Maro Shu Vaank - 8 in Gujarati Moral Stories by Reshma Kazi books and stories PDF | મારો શું વાંક ? - 8

Featured Books
Categories
Share

મારો શું વાંક ? - 8

મારો શું વાંક ?

પ્રકરણ - 8

સવાર પડતાની સાથે રહેમતની આંખ ખૂલી ગઈ. ઈરફાન હજી સૂતો તો.... સૂઈ રહેલા ઇરફાનને રહેમત એકીટશે જોઈ રહી. ટીવીમાં ફિલમમાં જોયેલા ફૂટડા હીરો જેવો ઈરફાન એને લાગતો હતો.

રહેમત નાહી-ધોઈને તૈયાર થઈ ગઈ અને પલંગ ઉપર રહેલા પોતાનાં ઓઢણાને લેવા આગળ વધી. નીચે સૂતેલા ઇરફાનને ટપીને ઓઢણું લેવા જતી રહેમત ધડામ સાથે ઈરફાન ઉપર પડી. શરીર ઉપર ધડામ સાથે વજન આવવાને કારણે ઈરફાન સફાળો ઊંઘમાંથી જાગી ગયો અને બોલવા લાગ્યો.... કોણ છે? કોણ છે?

ઇરફાને આંખ ખોલીને જોયું તો રહેમત તેના ઉપર પડેલી હતી. લગન થયા પછી રહેમતને આટલી નજીકથી તેણે પહેલી વાર જોઈ. રહેમતનાં ભીના વાળની લટોમાંથી પાણીનાં ઠંડા ટીપાં ઇરફાનનાં ગાલ ઉપર ટપ-ટપ પડી રહ્યા હતા. રહેમત તેનાથી આટલી નજીક હોવાનાં કારણે તેના શરીરમાંથી આવતી મહેકને તે મહેસૂસ કરી રહ્યો હતો. થોડીવાર સુધી બંને એ જ અવસ્થામાં પડ્યા રહ્યા. ઇરફાનની નજર રહેમતની અણીયાળી આંખો અને માસુમિયતથી છલકાતાં ચહેરા પરથી હટતી જ નહોતી.

ત્યાં તો રહેમતે વળી પાછું એનું રડવાનું બ્યૂગલ ચાલુ કર્યું અને બોલવા લાગી... મારે મારા અબ્બા પાસે જવું છે, અહિયાં મને નથી ફાવતું, મારાથી બધા કામ ઊંધા જ થાય છે. ત્યાં તો ઇરફાનના પગમાં સણકો આવ્યો અને પગમાં સખત દુખાવો થવા લાગ્યો. રહેમતનાં ધડામ સાથે પડવાના કારણે તેના આખા શરીરનો વજન તેના પગ ઉપર આવી ગયો હતો.

રહેમતનાં બંને બાવળા પકડીને ઇરફાને તેને ઉઠવામાં મદદ કરી અને પોતે જેવો ઊભો થયો કે પગમાં પાછો બીજો સણકો ઉપડ્યો જેના કારણે તે થોડો લંગડો ચાલવા લાગ્યો અને નહાવા જતો રહ્યો.

રહેમત ઓરડામાંથી બહાર આવી ત્યાં જીન્નતબાનું બોલ્યા ... હાલ બેટા! ચા-નાસ્તો કરી લે અને ઈરફાન કાં હજી સુધી બાર નથી આયવો? ત્યાં રહેમત બોલી ઉઠી... અમ્મા! ઈરફાન નહાવા ગયો છે. ત્યાં જ શબાના એ એને ટોકી કે.. ”નાનકી ! આ શું બોલે છે? ઈરફાન ભાઈ તારા ઘરવાળા છે અને એમનું તારે આમ નામ ના લેવાય અને તુકારો ના દેવાય. તમે એમ કહીને બોલાવાય”. રહેમત બોલી.... ભલે આપા! હવે નહીં કહું. રહેમતની વાત સાંભળીને જિન્નત બાનું, શકુર મિયાં અને જાવેદનાં ચહેરા ઉપર હલકું હાસ્ય રેલાઈ ગયું.

