ભાગ ૯
એક કલાક સુધી સોમ લડતો રહ્યો, પણ મૂર્તિઓ ઓછી થવાને બદલે વધી રહી હતી. પછી અચાનક ક્યાંકથી એક તીર આવ્યું અને અને એક મૂર્તિને વાગ્યું અને વિસ્ફોટ થયો, તેમાં ઘણી બધી મૂર્તિઓ ઉડી ગઈ અને પછી તીરોનો વર્ષાવ થવા લાગ્યો અને મૂર્તિઓ ટપોટપ પડવા લાગી અને ભંગ થવા લાગી. થોડા સમય પછી ત્યાં એકે પણ મૂર્તિ જીવિત નહોતી.
સોમના આશ્ચર્યનો પાર નહોતો કે અચાનક કોણ તેની મદદે આવ્યું. તેણે તીર જે દિશામાંથી આવ્યા તે દિશામાં જોયું, પણ ત્યાં કોઈ નહોતું. હવે તે ફરીથી સાવધાનીપૂર્વક ફરવા લાગ્યો. થોડો સમય તેના પર હુમલો ન થયો એટલે ફરીથી પોટલીમાંનું દ્રવ્ય હવામાં ઉડાડીને જોયું તો તેનો રંગ ન બદલાયો એટલે સમજી ગયો કે ત્યાં હવે કોઈ પણ કાળી શક્તિ હાજર નથી.
તે મંત્ર બોલીને પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયો અને પગપાળા ગાડી નજીક આવ્યો. ગાડીમાં બેસીને વિચારવા લાગ્યો કે આ વખતે ભયંકર શક્તિઓનો સામનો થયો છે અને હજી યુદ્ધ બાકી છે પણ જે કામ માટે આવ્યો તે તો થયું નહિ, નીલિમા અહીં નહોતી. તેને આખા ઘટનાક્રમની લિંક મળી રહી નહોતી. તેણે કડીઓ જોડવાનો પ્રયત્ન કર્યો, પહેલા તેના પર આરોપ થયા, પછી નીલિમા સાથેના ફોટા, પછી બ્લેક્મેલર અને હવે આ જંગલમાં મૂર્તિઓ સાથે લડાઈ, અચાનક કોઈ મદદકર્તા મેદાનમાં આવી ગયો.
આખો ખેલ સમજવા હવે બીજો રસ્તો અપનાવવો પડશે. તેણે નિલીમાનો ફોટો કાઢ્યો અને મોબાઈલ કેમેરાથી તે ફોટો મોબાઈલમાં સેવ કર્યો અને તેણે એક બે કૉલ કર્યા અને પછી ગાડી સ્ટાર્ટ કરી અને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
નર્મદાશંકરના હાથમાં એક તીર હતું, તેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તેમાં વપરાયેલ ધાતુને પણ તે ઓળખી શક્યો નહિ. તીર પ્રાચીન સમયનું હતું. તેણે ઘણા બધા મંત્રો અજમાવી જોયા પણ તે ચલાવનારનું નામ ઉજાગર થયું નહિ એટલે તેણે તે કામ પડતું મૂક્યું અને ત્યાંથી નીકળીને બીજી રૂમમાં આવ્યો. ત્યાં એક છોકરો સુઈ રહ્યો હતો. સોમ સાથે તે છોકરાની લડાઈ થઇ હતી અને તે ઘાયલ થઇ ગયો હતો. નર્મદાશંકર તેને જ્યારથી લાવ્યો હતો, ત્યારથી તે બેહોશ હતો. નર્મદાશંકરે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને વિચાર્યું સોમ સામેના યુદ્ધમાં મારુ ઘાતક હથિયાર બનશે આ છોકરો.
કુલકર્ણીએ સૌથી પહેલું કામ સોમને અરેસ્ટ કરીને સળિયા પાછળ ધકેલવાનું કર્યું. સોમના અરેસ્ટ થયાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. અડધા કલાક પછી દરેક ન્યુઝ ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ ફ્લેશ થઇ રહી હતી, પ્રખ્યાત સંગીતકાર સંગીતસોમ અરેસ્ટ. પોલીસ સ્ટેશનની બહાર પત્રકારોની ભીડ જમા થઇ ગઈ.
