Limelight - 44 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૪૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લાઇમ લાઇટ - ૪૪

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૪૪

મોન્ટુનો રૂબરૂ મળવા માટેનો આગ્રહ અને ઉતાવળ જોઇ રસીલીએ તેને રાત્રે જ પોતાના ઘરે બોલાવી લીધો. સવારે ફિલ્મનું શુટિંગ વહેલું હતું અને આખો દિવસ તેને સમય મળવાનો ન હતો. તે મોન્ટુની રાહ જોતી મોબાઇલમાં ફિલ્મી સમાચારો પર નજર નાખવા લાગી. એક-બે જગ્યાએ સાકીર ખાનના સમાચાર હજુ આવતા હતા. તેના કેસ અને તેની અટકી ગયેલી ફિલ્મો વિશે લખવામાં આવી રહ્યું હતું. સાકીર ખાનનો અભિનયની દુનિયામાં એક સમયે ડંકો વાગતો હતો. તેના પર યુવાન થતી દરેક છોકરી ફિદા થતી હતી. સોશિયલ મિડિયા પર તેની મહિલા ફેન્સની સંખ્યા મોટી હતી. બધી જ જાણે પૂછી રહી હતી:"સાકીરજી, યે ક્યા કર દિયા? આપકા નશા હમ પર થા, આપ હી નશે કા કારોબાર કરતે થે?" સોશિયલ મિડિયા પર સાકીરને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. તેના ગીતો અને સંવાદોનો ઉપયોગ કરી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો.

રસીલીને થયું કે તે આને જ લાયક હતો. બહુ એશ કરી છે તો હવે જેલમાં સડજે. રસીલીએ પોલીસને તેના તાર જેની સાથે જોડાયેલા હતા એવા બે જણના નામ પણ આપી દીધા હતા. સાકીરને હવે તેનો વકીલ પણ બચાવી શકે એમ ન હતો. સાકીરે પોતાનું શોષણ કરવામાં કંઇ બાકી રાખ્યું ન હતું. પોતે તેનો બરાબર લાભ લીધો હતો. પણ તેણે કેટલી છોકરીઓને ફિલ્મમાં કામ કરવાની લાલચ આપીને છેતરી હશે એ વિચારીને રસીલી દુ:ખી હતી. ધારા જેવી સ્ટાર કિડને પણ પોતાની હવસનો ભોગ બનાવી શકે એવા સાકીરે કેટલી અબૂધ અને આ ઝગમગાટની દુનિયાથી આકર્ષાયેલી છોકરીઓને શિકાર બનાવી હશે? સાકીરને ખબર નહીં હોય કે એ પણ ક્યારેક કોઇનો શિકાર બની જશે. રસીલીને સાકીર સાથે સંબંધ શરૂ કર્યા પછી તેના સ્વભાવ વિશે અને ખાસ તો તેનામાં સતત સળવળતા વાસનાના કીડા વિશે જાણ્યા પછી ગુસ્સો આવવા લાગ્યો હતો. સાકીરની ચુંગાલમાં વધુ છોકરીઓ ના ફસાય અને પોતાનું જીવન બરબાદ ના કરે એ માટે તે યોજના વિચારવા લાગી હતી. સાકીરની ડ્રગ્સના લે-વેચાણની માહિતી મળ્યા પછી તો રસીલી ઉત્સાહમાં આવી ગઇ હતી. સાકીરે છોકરીઓને ખરેખર તક આપવાને બદલે તેના શરીરનો ઉપભોગ જ કર્યો હતો. હવે તેને જેલમાં સબડતો જોઇને એ દરેક છોકરી ખુશ થતી હશે જેણે પોતાની કારકિર્દી બનાવવા સાકીરને શરીર સોંપી દીધું હતું. આ દુનિયામાં ભૂખ્યા વરુની સંખ્યા વધુ છે એ વાતનો રસીલીને ખ્યાલ જલદી આવી ગયો હતો. પોતે પણ એ જ રીતે આ દુનિયામાં આગળ વધી રહી હતી. પોતે શરીરને નિસરણી બનાવી હતી. પણ એ પોતાની નિયતિ હતી. રસીલી પોતાની ફિલ્મમાં નવી આવતી છોકરીઓને વધુ તક મળે એ માટે પોતાની ફિલ્મના નિર્માતા- નિર્દેશકને ભલામણ કરતી હતી. અને તેનું શોષણ ના થાય એ માટે સતર્ક રહેતી હતી.

