ચમેલી કોલેજથી પાછી આવી ત્યારે એનું મોં ફુલેલું હતું.તારીણી દેસાઈ વારંવાર એને નાથા અને મગન સાથે જોઈને ગુસ્સે થતા હતા અને બિનજરૂરી સલાહ સુચન આપ્યા કરતા હતા.આજે તો એમણે હદ જ કરી નાખી હતી. હવે એમની ફરિયાદ પપ્પાને કરવી જ પડે એમ હતું.
ઘેર આવીને એ દોડાદોડ દાદર ચડી ગઈ.દરરોજ દુકાનના થડા પર બેઠેલા એના પપ્પાને સ્માઈલ આપતી. અને ચંપક પણ "આવી ગીયો માહડો દિકડો.."કહીને એ સ્માઈલ ઝીલતો અને હસી પડતો.
પણ આજ ચમેલીએ એને સ્માઈલ ન આપ્યું.દાદરમાં પગથિયાં પણ આજ એને વધુ ઉછાળતા હોય એમ લાગ્યું.
પોતાની દીકરીની ઉદાસી તો બાપના કાળજામાં ભોકાંતો કાંટો જ હોય ને ! એ તરત જ ગલ્લાને તાળું મારીને ચમેલીની પાછળ જ દાદર ચડ્યો.ચમેલી એના રૂમમાં જઈને ઊંઘી પડી પડીને ઓછીકુ પલાળી રહી હતી..
"શુ ઠીયું માડી દિકડીને..કોને એને કડવું વેન કીધું. હું એની ચામડી ખેંચી કાઢા.." એમ બરાડા પાડતો ચંપક ચમેલીના રૂમમાં ગયો. ચમેલીના માથા પર એણે હાથ મૂકીને ફરીવાર પૂછ્યું, "માડી દિકડી
કોને તને પજવી મલે ? એનું નામ આપ..સાલ્લાની છઠ્ઠીનું ડુઢ ની ઓકાવી કાઢું તો માડું નામ ચંપક ની.."
ત્યાં તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એમ ચમેલી બેઠી થઈને ચંપકને વળગી પડી.અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી..એની માં પણ રસોડામાંથી દોડી આવી..
અને ચીસ પાડીને બોલી, "હાય હાય..શું ઠેઈ ગિયું...કોને માડી દિકડીની ઇજ્જટ લૂંટી કાઢી..ઓ માં..આ શું ઠેઈ ગિયું.."
એની ચીસ સાંભળીને ચમેલી અને ચંપક અળગા થઈ ગયા.અને નીચે દુકાનમાંથી બે નોકર પણ દોડી આવ્યા..
"તારી જાટની...સાલ્લી બુઢઢી વગડની..બેન$#@ કોઈએ ઇજ્જટ ની લૂંટી..જડા બોલવામાં ઢીયાન રાખ..ચમુ ડાર્લિંગની કોઈએ છેડટી કડેલી મલે..ટારામાં અક્કલનો છાંટો બી ની મલે.. સાલી કમજાટ..કાગ નો વાઘ કરટી છે..ભગવાન અક્કલ વેચટા ઉટા તે વખટે તું કાં ઘાસ ચડવા ગેલી ઉટી ? "
ચંપકે ગુસ્સે થઈ ગયો.સામે હંસા પણ કમ નહોતી. "મેં કંઈ તમાડી જેમ જનાવર ની મલું, ટે ઘાસ ચડવા જાઉં..પોયરી રોટી છે એટલે મને એમ કે.."
"તારા બાપનું કપાલ એમ કે..? સાલી બબુચક..જઈને ટાડું કામ કરની.." રસોડું બતાવતા એ ગર્જ્યો.અને નીચેથી દોડી આવેલા પેલા બે કારીગરોને પણ દબડાવ્યા, "ટમે લોકા કેમ દોડી આયવા ? સાલાઓ તમારો બાપ મરી નઠ્ઠી ગીયો..જાવ અહીંઠી.."
પેલા બન્નેમાંથી એક કારીગર કાંદા કાપવાનું અને વાસણ ધોવાનું કામ કરતો હતો એને આ ચમેલી ખૂબ ગમતી.એ ચમેલીની રૂમમાં લાંબી ડોક કરીને જોતો જોતો દાદર ઉતરતો હતો..એને જોઈને ચંપક ફરી બગડ્યો, "આવની..જા જઈને મલી લે..એક ઝાપડ પડહે તો પાની બી ની માંગે..સાલ્લો નપાવટ..જા જલ્ડી જઈને કાંડા કાપ.."
આ બધું પતાવીને ફરી ચંપક, ચમેલી પાસે ગયો. અને એના માથા ઉપર હાથ મૂકીને બોલ્યો,
"બોલની દિકડા..શું ઠયું..?"
