ગોકળિયું ગામ નામ એનું મોહનપુર, મોહનપુરમાં મોટાભાગનો વર્ગ મજુરી કરી ખાનાર હતો એટલે ગામના જુવાનીયાઓ દિવસે મજુરી જાય અને ઘરડાં છોકરાં અને ઘર સાચવે.એમાં સુખી ગણાતું ઘર સોમભાનુ હતું અડોશ પડોશનાં બધા છોકરાં શિરામણ કરીને અહીં આવી જતાં.
એમના ઘર પાસે ઉગાડેલ બોરડી,આંબા,પીપળા અને લીમડા પર આંબલી-પીપળી રમતાં. પણ સોમભાની પત્ની જીવીમાનો સ્વભાવ બહુજ આકરો છોકરાં ઘરમાં ખંટાય જ નહિ.અરે એમની બીક એમનાં આંગણા પુરતી સીમિત ના રેહતા ઘર-ઘરમાં પોહચી ગઈ હતી જો કોઈ છોકરું વાત ન માને કંઈક તોફાન કરે તો ઘરવાળા કહે, “માનીજા નહીતો જીવીમાને બોલાવું”. એટલે બાળક ચુપચાપ માની જાય.
સોમભા છોકરાઓને સીઝન પ્રમાણે બોર,લીંબોળી,કેરીઓ ખાવા આપે. વારે તહેવારે મીઠાઈ વહેંચે
.છોકરાંઓને બહુજ ગમતું સોમભાનાં ઘરે રમવું.પણ જીવીમાને કોઈ ખંટાય જ નહિ. ક્યારેક તો એવું થતું કે છોકરાંઓની સામે જીવીમાને તતડાવી નાખતા અને છોકરાં મનોમન રાજી થતાં.આવીજ એક ઘટનાએ આજે જીવીમાને અંદરથી હચમચાવી નાખ્યા.એમણે પોતાનાં દીકરા અને વહુને ફોન જોડ્યો તાત્કાલિક ઘરે આવો અગત્યની વાત કરવી છે.ફોન મૂકી જીવીમા હળવા થઇ ગયા.પણ આ બાજુ દીકરા અને વહુના મનમાં ફાળ પડી એવું તે શું બન્યું હશે કે આમ બોલાવ્યાં.વહુ તો બિચારી રસ્તામાં પોતાનો ગૃહપ્રવેશ યાદ કરી ડરી રહી હતી. સગાઈ કરવા આવેલ જીવીમા અને ગૃહપ્રવેશ કરાવેલ જીવીમામાં જમીન આસમાનનું અંતર હતું. સગાઈની ચૂંદડી ઓઢાડ્યા પછી એને બાથમાં લઈને રડી પડ્યાં હતાં જીવીમા.આંસુ આવીજાય એટલો હરખ એમને થયો હતો. તો ગૃહપ્રવેશ કરીને જેવી આવી એવીજ છણકો કરી કહીદીધું હતું કે “એક અઠવાડિયું છે અહી રહી લ્યો પછી બેય ધણી- ધણિયાણી શહેર ભેગા થઇ જજો.તારો ધણી ત્યાં શહેરમાં આરામથી રહે અને મારે તને સાચવવાની?” વહુએ આ વાત ન માની અને કહ્યું એ અહીજ રેહશે તો જીવીમાએ રીતસરનો ધક્કો મારીને બેયને કાઢ્યા હતાં. આવા વર્તનથી ડઘાઈ ગયેલી વહુ અત્યારે સાસુનો સામનો થશે એ ડરથી થરથર કાંપતી હતી.
