Shatranjna Mohra - 3 in Gujarati Detective stories by Urvi Hariyani books and stories PDF | શતરંજના મોહરા - 3

Featured Books
Categories
Share

શતરંજના મોહરા - 3

શતરંજના મોહરા

પ્રકરણ - ૩

જયરાજ પરિમલ તન્ના - ડાયમંડ કિંગ !

આ નામ મુંબઈના હીરા બજારનું એક મોટું નામ ગણાતું. હીરા બજારની કોઈ પણ આંટીઘૂંટી ઉકેલવી અને તુરત નિર્ણય લેવાની જયરાજ તન્નાની ફાવટ આજે દીકરીના કિસ્સામાં જવાબ દઈ ગયેલી.

રાતનાં દોઢ વાગ્યો હતો. એ બેચેનીથી એનાં જુહુનાં બંગલામાં, એનાં જ જેવી એની તેજીલા તોખાર જેવી પુત્રી દેવયાનીની રાહ જોઈ રહેલો.

ત્રેવીસ વર્ષની દેવયાની બંગલામાં પ્રવેશી, ત્યારે એની પસંદના પરફયુમની મહેકથી દીવાનખંડ મહેકી ઉઠ્યો.

'હાય ડેડ.. !' આવતાની સાથે એ બોલી. બરાબર પાર્ટી એની રંગત પર જામી હતી. એ સમય પર એકાએક જયરાજનો કોલ આવતા એને આવવું પડેલું. જે એને બિલકુલ ગમ્યું ન હતું.

'સ.. ટા.. ક' સીધી એક થપ્પડ દેવયાનીનાં ગુલાબી ગાલ પર રસીદ થઇ.

રોષથી દેવયાનીના હાથની મુઠીઓ વળી ગઈ. ઘવાયેલી વાઘણની જેમ વળ ખાઈને એ જયરાજ સામે મોરચો માંડવા તત્પર થઇ રહી.

એક કવર જયરાજે એની સામે ફગાવ્યું. એ મેડિકલ રિપોર્ટ હતો.

દેવયાનીએ શાંતિથી કવર ખોલ્યું. રિપોર્ટ પર નામ હતું - દેવયાની જયરાજ તન્ના અને રિપોર્ટ કહી રહેલો ' પ્રેગ્નન્સી કન્ફર્મ '

કોઈ પણ બાપની પોતાની કુંવારી છોકરીનો આવો રિપોર્ટ જોઈને ડાગળી ચસકી જાય. જયરાજ એમાં અપવાદ ન હતો.

'રિલેક્સ ડેડ ! મેટર ઇઝ ઓલરેડી ઓવર... ' ખુલ્લા રેશમી વાળને હળવો ઝટકો આપતા દેવયાનીએ કહેલું.

'મેટર ઓવર ? મીન્સ.. ?' બોલતી વેળા જયરાજને લાગ્યું કે એ એની જાણ બહાર ધ્રુજી રહ્યો છે.

'ઓવર મીન્સ ઓવર, ડેડ ! ઇટ્સ અબોર્ટેડ' દેવયાનીએ ખભા ઉછાળી દીધા.

જયરાજને એવી તમ્મર ચઢી ગયેલી કે ન પૂછો વાત ! મહિનાની બિઝનેસ ટુર કરી આવ્યાં બાદ દીકરી આવી રીતે આવકારશે એની એને કલ્પના સુધ્ધાં ન હતી.

'અચ્છા ડેડ, બિઝનેસ ટુર કેવી રહી તમારી ? તમારી સેક્રેટરી શીલા આનંદને તો મઝા પડી ગઈ હશે -જ્યાં ને ત્યાં - ખરીદી કરવાની. બોસ ખુશ હોય એટલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ આરામથી મળી જાય. ' દેવયાની એનાં પિતાનાં રંગીલા સ્વભાવથી વાકેફ હતી. એમ પણ એ થપ્પડનો જવાબ ન વાળે એવું થોડું બને ?

મૂઢ બની ગયેલો જયરાજ - કંઈ બીજું કહે એ પહેલાં, દેવયાનીએ આળસભરી ભરપૂર અંગડાઇ લીધી અને બોલી, ' ડેડ, સોરી ! આયમ ટાયર્ડ. સી યુ ટુમોરો એન્ડ ગુડ નાઈટ. '

દાંત ભીંસીને એને જોઇ રહેલ બાપની પરવા કર્યા વગર એ પટ... પટ... કરતી પોતાનાં સેન્ડલ પટકાવતી એનાં રૂમમાં ચાલી ગઈ.