સાકીર વિશે વિચારતી રસીલીએ ઘડિયાળમાં નજર નાખી વિચાર્યું કે મોન્ટુ હવે આવતો જ હોવો જોઇએ. ફિલ્મી દુનિયામાં છોકરીઓને શરીર સોંપવાની મજબૂરી ઊભી થતી હોય છે ત્યારે આ મોન્ટુને શરીરનો ઉપયોગ પોર્ન ફિલ્મ માટે કરવાની નોબત કેમ આવી એ સમજાતું ન હતું. તેની સાથેની પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' તો હિટ થઇ હતી. તેમ છતાં તેની આવી સ્થિતિ કેમ થઇ?

રસીલી વધારે વિચાર કરે એ પહેલાં મોન્ટુ આવી ગયો. મોન્ટુ તેની સામે બેઠો પણ આંખ મિલાવવાની હિંમત થતી ન હતી. રસીલી સામે પોર્ન ફિલ્મના હીરો તરીકે તે ઉપસ્થિત થયા પછી તેને પોતાની હરકત પર શરમ આવી રહી હતી. રસીલીને એ વાત સમજતાં બહુ વાર ના લાગી. તે બોલી:" મોન્ટુ, શું વાત છે? તું કઇ વાત કહેવા ઉતાવળો થયો છે....?"

"મેમ, હું તમને એક વાત કહેવા આવ્યો છું." કહી મોન્ટુ વધારે શરમાયો.

"તો બોલી નાખને. પોર્ન ફિલ્મ કરવા આવ્યો ત્યારે પણ આટલો તો શરમાયો ન હતો!" રસીલી હસીને બોલી.

"મેમ, હું તમને પ્રેમ કરું છું...." બોલીને મોન્ટુ એકદમ નીચું જોઇ ગયો.

તેની વાત સાંભળીને રસીલી જોરથી હસી પડી. મોન્ટુ આશ્ચર્યથી તેને જોઇ રહ્યો. તેને એમ હતું કે તેની વાત સાંભળીને રસીલી ખીજવાશે. પણ તેણે તો વાતને એકદમ હળવાશથી લીધી હતી. તેને એમ કે હું મજાક કરી રહ્યો હોઇશ.

હસવું ખાળતી રસીલી બોલી:"અરે! આટલી વાત કહેવા તું અહીં સુધી દોડી આવ્યો? મને તો કેટલાય યુવાનો પ્રેમ કરે છે. પણ તારી જેમ દોડી આવતા નથી. મારી ફેન ફોલોઇંગ તારા જેવી હોય તો હું પરેશાન થઇ જાઉં. તું મારો ચાહક છે એ મને ગમ્યું...."

મોન્ટુ થોડો ગંભીર થઇ ગયો:"મેમ, આ વાત કલાકાર-ચાહક વચ્ચેના સામાન્ય પ્રેમની નથી. એક પ્રેમી તેની પ્રેમિકાને પ્રેમનો ઇજહાર કરે એની છે... હું તમને દિલથી ચાહું છું."

"ઓહ! મને આ જાણીને આનંદ થયો. પણ અત્યારે પ્રેમલા-પ્રેમલી બનવાનો સમય નથી. તું તારી કારકિર્દી પર ધ્યાન આપ. અને કામ ના મળતું હોય તો મને કહે. આવી પોર્ન ફિલ્મના રવાડે ના ચઢી જા. તારા જેવા અભિનેતાની આ ઇન્ડસ્ટ્રીઝને જરૂર છે..." રસીલીએ તેના પ્રેમની વાતને બાજુ પર રાખી કેરિયરની વાત ઉપાડી.

"હા, મને પછી થયું કે મેં પોર્ન ફિલ્મમાં કામ કરવાની હા પાડીને મોટી ભૂલ કરી છે."

"એ સુજીતકુમાર તારા સુધી કેવી રીતે પહોંચી ગયો?"

"આપણી પહેલી ફિલ્મ 'લાઇમ લાઇટ' જોયા પછી તેણે મારી સામે ઓફર મૂકી હતી. પણ પોર્ન ફિલ્મની હીરોઇન તમે હશો એની ખબર ન હતી."

