અર્ધ અસત્ય.
પ્રકરણ-૧૪
પ્રવિણ પીઠડીયા
અનંતસિંહે અભયને ભારે દુવિધામાં મૂક્યો હતો. “તને ખબર છે પણ યાદ નથી.” એવું કહીને તેમણે અભયને વિચારતો કરી મૂકયો હતો કે તેણે પૃથ્વીસિંહજીની હવેલી ક્યાં જોઇ હતી? નાનપણથી મોટાં થયા ત્યાં સુધી તેણે આ પાંચ હવેલીઓ જ જોઇ હતી. એ સીવાય કોઇ છઠ્ઠી હવેલી હોઇ શકે એવો તો ખ્યાલ પણ ક્યારેય ઉદભવ્યો નહોતો. છઠ્ઠી હવેલી વાળી વાત કહીને અનંતસિંહે તેને મુંઝવી દીધો હતો. વળી એ હવેલીમાં ખુદ પૃથ્વીસિંહ રહેતા હતા એ વાત કેમે ય કરીને તેના ગળા નીચે ઉતરતી નહોતી. જો પૃથ્વીસિંહ ખરેખર કોઇ અન્ય હવેલીમાં રહેતા હોય તો આ સમયે પણ એ હવેલી જીવંત હોવી જોઇએ કારણ કે રાજ પરિવારની બાગડોર જેમના હાથમાં હતી એ સદસ્યની ધરોહરને કોઇ નોંધારી તો કેમ મૂકી શકે? અભયે પોતાનું મગજ કસ્યું છતાં તેને કંઇ જ યાદ આવતું નહોતું.
તેની અને અનંતની મિત્રતા સ્કુલ સમયમાં થઇ હતી. એ મિત્રતાનાં નાતે અનંત સાથે તે ઘણી વખત અહીં, આ હવેલીઓમાં આવતો. અનંત ભલે રાજ પરિવારનું સંતાન હોય છતાં તેને રાજગઢની સામાન્ય શાળામાં જ ભણવાં બેસાડવામાં આવ્યો હતો કારણ કે તેમનાં પિતા ભૈરવસિંહ સ્પષ્ટપણે માનતાં હતા કે રાજાએ જો પ્રજાનું હિત વિચારવું હોય તો પ્રજાની સાથે જ રહેવું જોઇએ. તો જ તેમને પ્રજાની સાચી તકલીફોની સમજ આવે. જીવનની સચ્ચાઇનાં પાઠ નાનપણથી જ અનંતને શિખવા મળે એ આશયથી જ તેમણે અનંતને રાજગઢની સામાન્ય શાળામાં ભણવા મૂકયો હતો.
પણ ખેર, એ બધી વાતો અત્યારે અગત્યની નહોતી. અગત્યની હતી પૃથ્વીસિંહજીની હવેલી...!
“તું મને અસમંજસમાં મૂકી રહ્યો છે અનંત. આમ પહેલીઓ પૂછવાં કરતા સીધું જ જણાવી દે ને કે એ હવેલી ક્યાં આવી છે?” અભય આખરે કંટાળ્યો હતો. તેની જિજ્ઞાસાવૃત્તિ ચરમસીમાએ પહોંચી હતી. અનંતનાં દાદા પૃથ્વીસિંહ ગાયબ થયા તેના કરતા પણ વધું મોટુ રહસ્ય આ હવેલી હોય એવું તેને પ્રતિત થતું હતું. તે આતૂરતા પૂર્વક અનંતનાં ચહેરાને તાકી રહ્યો.
“તારી યાદદાસ્ત કમજોર થઇ ગઇ લાગે છે દોસ્ત. એક પોલીસ ઓફિસર માટે આ પરિસ્થિતિ ઠીક ન ગણાય. તું કહે છે તો જણાવી દઉં છું પરંતુ મારું સ્પષ્ટ માનવું છે કે એક પોલીસમેનની મેમરી હંમેશા તિક્ષ્ણ જ હોવી જોઈએ.” અનંતસિંહે નાનકડું ભાષણ આપી દીધું. અભયને તેની વાત સમજાતી હતી પરંતુ હવેલી વિશે તે તદ્દન અજાણ હતો.
“ઠીક છે યાર, બને કોઇ દિવસ. એ નાનપણની યાદો હતી એટલે ભૂલાઈ ગઇ હોય. પણ તને તો યાદ છે ને, તો કહેતો કેમ નથી?” અભય બોલી ઉઠયો. વાત લંબાવવા કરતાં હવેલીનું રહસ્ય જલદી જાણી લેવાની તેની જિજ્ઞાસા ઉછાળા મારતી હતી.