***

જે સમયે - એક તરફ દેવયાનીના આવા મોજમઝાનાં દિવસો ચાલી રહેલા, બીજી તરફ સગાઈબદ્ધ આરઝૂ અને અમેયની કુદરત કપરી કસોટી કરી રહેલ.

બે દિવસ માટે અમેયને મામૂલી કહેવાય એવો તાવ આવ્યો હતો. જે એની મહામૂલી જિંદગી માટે ખતરનાક નીવડેલો. અચાનક એને ખેંચ આવવાની શરૂઆત થતા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આરઝૂ બેબાકળી બની ગયેલી . અમેયના લોહીમાં શ્વેતકણો ઝડપથી વધી રહેલાં. કેટલાય રિપોર્ટ કરાવ્યા બાદ ડૉક્ટર ટીમે કોઈ અજાણ્યા બેકટેરીયલ ઇન્ફેકશનનું નિદાન આપેલું.

છેલ્લા ઉપાય તરીકે હોસ્પિટલે એવા આઠ ઈમ્પોર્ટેડ ઈન્જેકશન મંગાવ્યા હતા કે જેની કિંમત પચાસ લાખ થતી હતી. જે હાલ પૂરતા તો ઇન્ડિયામાં ઉપલબ્ધ પણ ન હતા.

અમેયના પિતા એ સમયે સીધા આરઝૂના પિતા પાસે ગયેલાં.

'વેવાઈ, તાત્કાલિક પચાસ લાખની વ્યવસ્થા કરી આપો.. ' આવી ચોખ્ખી માંગણીથી આરઝૂના પિતા ચોંકી ઉઠેલા.

એ ક્ષણે જ એમનાં મનમાં એ વિચાર ઝબકી ગયેલો કે - જે પિતા એનાં પુત્રની દવાનાં ખર્ચની અપેક્ષા ભાવિ વેવાઈ પાસે રાખતો હોય- એ ભવિષ્યમાં એમની પુત્રી આરઝૂ માટે આવી કટોકટી ઉભી થાય તો નિ:સંદેહ એમની પાસે જ પૈસા માંગે.

અડધી રકમ તો એ જેમતેમ કરી આપે એટલા સક્ષમ તો હતા, પણ માત્ર અમેયના પિતાની વિચારસરણી સમજી એમણે વ્યવહારુ બુદ્ધિ દર્શાવી નમ્રતાથી એમની અક્ષમતા દર્શાવી દીધી હતી.

***

આરઝૂની પ્રાર્થના કહો કે અમેયનું નસીબ કહો - અમેયની તબિયત સુધરવા લાગી હતી.

પૂરા ચૌદ દિવસ આરઝૂ ત્યાંથી ખસી ન હતી. આજે અમેયને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ મળવાનો હતો. આરઝૂ અને અમેય બંનેયના ચહેરા પર એક જંગ જીતી ગયાની ખુશીભરી લાગણી સ્પષ્ટ તરવરી રહેલી.

અમેય સાથે એનાં ઘરે જવા માટે આતુર એવી આરઝૂને અમેયના પિતાએ કંઇક કામ દર્શાવી રોકી લીધેલી. અમેય અને એની માતાનાં ટેક્ષીમાં ઘરે ચાલી ગયા બાદ અમેયના પિતાએ આરઝૂને જે સ્પષ્ટપણે કહેલું, એનાથી આરઝૂ ક્ષુબ્ધ અને હતપ્રભ થઇ ગયેલી.

'સાંભળ આરઝૂ, તારો અને અમેયનો સંબંધ આજે પૂરો થઇ ગયો છે. '

પગ પાસે વિસ્ફોટ થયો હોય એવું લાગ્યું આરઝૂને. એને જાણે એનાં ભાવિ સસરાના શબ્દો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

'બહુ ઓછા શબ્દોમાં આખી વાત કહી દઉં છું. હોસ્પિટલનો કુલ ખર્ચ થયો છે રૂપિયા બાસઠ લાખ ! આ રૂપિયા હું આપણી જ્ઞાતિના પ્રમુખ જયરાજ તન્ના પાસેથી ઉછીના લાવ્યો છું. આ બાબતે તારા પપ્પાને વાત કરી તો એમણે તો એક રૂપિયાની મદદનીયે તૈયારી નહોતી દેખાડી.. '

પોતાના પપ્પાની સાધારણ સ્થિતિથી માહિતગાર એવી આરઝૂ કહેવા ગઈ, ' મારા પપ્પા પાસે એટલી રકમ તો ન હોય.. ' પણ અમેયના પિતાની વાતમાંથી ટપકતી કડવાશે એને બોલતી બન્ધ કરી દીધેલી.

