પ્રેમનું અગનફૂલ
વ્રજલાલ હિરજી જોષી
મોતની આહટ
ભાગ - 1
સ્ટીમબાથ માટેનું સ્પેશયલ સ્નાનગૃહ હોટનલા પાછળના ભાગમાં હતું.
પાછળનો વિસ્તાર એકદમ ખુલ્લો હતો. ચારે તરફ નાની-મોટી ટેકરી અને મોટા વૃક્ષોથી તે સ્થળ ઘેરાયેલુ હતું. ચારે તરફ ઘેરો સન્નાટો છવાયેલો હતો. સાંજનો સમય થયો હતો. સૂર્ય પશ્ચિમમા ઢળી ગયો હતો. આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી રાત પડી ગઇ હોય તેવું લાગી રહ્યુ હતું. ક્યાંય કોઇ જ દેખાતું ન હતુ. કદમ હાથમાં ટોવેલ લઇ સ્ટીમબાથ માટે સ્નાનગૃહ તરફ આગળ વધી ગયો.
ત્યાં ફક્ત સ્ટીમબાથ માટે બે સ્નાનગૃહ અને તેનાથી થોડે દૂર સ્વિમિંગ હોજ બનેલો હતો, પણ અત્યારે ત્યાં કોઇ જ ન હતું.
સ્ટીમબાથ માટેનું તે બાથરૂમ પૂરું ગ્રેનાઇટ પથ્થરની બનેલું હતું. કદમે દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો. સ્ટીમબાથનું તે બાથરૂમ લગભગ 10 બાય 12 ના ઓરડા જેટલું મોટું હતું.
દરવાજાને અંદરથી બંધ કરી ટોવેલને સ્ટેન્ડ પર લટકાવી કદમે કપડાં ઉતાર્યા. ત્યારબાદ વરાળનો વાલ્વ ખેંચીને તે ત્યાં પડેલી ચેર પર બેસી ગયો અને વરાળના સ્નાનો આનંદ લેતાં તે આંખો બંધ કરી પડી રહ્યો. લગભગ પંદર મિનિટનો સમય થયો.
એકાએક તેને ભયાનક જોખમનો આભાસ થયો. કેમ કે સ્ટીમબાથ ઓટોમેટીક ટાઇમર પર સેટ કરેલ હતું અને તે દસ મિનિટ પછી અંદરથી નીકળતી ગરમ વરાળો ઓટોમેટિક બંધ થઇ જતી. અત્યારે તેના ઇન્ડીકેટર પર લગભગ અઢાર મીનીટનો સમય બતાવતો હતો. છતાં પણ વરાળ પૂર જોશ સાથે નીકળી રહી હતી.
કાંઇક ખટકો થયો છે એવું વિચારતા કદમે શરીર પર ટુવાલ વીંટી બાથરૂમના દરવાજા પાસે પહોંચ્યો અને તેણે દરવાજો ઝડપથી ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આશ્ચર્ય વચ્ચે તે દરવાજો ખૂલતો ન હતો.
કદમે દરવાજાને પકડીને જોરજોરથી હચમચાવી નાખ્યો. તેની કેટલીય લાતોનો પ્રહાર દરવાજા પર થયા. પણ દરવાજો મચક આપતો ન હતો.
કદમ સમજી ગયો કે પોતે કોઇ શત્રુના ભયાનક ષડયંત્રમાં ફસાઇ ચૂક્યો છે. તે દોડીને વરાળના વાલ્વ પાસે આવ્યો. તેને વાલ્વને બંધ કરવાનો પ્રયત્ન કર્યો, પણ વાલ્વ પર ઓટોમેટીક ટાઇમર સેટ હોવાથી વાલ્વ બંધ ન થયો, ત્યારબાદ ઝડપથી તેણે ઇન્ડીકેટર સ્વિચ દબાવી ઓફ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ બેકાર... બધા જ પ્રયત્ન બેકાર ગયાં.
ધીરે ધીરે ઇન્ડીકેટરનો સમય વધતો જતો હતો. અત્યારે તેમાં બાવીસ મિનિટ થવાનો સમય બતાવતો હતો. આંક ધીરે ધીરે વધતો જતો હતો અને બાથરૂમમાં વરાળ ઝડપથી ભરાતી જતી હતી.
કદમનું શરીર પરસેવાથી એકદમ રેબઝેબ થઇ ગયું. તેને પોતાનું મોત ભમતું દેખાતું હતું. તેની દિલ આશંકાઓથી ધક...ધક... કરી રહ્યું હતું.
જો આ રીતે વરાળ બાથરૂમમાં ભરાતી રહેશે તો એક સમય એવો આવી જશે કે ચારે તરફ વરાળ જ વરાળ ફેલાઇ જશે અને એ વરાળ પોતાના શરીરને દઝાવવા માંડશે અને તે શ્વાસ પણ નહીં લઇ શકે. દુશ્મનોએ પોતાની બેદરકારીનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે અને તેના માટે જીવતી સમાધિ ઊભી કરી દીધી છે.
વરાળ ઝડપથી બાથરૂમમાં ભરાઇ રહી હતી અને ધીમે ધીમે કદમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી જતી હતી.
મોત ધીમે ધીમે તેની નજીક આવતું જતું હતું. પોતાની બેદરકારીનું પરિણામ તેને પોતાના મોતના રૂપમાં ભોગવવું પડતું હતું.
કદમને હવે બચવાની જરા પણ આશા રહી ન હતી. તે ગમે તેટલા ધમપછાડા કરે કે ચીસો પાડે તો પણ તેનો અવાજ બહાર પહોંચી શકે તેમ ન હતો.
સ્ટીમબાથ હોટલથી દૂર બનાવવામાં આવ્યો હતો અને કોઇની આ તરફ નીકળવાની આશ કરવી એ પણ નકામું હતું. સ્પષ્ટ હતું કે શત્રુઓની નજર તેના પર બચાખાન એરપોર્ટ પર ઊતર્યો ત્યારથી જ હશે અને અહીં આ એકાંતમાં આવેલા સ્ટીમબાથમાં પોતે ભરાયો ત્યારે પણ દુશ્મન આજુ-બાજુમાં હશે અને મોકો મળતા જ સ્ટીમબાથની સિસ્ટમમાં ગરબડ કરી નાખી હશે.
કદમને ફસાવવાનું કામ એકદમ સરળ હતુ. કદમને જોખમની ખબર પડી ત્યારે તે ફસાઇ ચૂક્યો હતો.
ચારે તરફ વરાળ જ વરાળ પ્રસરી ચૂકી હતી. વરાળ સિવાય કદમને કશું જ દેખાતું ન હતું. તેને હવે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. શરીરની ચામડી પણ બળતી હતી.
કદમે હાથનો સહારો લેવાના આશયથી આમ તેમ લંબાવી કોઇ વસ્તુ પકડવાની કોશિશ કરી પણ તેના હાથમાં કોઇ એવી ચીજ ન આવી કે જેને સહારે તે ઊભો રહે.
અચાનક આગળ વધતા જોરથી સ્ટીમબાથની દીવાલ પર મોં સાથે અથડાયો, કદમ લપસીને નીચે ફસડાઇ ગયો.
એ મોત સાથે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરી રહ્યો હતો, હવે તો શ્વાસ લેવો એ અશ્કય થઇ પડ્યો હતો, તેનાં ફેફસાં ઓક્સિજન વગર વલોવાતાં હતાં.
દાંત ભીંસી કદમ ફર્શ પર બેઠો હતો અને આંખો ફાડી ચારે તરફ જોવા લાગ્યો. અત્યારે તેને સર સોમદત્ત, પ્રલય, આદિત્ય અને તેની પ્રાણ પ્યારી તાનીયા યાદ આવતાં હતાં. કદમને મરવું ન હતું. દુશ્મનો સામે સામી છાતીએ લડતાં શહીદ થવાનું તેને મંજૂર હતું, પણ આવું મોત તો તેને હરગિજ પસંદ ન હતું.
પ્રલય પેશાવરમાં હતો પણ અત્યારે તે ક્યાં હશે તેની તેને ખબર ન હતી, અને પોતે પેશાવર આવી ગયો છે અને હોટલ પામરમાં ઉતર્યો છે. તેની પણ તેને પ્રલયને જાણ કરી ન હતી.
ચારે તરફ હવે દઝાવતી ગરમ ગરમ વરાળ સિવાય કશુંજ દેખાતું ન હતું. અંદરનું વાતાવરણ એકદમ સ્તબ્ધ થઇ ગયું હતું. તેના કાનમાં પહાડીઓની ઊંચાઇ પર જતા જેવી બહેરાશ આવે તેવી બહેરાશ આવી ચૂકી હતી. કદમને પોતાનું બચપણ માતા, ભાઇ, બહેન યાદ આવ્યાં. પિતા તો બચપણમાં જ તેઓને છોડી ચાલ્યા ગયા હતા. માતા ભાઇ-બહેન ધરતીકંપમાં પોતાના ઘરમાં જ દટાઇને મૃત્યુ પામ્યાં હતાં. મેજર સોમદત્ત-હા મેજર સોમદત્તે પોતાને દીકરાની જેમ ઉછેરી મોટો કર્યો. હાઇ એજ્યુકેશન આપી તેને ‘રો’ નો સેકન્ડ નંબરનો જાસૂસ બનાવ્યો. ‘ઓ... ઓ... મા...’ પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવાના આશયથી કદમ બધું યાદ કરી રહ્યો હતો, પણ આખા શરીરમાં એવી કારમી બળતરા ઊપડતી હતી કે તે તરફડી રહ્યો હતો. શ્વાસ લેવાનુ પણ મુશ્કેલ બની રહ્યું હતું.
ઘીરે ધીરે રાત્રિનો અંધકાર ગાઢ બનતો જતો હતો. સ્ટીમબાથવાળી જગ્યાથી થોડે દૂર ટેકરીઓ પર વૃક્ષોનાં ઝુંડમાં ભળી જાય. તેવા ભુખરાં કલરનાં પેન્ટ અને શર્ટ પહેરી એક છાંયો આંખ પર દૂરબીન લગાવી ટેકરીના પાછળના ભાગમાં છુપાઇને સ્ટીમબાથ વાળી જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યો હતો. સ્ટીમબાથની બહારના ભાગમાં ત્રણ ગુંડા જેવી લાગતી વ્યકિતઓ ઊભી હતી. તેઓના હાથમાં રિવોલ્વર પકડેલી હતી.
ટેકરીઓના પાછળ છુપાયેલ તે માણસ શું કરવું અને શું ન કરવું તેના વિચારમાં પડ્યો હતો, પણ આખરે મનને મક્કમ કરી તે ટેકરીઓની આડમાં લપાતા-છુપાતા વૃક્ષોના ગીચ ઝુંડમાં આગળ સરકવા લાગ્યો. અત્યારે તેના એક હાથમાં સાયલેન્સર લગાવેલી રિવોલ્વર ચમકતી હતી. અને ગળામાં દૂરબીન લટકતું હતું. તે ટેકરીઓ પાર કરી મેદાન પાસે આવ્યો અને પછી ધીરેકથી જરાય અવાજ ન થાય, તેની સંભાળ રાખી જમીન પર સૂઇ ગયો અને પછી ગરોળીની જેમ એકદમ સતર્કતા સાથે આગળ વધવા લાગ્યો.
અત્યારે તે સ્ટીમબાથની વીસ ફૂટ જ દૂર હતો. તેએ નજર ગુમાવી રેડિયમયુક્ત ઘડિયાળમાં નજર કરી. કદમ સ્ટીમબાથમાં ગયો અને તેને પંદર મિનિટનો સમય થયો હતો. કદમને બચાવવા માટે હવે તેની પાસે ફક્ત પાંચ મિનિટનો જ સમય હતો.
ધીરે ધીરે તે એક મોટા વૃક્ષના થડ તરફ સરક્યો. પછી આસ્તેથી થડની પાછળ ઊભો થયો.