થોડીવાર પછી કુલકર્ણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે સંગીતસોમની જ્યુડિશિયલ કસ્ટડી મળી છે. થોડીવાર પછી દરેક ન્યુઝ ચેનલ પર ચર્ચાઓનો દોર શરુ થઇ ગયો કે શું સંગીતસોમ ગિલ્ટી છે કે પછી તેમના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. પાયલ પોલીસ સ્ટેશન દોડી આવી. ત્યાં આવ્યા પછી તે ફક્ત આસું સારતી રહી. તેને ખબર પડતી ન હતી કે તેણે જે કર્યું તે સારું કે ખરાબ? પ્રદ્યુમનસિંહે તેને આવું કરવાનું કહ્યું હતું.
સોમને સળિયા પાછળ ઉભું રહેવું વિચિત્ર લાગી રહ્યું હતું, પણ તેને ખબર હતી કે આવું કરવું જરૂરી હતું. તેના મનમાં વિરોધાભાસ ઉભો થઇ રહ્યો હતો. એક મન કહેતું હતું આ રીતે અંદર રહેવું મૂર્ખતા છે અને બીજું મન કહેતું હતું કે આ મહાવતાર બાબાની ઈચ્છા છે.
એટલામાં તેનો ફોન રણક્યો તેણે કોલરનું નામ વાંચ્યું એટલે તેના ચેહરા પર સ્મિત આવી ગયું.
તેણે ફોન ઉપાડીને કહ્યું, “કેમ છે વિકીબેટા?”
વિકીએ કહ્યું, “હું તો મજામાં છું, પણ ન્યુઝ ચેનલ પર ન્યુઝ છે કે તમે અરેસ્ટ થયા છો.”
સોમે કહ્યું, “હું અરેસ્ટ થયો છું, તે વાત સાચી છે પણ તું ચિંતા ન કરીશ. અહીં હું સાંભળી લઈશ તને ખબર છે, મારી ઈચ્છા વગર મને કોઈ અંદર કરી ન શકે. કોઈ મોટો ખેલ શરુ થયો છે પણ કોણ આ કરી રહ્યું છે તે જાણવા જાણી જોઈને અરેસ્ટ થયો છું. તું અત્યારે અહીં આવતો નહિ કોઈ તને મારી કમજોરી સમજીને તારા પર વાર કરી શકે.”
વિકીએ કહ્યું, “પપ્પા, કોની હિમ્મત છે કે વિક્રાંત પર વાર કરી શકે અને મને જવાબ આપતા આવડે છે અને તમને ખબર છે હું તમારી તાકાત છું કમજોરી નહિ.”
સોમે કહ્યું, “મને તારી ખૂબી અને ખામી બધાની ખબર છે, પણ આ ખેલ મોટો છે એટલે મારી રજામંદી વગર તું અહીં આવતો નહિ અને ત્યાં તારી ટ્રેનિંગ કેવી ચાલે છે?”
વિકીએ કહ્યું, “સારી ચાલે છે.”
સોમે કહ્યું, “ઠીક છે, પણ ક્રોધ પર કાબુ મેળવવાની ટ્રેનિંગ પર ધ્યાન આપજે.” એમ કહીને સોમે ફોન કાપી દીધો.
એટલામાં કુલકર્ણી ત્યાં આવ્યો અને સોમના હાથમાં ફોન જોઈને કહ્યું, “આ ફોન સબમિટ કરવો પડશે. સવારે ડોક્ટર ઝા અહીં આવશે, જે તમારી માનસિક સ્થિતિની તપાસ કરશે.”
સોમે પોતાના ફોનમાંથી કોલ લોગ લિસ્ટ ડીલીટ કરી અને ફોન કુલકર્ણીના હાથમાં આપ્યો. ફોન કુલકર્ણીના હાથમાં આપતી વખતે સોમને કુલકર્ણીના હાથને સ્પર્શ થયો અને સોમને વિચિત્ર ભાસ થયો.
આના પહેલાં પણ કુલકર્ણી સાથે હાથ મિલાવ્યો હતો પણ એવો ભાસ થયો નહોતો. સોમ શાંત રહ્યો, ઘરેથી પાયલે જમવાનું મોકલ્યું હતું, તે જમીને પોલીસ કોટડીમાં આડો પડ્યો અને નીશ્ચિન્તાથી સુઈ ગયો. આટલા વર્ષમાં સોમ નિર્ભય બની ગયો હતો તેને ખબર હતી કે ગમે તેવી કપરી પરિસ્થિતિ હશે તો પણ તે તેમાંથી માર્ગ કાઢી લેશે.
ક્રમશ: