એબસન્ટ માઈન્ડ
(૧૨)
શોર્ટ કટ લેવામાં વેરાન રસ્તે ચડી ગયો, કોઈ લુંટીને મારી નાખે તો પણ કોઈને જાણ ન થાય
ગઈકાલે આખો દિવસ વાવાઝોડામાં વીતાવ્યા બાદ રતનગઢ પહોંચ્યો. હોટલે રૂમ રાખીને ફ્રેશ થયા પછી ફરીથી લાઈટો ગઈ હતી, જો કે હવે શું ફર્ક પડે છે ? જમવા માટે બહાર નીકળ્યો એ સમયે ચારેકોર અંધારુ. આશરે સાડા આઠ નવ વાગ્યાનો સમય. ટ્રક અને લકઝરીઓ આવે ત્યારે લાઈટો દેખાય. વીજળી ન હોવાથી રેસ્ટોરન્ટ પણ સ્થગિત હતી. બે ત્રણ જગ્યાએ ગયો પણ મજા ન આવી. પંદર વીસ મિનિટ પસાર થયા બાદ લાઈટ આવી. જો કે વગર લાઈટે સારું લાગતું હતું.
એની વે, સાડા ચાર વાગ્યાનાં એલાર્મ મુક્યા બાદ આજે સવારે પાંચની આસપાસ જાગ્યો. છ વાગ્યે રેડી હતો. જો કે હોટલવાળાં રેડી ન હતા એટલે ચા-નાસ્તો કરવા બહાર જવું પડ્યું. પેટ્રોલ વગેરે ચેક કર્યા બાદ ચેક આઉટ કર્યું.
આહ… ફરીથી રાઈડીંગ આજે લાંબુ જવાનું છે. છેક અમદાવાદ સુધી. કોઈપણ ભોગે. આજે વિક્રાંત લઈને નીકળ્યા બાદ વારંવાર તરસ લાગતાં ઘણી વખત ઉભું રહેવું પડ્યું. ખાનપુર આગળથી શોર્ટ કટ લીધો ત્યાં કોઈક ઉંધા રસ્તે ચડી ગયો. સીંગલ પટ્ટી તો જોયાં હતા અહીંયા અડધી પટ્ટી ટાઈપનો રસ્તો હતો. કેટલાંક કિલોમીટર સુધી વેરાનમાંથી કાચો રસ્તો જતો હતો. કોઈ આંતરીને લુંટીને મારીને ફેંકી દે તો પણ ખબર ન પડે. આવા વિચારો કરતાં કરતાં વિક્રાંત ચલાવ્યે રાખ્યું. સદ્નસીબે કોઈ લુંટવા ન આવ્યું. હું ગામમાં પહોંચી ગયો. ત્યાંથી ફરી મેઈન રસ્તો બાદમાં હાઈવે પકડ્યો અને પેટ્રોલ ટેંક ફુલ કરાવી.
આજે કંઈ ખાસ ન બન્યું સિવાય કે તરસને કારણે વારંવાર ઉભા રહેવું પડતું હતું. એનાં પરીણામે દર ૧૦૦ કિ.મી.એ મોટરસાયકલ ઠંડી કરવી નહોતી પડી. ક્યાંક ક્યાંક ચા પાણી નાસ્તો કરતાં આગળ વધી રહયો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પાલીમાં જમ્યો. અડધો પોણો કલાક રેસ્ટ બાદ ફરી ઉપડ્યો. કમસેકમ ૧૦૦ કિ.મી સુધી બાઈક રોકવી નથી. પણ તરસે આજે પરેશાન કરી મુક્યો હતો. એ પછી જયાં પણ થોભો. પહેલાં પાણી પીઓ બાદમાં વોશરૂમ જાઓ. ક્રમ બનાવી લીધો.
ઢળતી બપોરે ખ્યાલ આવ્યો કે તરસમાં ને તરસમાં ટાર્ગેટ કરતાં ધીમો ચાલી રહયો છું. હવે સવાસો કિ.મી થયા બાદ બાઈક ઉભી રાખતો હતો. બીજી નોંધવા જેવી વાત એ બની કે આવતી વખતે રસ્તો બદલાઈ ગયો હતો. લાડનું બાદ નિંબી જોધન આવ્યું ત્યાંથી ડાબી બાજુનો રસ્તો લઈ મેડતા, સોજત, પાલી, સિરોહી થઈ આબુ રોડ પકડ્યો. ગઈકાલે સવારે અમૃતસરથી નીકળ્યો ત્યારે મેડતા સુધી પહોંચવાનો ટાર્ગેટ હતો જે પુરો નહોતો થયો.
એની વે, સાંજે ચાર ની આસપાસ સિરોહીની આસપાસ ક્યાંક પહોંચ્યો, જયાં પાણી પીધા બાદ પાલનપુરમાં રોકાયો. ટીલ પર બેઠેલાં યુવાને બાઈક જોઈને પુછપરછ કરી. કશ્મીર ટ્રીપની વાત સાંભળતા ખુશ થયો. આવું જો કે આજે સવારથી ચાલુ જ હતું. જયાં રેસ્ટ માટે રોકાઉ એ બધા જ સાંભળીને આશ્ચર્ય પામતાં હતા. ઉંઝા, મહેસાણા પહોંચ્યા બાદ અંધારુ થતાં મચ્છરોનો ત્રાસ વધી ગયો. હેલ્મેટના કાચ સાથે અથડાતાં મચ્છરોનો ટક ટક એવો અવાજ થતો હતો. વારંવાર કાચ હાથ વડે લુછતો હતો બાદમાં ટ્રાફીક નડ્યો.
એકધારું ચલાવતાં ઘરે પહોંચ્યો ત્યારે ઘડીયાળમાં એકઝેટલી નવને ત્રીસ થઈ હતી. કિલોમીટર ચેક કર્યા. આઠ સો. સમય સાડા પંદર કલાક. ઘરે ફ્રેશ થઈને ફરી પાછો બહાર નીકળ્યો. સાડા દસે બોસને મેસેજ કર્યો કે આવતીકાલે સવારે ઓફીસે આવું છું. સાડા પંદર કલાકની યાત્રા બાદ પણ રાત્રે અઢી-ત્રણ વાગ્યા સુધી જાગું છું. કોઈ થાક નથી, હજુ પણ વિચારું છું એ શરીરનો કમાલ છે કે વિક્રાંતનો ?
આજનાં આઠસો કિલોમીટર
૩, મે ર૦૧૮
P.S. દુનિયા એક પુસ્તક છે અને જે લોકો મુસાફરી કરતાં નથી એ ફકત એક જ પાનું વાંચે છે.
– અજ્ઞાત
***