"તારા જેવો શરમાળ અને રીઝર્વ ગણાતો અભિનેતા આવી ફિલ્મ કરવા તૈયાર થઇ જાય એ માનવામાં આવતું નથી. સુજીતકુમારે તને ધમકી આપીને કે ડરાવીને તો કામ સોંપ્યું ન હતું ને?"

"ના, 'લાઇમ લાઇટ' ભલે સફળ રહી અને તમારી ગાડી ચાલી નીકળી પણ મને કોઇ લાભ ના થયો. તમને તો મોટા સ્ટાર્સ સાથે ફિલ્મો મળી ગઇ. મને તો કોઇ નવોદિત હીરોઇન સાથે પણ સાઇન કરવા તૈયાર નથી. તમારી તો સેક્સી હીરોઇનની ઇમેજ બની હતી. એટલે પ્રચારમાં પણ છવાઇ ગયા હતા. હું છોકરી ન હતો કે મારું શરીર બતાવી શકું. ત્યાં સુજીતકુમાર પોર્ન ફિલ્મની ઓફર લઇને આવ્યા અને એમાં મોં બતાવવું નહીં પડે એવી ખાતરી આપી એટલે પાપી પેટ માટે તૈયાર થઇ ગયો. મને ખબર ન હતી કે સામે તમે આવશો. તેણે જાણી જોઇને મને પસંદ કર્યો હતો. મારી વાત છોડો, તમારી કઇ મજબૂરી હતી કે આવી ફિલ્મ કરવા તૈયાર થઇ ગયાં?"

"મારી કોઇ મજબૂરી ન હતી. અને હોય તો પણ એ મારે તને જણાવવી નથી. અસલમાં હું સુજીતકુમારનો આ ગેરકાયદે ચાલતો પોર્ન ફિલ્મોનો બિઝનેસ બંધ કરાવવા માગતી હતી. એટલે પોલીસ સાથે મળીને છટકું ગોઠવ્યું હતું...."

રસીલીની વાત સાંભળી મોન્ટુને અસલિયત સમજાઇ. "ઓહ! તમે તો આ ક્ષેત્રમાં મજબૂરીમાં જતી છોકરીઓને સુજીતકુમારથી બચાવી લીધી છે...મને તમારા પર માન વધી ગયું છે....આ લવ યુ!"

"મોન્ટુ, આ ઉંમર હજુ પ્રેમ કરવાની નથી. ફરી કહું છું કે તું કારકિર્દી પર ધ્યાન આપ. હું આજે જ એક-બે પ્રોડ્યુસરને તારી ભલામણ કરું છું. તને ચોક્કસ કામ મળશે..."

મોન્ટુએ લાગણીવશ રસીલીના બંને હાથ પોતાના હાથમાં લઇ લીધા. રસીલી મુસ્કુરાઇ પણ સતર્ક થઇ ગઇ. એક તો પોતે એકલી અને જાજરમાન યૌવન. સાથે અડધી રાતનો સમય. પુરુષના પ્રેમ કે હવસની પ્રેમની આગને ભડકાવવા માટે આ પુરતા કારણો છે. રસીલી એકદમ ઊભી થઇ ગઇ અને બોલી:" મોન્ટુ, તું હવે નીકળ. રાત ઘણી થઇ છે. મારે સવારે શુટિંગ માટે જવાનું છે.... બાય!"

મોન્ટુ કોઇ અજબ ઘેનમાં હોય એમ 'બાય' કહીને ધૂનમાં નીકળી ગયો.

ત્યાં ઊભેલી રસીલીએ ત્યારે મોન્ટુને ધ્યાનમાં રાખી એક નિર્ણય લઇ લીધો.