“ રિલેક્ષ યાર, મજાક કરું છું તારી સાથે. અમેરિકાથી રાજગઢ હું એટલા માટે આવ્યો હતો કે દુનિયાથી અલિપ્ત બનીને શાંતીથી થોડો સમય વીતાવી શકું. પરંતુ અહીં આવ્યો અને દાદાનું ચિત્ર જોયું ત્યારથી મારાં જીવનમાં જાણે ઉથલ-પાથલ મચી ગઇ હોય એવું મને લાગે છે. એ સમયે એકાએક તું મળ્યો ત્યારે થોડી રાહત ઉપજી કે ચાલો કમસેકમ દાદાની તપાસ તો યોગ્ય હાથોમાં ગઇ છે. મારું ટેન્શન થોડું હળવું થયું. એ હવેલી વિશે તને કહું તો અહીંથી ત્રણેક કિલોમિટર દુર... જંગલ વિસ્તારમાં એક બહું મોટું ખંડેર છે. તને ભલે યાદ ન હોય, પરંતુ નાનપણમાં આપણે ઘણી વખત મિત્રો સાથે ભેગા મળીને ત્યાં રમવા જતાં. અત્યારે આપણે બેઠા છીએ એ હવેલીઓની પછીતેથી જ, એક જમાનામાં ત્યાં સુધી જવાનો પાકો માર્ગ સુધ્ધા હતો. એ માર્ગ અને એ હવેલી ઉપર હાલ તો જંગલે કબ્જો જમાવ્યો છે એટલે હવે એ તરફ કોઇ જતું નથી પરંતુ કોઇક જમાનામાં એ જ રાજગઢની મુખ્ય હવેલી હતી.” અનંતસિંહે વિસ્તારથી કહ્યું.
“જો એવું હોય તો એ જગ્યા અત્યારે ખંડેર શું કામ છે? રાજગઢની શાન ગણી શકાય એવી હવેલી એકાએક ખંડેરમાં તબદીલ કેમ કરતાં થઇ ગઇ? શું કોઇને તેની સાર-સંભાળ રાખવામાં રસ નથી?” અભયે પોતાના મનમાં ઘોળાતા કેટલાંય સવાલો એક સાથે પૂછી નાખ્યાં.
“કોને રસ હોય અને કોણ રાખે સંભાળ? તેં બાજુમાં જ આવેલી મારા કાકાઓની હવેલીઓની દશા જોઇ? માત્ર થોડા વર્ષોથી બંધ પડેલી એ હવેલીઓની જો આ હાલત થતી હોય તો પછી દાદાની હવેલી તો અહીંથી ઘણે દૂર છે. વળી જ્યારથી રાજપાટ ખતમ થયા હતા ત્યારથી ભારતનાં મોટાભાગના રાજ પરિવારોની નાણાકીય હાલત કથળી ગઇ હતી. એક સમયે અત્યંત જાહોજલાલી ભોગવતા રાજા-મહારાજાઓ એકાએક સરકારી ખેરાત ઉપર જીવવા લાગ્યાં હતાં. ભાગ્યે જ થોડા રજવાડા એવા હતા જેમણે સમયની ચાલ પારખીને આગોતરું આયોજન કર્યું હતું અને એ પરિવારો જ આજે વ્યવસ્થિત કહી શકાય એવું જીવન જીવે છે. બાકીના તો હવે નામનાં જ રાજા રહ્યાં છે. રાજગઢની હાલત પણ એવી જ છે. ઉપર-ઉપરથી તો બધું સારું દેખાય છે પરંતુ અંદરથી ઠાકોર પરિવાર ખખડી ગયો છે. આ તો ઠીક છે કે મારાં પરદાદા વિક્રમસિંહે અને પછી દાદા પૃથ્વીસિંહે પોતાની કાબેલીયત અને કુનેહથી થોડી દોલત અને મિલકતો બચાવીને રાખી છે જેના કારણે આજે ઠાકોર ખાનદાનનો રૂતબો થોડો ઘણો સચવાઇ રહ્યો છે. પરંતુ તેમના ગયાં પછી બધું વિખેરાઇ ગયું એમ કહી શકાય. એકમાત્ર મારાં પિતાજીએ કંઇક અલગ વિચાર્યું અને રાજગઢ છોડીને મુંબઈમાં પોતાનો આગવો બિઝનેસ જમાવ્યો. હવે તું જ વિચાર, આવા સમયે રાજગઢની હવેલીઓની સંભાળ કોણ રાખે? કોણ આ ધરોહરને સાચવવાનું બીડું ઝડપે? તને સમજાય છે હું શું કહું છું એ?” અનંતસિંહે રાજ-પરિવારની જે વરવી હકીકત હતી એ વિસ્તારથી વર્ણવી અને અભયને પૂછયું.