"મને છે ને ટે પેલા મેડમ હેરાન કડટા છે.. મને બોલટા છે કે ટું કેમ છોકડાઓ જોડે વાટ કડટી છે ? પપ્પા મારે ફ્રેન્ડ બી ની કડવાના ?"
ચમેલીએ હીબકાં ભરતા કહ્યું.
"કોન એ પેલી તાનીની છે એ ?" ચંપકના મોં માંથી રસ જર્યો.
"હા..એ મને ખીજવાટા છે..ટમે કાલે કોલેજ આવીને એને કેઈ ડેવ.. હવે પછી મેં ની ચલાવી લેવા.." ચમેલીએ ફરી હિબકું ભર્યું.
ચંપક ઘણા સમયથી તારીણીને મળવાનું બહાનું શોધતો હતો.એ દિવસે બગીચામાં થયેલી માથાકૂટ
થી એ આમ તો ખીજાયો હતો, પણ આમીરખાન અને માધુરી દીક્ષિતનું "દિલ" પિક્ચર જોયા પછી એને સમજાયું હતું કે પ્રેમીઓ પહેલા ઝઘડતા જ હોય છે, પછી જ સાચો પ્રેમ થાય છે..એટલે હવે ફરીવાર એને તારીણીને મળવું હતું.અને એકવાર ફરી ઝગડો કરવો હતો.જેથી એના દિલમાં પ્રેમ જાગે.(એમ ચંપકનું માનવું હતું )
"કાલે શુ કામ..ચાલની આજે જ એને મલી આવીએ..એ સાલી શુ સમજટી છે એના મનમાં ? મારી દિકડી છે કે એની..? ટુ મને એનું એડ્રેસ આપની..હમના જ જઈ આવું.."
ચમેલીએ પણ તરત જ એની બેગ માંથી કાગળ પેન કાઢીનેતારીણીનું એડ્રેસ લખી આપ્યું
જે દિવસે તારીણી કોલેજના સ્ટાફરૂમમાં બેહોશ થઈ ગઈ હતી ત્યારે એને,મગન અને નાથો હોસ્પિટલ લઈ ગયા ત્યારે એ સાથે ગઈ હતી.અને ત્યારબાદ ચમેલી, તારીણીના ઘેર પણ ગઈ હતી.એ વખતે તારિણીબહેન સમજી ગયા હતા.છતાં હવે ફરીવાર ચમેલીને
સલાહ સુચન કરવા લાગ્યા હતા.
તારીણીના ઘરનું સરનામું મળી જવાથી અને એ ફોલ્ટમાં આવેલી હોવાથી ચંપકનું દિલ ઉછળકુદ કરવા લાગ્યું.એને ઘડીક નાચવાનું મન થયું..
ટોઇલેટમાં જઈને એણે કમર હલાવી.યુવાનીમાં કરેલા એક બે સ્ટેપ પણ કરી જોયા.અને સ્ટાઇલ મારીને ધડામ દઈને બારણાને ધકકો માર્યો.પણ બારણું બહારથી કોઈએ દબાવી રાખ્યું હોય એમ લાગ્યું. હવે બન્યું હતું એવું કે
બરાબર એ જ વખતે હંસા એ ટોઇલેટના દરવાજા તરફ પીઠ રાખીને ઉભી હતી.અને એના હાથમાંથી કંઇક પડી ગયું હોવાથી એ વસ્તુ લેવા વાંકી વળી.અને એની બેઠક ટોઇલેટના દરવાજા પર ટેકવાઈ હતી..!
અંદરથી ચંપક બારણું ખુલતું નહિ હોવાથી અકળાયો હતો.એને તારીણીને મળવા જવાનું મોડું થતું હતું.એટલે એણે જોરથી ધક્કો માર્યો.એને એમ કે ચોમાસાને કારણે બારણું ચડી ગયું હશે..
બારણાને લાગેલો ચંપકનો ધક્કો આગળ વધીને હંસના વિશાળ પુષ્ટ પ્રદેશ પર ફેલાયો. હંસા વાંકી વળીને એની વસ્તુ હાથવગી કરે એ પહેલાં જ ટોઇલેટના બારણાના આવેલા ધક્કાથી એનું માથું ત્યાં પડેલા ડબ્બામાં ઘૂસી ગયું.અને પગ પાછળથી ઊંચા થઈ ગયા અને બન્ને હાથ, પગ બનીને જમીન પર જડાઈ ગયા. પળવાર માટે હંસાએ શીર્ષાસન કર્યું અને તરત જ ડબ્બા સમેત ઢોળાઈ ગઈ.હજુ એનું મોં ડબ્બામાં જ હતું.લંબ ચોરસ ડબ્બો ચંબુ આકારનો બની ગયો.ફુગ્ગાની જેમ નીચેથી એ ફૂલી ગયો હતો. ડબ્બામાંથી હંસાના રાગડા ઘોઘરા અવાજે બહાર આવવા મથી રહ્યા હતા.
