Rudra ni Premkahani - 18 in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની - 18

Featured Books
Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની - 18

રુદ્ર ની પ્રેમકહાની

અધ્યાય - 18

રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન જણાવે છે પોતાનાં રાજ્યનાં માસુમ બાળકો નો જીવ બચાવવા એને આ પગલું ભર્યું હતું.. આ સાંભળી રુદ્ર સૂર્યદંડ ની સ્થાપના કારા પર્વત પર કરે છે જેથી એનો પ્રકાશ હિમાલ દેશનાં લોકોને પણ મળે. રુદ્ર દ્વારા જે કરવામાં આવ્યું હતું એ જાણી દેવદત્ત અને ગુરુ ગેબીનાથ પ્રસન્ન થાય છે.. ગુરુ ગેબીનાથ મહા શિવરાત્રીનાં દિવસે રુદ્રને પુનઃ પોતાનાં નિવાસસ્થાને મોકલવાની વાત કરે છે. રુદ્ર મનુષ્યો દ્વારા નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિનો નાશ કરવાં પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન જોડે કુંભમેળા દરમિયાન પૃથ્વીલોક પર જવાનું આયોજન કરે છે.

રુદ્ર પોતાનાં મિત્રો શતાયુ અને ઈશાન સાથે મળીને કુંભમેળો શરૂ થાય એ પહેલાં પ્રયાગરાજ જવાં માટે નીકળવાનું આયોજન તો કરે છે પણ આ કાર્ય માટે કઈ રીતે ગુરુ ગેબીનાથ ને સમજાવવા એ મોટો પ્રશ્ન એ લોકો સમક્ષ ઉભો હતો.. હવે જો કંઈક કરવાનું મન બનાવી જ લીધું હોય તો એને કોઈપણ ભોગે પૂરું કરવાં પ્રયત્નશીલ થવું જરૂરી હતું એમ વિચારી રુદ્રએ જાતે જ મકરસંક્રાંતિનાં એક અઠવાડિયા પહેલાં ગુરુ ગેબીનાથ સમક્ષ પોતાનાં મનમાં નિમલોકોનાં ઉદ્ધાર માટે ચાલી રહેલી યોજના રજૂ કરવાનું મન બનાવી લીધું.

સવારે જ્યારે માં ભૈરવી નાં મંદિરમાંથી પૂજા ની વિધિ પુરી કરી ગુરુ ગેબીનાથ આશ્રમ ભણી આવી રહ્યાં હતાં ત્યારે રુદ્ર પણ મંદિરથી જ એમની સાથે થઈ ગયો.. રુદ્ર હજુ કંઈ બોલે એ પહેલાં તો ગુરુ ગેબીનાથે એની તરફ જોઈ પૂછ્યું.

"બોલો વત્સ.. શું દુવિધા ચાલી રહી છે મનમાં.. જેને રજૂ કરતાં આટલો બધો ખચકાટ અનુભવો છો..? "

અચાનક ગુરુ ગેબીનાથનાં આમ પુછતાં રુદ્ર અવાચક થઈ ગયો.. આમ છતાં હવે જે કહેવાનું હતું એ કોઈપણ સંજોગોમાં કહેવું જરૂરી હતું એટલે રુદ્ર એ મન મક્કમ બનાવી ગુરુ ગેબીનાથ ને પ્રણામ કરતાં કહ્યું.

"ગુરુવર, વાત જાણે એમ છે કે મને એ વાત કષ્ટ આપી રહી છે કે મનુષ્યો દ્વારા સમસ્ત નિમલોકો પર જે પાબંધીઓ મુકવામાં આવી છે એ અન્યાયી માલુમ પડે છે.. જે રીતે એમને કોઈ કારણ વગર પાતાળમાં વસતાં લાખો સજીવોની ચિંતા કર્યાં વીનાં સૂર્યપ્રકાશને પાતાળલોકમાં આવતો અટકાવી દીધો એ તો અમાનવીય કૃત્ય છે.. "રુદ્ર પોતાની વાતને રજૂ કરતાં બોલ્યો.