અભયના મનમાં ઉલઝેલાં સવાલોનાં જાળાં એ કથનીથી થોડા ક્લિયર થયા હતા. અનંતસિંહની વાત સાચી હતી. તેણે આ પાંચ હવેલીઓમાંથી ત્રીજા અને ચોથા નંબરની હવેલીઓની ખસ્તા હાલત નિહાળી હતી. ગણતરીનાં માત્ર થોડા વર્ષોમાં જો એ હવેલીઓ ખંડેર બની શકતી હોય તો પછી પૃથ્વીસિંહની હવેલી તો તેઓ ગાયબ થયા ત્યારથી ખાલી પડી હતી એટલે જેમજેમ વર્ષો વીતતા ગયા હશે એમ તે જંગલનો જ એક હિસ્સો બની ગઈ હતી. તેમાં કોઇ નવાઇ પામવાં જેવું કશું નહોતું. તે અને અનંતસિંહ મિત્રો સાથે નાનપણમાં એ હવેલીએ રમવા જતાં એ વાત પણ સાચી હતી. અભયની સ્મૃતિ-પટલ ઉપર છવાયેલી ધૂંધળાશ ધીમેધીમે દૂર થઇ હતી. તેને યાદ આવતું હતું કે આ પાંચ હવેલીઓની પાછળનાં ભાગેથી એક રસ્તો નીકળતો હતો જે થોડે દૂર ગાઢ જંગલ વિસ્તારમાં વિશાળ જગ્યામાં પથરાયેલી એક જર્જરીત હવેલી સુધી પહોંચતો હતો. એ ખંડહર જ કોઈક જમાનામાં ઠાકોર ખાનદાનનાં મુખિયા પૃથ્વીસિંહજીનો ભવ્ય મહેલ હશે એવો ખ્યાલ તો ત્યારે ક્યાંથી હોય!
અભય રોમાંચીત થઇ ઉઠયો. નાનપણમાં પૃથ્વીસિંહની હવેલીએ તે રમવા જતો હતો એ વિચાર જ જબરી ઉત્તેજના પેદા કરનારો હતો. હવે એ જ પૃથ્વીસિંહનું શું થયું હતું અને એકાએક તેઓ ક્યાં ગાયબ થઇ ગયા હતા એ તેણે શોધવાનું હતું.
અનંતસિંહની વાતો ઉપરથી કેટલાક તારણો તેણે કાઢયાં હતા. ઠાકોર ખાનદાનનો ઇતિહાસ જાણ્યો હતો અને તેમાથી અમુક મુદ્દાઓ તેણે અલગ તારવ્યાં હતા. સૌથી પહેલો મુદ્દો એ હતો કે પૃથ્વીસિંહજીની અગાઉની પેઢીઓમાં સંતાનરૂપે મોટેભાગે એક જ બાળક જન્મતું હતું. એ શિરસ્તો પૃથ્વીસિંહજીથી બદલાયો હતો અને તેમને ત્યાં પાંચ સંતાનો થયા હતા એ બીજો મુદ્દો ગણી શકાય. ત્રીજો મુદ્દો એ કે પાંચ સંતાનોમાં બે બે વખત જોડીયા બાળકો જન્મયા હતા. ચોથો મુદ્દો અચરજ પમાડે એવો હતો કે એ પાંચમાંથી એક, એટલે કે ભૈરવસિંહને ત્યાં સંતાન રૂપે અનંતસિંહનો જન્મ થયો હતો જ્યારે બાકીનાં ત્રણ ભાઈઓ ઘણી કોશિશો છતાં સંતાન વિહીન રહ્યાં હતા. પાંચમો મુદ્દો એ કે પૃથ્વીસિંહજીનાં એકમાત્ર સ્ત્રી સંતાન વૈદેહીસિંહ આજીવન કુંવારા હતા. છઠ્ઠો મુદ્દો.. જંગલમાં ખંડેર બની ચૂકેલી પૃથેવીસિંહજીની હવેલી. સાતમો મુદ્દો... ત્રીજા અને ચોથા નંબરની ખાલી હવેલીઓ! અભય એકાએક અટકયો હતો.
“મયુરસિંહજી અને દિલિપસિંહજી... એમની શું કહાની છે?” તેણે પૂછયું. સમગ્ર ઘટનાક્રમમાં આ વાતનો તો કોઇ ઉલ્લેખ જ થયો નહોતો. આખરે એ હવેલીઓ કેમ બંધ પડી હતી?
(ક્રમશઃ)