ડેલી ખખડવાનો અવાજ આવ્યો જીવીમાએ ડેલી ખોલી વહુને એજ ઉષ્મા અને પ્રેમથી ભેંટી પડ્યા જેમ સગાઈ વખતે.સોમભા અત્યારે ઘરમાં નહોતા એટલે જીવીમાએ આજે બનેલી વાત કહી.દીકરો તો હમેશની જેમ મુકદર્શક બનીને ઉભો હતો.પણ વહુ જીવીમાની જીભ કરતાં આંખોમાં રહેલી વાત સાંભળવા તત્પર હતી. “દીકરા તું મારી વહુ પછી, પહેલાં મારી દીકરી છે.હવે સાંભળ આ તારા સસરા નીચ માણસ છે.એની નજર બહુજ હલકી છે.એ એટલી હદે વિકૃત છે કે એના ત્રાસથી મેં ગાય ભેંસ પણ વેંચી દીધા અને એજ કારણછે કે હું આ નાના અબુધ બાળકોને અહી આવવા નથી દેતી.ક્યારેક હું ન હોઉં ને આ વિકૃત માણસ કંઈક............ અરે દીકરા તારી સગાઈ કરવા આવેલી ત્યારે મારું મન આ બધાં વિચારોથી ભરાઈ આવ્યું હતું માટેજ એ સમયે તને ભેંટીને નક્કી કર્યું હતુકે તને હું અહી નહિજ રાખું ના કરે નારાયણ અને આ વિકૃતની વિકૃતિનો ભોગ તું.........આંખમાં આવેલ આંસુએ વાક્ય પર પૂર્ણવિરામ મૂકી દીધું.પણ વહુની આંખોમાં પતિ સામે કેટલાય પ્રશ્નાર્થ ચિહ્નો નજર સાથે ફેકાઈ ગયા, પતિ એ એટલુજ કહ્યું મારી પર એમના આવી અસર ન પડે માટે માએ હોસ્ટેલમાં મૂકી દીધો ભણ્યા પછી નોકરી લાગતા મને શહેરમાંજ રાખ્યો અને ત્યાંજ ડેલી ખખડી સોમભા ઘરમાં આવ્યા “આ કીસ્સો હું આજે ને અત્યારેજ પૂરો કરીશ” આમ બોલીને વહુ સસરા સામે ગઈ.પગે લાગીને કહ્યું ભા અમે તમને અને માને શહેરમાં લઇ જવા આવ્યા છીએ.ચાલો તમે ત્યાં અમારી સાથેજ રેહજો. સોમભાની આંખો ચમકી એમણે હામી ભણી.અને બીજા દિવસે સવારે એ શહેર જવા નીકળ્યા. જીવીમા અને એમનો દીકરો સમજી નહોતા શકતાં કે વહુ આ બધું શું કરી રહી છે , જે કરી રહી છે તે યોગ્ય છે કે નહિ.
શહેર પહોંચ્યા પછી વહુએ સાસુ અને પતિને કંઈક કહ્યું, પતિ બહાર ગયો.સાસુ બહાર આંગણામાં બેઠાં.સસરા ટીવી પર ધાર્મિક ચેનલ જોઈ રહ્યા હતા.વહુ ચા બનાવીને સસરાને આપવા ગઈ, “ ભા આ લ્યો ચા” સોમભા ચા લેવા હાથ લાંબો કર્યો ત્યાં વહુએ ચાનો પ્યાલો સસરાના હાથ પર ઢોળ્યો ગરમ ચા થી બળેલા સોમભા રાડ પડી ઉઠ્યા અને વહુએ બમણા જોરથી રાડ નાખી “બચાવો કોઈ મને” આંગણામાં બેઠેલ સાસુ અને પડોસની બાઈઓ દોડી આવી આવીને જોયું તો અસ્તવ્યસ્ત કપડામાં વહુ નીચે પડી હતી ને સસરા સામે ઉભા હતા.બધાં સમજી ગયા શું બન્યું તરતજ અભયમમાં કોલ જોડ્યો પોલીસ આવી સોમભાને લઇ ગઈ.જેલની સજા એમની સારી વર્તણુકના લીધે ઓછી થઇ ગઈ હતી. એ નિયત સમય પેહલાજ જેલથી બહાર નીકળ્યા.અપમાનિત થવાના ડરથી દીકરાના ઘરે જવાને બદલે ગામડા તરફ વળ્યા.ગામડે પણ આ સમાચાર પહોચી ગયા હતા.કેટલાંક લોકો ઘૃણાની નજરથી ,કેટલાંક દયાની નજરથી તો કેટલાંક ખરેખર આ એજ સોમભા છે કે? એવા પ્રશ્નાર્થની નજરથી જોઈ રહ્યાં હતાં. દિવસ પૂરો થઇ ગયો બીજો દિવસ આવ્યો પણ આજે કોઈજ છોકરું આંગણમાં ન દેખાયું. આ બાજુ દીકરો-વહુ એમને જેલમાં મળવાં ગયાં. ત્યાં ખબર પડીકે એ ક્યારના છુટી ગયા છે.દીકરો અને વહુ સમજી ગયા એ બેઉ ગામડે જવા નીકળ્યા. ત્યાં પહોચીને જોયું તો એમની કાયમી બેઠક જેવા પીપળાની ડાળ પર લટકેલા હતા.
ધરતી દવે