ચંપક, ટોઇલેટમાંથી બહાર આવીને ડબ્બામાં મોં ઘાલીને પડેલી હંસાને જોઈએ ખીજવાયો..
"એ હું કરટી છે ? ડબ્બામાં મોં કેમ ઘાલેલું છે ? સાલી આ પન એક આઈટમ છે...અલી ઓ..હવે બહાર નિકલની..ટોઇલેટ પાંહે હું ડાટેલુ તારા બાપે..?
"મને ઢક્કો ઢકકો કોને માયરો..? આ તમાડો ડોહો ડબ્બો ટો કોઈ કાઢટુ ની મલે.. ઓ..માં..ઓ ચપક
મને બાડ ટો કાઢો.. કિંયા ગિયા.ઓ ચપક..."હન્સા ચંપકના નામમાંથી ચ ઉપરનું અનુસ્વાર કાયમ ખાઈ જતી.અને ચંપકને ચપક જ કહેતી. શરૂઆતમાં ચંપક, હંસાના મોંએથી
આ "ચપક" સાંભળવા આતુર રહેતો અને તરત જ હંસાને ચીપકી જતો. પણ એ તો બહુ જૂની વાતો થઈ ગઈ..સમય નામની નદી પ્રેમના કાંઠાઓ ને પોતાની સાથે ઘસડી જતી હશે..એટલે પતિઓને પોતાની પત્નીઓ કદાચ ચુસાઈ ગયેલી કેરીના ગોટલા જેવી લાગતી હશે ? કોણ જાણે શું હોય
ચંપકને હવે ચપક બોલતી હંસાના હૈયામાં હાજર રહેવું ગમતું નહોતું.
"સાલી ડોબી જ છે..ડબ્બામાં હું કડવા ઘુસેલી મલે ? " હજુ ચંપક ડબો પકડીને ખેંચવાને બદલે પૂછી રહ્યો હતો.એ જોઈને ચમેલી એના રૂમમાંથી આવીને હસવા લાગી..
''ઓ..ઓ..પપ્પા..ટમે મમ્મીને બહાડ ટો કાઢો..એવી એ ડબ્બામાં મોં સલવાડ્યું મલે..."કહીને એણે ડબ્બો ખેંચ્યો.એનાથી ન ખેંચાતા ચંપકે પણ બળ કર્યું.અને એમ કરવા જતાં એ ડબ્બો આ બન્ને બાપ દીકરી સામે ટકી ન શક્યો હોય એમ તરત જ નીકળીને ચંપક
ના હાથમાં આવી ગયો અને ચંપક એ ડબ્બા સાથે ગડથોલીયું ખાઈને થોડે આગળ પડેલા ડાઇનિંગ ટેબલ નીચે ઘુસી ગયો.હજુ પણ ડબ્બો એના હાથમાં જ હતો.એ જોઈને ચમેલી ખડખડાટ હસી પડી.હંસા વિખરાયેલા વાળ અને સુજી ગયેલું કપાળ લઈને આંખો માંથી આગ વરસાવવા લાગી.ઉભા થઈને હસતી ચમેલીના ગાલ ઉપર એક થપ્પડ મારીને બોલી..."આમાં હહવાનું શું મલે ? મેં ડબ્બામાં ઘુસી ગેઈ ટો હો મને કાડવા ટો ની આયવી અને પછી હહે સે..?"
એ જોઈને ચંપકનો મિજાજ ગયો.
"ઓ મહાકાય મગડમચ્છ ટૂ હું કડવા એમાં પેહેલી ? અને માડી દિકડીને હું કડવા માડતી છો ? તું ઠોભ.. મેં ટને હો ચખાડટો છું.."
ચંપક ડબ્બો લઈને ઉભો થવા ગયો એટલે ડાઇનિંગ ટેબલની ધાર સાથે એનું માથું અથડાયું.જુના વખતમાં ચંપકને દાદાએ સીસમના લાકડામાંથી એ ટેબલ બનાવડાવેલું
હતું.એટલે ચંપકને માથામાં ઢીમચું ઉપસી આવ્યું. ચમેલીને ઝાપટ મારવાનો એક ગુન્હો તો હંસાએ કર્યો જ હતો...એમાં પાછું ચંપકને ટેબલ વાગ્યું એટલે એ બરાબરનો તપ્યો હતો.
