Bhagwan shree vishnu ane utkarantivaadna praneta in Gujarati Spiritual Stories by Parakh Bhatt books and stories PDF | ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન વચ્ચે કોઈ સામ્યતા ખરી?

Featured Books
Categories
Share

ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન વચ્ચે કોઈ સામ્યતા ખરી?

ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન વચ્ચે કોઈ સામ્યતા ખરી?

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને શિષ નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસદ નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ આ કાચી વયમાં આપણી મહાન સંસ્કૃતિનાં ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! હકીકત એ છે કે ઈન્ડિયન માયથોલોજીને આપણે જાતે જ મિથ (માન્યતા)નું સ્વરૂપ આપી દીધું છે.

ધર્મ અને વિજ્ઞાનનાં સમન્વય એવાં આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવાં બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે.

માનવશરીરનાં ઘટકતત્વથી શરૂઆત કરીએ. ડીએનએ (ડિઓક્સિરિબો ન્યુક્લ્યિક એસિડ). જેને સામાન્યતઃ આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મદર્શકયંત્રમાં પણ જોઈ ન શકાય તેવાં આ રંગસૂત્રની એક જોડીનાં પ્રતાપે ગર્ભ ધારણથી શરૂ કરી માનવ-શરીર ધીમે-ધીમે પોતાનો આકાર ધારણ કરે છે. રંગસૂત્રોની હારમાળા સંયુક્ત રીતે શરીરરચનામાં અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વીનાં સર્જન બાદ તેનાં પર સૌપ્રથમ એકકોષી જળચર જીવો નિર્માણ પામ્યા. એકકોષી (જેમકે અમીબા)નાં અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકો ફક્ત થોડા દાયકા પહેલા માહિતગાર થયા પરંતુ તેનાં વિશેની વિગતવાર માહિતી ઋગ્વેદની એક ઋચામાં આદિકાળથી આપવામાં આવી છે :

यदक्रन्द: परथमं जायमान उद्यन समुद्रादुत वा पुरीषात ।

शयेनस्य पक्षा हरिणस्य वाहू उपस्तुत्यं महि जोतं ते अर्वन ॥

ઋગ્વેદ ૧-૧૬૩-૧

(સાદો અર્થ : જીવસૃષ્ટિનો ઉદભવ જળમાં થયો છે.)

શ્રી વિષ્ણુનાં નવ અવતારો પૈકીનાં સૌપ્રથમ મત્સ્ય અવતારનો ઉલ્લેખ તો આજથી કરોડો વર્ષ પહેલાનાં આપણા શાસ્ત્રોમાં જોવા મળ્યો છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદનાં અસ્તિત્વ પહેલા પણ વિષ્ણુનાં નવ અવતારોની પૂજા-અર્ચના થતી હતી. ઉત્ક્રાંતિનાં બેનમૂન ઉદાહરણમાં જેનો સમાવેશ કરી શકાય તેવા મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુધ્ધ અવતારોની ગાથા નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ. પરંતુ આજ સુધી તેને વિજ્ઞાન સાથે કનેક્ટ કરવાની તસ્દી બહુ ઓછા લોકોએ લીધી છે. આ નવ અવતાર વિશે એક બાબત ખાસ નોંધવાલાયક છે. પહેલા અવતારથી લઈને છેલ્લા અવતારનાં શારીરિક બંધારણમાં ક્રમિક વિકાસ જોવા મળે છે. મત્સ્ય અવતાર—જેનું અવતરણ પાણીમાં થયું, ત્યારબાદ કુર્મ એટલે કે કાચબો—જે પાણી અને જમીન બંને સ્થળે (ઉભયજીવી) જીવી શકે છે, વરાહ—જે ઉભયજીવી છે, ત્યારબાદ નરસિંહ—જે સંપૂર્ણપણે ભૂચર જીવ છે, તથા બાદમાં ક્રમશઃ વામન, પરશુરામ અને બાકીનાં તમામ અવતારો શારીરિક રીતે ઘણા મોટા ફેરફારનાં સાક્ષી બન્યા છે. ઈ.સ. ૧૮૫૯માં ડાર્વિને સાબિત કરેલા સિધ્ધાંત મુજબ, જીવસૃષ્ટિમાં વસવાટ ધરાવનાર પ્રત્યેક જીવ, પોતાની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આસપાસનાં વાતાવરણ પ્રમાણે અનુકૂળ થઈ ક્રમશઃ વિકસિત થાય છે. માણસજાત વાનર પ્રજાતિનું ઉત્ક્રાંતિક સ્વરૂપ છે તે હકીકતથી સૌ બરાબર રીતે વાકેફ છે. વર્ષો વીતતાં ગયા અને વાનરની પૂંછ માણસનાં કરોડરજ્જુનો અંતિમ હિસ્સો બનીને રહી ગઈ. આપણા પુરાણોમાં ડીએનએ શબ્દને ‘त्वष्टा’ અને ‘विवस्वत’ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેનાં અમુક ખાસ ચિહ્નો પણ અત્યંત જૂના સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે :

***

માછલી જેવું દેખાતું આ ચિહ્ન, રક્તકણમાં રહેલા કોષ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

માછલીની ઉપર ઉમેરાયેલી ત્રિકોણાકાર ટોપી ટેલોમર સૂચક છે. (જે કોષનાં વિભાજન માટે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે.)

કોષમાં રહેલ રંગસૂત્રની જોડીનું પ્રતિક..

કોષ-કોષિકા-રક્તકણ-શ્વેતકણ કે કણાભસૂત્રની વિભાવનાઓને વિવિધ ગ્રંથ-સંહિતામાં માર્મિક ભાષા વડે સમજાવવામાં આવી છે. મહર્ષિ ચરક લિખિત ‘ચરકસંહિતા’ દવાઓ માટેનો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. આયુર્વેદ વડે ભલભલા રોગનો સમૂળગો નાશ શક્ય છે. કૃષ્ણચરિત્રમાં સાંદીપનિ મુનિનાં આશ્રમનાં એક પ્રસંગ સમયે જે અશ્વિનીકુમારોનું વર્ણન છે તેમને આપણા શાસ્ત્રોએ સૌથી જૂનામાં જૂના વૈદ્યોનું સ્થાન આપ્યું છે. જ્યારે આજની પરિસ્થિતિ તરફ મીટ માંડીએ ત્યારે સમજાય છે કે આધુનિક મેડિકલ સાયન્સ અવનવા રોગો સામેની લડતમાં ઉણું ઉતરી રહ્યું છે. એક રોગને ડામવા જતાં બીજી જીવલેણ બિમારી જન્મ લઈ રહી છે. વાઈરસ અને બેક્ટેરિયાએ સમય સાથે પોતાની પ્રતિકારકતામાં વધારો કર્યો છે જેનાં પ્રતાપે વર્ષોથી ચાલી આવતી એન્ટિબાયોટિક્સ હવે શરદી જેવી સામાન્ય બિમારીમાં પણ અસરકર્તા નથી રહી! વૈજ્ઞાનિકો પાસે હવે રંગસૂત્રની મદદ લીધા વગર છૂટકો નથી. શરીરનાં રોગગ્રસ્ત રંગસૂત્રને સ્થાને નવા સ્વસ્થ રંગસૂત્ર બેસાડવાની પ્રક્રિયા પર વિવિધ પ્રયોગો થઈ રહ્યાં છે. રંગસૂત્રોની ત્રેવીસ જોડીમાંથી રોગકર્તા રંગસૂત્રની જોડીને ફેરબદલ કરવાની આ પ્રક્રિયા વિશે વૈજ્ઞાનિકો હજુ ઘણા અસમંજસમાં છે.

bhattparakh@yahoo.com