અર્ધ અસત્ય.
પ્રકરણ-૧૫
પ્રવિણ પીઠડીયા
અભયને આશ્વર્ય થયું હતું કે અનંતે કેમ મયુરસિંહજી અને દિલિપસિંહજી વિશે કંઇ જણાવ્યું નહોતું? કદાચ એ એટલું અગત્યનું નહી હોય છતાં જાણવું જરૂરી હતું એટલે અનંતને તેણે એ બાબતે સવાલો કર્યાં હતા.
તેને એક અલગ વિચાર પણ ઉદભવતો હતો કે આખરે ઠાકોર પરિવારની કહાની જાણીને તેને શું ફાયદો થશે? શું એનાથી તે એવું તો સાબિત કરવાં નહોતો માંગતો ને કે પરિવારનાં જ કોઇ સભ્યે પૃથ્વીસિંહજીને ગાયબ કર્યાં છે? અભયને ખુદ પોતાનાં જ વિચાર ઉપર હસવું આવ્યું. એ શક્યતા સાવ ધૂંધળી જણાતી હતી. આવી વાતોમાં સમય બગાડવાં કરતા જે સમયે પૃથ્વીસિંહજી ગાયબ થયા હતા ત્યારનો જો પોલીસ ઈન્વેસ્ટિગેશન રેકોર્ડ ખંગાળવામાં આવે તો કેસમાં આગળ વધવાની શક્યતાઓ ઉજળી દેખાતી હતી. અનંતે જણાવ્યું હતું કે રાજપીપળા પોલીસ ચોકીમાં આગ લાગવાથી ત્યાંનાં તમામ રેકોર્ડ્સ ભરૂચ હેડ બ્રાન્ચે ખસેડાયા હતા એટલે સૌથી પહેલા તો ભરૂચ જઇને ઈન્કવાયરી કરવી જોઇએ. જો એ રેકોર્ડ સચવાયા હશે અને તેમાં પૃથ્વીસિંહજીની ફાઇલ મળી આવે તો કમસેકમ એટલો ખ્યાલ ચોક્કસ આવે કે પોલીસે કઈ દિશામાં તપાસ કરી હતી અને તેનું પરિણામ શું આવ્યું હતું! અહીં બેસીને ખાનદાનની હિસ્ટ્રી જાણવા કરતાં એ બહેતર વિકલ્પ હતો એવું તેને લાગતું હતું. તેનું ચાલ્યું હોત તો તેણે એવું કર્યું પણ હોત પરંતુ તેણે સામે ચાલીને અનંતને ઠાકોર પરિવારની હિસ્ટ્રી જાણવાની તાલાવેલી દર્શાવી હતી એટલે હવે અધવચ્ચેથી તેને અટકાવી શકે તેમ નહોતો. ઉપરાંત, બીજુ કારણ બહાર ધોધમાર વરસતો વરસાદ હતો જે તેને અહીંથી જતાં રોકી રહ્યો હતો. આ વરસાદમાં ભરૂચ પહોંચવું તો દૂરની વાત રહી, તે રાજગઢની બહાર પણ નીકળી શકે એમ નહોતો. જો કે તેનો પોલીસ ઓફિસર તરીકેનો અનુભવ કહેતો હતો કે કોઇપણ કેસમાં ઘણી વખત એક નાનકડી બાબત પણ સૌથી વધું અગત્યની સાબીત થતી હોય છે. અને એટલે જ કદાચ તે ઠાકોર પરિવારનાં દરેક સદસ્યનો ભુતકાળ જાણી રહ્યો હતો.
“મયુરસિંહજી અને દિલિપસિંહજી... એમનું શું થયું હતું? એ હવેલીઓ કેમ ખાલી પડી છે?” તેણે પૂછયું હતું. સામાન્ય જણાતાં આ પ્રશ્નનો ઉત્તર ખરેખર ઘણો ગંભીર હતો. સવાલ સાંભળીને અનંત ખચકાયો હોય એવું અભયને લાગ્યું. વાતો-વાતોમાં ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હતો. લગભગ બે કલાકથી તેઓ બેઠા હતા અને એ દરમ્યાન સતત ચા પીવાતી રહી હતી છતાં આ પ્રશ્ન સાંભળીને અનંતે ફરીથી ચા નો કપ ભર્યો હતો. એ બહાને જાણે તે શબ્દો ગોઠવવા માંગતો હોય અથવા તો કોઇ કહાની ઘડવા માંગતો હોય. કપ ભરીને વરાળ નીકળતી ચા નો એક ધૂંટ ગળા નીચે ઉતારી તેમણે ગળું ખંખેર્યું.