ટેબલની દાઝ એણે હંસા ઉપર ઉતારવા એણે બેડોળ બની ગયેલા ડબ્બાનો ઘા હંસા ઉપર કર્યો.હંસા ભૂતકાળમાં આવા અનેક ઘા ચુકાવી ચુકી હતી..અને આજ એ પણ આ ડબ્બાને કારણે કેટલીક જગ્યાએ ઘાયલ થઈ હતી. એણે આવતા ડબ્બાને પકડી લીધો અને ચંપક તરફ ઘા કર્યો.અને દોડીને રસોડામાં જઈને પોતાનું હથિયાર વેલણ લઈ આવી.ડબ્બો ચંપકના મોં પર ઝીંકાયો હતો.એ ઘાને હજુ ચંપક પંપાળતો હતો ત્યાં જ હંસા
વેલણ લઈને એની ઉપર તૂટી પડી.
માથામાં, બરડામાં, હાથ ઉપર અને જ્યાં અનુકૂળ આવ્યું ત્યાં હંસાએ વેલણ-પ્રહારોથી ચંપકને પરાસ્ત કરી નાખ્યો. ચમેલી માટે આ યુદ્ધ નવું નહોતું.ભૂતકાળમાં એ આવા અનેક યુદ્ધો જોઈ ચુકી હતી. દરવખતની જેમ આ વખતે પણ એણે તાળી બજાવીને મમ્મીને ચિયર્સ અપ કર્યું.
ચંપકે "મરી ગિયો રે...ઓ માટાજી
માફ કડી ડેવ.. ભૂલ ઠેઇ ગી.." એમ રાડ પાડીને બન્ને હાથ માથા પર મૂકી દીધા. દાદરમાં કારીગરો આ દ્વંદ યુદ્ધ જોવા લાઇન થઈ ગયા હતા..!
આખરે હંસાએ હાંફી જઈને યુદ્ધ વિરામ કરતા કહ્યું, "ખબડડાડ જો કોઈ ડિવસ હાઠ બી ઉપાડ્યો છે ટો.. મેં તો ઢીબી જ લાખા.."
વેલણનો રસોડામાં ઘા કરીને એ બેડરૂમમાં જઈને સુઈ ગઈ..ચંપક નરમઘેંશ જેવો થઈને હળવેથી ઉભો થઈને શેટી પર જઈને ઢળી પડ્યો.ચમેલી એના બેડરૂમમાં જઈને મગને આપેલી નોટબુક લઈને વાંચવા બેઠી.
દાદરમાં સૌથી આગળ ઉભેલી કાંતિ કાંદા કાપવા વાળો "ચલો હવે આજ નો સીન પટ્ટી ગેલો મલે.." કહીને નીચે ઉતરવા પાછળ ફર્યો. એને જોઈને ચંપકે કહ્યું, "બેન@# હમને આવટો છું નીચે..તારી માં પૈનાવી ના કાઢું તો માંડુ નામ ચંપક ની મલે.. આજ ટો ટારો બી સીન જ ઠહે.."
* * * * * * * * * * * * * * *
મગન અને નાથો, મોહનનગરમાં રવજીના કારખાને આવ્યા ત્યારે નાકા ઉપર રામો ભરવાડ એના બુલેટનું સ્ટેન્ડ ચડાવીને એની ઉપર બેઠો બેઠો માવો ચાવી રહ્યો હતો.
બધી જ આંગળીઓમાં પહેરેલા સોનાના વેઢ વચ્ચે ચારભાઈ બીડી
સળગતી હતી.એણે નાથા અને મગનને જોયા એટલે એ બોલ્યો,
"ઓ જુગલ જોડી..ચીમ આ બાજુ ભુલા પડ્યા ? કોના કારખાને જાવું સે.?આવો ચા પાણી કરીએ"
"ભુલા તો નથી પડ્યા.. મારાભાઈ. સરનામું લઈને આયા છીએ. ચાવડા સાહેબે એક જણ વિશે માહિતી લાવવાનું કામ સોંપ્યું છે.. આ મગનભાઈ ક્રાઈમ બ્રાન્ચની પરીક્ષામાં પાસ થઈ ગયા છે અટલે ટ્રેનીંગમાં સે.."નાથાએ ગપ ઠોકયું.
"મારુ નામ મારાભાઈ નથી, રામાભાઈ સે..આવો આવો સા તો પીવો.."રામાએ નાથાની ભૂલ સુધારીને કહ્યું.
"અમને ખબર્ય છે..આતો હું તમને મારા ભાઈ કહું છું..હમજયા ?"
નાથાએ 'મારા' શબ્દ પર ભાર દઈને કહ્યું.
"ઓ હો હો..એમ વાત સે..તમે તો ભ'ઈ ભણેલ ગણેલ કે'વાવ..એટલે હંધિય હમજણ પડે.અમને ભોથા'વને એવી કંય હમજણ નો પડે..તેં હેં મગનભઈ. તમે પોલીસ ખાતાની પરીક્ષા પાસ કરી ઈમ ?"
રામાએ રસ લેવા માંડ્યો.
