અર્ધ અસત્ય.
પ્રકરણ-૧૬
પ્રવીણ પીઠડીયા
નાનકડી અમથી પહાડીની ટોચે એક ઝાડ નીચે ઉભેલા છોકરાની આંખોમાં આશ્વર્યનો મહા-સાગર હિલોળાતો હતો. તેના દાદા એમ કહીને સાથે લઇ આવ્યાં હતા કે આપણે સાત દેવીઓનાં દર્શને જઈએ છીએ. કબિલામાંથી નીકળ્યાં ત્યારથી તે સાત દેવીઓ કેવી હશે એની કલ્પના કરતો આવ્યો હતો. તેના મનમાં અપાર જિજ્ઞાસા ઉમડતી હતી એટલે જ ઝડપથી દોડીને તે આ પહાડીએ ચડયો હતો અને અધીરાઈભેર તેણે આગળ નજર નાંખી હતી. પરંતુ સામે દેખાતું દ્રશ્ય તેની કલ્પનાં બહારનું હતું.
ત્યાં કોઇ દેરી કે મંદિર નહોતું. એક સીધો અને કરાળ, લગભગ સો-એક ફૂટ ઉંચો પહાડ હતો. એ પહાડ બીજનાં ચંદ્રમા જેવો અર્ધ ગોળાકાર હતો. તેની આ તરફનો ભાગ બિલકુલ સીધો અને સપાટ હતો જાણે કાળા પથ્થરની કોઇ દિવાલ જ જોઇ લો. તેની ઉપરની ધારે એટલે કે ટોચે છૂટું-છવાયું જંગલ ઉગી નીકળ્યું હતું અને એ જંગલમાંથી ભારે વરસાદનાં કારણે વહેતું થયેલું પાણી પથ્થરોની ધારેથી ઝરણાંઓ સ્વરૂપે પહાડની તળેટીમાં ખાબકી રહ્યું હતું. આકાશમાંથી ધોધમાર વરસતાં વરસાદમાં પહાડ ઉપરથી સીધા જ નીચે પડતાં એ ઝરણાઓ એક અલૌકિક દ્રશ્ય રચતા હતા. છોકરો તો આભો બનીને એ દ્રશ્ય જોઇ રહ્યો. તે જંગલનો છોરું હતો. તેનું બાળપણ આ જંગલમાં જ વિત્યું હતું. જંગલનું સૌંદર્ય, તેની ભયાનકતા, રુક્ષતા અને આહલાદકતા, એવા તો કેટલાય રંગો તેણે નિહાળ્યાં હતા છતાં અત્યારે જે નજારો તે જોઈ રહ્યો હતો એ કઇંક અલગ જ પ્રકારની અનુભુતી કરાવતું હોવાનું પ્રતીત થતું હતું. એ ઝરણાઓમાં કંઇક એવું ખેંચાણ હતું જે તેને પોતિકું લાગતું હતું. એવું કેમ થતું હતું એ તેનું નાનકડું દિમાગ સમજી શકતું નહોતું. એ દ્રશ્યમાં તે લગભગ ખોવાઇ જવાની તૈયારીમાં જ હતો કે બરાબર એ સમયે તેના ખભે વાત્સલ્ય ભર્યો હાથ મુકાયો. છોકરો ઝબકી ગયો અને ગરદન ઉઠાવીને તેણે બાજુમાં આવીને ઉભેલા દાદાનાં દુબળા કૃશ ચહેરા સામું જોયું. દાદાની નજરો પણ પહાડની કરાડેથી નીચે પડતાં ઝરણાઓ ઉપર સ્થીર થઇ હતી.
“દાદા, તમે તો કહ્યું હતું ને કે આપણે સાત દેવીઓનાં દર્શને જઇએ છીએ. ક્યાં છે એ સાત દેવીઓ?” છોકરાનાં સ્વરમાં ન સમજાય એવો એક અજંપો, એક ઉત્સુકતા ભળેલી હતી.
“તું સાત દેવીઓનાં જ દર્શન કરી રહ્યો છે દિકરાં. જરા ધ્યાનથી જો, તને એ દેવીઓ જરૂર દેખાશે.” દાદાનો અવાજ જાણે કોઈ ગુફામાંથી પડઘાઇને આવતો હોય એવો ભારે બન્યો હતો. છોકરોએ દાદાનાં ચહેરા ઉપરથી નજર હટાવીને ફરીથી સામેની દિશામાં જોયું. કાળા પથ્થરોનો અર્ધ ગોળાકાર પહાડ અને પથ્થરોની તિક્ષ્ણ ધારેથી વહેતા ઝરણાં સીવાય બીજું કશું તેને દેખાતું નહોતું. છોકરાને અચરજ ઉદભવ્યું કે ક્યાંક દાદાનું મગજ છટકી તો નથી ગયું ને! વિશ્વાસ તો હતો કે દાદા ક્યારેય બે-મતલબનું બોલે નહી, તો પછી તેને કેમ કશી સમજ પડતી નહોતી, કેમ કશું દેખાતું નહોતું?