'બાસઠ લાખ જેવી રકમ મેં ક્યારેય સાથે પણ નથી જોઈ. એ રકમ વાળીશ કઈ રીતે ? ફ્લેટ વેચીને કે વતનનું ઘર વેચીને ? એનાં ટેન્શનમાં છેલ્લા દસ દિવસથી પૂરું ઊંઘી નથી શક્યો. '

'ચિંતા ન કરો... ' આરઝૂ એમ કહે એ પહેલાં અમેયના પિતાએ બીજો ધડાકો કરેલો,' ભગવાનનો કઈ રીતે પાડ માનું એ નથી સમજાતું. આજે એ જ - મારા ફ્લેટ પર નાણાં ધીરનાર- જયરાજ તન્નાએ એમની પુત્રી દેવયાની માટે મારા અમેયનું માંગુ નાખ્યું. દેવયાનીને મેં જોઈ છે. ભારે રૂપાળી, રૂડી અને ભણેલી છોકરી છે. મેં તે જ ઘડીએ માંગુ સ્વીકારી લીધું. નહીં તો મારી જેમ આ રકમ ચુકવતા -ચુકવતા અમેયના પળીયા પણ ધોળા થઇ જાત. '

અમેયના પિતાના ચાલ્યા ગયા બાદ, હોસ્પિટલની એ ખાલી રૂમમાં પાષાણમૂર્તિ સમી ખોડાઈ ગયેલ આરઝૂને કેટલીય વાર પછી ભાન આવ્યું હતુ. એ ત્યાંથી સજળ નેત્રે અને ભાંગેલા પગે પોતાનાં અમેય સાથે જોયેલ સહજીવનનાં તૂટી ચૂકેલ સ્વપ્નાઓનો ભંગાર લઇ ઘરે ગઈ હતી.

***

કાબૂ બહાર ગયેલી પોતાની પુત્રી દેવયાનીને જયરાજ તન્નાએ શતરંજના ઘોડાની જેમ અઢી પગલાં ચાલીને માત આપી હતી.

જયરાજે પહેલું પગલું એ ભરેલું કે એણે દેવયાનીના એંગ્લોઈંડિઅન પ્રેમી જોસેફને પોતાની જાદુઈ છડી ફેરવી રાતોરાત ગુમ કરી દીધેલો. પૂરું મુંબઈ દેવયાનીએ ઉપરતળે કરાવી નાખેલું પણ એને જોસેફની ભાળ નહોતી મળી.

જયરાજે બીજું - દોઢ પગલું એ ભરેલું કે દેવયાની પાસેના બધા ક્રેડિટ -ડેબિટ કાર્ડ્સને જે- તે બેન્કને ઇન્સ્ટ્રકશન આપી ઓપરેટ થતા બંધ કરાવી દીધા હતા.

એ પછી મહિને માત્ર પચાસ હાજર રૂપિયા એનાં ખાતામાં જમા થતા રહે એવી વ્યવસ્થા એ શરતે કરાવવા તૈયાર થયેલો કે દેવયાની- જયાં જયરાજ કહે ત્યાં લગ્ન કરીને ઘર માંડીને રહે. દેવયાની પાસે બાપની વાત સ્વીકારવા સિવાય કોઈ રસ્તો રહેલો નહીં.

પરિણામે, ઘડિયા લગ્ન કરીને આવેલી - જીવતા બૉમ્બ જેવી દેવયાની સીધા - સરળ અમેયને ત્યાં શિફ્ટ થઇ હતી.

ક્રમશ:

દેવયાનીને ફરજ પાડીને કરાયેલા આ લગ્નનું આયુષ્ય કેટલું હતુ ? એથી વિશેષ તો દેવયાની જેવી તેજીલી યુવતી અમેયને પતિનો દરજ્જો આપવા તૈયાર હતી ખરી ? અમેયને અગાધ પ્રેમ કરતી આરઝૂના જીવનમાં પ્રવેશવા કોણ ટકોરા દઈ રહ્યું છે ? એ જાણવા માટે પ્રકરણ - ૪નો ઇન્તજાર કરશો.