"હા, પોલીસખાતું એટલે જેવું તેવું નઈ હો..ક્રાઈમબ્રાન્ચ..ઇની ઝપટે ચડ્યો હોય ઇ આખી જિંદગી ખોટું કામ નો કરે..મારી મારીને હોતયડા કાઢી નાખે આ ક્રાઇમબ્રાન્ચવાળા..
ચાવડા સાહેબે કીધું છે કે મોહન નગરમાં કોક ચોરાઉ હીરા ખરીદે છે ઇની તપાસ કરવાની છે..અને જે કારીગર હીરા ચોરે છે ઇ લોકોને પણ પકડવાના છે..ખાનગીમાં આ કામ પતાવવાનું છે.તમે રોજ આયાં જ હોવ ?" નાથાએ ચાલુ રાખ્યું.
મગન મનોમન નાથીયાને ધન્યવાદ આપતો મુશ્કેરાઈ રહ્યો હતો.
"અલા એ'ય..ચા આલ બે કટિંગ... કઈ નાસ્તો બાસ્તો કરવો છે મગન
ભાઈ ? "કહીને ઉમેર્યું, "હેં...એં...
ના ના હું તો ચ્યારેક નવરો હોવ તો આંય ઉભો હોઉં ઘડીક..પુસોને આ સા વાળાંને..અલ્યા એઇ હું આંય હોવ સુ ? કાયમ..?" રામાને ક્રાઇમબ્રાન્ચની બીક લાગવા માંડી.
"વાંધો નહીં.. મારાભાઈ.. અહીં ઉભા રે'વુ ઇ ગુન્હો નથી..તમે આવા કોઈને ઓળખો છો ? જો ઓળખતા હોવ તો નામ આપો.
આ ચા વાળાને ખબર હશે.ઓ ભઈ.. તને ખબર્ય છે ? કોણ આયાં ચોરાઉ હીરાનો વેપાર કરે છે ?"
મગને પોલીસ જેવી કડકાઇથી કહ્યું. એટલે પેલો ચા વાળો પણ ગભરાયો.."ના ના સાહેબ..એવું તો કોઈ સે નહીં.પુસોને આ રામાભાઈ
ને..ઈ રોજ આયાં જ ઉભા હોય છે.." ચા વાળાએ વટાણા વેરી નાખ્યા.રામો ભરવાડ અહીં ક્યારેક જ આવે છે એમ એને કહેવાનું હતું એને બદલે ઊંધું જ કહેવાઇ ગયું.
એ જોઈને રામાભાઈએ ડોળા કાઢ્યા, "અલ્યા ઘૂઘલીના..હું રોજ આંય થોડો ઉભો રવ સુ ? તું હાળા
ક્યાંક ખોટેખોટા જલવી દઇસ.."
"અટલે ઇમ કે...ચ્યારેક ચ્યારેક'ય આવો તોય એવું કોક હીરા લેતું કરતું હોય તો ખબર્ય તો હોયને...
પણ આ ગલીમાં કોયને અમે નથી ભાળ્યા ચ્યારેય..લ્યો આ સા લેજો
અને ખારી બારી ખાવી હોય તો.."
"મુકને બસ્સો ગરામ... સાહેબ તો ખાસે.. ઓળખાણ હારી ભઈ.."
રામાએ ચા સાથે ખારી પણ મુકાવી
એટલે નાથો અને મગન ખારી ઉપર ચાના સબડકા બોલાવવા માંડયા.
"તો તમે શું ધંધો કરો છો મારાભાઈ તમારે કંઈક તબેલો સે ઇમ મારો
દોસ્ત પેલો રાઘવ કહેતો હતો..''
મગને રામાની ઉલટતપાસ ચાલુ કરી.
"કોણ રાઘવ..?" રામાંને રાઘવનું નામ સાંભળીને પેટમાં ફાળ પડી.
"નરશી માધા હાર્યે તમે અમારી રૂમ પર આવેલા..પછી એકવાર અમને ધમકી આપવા પણ આવેલા.."
મગને ખારીનો ટુકડો ચાવતા કહ્યું.
" અરે હા..હું તો ખાલી હાર્યે આવ્યો'તો..પસી મેં જ નરશીને હમજાવ્યો'તો કે કોઈને ઇમ હેરાન નો કરાય..હે હે હે.."રામાને આ બેઉને ચા પીવા બોલાવવા બદલ અફસોસ થતો હતો.
"કંઈ નહીં.એ તો ચાવડા સાહેબના
અંડરમાં મેટર છે.નરશી માધા સામેં
હવે ફરિયાદ થશે તો એની આખી ટોળકી સપડાશે.. ગાંધીનગરથી જોશી સાહેબનું પણ દબાણ છે.."
રામાએ હવે મુંગા રહેવામાં જ શાણપણ છે એમ સમજી લીધુ. મગન અને નાથો ખારી અને ચાને ન્યાય આપીને ચાલતા થયા.