***

પતિ અજ્ઞયકુમાર પોતાનાથી દૂર સરકી રહ્યો હતો. અજ્ઞયકુમાર ઘરે રાત રોકાવા પૂરતો જ આવતો હતો. ક્યારેક તો શુટિંગના નામ પર કે ખરેખર એ કારણથી આવતો જ ન હતો. એક અઠવાડિયું તો એ એક ફિલ્મના શુટિંગ માટે વિદેશ જતો રહ્યો હતો. રિંકલને ઘરમાં એકલું લાગતું હતું. તેને અજ્ઞયકુમાર સાથેના પ્રેમભર્યા દિવસો અને ક્ષણો યાદ આવતી હતી. ઘર ખાવા ધસતું હતું. અજ્ઞયકુમાર હવે હાથમાંથી જતો રહેશે એવો ભય રિંકલના મનમાં ઘર કરી રહ્યો હતો. તેને થયું કે રસીલીએ અજ્ઞયકુમાર સાથે ફિલ્મ કર્યા પછી તેને વશમાં કરી લીધો છે. તેની જવાની કોઇ પણ પુરુષને વિચલિત કરે એવી હતી. રિંકલને થોડા વર્ષ પહેલાં આવો અનુભવ થઇ ચૂક્યો હતો. આ વખતે પોતે ગાફેલ રહી હોવાનું લાગતું હતું. માનસી નામની નવી હીરોઇન ફિલ્મી દુનિયામાં અજ્ઞયકુમારની ફિલ્મ સાથે આવી ત્યારે આવી જ વાતો ઊડી હતી. ત્યારે પોતે તેની ફિલ્મના સેટ પર જવાનું ચાલુ કરી દીધું હતું. એ હાજરીનો પ્રતાપ હોય કે બીજું કંઇ પણ અજ્ઞયકુમારને માનસી પ્રત્યે કોઇ લગાવ થયો ન હતો. રિંકલ ફિલ્મોના નિર્માતાઓને સારી રીતે ઓળખતી હતી. તે નવી હીરોઇનોને પોતાની ફિલ્મમાં લે ત્યારે હીરો સાથે તેના ઇન્ટીમેટ સીન્સ વધુ રાખતા હતા. નવી હીરોઇનો માટે એગ્રીમેન્ટમાં ઘણા ક્લોઝ મૂકવામાં આવતા હતા. નવી હોય ત્યારે છોકરી તેનો વિરોધ કરી શકતી ન હતી. તેનો નિર્માતાઓ ભરપૂર લાભ લેતા હતા. પોતે જાણીતી અભિનેત્રીની પુત્રી તરીકે એવી સ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો ન હતો. અત્યારે પરિસ્થિતિ બદલાયેલી હતી. આજની હીરોઇનો વધુ બોલ્ડ બની હતી. તે કેરિયર બનાવવા જાત સાથે ઘણી સમજૂતિ કરતી હતી. રસીલીએ પહેલી ફિલ્મમાં બોલ્ડ સીન્સ આપીને પોતાનો ઇરાદો કે ઇમેજ જાહેર કરી દીધા હતા. 'પતિ, પત્ની ઔર મોબાઇલ' માં અજ્ઞયકુમાર સાથે તેના અંગત કહી શકાય એવાં દ્રશ્યો હતા. અજ્ઞયકુમાર ભલે તેને પ્રોફેશનલ બનીને ભજવતો હોય પણ રસીલીએ તેને પોતાની ચુંગાલમાં ફસાવી લીધો હતો. પોતે ફોન કરીને તેને ચેતવી હતી છતાં તેણે અજ્ઞયકુમારનો પીછો છોડ્યો હોય એમ લાગતું નથી. ફિલ્મ પૂરી થઇ ગયા પછી પણ બંને પ્રચારના કાર્યક્રમોમાં મળતા હોવાના અને જાહેરમાં પતિ-પત્ની હોય એમ વર્તતા હોવાના સમાચારો સતત આવી રહ્યા હતા. હવે જો તેમને ના અટકાવ્યા તો પોતાની બાકીની જિંદગી દુ:ખમાં જ વીતશે.

રીંકલે ઘણું બધું વિચારીને માને ફોન લગાવ્યો હતો. ફિલ્મી દુનિયામાં એક જમાનામાં કામ કરી ચૂકેલી મા નતાશાને અજ્ઞયકુમાર છૂટાછેડા માગી રહ્યો હોવાની વાત રીંકલે કરી હતી. રિંકલની વાત માને આંચકો આપી ગઇ હતી. તેણે થોડીવાર વિચાર કર્યો. અને તેને એક સલાહ આપી. રિંકલ માની સલાહ સાંભળી ચોંકી ગઇ. "મા, તું આ શું કહે છે?"

***

મિત્રો, રસીલીએ મોન્ટુને ધ્યાનમાં રાખી કયો નિર્ણય લીધો ? રિંકલ માની કઇ સલાહ સાંભળીને ચોંકી ગઇ? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ-બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***