"રાજકુમાર, આપનું કથન ઉચિત છે પણ હવે જે થઈ ગયું છે એને બદલી તો નહીં શકાય.. આપનાં પૂર્વજો જોડે મનુષ્યોએ જે સંધિ કરી હતી એનાં લીધે નિમલોકોએ આ પરિસ્થિતિમાં જીવવું જ રહ્યું.. "ગુરુ ગેબીનાથે કહ્યું.

"તો ગુરુવર.. શું એવું શક્ય નથી કે એ સંધિ નો નાશ કરીને મનુષ્યો દ્વારા નિમલોકો પર જે પાબંધીઓ કરવામાં આવી હતી એમાંથી કાયમી છુટકારો મળી જાય..? "રુદ્ર એ ઉત્સાહિત સ્વરે પૂછ્યું.

"વત્સ.. એ સંધિ નો નાશ કરવાં માટે એ સંધિ ને શોધવી પડે પહેલાં.. કેમકે જો એ સંધિ ક્યાં છે એવી ખબર હોત તો તમારાં દાદાજી કે પિતાજી પણ એનો નાશ કરીને સમસ્ત નિમલોકો ને ભોગવવી પડતી પીડાઓમાંથી એમને છુટકારો આપી શકે એવાં સક્ષમ તો હતાં.. પણ આ કાર્ય લગભગ અશક્ય છે કેમકે મનુષ્યોએ એ સંધિ ક્યાં રાખી છે એનું રહસ્ય ફક્ત પંચરાજ જાણી શકે.. "ગુરુ ગેબીનાથે કહ્યું.

રુદ્ર ગુરુ ગેબીનાથની વાત સાંભળી એટલું તો સમજી ગયો હતો એ પોતે જે કાર્ય માટે પૃથ્વીલોક પર જવાનું વિચારે છે એ કાર્ય પોતે સમજતો હતો એટલું સરળ તો નહોતું જ.. અને જો પોતે ગુરુ ગેબીનાથને પોતે આ અશક્ય લાગતાં કામ માટે પૃથ્વીલોક પર પોતાનાં જવાની વાત કરશે તો ગુરુવર અવશ્ય એની વાતને સ્પષ્ટ નકારો આપી દેશે.. આથી થોડું સમજી વિચારીને રુદ્ર એ કહ્યું.

"પંચરાજ એટલે તો ભૂલોક પર રાજ કરતાં શક્તિશાળી પાંચ રાજાઓનો સમૂહ ને..? "

"હા વત્સ, પંચરાજમાં જંગલરાજ હુબાલી, પર્વતરાજ અમોલી, રાજા યદુવીર, રાજા શશીધર, અને પરમ શક્તિશાળી એવાં રાજા રત્નરાજ નો સમાવેશ થતો હતો.. આ પાંચેય રાજાઓમાંથી હવે તો ફક્ત પર્વતરાજ હુબાલી જ જીવિત છે.. બાકીનાં રાજાઓનાં સ્થાને એમનાં સંતાનો એમની રાજગાદી સંભાળે છે.. આ પાંચેય રાજાઓનું રાજ્ય અને સેનાબળ એટલું મોટું છે એક રાજા પૂરતો છે સમસ્ત નિમલોકો નો સામસામો મુકાબલો કરવાં માટે.. "પંચરાજ નો ટૂંકમાં પરિચય આપતાં ગુરુ ગેબીનાથે કહ્યું.

"તો પછી ગુરુવર આ સંધિને શોધીને નાશ કરવાનો વિચાર જ મૂર્ખામીભર્યો છે..? "જાણીજોઈને રુદ્ર એ ગુરુ ગેબીનાથ ને આ સવાલ કર્યો.

"રાજકુમાર, સત્ય કહ્યું.. આ કાર્ય કરવું લગભગ અશક્ય છે.. "ગેબીનાથે કહ્યું.

"ગુરુવર, મારી એક માંગણી છે જેનો તમે સ્વીકાર કરશો એવી આશા.. "ગેબીનાથ સમક્ષ હાથ જોડી રુદ્રએ કહ્યું.

"જણાવો રાજકુમાર તમારી માંગણી શું છે..? "ગેબીનાથે ચહેરા પર મૃદુ સ્મિત સાથે રુદ્રને પૂછ્યું.

