પ્રેમ કે પ્રતિશોધ-46
(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ પણ અમદાવાદમાં આવીને જ્યાં વિનયને કેદ કરવામાં આવ્યો હતો ત્યાં પહોંચે છે. અને અનાયાસે વિનયને પકડનારને તેઓ પ્રેમના નામથી સંબોધવા જાય છે. પણ વિનયને જોઈને તેઓ આગળ કશું બોલતાં નથી)
હવે આગળ...
“પ્રેમ...!" વિનયનું મુખ આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું.
“હા, પ્રેમ..."રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું.
“તો પ્રેમ જીવિત છે. અને તેણે જ આ બધું ....અને તું જ પ્રેમ છો...."વિનયે સામે ગન પકડીને ઉભેલા વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.
“હા, હું જ પ્રેમ છું...અને તમે બધા તમારા જ કર્મોની સજા ભોગવી રહ્યા છો."સામેથી દાંત ભીંસતા પ્રેમે ઉત્તર આપ્યો.
“પણ તારું તો ઍક્સિડન્ટમાં.... ઓહ અચ્છા તો આ વ્યક્તિ રાજેશભાઈ છે. અને તેમણે પોલીસને ખોટી કહાની સંભળાવી એમ જ ને?" વિનયે રાજેશભાઈ સામે જોઇને કહ્યું.
“તું ચિંતા ન કર, તારું પણ એ જ થશે જે અજય અને શિવાનીનું થયું..."પ્રેમે વિનયના ચહેરા સામે ગન તાંકતાં કહ્યું.
“પ્રેમ, હવે આપણી પાસે સમય નથી વાતો કરવાનો... ગિરધર પકડાય ગયો છે. અને અર્જુન એના દ્વારા આપણાં સુધી પહોંચી શકે છે..."રાજેશભાઈએ ચિંતિત સ્વરે કહ્યું.
“તમે ચિંતા ન કરો, ગિરધરને પકડવા માત્રથી અર્જુન આપણાં સુધી નહીં પહોંચે... અને હવે આ વિનયને તો હું છોડીશ જ નહીં...એની તો લાશ જ અહીં થી જશે"
“જે કરવું હોય તે ફટાફટ પતાવ. અહીં વધારે સમય રહેવું યોગ્ય નથી.." રાજેશભાઈએ થોડા ચિંતિત સ્વરે કહ્યું.
“તો પછી રાહ શેની, વિનય છેલ્લી વાર રાધી અને તારા પરિવારને યાદ કરી લે.."પ્રેમે વિનય સામે જોઈ ક્રૂર હાસ્ય કરતાં કહ્યું.
******
રાજેશભાઈ ત્યાં પહોંચ્યા અને તેમની અને પ્રેમ તેમજ વિનય વચ્ચે જે સંવાદ થયા તે દરમિયાન અર્જુન પણ આ બાજુ ટ્રેકરની મદદથી તે જ ફાર્મહાઉસ પાસે પહોંચ્યો અને ટ્રેકિંગ ડિવાઇસમાં જોયું તો તેમાં પણ પેલી ગાડીનું લાસ્ટ લોકેશન આ ફાર્મહાઉસની આજુબાજુનું જ હતું. આ વિસ્તારમાં આ ફાર્મહાઉસ સિવાય અન્ય કોઈ એવી જગ્યા ન હોવાથી અર્જુન, રમેશ, સંજય અને દીનેશે ફાર્મથી થોડે દુર જ જીપ રોડની સાઈડમાં મૂકી અને ફાર્મહાઉસના મેઈન ગેટથી અંદર પ્રવેશ્યા.
અર્જુને ઇશારાથી જ બધાને શાંત રહેવાનું જણાવી આમ-તેમ નજર ફેરવવા લાગ્યો. એણે રમેશ અને દીનેશને એક બાજુથી ફાર્મની પાછળની સાઈડ ચેક કરવા મોકલ્યા જ્યારે પોતે અને સંજય બીજી બાજુથી ફાર્મની પાછળની સાઈડ જવા આગળ વધ્યા.
રમેશ અને દીનેશે પાછળ જઈને જોયું તો એક બાઈક અને એક કાર ત્યાં પાર્ક કરેલી હતી. એટલે સામે અર્જુનને આવતો જોઈને રમેશે હાથથી જ ઈશારો કરીને ત્યાં બોલાવ્યો.
અર્જુનના પહોંચતા જ રમેશે ધીમા સ્વરે કહ્યું,“સર, આજ એ બાઈક જેમાં ટ્રેકર લગાવ્યું હતું."
અર્જુને પ્રત્યુત્તરમાં કહ્યું,“ મતલબ અનુમાન સાચું જ પડ્યું, હવે જરા પણ અવાજ ન થવો જોઈએ અને આપણું પ્રથમ લક્ષ્ય વિનયને બચાવવાનો છે. એ યાદ રહે..."
“પણ સર, આ કાર તો રાજેશભાઈની છે અને એ પણ કદાચ અંદર હશે..."સંજયે કાર સામે જોઈને કહ્યું
“જુવો, આપણે ખબર નથી અંદર કેટલા માણસો હોય, એટલે બધા પોત-પોતાની ગન હાથમાં રાખો પણ ધ્યાન રાખજો કે બિનજરૂરી ચલાવવી નહીં, આપણે અહીં એવા વ્યક્તિને પકડવા આવ્યા છીએ જેણે બે-ત્રણ હત્યાઓ કરી છે. એટલે એ પોતાના બચાવ માટે કઈ પણ કરી શકે છે.. પણ આપણે બને ત્યાં સુધી એને જીવતો જ પકડવાનો છે.."અર્જુને ત્રણેયને સમજાવતાં કહ્યું.
“ઓકે સર."ત્રણેયે એક સાથે કહ્યું.
અર્જુન આગળ ફાર્મહાઉસની અંદર પ્રવેશ્યો અને ત્રણેય કોન્સ્ટેબલ તેની પાછળ પાછળ ચાલ્યા. ફર્સ પર જામેલી ધૂળમાં જે બુટના તળિયા છપાયેલા હતા તેનું નિરીક્ષણ કરતાં અર્જુને વિચાર્યું કે ટૂંક સમય પહેલા જ ત્યાંથી કોઈ આગળ ગયું હશે. એટલે અર્જુને પણ એ નિશાનોને અનુસરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. અંતે એક સ્ટોરરૂમ જેવા મોટા હોલના દરવાજે પહોંચીને અર્જુને મોઢા પર આંગળી રાખી બધાને શાંત રહેવા ઈશારો કર્યો. અને પછી ધ્યાનથી દરવાજાનું નિરીક્ષણ કરવા લાગ્યો.
આ ડોરના સ્ટોપરને જોતાં એવું લાગ્યું કે જાણે અન્ય દરવાજા લાંબા સમયથી બંધ અવસ્થામાં જ છે પણ આ દરવાજાના સ્ટોપર પણ બહારથી ખુલ્લું જ હતું એટલે નક્કી કોઈ અંદર હોવું જોઈએ....
******
આ બાજું પ્રેમ વિનય સામે ગન એઈમ કરી અને એની આંગળીઓ ટ્રિગર પાસે પહોંચી...
વિનયે પણ હવે મોતને સામે જોઈને આંખો બંધ કરી લીધી.
‘ધડામ..' આખા રૂમમાં પડઘો પડ્યો...
(ક્રમશઃ)