"ઠીક ત્યારે.એવા કોઈ ચોરાઉ હીરા
લેતું હોય એ ખબર પડે તો આવી જજો રૂમ પર..જોકે અઠવાડિયા દસ દિવસમાં તો અમારી ટીમ એને પાતાળમાંથી પણ શોધી કાઢશે..
ક્રાઇમબ્રાન્ચ ધારે તો ઘાસમાંથી
સોય પણ શોધી નાખે..હમજયા..
મારા રામાભાઈ ભરવાડ!"નાથાએ
જતા જતા રામાની પીઠ પર ધીમેથી ધબ્બો માર્યો.
"હેં..હા હા..ઇ તો ખાતું કે'વાય ભઈ.. ઇની વાત થાય..?" રામાએ પરાણે હસવાનો પ્રયત્ન કર્યો.
નાથો અને મગન રવજીની બિલ્ડિંગમાં ઘૂસ્યા ત્યાં સુધી રામો એ બેયને જોઈ રહ્યો.નાથાએ એક વાર પાછું વળીને એની સામું જોયું.
"હવે આ રામલો આ ગલ્લે ઉભો નહિ રહે..ઠીક બનાવ્યો ડોફાને.."
કહીને નાથો ખખડયો.મગન પણ હસી પડ્યો.અને બન્ને દાદર ચડવા માંડ્યા.પાર્કિંગમાં મોટેભાગે કારીગરોની સાઈકલો અને કેટલીક બાઇક પાર્ક થયેલી હતી. પહેલા અને બીજા માળે હીરાના કારખાના ધમધમતા હતા.ઇલેક્ટ્રિક મોટરથી ફરતી ઘંટીઓ અને લેથ પર બેઠેલા કારીગરો વાતો કરતા કરતા હીરા ઘસી રહ્યા હતા. બન્ને માળમાં ખૂબ મોટેથી ટેપ રેકોર્ડરમાં હિન્દી સોંગ વાગી રહ્યા હતા.જાણે કે આખું બિલ્ડીંગ ગીત ગાઈ રહ્યું હોય એમ બધા જ કારીગરો ખૂબ આનંદમાં હતા.
ત્રીજા માળે કારખાનાના માલિક રવજી ઠુંમરની ઓફિસ હતી.દાદર ચડતા જ બુટ ચપ્પલ રાખવા માટે પતરાના ઘોડા હતા. અને પાછળ જવા માટે ત્રણ ફૂટની ગેલેરી છોડીને પાર્ટીશન કરેલું હતું. એ હોલમાં ત્રણ મોટા ટેબલ ઉપર બબ્બે ટ્યુબલાઈટના બોક્સ લટકતા હતા, જેમાંથી પ્રકાશનો ધોધ ટેબલ પર પડી રહ્યો હોવાથી ટેબલનો વ્હાઇટ સન્માઇકો વધુ ચમકી રહ્યો હતો.સામસામે બેઠેલા એ એસોર્ટના કારીગરો બ્લુ કાપડ લગાવેલી ટ્રેમાં હીરાની એક મોટી ઢગલી માંથી એક એક હીરો લઈને આઈ ગ્લાસમાં એનું નિરીક્ષણ કરતા હતા.દરેકની બાજુમાં એક સીસાનો ગોળ ટુકડો પડ્યો હતો.
જરૂર જણાય ત્યારે કારીગર હીરાને એ સીસાના ટુકડામાં ચોંટાડીને એક પાતળા કટર જેવા પાનાંને એ હીરા પર અમુક રીતે ગોઠવીને નાની હથોડીથી તોડતો હતો. ટ્રેની બાજુમાં ચિપિયા, કટર પાના,હીરા ભરવા માટેની નાની સ્ટીલની સુંપડી અને હાથના અંગુઠા જેવડી હથોડીઓ દરેક કારીગર પાસે હતી.અને અલગ અલગ હીરાની સાઈઝ પ્રમાણે ઢગલીઓ દરેકની ટ્રે માં થઈ રહી હતી. એ હોલમાં ટેબલ ઉપર સિલિંગમાં ધીમા ધીમા ચાર પંખા ફરી રહ્યા હતા અને ખૂબ ધીમું મ્યુઝીક પણ વાગી રહ્યું હતું.
મગન અને નાથો કોઈપણ જાતની રોકટોક વગર સીધા જ ગેલેરીમાં પ્રવેશ્યા. એક તરફ દીવાલ અને બીજી તરફ પાર્ટીશનવાળી ગેલેરી
માં સામે જ રવજીની ઓફિસનો દરવાજો હતો.