“એકદમ ધ્યાન લગાવીને એ ઝરણાઓ તરફ જો. હું ચોક્કસ તને એ બતાવી શકું એમ છું પરંતુ એવું કરીશ નહી. હું ચાહું છું કે તું સ્વયંમ્ એ અનુભવ કરે, સ્વયંમ્ તને એ સમજાય કે હું શું બતાવવા માંગું છું? ત્યારે તને સાથે લાવવાનો મારો આશય ફળીભૂત થશે. જરાં ધ્યાન લગાવ દિકરા. એ સાત દેવીઓ તારી નજરો સમક્ષ જ છે અને તને બોલાવી રહી છે.” દાદા કોઇ અલગ જ ટ્રાન્સમાં ચાલ્યાં ગયા હોય એવા સ્વરમાં બોલ્યાં.
પંદર વર્ષનો પૌત્ર દાદાની અજીબ વાતો સાંભળીને મૂંઝાયો જરૂર હતો છતાં તેને વિશ્વાસ હતો કે દાદા જે કહે છે એનો ચોક્કસ કોઈ મતલબ હશે જ. તેણે ફરીથી સામે દેખાતા દ્રશ્યને ધ્યાન પૂર્વક નિહાળ્યું. ગોળકાર પહાડની ડાબી ધારેથી જમણી ધાર સુધી તેની નજર ફરી વળી. અને... એકાએક જ તે ચોંકયો હતો. તેની આંખોમાં અપાર વિસ્મયનો ઝબકારો ઉદભવ્યો. વિશ્વાસ ન થતો હોય એમ ફરીથી તેણે ડાબેથી જમણી દિશામાં નજર ઘૂમાવી અને આ વખતે તેના જીગરમાં જબરી ઉથલ-પાથલ મચી ગઈ. અનાયાસે જ તેનું મોં ખુલ્યું હતું અને માથું ઉંચકીને આશ્વર્યભરી નજરોએ તેણે દાદા સામું જોયું. દાદાનાં ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉદભવી. તેઓ પૌત્રને જે બતાવવા માંગતાં હતો એનો રાજીપો તેમના ચહેરા ઉપર છવાયો હતો.
“એ જ છે સાત દેવીઓ. પ્રણામ કર એમને. મારા મૃત્યું પછી દર વર્ષે આ સિઝનમાં તારે અહીં આવીને એમને નમન કરવાનાં છે. આ કાર્ય હું તને સોંપવા માંગતો હતો એટલે જ તને સાથે લાવ્યો છું.” દાદાએ ફોડ પાડીને ચોખવટ કરી.
“પણ દાદા...” છોકરાનું અચરજ હજું શમ્યું નહોતું અને સામે દેખાતું દ્રશ્ય પણ તેની સમજમાં ઉતરતું નહોતું એટલે તેણે પ્રશ્ન પૂછયો હતો. “એ ઝરણાંઓને સાત દેવીઓ કેમ કહેવાય છે?”
એ પહાડની તિક્ષ્ણ કરાડેથી, થોડા-થોડા અંતરે એકસાથે સાત મોટા ઝરણાંઓ ધોધ સ્વરૂપે નીચે પડતાં હતા. દાદા એ ઝરણાંઓને જ સાત દેવીઓ ગણાવી રહ્યાં છે એ વાત તેને સમજોઇ હતી. ઝરણાં રૂપી ખાબકતાં ધોધનું પાણી ત્યાં સર્જાયેલા તળાવમાં એકઠું થતું હતું અને પછી આગળ તરફ એક નાનકડી નદીમાં તબદિલ થઈને જંગલમાં વહી જતું હતું. છોકરો પહેલી નજરે તો કંઈ સમજ્યો નહોતો પરંતુ દાદાએ ધ્યાનથી, સરખી રીતે જોવાનું કહ્યું અને ફરીથી જ્યારે તેણે એ પહાડ તરફ જોયું ત્યારે એ સાત ઝરણાઓ તેને દેખાયા હતા.