“એ દુઃખદ કહાની છે. જો બીજો કોઇ સમય હોત તો આ પ્રશ્નનો જવાબ આપવાનું હું પસંદ ન કરત, પરંતુ તારે સચ્ચાઈ જાણવી જરૂરી છે જેથી એ બાબતે તું ક્લિયર થઇ શકે. મને નથીં લાગતું કે એ ઘટનાને આ કેસ સાથે કંઇ લાગતું-વળગતું હોય, છતાં તું સાંભળ.” અનંતસિંહ સોફામાં સરખા ગોઠવાયા અને છાતીમાં એક ઉંડો શ્વાસ ભર્યો. “વાત એમ છે કે મારાં બન્ને કાકાઓનાં મોત કોઇ અજાણી બિમારીને લીધે થયાં હતા. એવી બિમારી જેનો ઈલાજ કોઇ ડોકટર પાસે નહોતો. બધા ઘણું દોડયા હતા છતાં તેમને બચાવી શકાયા નહોતાં.”
“બિમારી! કેવી બિમારી?” અભયને આશ્વર્ય થયું કે કોઇને બિમારી લાગું પડે તો એમાં છુપાવાનું શું વળી! અનંત આ વાત કેહતા કેમ આટલો અચકાતો હતો!
“મને ખબર નથી.” અનંતે ફરીથી ઉંડો શ્વાસ લીધો જાણે તેને કહેતા તકલીફ થતી હોય, “આઈ ડોન્ટ નો. મેં ક્યારેય એ બાબતમાં માથું નથી માર્યું.”
“ક્યારની વાત છે આ?”
“મારા જન્મનાં બે કે ત્રણ વર્ષ પછી. સાચો સમય તો મને પણ નથી ખબર. એ વિશે વિષ્ણુંબાપુ કંઇક કહી શકે. તેમને જરૂર બધી માહિતી હશે.”
“અને એમની ધર્મપત્નિઓ? એ ક્યાં છે?”
“એ પણ હવે આ દુનિયામાં નથી.” અનંતે ધડાકો કર્યો. “તું વધું પૂંછે એ પહેલા કહી દઉં કે તેઓ પણ એ બિમારીમાં જ મૃત્યું પામ્યાં હતા જે મારા કાકાઓને હતી. પહેલાં મારી બન્ને કાકીઓ ગુજરી ગઇ હતી અને એ ઘટનાનાં થોડા સમય બાદ કાકાઓનું મોત થયું હતું. સચ્ચાઇ એ હતી કે તેમને શું બિમારી હતી એ આજ સુધી કોઇ જાણી શકયું નથી. તને તો ખ્યાલ જ હશે કે રાજ પરિવારમાં કોઈ માંદુ પડે એટલે દુનિયાભરનાં ડોકટરો હાજર થઈ જાય. પરંતુ એ ડોકટરો પણ આ કિસ્સામાં નાકામિયાબ નીવડયાં હતા.”
“ઓહ, આઇ એમ સોરી. મારે તને દુઃખી નહોતો કરવો.” અભય બોલી ઉઠયો. તેને ઘણું વિચિત્ર લાગતું હતું.
“અરે એમાં તું શું કામ સોરી કહે છે. કુદરતની મરજી આગળ કોનું ચાલ્યું છે. તેમનો ઇલાજ થઇ શકે તેમ હોત તો ચોક્કસ કરવામાં આવ્યો જ હોત. પરંતુ હવે એ ભૂતકાળની ઘટના બની ગઇ છે. એ ઘટનાને વધું ખોતરવાથી કોઇ ફાયદો થવાનો નથી. વળી આ કેસમાં એ ઘટનાનું કોઈ મહત્વ હોય એવું મને નથી લાગતું. એ ચર્ચાને અહીં પૂર્ણવિરામ કરીએ.” અનંતને એ ઘટના યાદ કરતા તકલીફ થતી હતી. અને કેમ ન થાય, આખરે એ તેના સગ્ગા કાકા-કાકી હતાં. ખૂબ જ ટૂંકા ગાળામાં જ્યારે કોઇ અંગત સ્વજન ગુજરી જાય તો ગમે તેવા કઠણ કાળજાનો માનવી પણ ખળભળી ઉઠે. અનંત પણ એકાએક ઉદાસ થઇ ગયો હતો. અભયને સૂઝયું નહીં કે શું બોલવું? તેણે પણ થોડીવાર પુરતી ખામોશી ઓઢી લીધી. હવેલીનાં દિવાનખંડમાં ગહેરો સન્નાટો પ્રસરી ગયો હતો.
