ ભાઈ (અનિલ કપૂર) નામે એક સાળો હોય છે અને તેની પુત્રી જહાનવી (ક્રિતી ખરબંદા) જે થોડી ઓછી અક્કલની હોય છે તેને ચંદુ પસંદ આવી જાય છે. પરંતુ અહીં પણ રાજ કિશોરના બદનસીબને લીધે જંકી અને ચંદુને રાજા સાહેબની નોકરી એટલેકે ગુલામી રાજ કિશોરની સાથેસાથે કરવી પડે છે જ્યાં મીનીટે મીનીટે જીવને ખતરો હોય છે.

છેવટે એક પછી એક નાની મુસીબતો પાર કરતા કરતા રાજ કિશોર આ બધાને અત્યારસુધીની સહુથી મોટી મુશ્કેલીમાં નાખી દે છે. હવે અહીંથી આ લોકો બહાર નીકળી શકશે કે કેમ એ એક મોટો સવાલ છે.

રિવ્યુ

માઈન્ડલેસ કોમેડીનો હું બહુ મોટો વકીલ રહ્યો છું. માઈન્ડલેસ કોમેડી જોવા માટે મગજ ઘરે મુકીને જવું જોઈએ એવું હું મજબુતાઈથી માનું છું. પરંતુ તેમ છતાં જ્યારે માઈન્ડલેસ કોમેડી હોય ત્યારે તે પદ્ધતિસરની હોવી એ પણ જરૂરી છે. આપણે હાલમાં રિલીઝ થયેલી હાઉસફૂલ 4 સહીત તેની આખી સિરીઝ જોઈએ કે પછી ગોલમાલની આખી સિરીઝ જોઈએ. આ તમામ માઈન્ડલેસ કોમેડી છે અને તેમાં આપણને પદ્ધતિસરની કોમેડી જોવા મળી હતી અને એટલે આપણને તે વારંવાર ટીવી પર પણ જોવી ગમે છે.

અનીસ બઝમીની નો એન્ટ્રી કે પછી વેલકમ અને છેલ્લે વેલકમ બેક પણ મગજ ઘેર મુકીને જોવા જેવી ફિલ્મો બની હતી કારણકે તે એક પદ્ધતિસરની ફિલ્મો હતી. પરંતુ દર્શકોના બદનસીબે પાગલપંતી બિલકુલ મજા ન કરાવતી માઈન્ડલેસ ફિલ્મ છે. ઉપર કહેલી કોઇપણ માઈન્ડલેસ કોમેડી ફિલ્મ હાથમાં લઈએ તો તેમાં એક વાર્તા હતી અને તેણે ફિલ્મને અકબંધ રાખી હતી.

પાગલપંતી જોતી વખતે વાર્તાનો તો અભાવ સતત દેખાય છે જ પરંતુ જાણેકે અસંખ્ય જુદાજુદા ટુકડાઓને સાંધીને કોઈ કપડું તમને દેખાડવામાં આવ્યું હોય એવો અનુભવ પણ થાય છે. આ ઉપરાંત એક પણ પાત્રને વિકસિત કરવા પર બિલકુલ મહેનત કરવામાં નથી આવી. બધા જાણેકે પીકનીકમાં આવ્યા હોય એમ પોતપોતાનું પ્રદર્શન કરીને પાછા જતા રહે છે.

ફિલ્મ ઓલરેડી એટલી બધી જગ્યાએ ભટકાવવામાં આવી છે કે તેમાં પહેલા હોરરનો નકામો ‘ટ્વિસ્ટ’ અને છેલ્લે છેલ્લે દેશભક્તિનો બિનજરૂરી મુદ્દો લાવવામાં આવે છે અને એ પણ એવા સમયે જ્યારે દર્શક ઓલરેડી એક કલાકથી પોતાનું માથું પકડીને બેસી ગયેલો હોય છે.

અરશદ વારસી હજી પણ સર્કીટના ભૂતને પોતાના મગજમાંથી દૂર નથી કરી શક્યો અને અહીં પણ તે જંકી કરતા સર્કીટ જેવો વધુ લાગે છે.

અનીસ બઝમીની વેલકમના બંને ભાગમાં અનિલ કપૂર અને નાના પાટેકરની જોડીએ જે કમાલ કર્યો હતો તે અનિલ કપૂર સૌરભ શુક્લા સાથે જમાવી શક્યો નથી. અનિલ અને નાના એક ટીમ જેવા લાગતા હતા જ્યારે અહીં અનિલ અને સૌરભ અલગ અલગ દેખાય છે. ઉપરાંત અનિલ કપૂરે શું વિચારીને આ રોલ પસંદ કર્યો હશે એવો સવાલ પણ તેને જ્યારે પણ ફિલ્મમાં જોઈએ ત્યારે મનમાં આવે છે.

જ્હોન અબ્રાહમ માટે કોમેડી કરવી અઘરી છે એવું આપણે વારંવાર જોઈ ચૂક્યા છે. એ ગંભીર વિષયો પર સુંદર ફિલ્મ બનાવી શકે છે અને તેમાં અદાકારી કરી શકે છે પરંતુ અહીં તે સદંતર નિષ્ફળ જાય છે. ત્રણેય હિરોઇન્સનું પણ એવું જ છે. ફક્ત ગ્લેમરની જગ્યા ખાલી પૂરી કરવા માટેજ તે આવ-જા કરે છે. ઈલીયાના કહો, ક્રિતી કહો કે પછી ઉર્વશી, કોઈને પણ સરખી ફિલ્મમાં યોગ્ય સ્થાન મળ્યું નથી.

તો અમુક પાત્રો ફિલ્મમાં રાખ્યા જ કેમ છે એવો સવાલ પણ આવે. તુલ્લી-બુલ્લી ભાઈઓ કે પછી બાબા જાની આ પાત્રો વગર પણ ફિલ્મ બની જ શકી હોત અને ફક્ત નીરજ મોદીથી જ વિલનગીરી કરાવીને કામ આગળ ચલાવી શકાયું હતું.

ઓલ ઇન ઓલ, પાગલપંતી એક્ચ્યુલી કોઇપણ પ્રકારની પાગલપંતી કરી બતાવવા માટે અસમર્થ છે. જ્યારે કોઈ ‘કોમેડી ફિલ્મ’ તમને કંટાળો અપાવે ત્યારે તમે જાતે જ વિચારી શકો છો કે એ ફિલ્મ કેવી હશે!

૨૨ નવેમ્બર, ૨૦૧૯, શુક્રવાર

અમદાવાદ