"ગુરુવર, હું, શતાયુ અને ઈશાન આ વર્ષે પ્રયાગરાજ માં યોજનારાં મહા મહાકુંભમેળામાં ભાગ લેવાં પ્રયાગરાજ જવાનું વિચારીએ છીએ.. બાર-બાર મહાકુંભમેળાનાં આયોજન પછી યોજનારાં આ મહા મહાકુંભમાં જવાની મારી અને મારાં બંને મિત્રોની ઈચ્છા છે.. કેમકે ૧૪૪ વર્ષે નિર્માણ પામતો આ મહા મહાકુંભમેળાનો સંયોગ અમારાં જીવનકાળમાં હવે બીજીવાર નિર્માણ નહીં જ પામે.. તો મારી તમને વિનંતી છે કે આપ મારી આ માંગણીનો સ્વીકાર કરી મને શતાયુ અને ઈશાન સાથે પ્રયાગ સ્થળ જવાની પરવાનગી આપો. "રુદ્ર પોતાની વાત રાખતાં શાલીનતાથી બોલ્યો.

"પણ રાજકુમાર, તમે જાણતાં જ હશો કે મનુષ્યો દ્વારા નિમલોકોનો કુંભમેળામાં જવું વર્જિત કરવામાં આવ્યું છે..? "રુદ્રની વાત સાંભળતાં જ અચરજ સાથે ગેબીનાથે કહ્યું.

"ગુરુવર.. હું જાણું છું કે એ અન્યાયી સંધિ મુજબ મનુષ્યોએ નિમલોકો નું કુંભમેળામાં જવું વર્જિત કરી દીધું છે.. આમ છતાં હું ઈચ્છું છું કે હું આ વખતે કુંભમેળામાં ભાગ લેવાં અવશ્ય જાઉં.. વિશ્વાસ રાખો કે હું અને મારાં મિત્રો સહી સલામત પ્રયાગસ્થાને જઈ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી, થોડું ઘણું પૃથ્વીભ્રમણ કરી સમયસર પાછાં આવી જઈશું.. "રુદ્ર ગુરુ ગેબીનાથ ને વિશ્વાસ અપાવતાં બોલ્યો.

રુદ્ર ની વાત સાંભળી થોડું ઘણું ચિંતન કર્યાં બાદ ગુરુ ગેબીનાથે રુદ્રની તરફ જોઈને સ્મિત સાથે કહ્યું.

"વત્સ.. હું તને અને તારાં બંને મિત્રોને કુંભમેળામાં જવાં માટે સંમતિ આપું છું.. પણ મનુષ્યોથી સાચવીને રહેજો એવી મારી સલાહ પણ છે અને આજ્ઞા પણ.. "

"ધન્યવાદ ગુરુવર.. તો પછી કાલે સવારે જ હું અને મારાં મિત્રો ત્રિદેવ માર્ગ નો ઉપયોગ કરી પૃથ્વીલોક પર જવાં નીકળીએ.. કેમકે પ્રયાગસ્થળ પહોંચતાં પાંચેક દિવસ તો પસાર થઈ જશે. "રુદ્ર એ કહ્યું.

"અવશ્ય.. તમારી યાત્રામાં જરૂરી બધી વસ્તુઓ ધ્યાનથી પોતાની સાથે લઈ જજો.. અને તમે નિમ છો એવી કોઈને જાણ થાય એવાં સંજોગો ત્યાં નિર્માણ ના પામે એનું ખાસ ધ્યાન રાખજો.. બીજું તો મારાં આશીર્વાદ સદાય તમારી સાથે છે.. હર મહાદેવ.. "ગુરુ ગેબીનાથ બોલ્યાં.

"હર હર મહાદેવ.. "ગુરુજીનાં ચરણસ્પર્શ કરી મહાદેવ ની જયજયકાર બોલાવી રુદ્ર આશ્રમમાં મોજુદ પોતાની કુટીર તરફ ચાલી નીકળ્યો જ્યાં શતાયુ અને ઈશાન રુદ્રની અધિરાઈપૂર્વક રાહ જોતાં બેઠાં હતાં.