@@@
ગીચ વનરાઇ ઉપર દે’માર પાણી વરસતું હતું. નાના-મોટા પહાડોનાં ઢોળાવમાં થઇને વરસાદી પાણી અસંખ્ય ઝરણાંઓ સ્વરૂપે નીચેની તરફ એક સુમધુર લયમાં વહ્યે જતા હતા. જંગલની ભીની ધરતી એકધારા વરસતાં પાણીથી તરબતર થઇ ઉઠી હતી અને ઠેક-ઠેકાણે પાણીનાં નાના તળાવો રચાયા હતાં. ધોવાઇને એકદમ ચોખ્ખા થયેલા લીલાછમ વૃક્ષો અને ઝાડી-ઝાંખરાઓને વટાવતાં એ દાદો-દિકરો ક્યારનાં ચાલી રહ્યાં હતા. વચ્ચે આવતી નદી તેમણે હમણાં જ પાર કરી હતી. નદીનાં પાણીમાં હજું ઉફાણ સર્જાયું નહોતું એટલે તેને પાર કરવામાં મુશ્કેલી નડી નહોતી. તેમની મંઝિલ વધું દૂર નહોતી. બસ.. એકાદ કિલોમિટર પછી સાત દેવીઓનું કથીત મંદિર હતું.
દાદાએ ચાલવાની ઝડપ થોડી વધારી એટલે છોકરો કેમ પાછળ રહી જાય, તેણે પણ મોટા-મોટા ડગ ભરવા માંડયાં. ગંતવ્ય સ્થળ જેમ-જેમ નજીક આવતું જતું હતું તેમ-તેમ દાદાનાં દિલની ધડકનોમાં સન્નાટો વ્યાપતો જતો હતો. લગભગ દર વર્ષે આ સમયગાળામાં તે એકલો જ અહીં આવતો. આ વર્ષે તેણે પોતાનાં પૌત્રને સાથે લીધો હતો. પાછલાં થોડા સમયથી તે પોતાનું મૃત્યુ ભાળી ગયો હતો. તે બસ હવે થોડા સમયનો જ મહેમાન છે એવું અનુભવતો હતો. જો એવું થાય તો આ સ્થળ વિશે કોઇકને માહિતી હોવી જોઇએ એવી મંશાથી તેણે પૌત્રને સાથે લીધો હતો કે જેથી પોતાની ગેરહાજરીમાં તે અહીં આવે અને સાત દેવીઓનાં દર્શન કરે. એ સાત દેવીઓ કોણ હતી એ રહસ્ય તે એકલો જ જાણતો હતો. તેનાં કબીલાનાં લોકોને પણ ખબર નહોતી કે આખું વર્ષ ખાટલામાં પડયો રહેતો અશક્ત વૃધ્ધ ડોસો એકાએક કેમ સાજો થઇ જતો અને એક દિવસ માટે ક્યાંક ચાલ્યો જતો!
“દાદુ, હજું કેટલું દૂર છે?” માથે ઓઢેલા કોથળાની કિનારીએથી દદડતાં પાણીની ધાર વચ્ચેથી નજરો ઉંચી કરીને તેણે દાદાનાં ભીના, કૃશ ચહેરા તરફ મીટ માંડીને પૂછયું.
“બસ દિકરા, આ સામે દેખાય છે એ નાનકડી ટેકરી જ વટવાની છે.” દાદાએ હેતથી જવાબ વાળ્યો. એ સાંભળીને છોકરાના ચહેરા ઉપર રાહતનાં ભાવ ઉભરી આવ્યાં અને તેના પગમાં જોમ ઉભરાયું. દાદાને પાછળ છોડીને તે ઝડપથી દોડયો હતો અને પહાડીનો ઢોળાવ ચડીને ટોચે પહોચ્યોં હતો. દોડવાથી તેની છાતીમાં હાંફ ભરાયો હતો અને શ્વાસોશ્વાસમાં તેજી ભળી હતી. પહાડીની ટોચે પહોંચીને એક ઝાડ નીચે કમરે હાથ ટેકવીને તે પોતાનાં શ્વાસોને નિયંત્રીત કરતો ઉભો રહ્યો. દાદાએ કહ્યું હતું કે આ પહાડીની પેલે પાર સાત દેવીઓનાં દર્શન કરવાનાં છે એટલે તેને એમ હતું કે એ તરફ કોઇ મંદિર હશે. પરંતુ આ શું? તેની આંખો એ તરફનું દ્રશ્ય જોઇને વિસ્ફારીત બની ગઇ હતી. આવું દ્રશ્ય પોતાની જીંદગીમાં તેણે ક્યારેય જોયું નહોતું. ઝડપથી ચાલતો શ્વાસ જાણે ગળામાં જ અટવાઈ પડયો હોય એમ સ્તબ્ધ આંખોએ તે એ દ્રશ્ય જોઇ રહ્યો.
(ક્રમશઃ)