“જણાવીશ, એ સાત દેવીઓની કહાની ચોક્કસ તને જણાવીશ અને એ ઝરણાંઓને સાત દેવીઓ શું કામ કહેવાય છે એ પણ કહીશ. મને ખબર છે કે અત્યારે તારા મનમાં ઘણાં પ્રશ્નો ઉઠતા હશે. એ તમામ પ્રશ્નોનાં જવાબ હું આપીશ પરંતુ પહેલા આપણે એ પહાડની તળેટી સુધી પહોંચીએ. પછી નિરાંતે સાત દેવીઓનું રહસ્ય તને કહીશ.” દાદાએ છોકરાનાં માથે અપાર સ્નેહથી હાથ પસવાર્યો અને પછી ટેકરી ઉપરથી નીચે ઉતરવા લાગ્યાં.
છોકરો કંઈ બોલ્યો નહી. તેના માટે તો આ બધું કોઈ વિસ્મયભરી પરી કથાઓ સમાન હતું. ક્યારેક જો તે એકલો આ તરફ આવ્યો હોત અને આ ઝરણાંઓને જોયા હોત તો મનમાં એવો ખ્યાલ પણ ઉદભવ્યો ન હોત કે તેની પાછળ કોઇ કહાની છૂપાયેલી હશે. અરે, તેણે કેટલા ઝરણાં છે એની ગણતરી સુધ્ધા કરી ન હોત અને અહીનાં કુદરતી સૌંદર્યથી અભૂભીત બની ઝરણાંમાં કિલ્લોલતો નહાયો હોત.
દાદા ઘણે આગળ નીકળી ગયા હોય એવું લાગ્યું કારણ કે ઝાડવાઓનાં ઘેરા પાછળ તેઓ દેખાતા બંધ થયા હતા એટલે અહીં એકલા ઉભા હોવાનો અહેસાસ તેને ઘેરી વળ્યો. થોડોક ડર પણ લાગ્યો કે એ સાત દેવીઓની માફક આ પહાડીની પણ કોઈ કહાની ન હોય! એ ડરનાં લીધે તેના પગ આપોઆપ નીચે તરફ દાદાની પાછળ દોડયા હતાં.
@@@
અભયે કરવટ બદલી. પથારીમાં પડયા પછી પણ તેની આંખોમાં નીંદ નહોતી. તે અનંતસિંહની હવેલીએથી લગભગ સાત વાગ્યાનાં અરસામાં ઘરે આવ્યો હતો. ત્યારથી એક અજીબ બેચેની તેને ધેરી વળી હતી. રાત્રે વાળું વખતે પણ તેનું ધ્યાન જમવામાં નહોતું. બા એ એક વખત ટપાર્યો પણ ખરો છતાં કોણ જાણે કેમ, પૃથ્વીસિંહજીનો કેસ તેના દિમાગમાંથી ખસતો જ નહોતો. તેનું એક કારણ અનંતસિંહે જે કહાની સંભળાવી એ પણ હતું. તેનાં બન્ને કાકાઓ અને કાકીઓનું કોઇ રહસ્યમય બિમારીમાં મૃત્યુંને ભેટવું એ અજીબ બાબત હતી. એ ૧૯૯૧ કે ૯૨નાં વર્ષનો સમયગાળો હતો. બરાબર એ અરસામાં જ, એટલે કે ૧૯૯૨માં પૃથ્વીસિંહજી ગાયબ થયા હતા એ પણ ઘણી સૂચક બાબત હતી. શું આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઇ સંબંધ હશે? આવા તો કેટલાંય મુદ્દાઓ તેણે અલગ તારવ્યાં હતાં અને એ દરેક મુદ્દાનો તે વિગતવાર ખુલાસો મેળવવા માંગતો હતો.
શરૂઆતમાં કેસ જેટલો સીધો લાગતો હતો એટલો ખરેખર હતો નહી એ હવે તેને સમજાતું હતું. કોણ જાણે કેટલાય રહસ્યો આપસમાં સંકળાઈને એક કડીમાં પરોવાયેલા હતાં અને તેણે એ તમામ રહસ્યો પરથી પરદા હટાવવાનાં હતા. પરંતુ ખરી મુશ્કેલી એ હતી કે તે ખુદ અત્યારે કેસની ડીટેઈલમાં ઉલઝી ગયો હતો. ખાસ તો પેલી રહસ્યમય બીમારી બાબતે તે વિચારીને થાક્યો હતો. આખરે એવી તે કઇ બીમારી હશે જેનો ઈલાજ એક રાજ-પરિવારમાં થઈ ન શક્યો?
(ક્રમશઃ)