ઈરફાન તૈયાર થઈને આવી ગયો અને બોલ્યો... અમ્મા! ચા-નાસ્તો દો, મારે કોલેજ જવાનું મોડું થાય છે. થોડોક લંગડાતો ચાલતો ઈરફાન જમીન ઉપર બેસી ગયો. ત્યાં જિન્નતબાનું ગુસ્સાથી બોલ્યા... હજી કાલે તો વહુ ઘરે આવી છે ને પાછું કોલેજ જાવું છે? થોડાક દી’ની રજા લઈ લે ને.... ઈરફાન બોલ્યો... ના અમ્મા! મારી પરીક્ષા આવે છે, રજા પાળવી નહીં પોસાય.

જાવેદ ઇરફાનની આંખ નીચે થયેલી કાળાશ જોઈને બોલ્યો... ઈરફાન! આ આંખ નીચે શું થયું? અને લંગડાતો કેમ ચાલે છે? પગમાં કઈ વાયગું છે? ઈરફાન રહેમત સામે જોવા લાગ્યો કે તરત રહેમતે પોતાનું મોંઢું નીચું કરી દીધું. ઈરફાન બોલ્યો... કઈં નહીં ભાઈ! કાઈંક વાગી ગ્યું છે પણ શું વાયગું એ ખબર નહીં રહી.

ચા-નાસ્તો પતાવીને બેગ લઈને ઈરફાન કોલેજ જાવા નીકળ્યો કે શબાના બોલી... ઈરફાન ભાઈ... આ છોકરાવને રસ્તામાં નિશાળે ઉતારતા જાજો. ઈરફાન બોલ્યો..... ભલે ભાભી! છોકરાઓનાં બેગ લાવો. શબાના બોલી... નાનકી! જા તો.... છોકરાવનાં થેલા લટકાવી આવ. ભલે આપા, જાઉં છું... કહીને રહેમત બેગ લઈને બાઇક પાસે ગઈ.

ત્રણેય છોકરાઓ બાઈકમાં ગોઠવાઈ ગયા અને મરિયમ બોલી... કાકી તમેય બેસી જાવને. રહેમત બોલી... પણ હું ક્યાં બેસું? ત્યાં તો નાનકો સફી બોલ્યો.... કાકાનાં ખોળામાં.... અને ત્રણેય જણાં જોર-જોરથી તાળીઓ પાડીને હસવા માંડ્યા. ઇરફાનેય હસવા માંડ્યો. ઇરફાનને હસતો જોઈને રહેમત શરમાઈને ઘરમાં જતી રહી.

લગભગ રાતે આઠ વાગે ઈરફાન ઘરે આવ્યો. આખું પરિવાર સાથે જમવા બેઠું. જમી પરવારીને ઈરફાન ઓરડામાં ગયો. રહેમત પણ શબાના સાથે કામ પતાવીને ઓરડામાં ગઈ. તેણે જોયું કે ઈરફાન ચોપડી લઈને વાંચી રહ્યો હતો. એક ગુજરાતી વિષયની ચોપડી પલંગ ઉપર હતી તેને લઈને રહેમત વાંચવા મંડી.

ઇરફાને રહેમતને પૂછ્યું.... તને વાંચતાં આવડે છે? જવાબમાં રહેમતે કહ્યું કે હું નવ ચોપડી પાસ છું અને મને વાંચવાનો બોવ શોખ છે. તમારું કઈં લેશન હોય તો મને આપોને હું કરી દવ. ઇરફાનને એમ પણ તેની નોટ્સ પૂરી કરવાની હતી. પોતાનાં મિત્રની નોટબુક બતાવીને કહ્યું... લે... આ બુકમાંથી ઉતારો કરી દે. ઈરફાન બુકને રહેમતના હાથમાં રાખી રહ્યો હતો ત્યારે બંનેને પહેલીવાર એકબીજાનાં હાથનો સ્પર્શ થયો. પહેલીવાર બંનેને અનોખા રોમાંચનો અનુભવ થયો અને બંને જણાં એકમેકનાં શરીર અને આત્મામાં ઓતપ્રોત થઈ ગયા.