મગને એ દરવાજો ખેંચ્યો.એ સાથે જ એ.સી.ની ઠંડક એ બેઉને ઘેરી વળી.અંદર પેલા હોલની જેમ જ વ્હાઇટ સન્માઈકાવાળું વિશાળ ટેબલ હતું અને એની ઉપર ચાર ટયુબલાઈટ ધરાવતા બે બોક્સ માથા સુધીની ઊંચાઈએ લટકતા હતા.અને ટેબલ પર સફેદ પ્રકાશ પાથરી રહ્યા હતા.રવજીની બાજુમાં બેઠેલો એક યુવાન પણ બ્લુ ટ્રેમાં રહેલી હીરાની ઢગલીમાં
થી એક એક હીરો આઈ ગ્લાસમાં જોઈ રહ્યો હતો.ટેબલની વચ્ચે એક કાચની પેટી હતી.જેમાં વજન કાંટો હતો.અને એ વજન કાંટા પર નાની એવી એક સ્ટીલની વાટકી પડી હતી. કાગળના લંબચોરસ પેકેટમાંથી રવજી, હીરા એની ટ્રેમાં ઠાલવી રહ્યો હતો.બીજા બે યુવાનો પણ રવજીની સામે બેસીને હીરા એસોર્ટ કરી રહ્યા હતા.
મગને દરવાજો ખોલ્યો એટલે રવજીએ ઊંચું જોયું. મગન અને નાથાને જોઈને એ ખુશ થયો.
"આવો આવો..મગન અને નાથા.."
"કેમ છો રવજીભાઈ..મજામાં ?
તમે મળવા આવવાનું કહ્યું'તું એટલે આજ સમય કાઢ્યો.."
"અરે સારું થયું ને યાર.બેસો બેસો
મુંબઈથી ક્યારે આવ્યા ?"કહીને એણે બેલની સ્વીચ દબાવી.એટલે એક મોટી ઉંમરના વ્યક્તિએ દરવાજો ખોલ્યો..
"પાણી લાવો.અને ચા બનાવો" કહીને નાથા અને મગનને પૂછ્યું, "ચા ફાવશે ને ? કે ઠંડુ મગાવું.?"
"ચા તો રામાં ભરવાડની પીધી.અને ખારી પણ ખાધી..હવે કંઈ ઈચ્છા તો નથી. છતાં જે મંગાવો તે ચાલશે.." મગને કહ્યું. રવજીની બાજુમાં બેઠેલા યુવાને આ બન્ને તરફ વિચિત્ર નજરે જોયું.આવા મુફલિસ વ્યક્તિને રવજીશેઠ આટલું માન કેમ આપે છે તે એને સમજાયું નહીં. કદાચ એમના કોઈ સગા હશે એમ સમજીને એ એનું કામ કરવા લાગ્યો.
"એને તમે કેવી રીતે ઓળખો..?એ સાલો નાકા પર ડીંગો જમાવીને બેઠો હોય છે..સાંજે ચોરાઉ હીરા ખરીદે છે. નરશી માધા જેવા મોટા શેઠિયાઓ થોડાક વધુ રૂપિયા રોકડા પૈસા આપી દે છે..સાલો હરામી છે.." રવજીએ કહ્યું.
"હવે એ આ નાકા ઉપર કદાચ કોઈ દિવસ ઉભો નહીં રહે,અમારી ઓળખાણ એની સાથે અને નરશી માધા સાથે કેમ થઈ એતો બહુ લાંબી વાત છે.."મગને કહ્યું.
"એમ ? તમે એને ના પાડી ? એમ ઇ કોઈને ગાંઠે એવો નથી હો.." રવજીને હજુ વાત માનવામાં નહોતી આવતી.
"રવજીભાઈ એક વાત પૂછું ? તમે આ કારખાનાના માલિક છો ?"
નાથાએ પૂછ્યું એટલે રવજી હસી પડ્યો, "કેમ કંઈ શંકા છે ?''
"ના ના શંકા તો નથી.અત્યારે તમારી પાસે કેટલું જોખમ હશે ? દસ પંદર લાખ કે વધુ ?"
રવજીએ નાથા તરફ શંકાથી જોયું.એટલે નાથાએ કહ્યું, "કંઈ વાંધો નહીં,તમે કહી ન શકો એમ હોય તો હું એ જાણવા પણ માંગતો નથી..પણ તમે આટલો મોટો બિઝનેસ સાવ રામ ભરોસે કરી રહ્યા છો એમ મને લાગે છે..હું અને આ મગન કોઈપણ જાતની રોકટોક વગર અહીં તમારી ઓફિસ સુધી આવી ગયા.કોઈપણ જાતની સિક્યુરિટી નથી.કોઈપણ માણસ ધારે તો તમને ગન બતાવીને લૂંટ કરી શકે એમ છે..તમારે નીચે એન્ટ્રીમાં સિક્યુરિટી રાખવી જોઈએ.."
"એમ કોઈના બાપની તાકાત નથી..