"શું થયું રુદ્ર..? ગુરુજીને તે આપણી યોજના વિશે જણાવ્યું કે નહીં..? "રુદ્રનાં કુટીરમાં આવતાં વેંત જ શતાયુ અને ઈશાન સવાલ સાથે મોજુદ હતાં.

"ગુરુજી ને હું આપણી યોજના વિશે જણાવવાની હિંમત જ ના કરી શક્યો.. "હતાશ સ્વરે રુદ્ર નાટક કરતાં બોલ્યો.

"હવે તું નાટક કરવાનું રહેવાં દે. તું અને પોતાની વાત ગુરુવર ને ના જણાવી શકે એ વાત પચાવી અઘરી છે.. "શતાયુ રુદ્ર ની નજીક આવી એનાં જમણાં ખભે પોતાનો હાથ મૂકીને બોલ્યો.

"હું સત્ય જ કહું છું કે મેં આપણી યોજના વિશે ગુરુવર ને જણાવ્યું નથી.. પણ હું કુંભમેળામાં જવાં માટેની સહમતી લઈને આવ્યો છું.. "રુદ્ર એ વારાફરથી શતાયુ અને ઈશાન તરફ જોઈને સ્મિત સાથે કહ્યું.

"પણ તે આવું કેમ કર્યું.. તારે ગુરુજીને બધું સત્ય જણાવી દેવું જોઈતું હતું.. "ઈશાન રુદ્રની નજીક આવી ધીરેથી બોલ્યો.

"મિત્રો, ઘણીવાર એવાં સંજોગો નિર્માણ પામે છે જેનો કોઈ ઉકેલ હોતો નથી.. "આમ કહી રુદ્ર એ પોતાની ગુરુ ગેબીનાથ સાથેની વાતચીતનો સંપૂર્ણ વૃતાંત કહી સંભળાવ્યો.

રુદ્રની વાત સાંભળ્યાં બાદ શતાયુ અને ઈશાનને પણ રુદ્રએ જે કંઈપણ કર્યું એ યોગ્ય જ લાગ્યું.. એટલે વધુ વિચાર્યા વગર એ બંનેએ એકસુરમાં રુદ્રને પૂછ્યું.

"તો પછી ક્યારે નીકળવું છે પૃથ્વીલોક ની યાત્રાએ..? "

"પ્રાતઃકાળ થતાં જ આપણે ત્રિદેવ માર્ગે પૃથ્વીલોક તરફ પ્રયાણ કરીએ.. "રુદ્ર શતાયુ અને ઈશાનનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"તો પછી આપણે આપણી યાત્રા માટેની જરૂરી તૈયારીઓ અત્યારે જ કરવી પડશે.. "શતાયુ બોલ્યો.

"હા.. "રુદ્ર શતાયુ ની વાતનાં પ્રતિભાવમાં ગરદન હકારમાં હલાવતાં ટૂંકમાં બોલ્યો.

આ સાથે જ રુદ્ર, શતાયુ અને ઈશાન લાગી ગયાં પોતાની પૃથ્વીલોક ની યાત્રાની તૈયારીમાં... અત્યારે જે ઉત્સાહ અને ઉમંગથી એ લોકો આગળની તૈયારી કરી રહ્યાં હતાં એ જોઈ હાલપુરતું તો એમ કહેવું અશક્ય હતું કે આ ત્રણેય મિત્રો એક એવાં કાર્યને અંજામ આપવાં જઈ રહ્યાં છે જે પૃથ્વીલોક ની સાથે-સાથે પાતાળલોકનું પણ ભાવિ બદલવાનું હતું.

★★★

વધુ નવાં અધ્યાયમાં.

રુદ્ર અને એનાં મિત્રો પૃથ્વીલોક પર પ્રવેશ કરી શકશે. ? શું એ લોકોને મનુષ્યો અને નિમલોકો વચ્ચેની સંધિ ક્યાં રાખવામાં આવી છે એની જાણ થશે..? રુદ્ર કોઈ નવી મુસીબતમાં તો નહીં ફસાઈ જાય ને..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન

The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન. આર. પટેલ (શિવાય)

***