જોત-જોતામાં ઈરફાન અને રહેમતનાં લગનને બે મહિના થઈ ચૂક્યા હતા. લગન પછી રહેમતનો જન્મદિવસ આવ્યો તો , તે હવે પંદર વરસની થઈ ચૂકી હતી. એક દિવસ સવારે ઇરફાનના ગયા પછી રહેમતને ઊલટીઓ થવા મંડી હતી. જિન્નતબીબીએ રહેમતને જોઈને શબાનાને કહ્યું કે દાયણને દેખાડવું પડશે.

દાયણ ઘરે આવી અને તેણે રહેમતને તપાસી... ઓરડામાંથી બારે આવીને દાયણ કહેવા લાગી કે જિન્નતબીબી મોંઢું મીઠું કરાવો તમે દાદી બનવાના છો.... વહુને સારા દિવસો જઈ રહ્યા છે. જિન્નતબીબીને હરખનો પાર નહોતો. પંદર વરસની રહેમત ગર્ભવતી થઈ ગઈ હતી.

સાંજે ઈરફાન ઘરે આવતાં શબાના ઇરફાનને ચીડવતા કહેવા લાગી કે દેવરજી.... હવે ઘરે વહેલા આયવા કરો, થોડાક ટાઈમમાં તમારું છોકરું આવી જશે તે બાપુ-બાપુ કર્યા કરશે તે અત્યારથી જ વહેલા આવવાની આદત પાડો. ઇરફાનને શબાનાને શું જવાબ આપવો તેની કાઇં ખબર ના પડી અને તે સીધો ઓરડામાં જતો રહ્યો.

રહેમત! શું હું બાપ બનવાનો છું? ઇરફાને રહેમતને પૂછતાં રહેમતે હસતા ચહેરે જવાબ હાં માં આપ્યો. ઈરફાન બોલી ઉઠ્યો.. હજી તો મારી કોલેજેય પૂરી નથી થઈ અને આટલી જલ્દી હું બાપ બની જઈશ. આ બધુ આટલું જલ્દી કેમ થઈ ગયું? રહેમતે ઇરફાનને પૂછ્યું કે શું તમે ખુશ નથી? આપણું છોકરું આવશે.... ઈરફાન બોલ્યો.. ખુશ તો છું રહેમત પણ? ઈરફાન કઈ બોલે એ પહેલાં રહેમત બોલવા લાગી કે હું તો બોવ ખુશ છું. મારા ખોળામાં નાનું કિલકારી કરતું છોકરું હશે. પંદર વરસની છોકરી જે હજી પોતે બાળકી છે તે પોતાનું બાળક આવવાના સપના જોવા લાગી.

રહેમતનાં દાદી અને પિતાની તબિયત સારી નહીં રહેતી હોવાથી રહેમતની સુવાવડ સાસરીમાંજ થવાની હતી. હુસેનાબાનું , રાશીદ અને આસિફા પણ રહેમતના છેલ્લાં દિવસોમાં જિન્નતનાં ઘરે જ આવી ગયા હતા.

રહેમતને દુખાવો શરૂ થઈ ચૂક્યો હતો. દાયણને ઘરે બોલાવી લેવામાં આવી હતી. આખો દિવસ પારાવાર દુખાવો સહન કર્યા પછી રહેમતે રાતે અગિયાર વાગે તંદુરસ્ત છોકરાંને જનમ આપ્યો. આખા પરિવારમાં ખુશાલીનો માહોલ હતો. પંદર વરસની રહેમત અને અઢાર વરસનો ઈરફાન માતા-પિતા બની ચૂક્યા હતા.

રહેમત અને ઇરફાનનાં દીકરાનું નામ આદમ રાખવામાં આવ્યું હતું. ઈરફાન કોલેજનાં બીજા વરસમાં હતો અને છેલ્લી પરીક્ષા બાકી હતી , તે વરસ પણ પૂરું થવાની તૈયારીમાં હતું.

***