અહીંથી એક પણ હીરો લઈને કોઈ નીચે પોગી નો શકે..શુ તમે વાત કરો છો..અમે કંઈ બંગડીયું પેરીને નથી બેઠા.અમને કોઈ ગન બતાડે ઇ પેલા અમે એની ગન આંચકી લેવી હમજયા..?" રવજી
પાસે બેઠેલા યુવાને ગુસ્સે થઈને કહ્યું.
"સારી વાત કે'વાય..પણ દોસ્ત તમારા કારખાનામાંથી જે કારીગરો હીરા ચોરીને તમારી સામે જ પેલા રામાને વેચી દે છે તોય હજી સુધી તમે એનું કંઈ બગાડી શક્યા નથી"
નાથાએ પેલાને કહ્યું.
"એવા નાગા માણસો હારે કોણ માથાકુટ કરે..રળવામાં વધુ ધ્યાન દેવાનું બીજું શું ?" પેલાએ હીરો તોડતા કહ્યું.
"બસ ? હવા નીકળી ગઈ ? અલ્યા ભાઈ તમારે કંઈ જ કરવાનું ના હોય.એ રામો ભરવાડ પોલીસનું નામ પડે એટલે ઉભી પૂંછડીએ ભાગે છે..અમે પેલા'ય એને બીવડાવેલો અને આજ એની ચા ખારી ખાઈને એવો બીવડાવ્યો છે કે હવે એ મોહનનગરમાં દેખાય તો કે'જેને..ઇ બુલેટ રાખે અને મોટી મૂછો રાખે એટલે કંઈ રાવણ નથી થઈ ગ્યો..આ તો તમારા સારા માટે કીધું.બાકી અમારે કંઈ લેવા દેવા નથી.."નાથાએ પેલાની બોલતી બંધ કરી દીધી.
રવજી પણ એને ખીજાયો.ત્યાં જ પેલા કાકા ચાપાણી લઈને આવ્યા.
રવજીએ,મગન અને નાથાને હીરા
બિઝનેસની વાતો કરી.અને એ બેઉને જો ઈચ્છા હોય તો ધંધો શીખવવાની તૈયારી પણ બતાવી.
રવજીને મગન અને નાથાએ રાઘવ
નો કિસ્સો કહ્યો. હીરાબજારમાં જે આખલા દોડેલા એને કારણે નરશી
નો માલ પોતાના હાથમાં આવેલો અને પછી ચોરાઈ ગયેલો એ વાત સિવાયની બધી જ વાતો રવજી સાથે કરી.અને અત્યારે જ રામાં ભરવાડને કેવી રીતે બીવડાવ્યો એ પણ કહ્યું. નાથાની વાત સાંભળીને રવજી સહિત એનો સ્ટાફ પણ હસી પડ્યો.
આ બન્ને છોકરાઓને જો હીરાનું નોલેજ હોય તો ક્યાંય પાછા નહીં પડે એની રવજીને ખાતરી હતી.
બજારમાં હીરાની દલાલી કરવાના કામથી શરૂઆત કરવાનું સમજાવી
ને રવજીએ હીરાની અલગ અલગ જાતો અને એની કિંમત કેટલી હોય એ બધું જ સમજાવવાની પણ ખાતરી આપી. નરશી માધા અને એના જેવા કેટલાક લોકો રામાં ભરવાડ જેવા માથાભારે લોકોનો ઉપયોગ આ કિંમતી વ્યવસાયમાં કરી રહ્યા હતા એની રવજીને ખૂબ જ ચીડ હતી.આવા લોકોને બરબાદ કરી દેવા માટે નાથો અને મગન જેવા છોકરાઓ કામમાં આવશે એમ તે માનતો.
પણ મગન અને નાથો હીરા ઉધોગના કિંગ બનવાના હતા એની ખબર એ વખતે રવજીને, નાથાને કે મગનને પણ નહોતી..
(ક્રમશઃ )
( વાચકમિત્રો, નાથાની આ ગાથા આપને જામતી હોય તો આવી જ શૈલીમાં લખાયેલી મારી હાસ્ય વાર્તાઓ વાંચો.
1. મહેમાનગતિ.
2. દલાની દગડાઈ
3. તમે મૂળ ક્યાંના ?
4. ગણપત ગઠ્ઠો
5. હરિલાલ હડદા
6. પંથુભાનું પરાક્રમ.
7. ઘોડા સાહેબ
8. પ્રેમી પડોશી.
9.ફરજનું ફળ
10. વ્યવસ્થિત રીતે.
આ તમામ વાર્તાઓ તમને ખૂબ હસાવશે. વાંચીને પ્રતિભાવ અવશ્ય આપશો. મારા નિયમિત વાચકોએ તો આ તમામ વાર્તાઓ વાંચી જ છે..પણ નવા મિત્રો આ વાર્તાઓ પણ વાંચે એ હેતુથી આ નોંધ કરી રહ્યો છું.)