તે જ વખતે સ્ટીમબાથ પાસે હાથમાં રિવોલ્વર લઇ ઊભેલ ગુંડા જેવા લોકોમાંથી એક મવાલી સ્ટીમબાથને અર્ધ રાઉન્ડ લગાવી પાછળના ભાગમાં આવ્યો.
ચારે તરફ સન્નાટો છવાયેલો હતો, તમરાનો તીણો તીવ્ર અવાજ ભય પેદા કરતો હતો. પાછળના ભાગમાં આવેલા તે મવાલીએ ચારે તરફ નજર ફેરવી ક્યાંય કોઇ જ ન હતું. પછી તે સ્ટીમબાથની પાછળની દીવાલ સામે મોં કરી સરસો ઊભો રહ્યો અને પેશાબ કરવા લાગ્યો.
વૃક્ષ પાછળ છુપાયેલા તે છાયાંની આંખોમાં તીવ્ર ચમક પેદા થઇ તે ચારે પગે ચાલતો (બે હાથ- બે પગ) વૃક્ષોનાં સૂકાં પાદડાંઓનો અવાજ ન થાય તેવી રીતે કદમ પાડતો તે માવલી તરફ સરક્યો.
મવાલીએ પેશાબ કરી પેન્ટની ચેન બંધ કરી તે જ ક્ષણે જાણે તેના ગળામાં કોઇ ભયાનક અજગરે ભરડો લીધો હોય તેવું તેને લાગ્યું, તેના મોંમાંથી ચીસ નીકળી પણ તેનો અવાજ વાતાવરણમાં ફેલાય તે પહેલાં તે છાંયાનો પંજો સખ્ત રીતે તેના મોં પર ભીંસાઇ ગયો અને પછી તે છાયાએ દાંત કચકચાવીને બીજા હાથમાં પકડેલી રિવોલ્વરની મૂઠ જોરથી તે મવાલીના માથામાં ફટકારી દીધી.
ભયાનક ફટકા સાથે તે મવાલીનો બેભાન દેહ તે છાંયાના હાથમાં લટકી પડ્યો અને વળતી જ પળે તે છાંયો ચૂપચાપ તેને ઢસરડો સામે આવેલી ટેકરીઓ પાછળ લઇ ગયો અને તે મવાલીના બેભાન દેહને ટેકરીની પાછળ છુપાવી દીધો.
‘અરે... ઓસમાણ ક્યાં ગયો...?’ ત્રણ મવાલીમાંનો બીજો મવાલી પેલોમાંથી રાઉન્ડ લગાવી સ્ટીમબાથના આગળના ભાગમાં ન આવતા તેને જોવા પાછળ ગયો પણ પેલો મવાલી ત્યાં ન હતો.
‘રહેમાન... શું થયું...’ આગળ ઊભેલા મવાલીએ પૂછ્યું.
‘સલીમ... ઓસમાણ દેખાતો નથી.’
‘શું વાત કરે છે તે અહીં ક્યાંક હશે. આગળ ક્યાંક સામે ટેકરીઓ તરફ ચક્કર લગાવવા અથવા પેશાબ કરવા ગયો હશે, તું આગળ જા હું તેને ચેક કરી આવું છું.’ કહેતાં સલીમ નામનો મવાલી ટેકરીઓ તરફ આગળ વધ્યો.
ટેકરીઓ પાછળ છુપાયેલાં છાંયાએ ઘડિયાળ તરફ જોયું, હવે સમય બહુ ઓછો હતો. થોડા વધુ સમય જશે તો પછી સ્ટીમબાથ રૂપી કબરમાંથી કદમની લાશ જ તેને મળશે, પણ જરાય ઉતાવળ કરવા જશે તો આ ત્રણ મવાલીઓમાંથી બીજા સાથીઓ પણ આસપાસ અહીં ક્યાંક હશે અને તેઓ જો પહોંચી આવશે તો મોટી ઉપાધિ થશે, વિચારી તે છાંયો સલીમને તેના તરફ આવતો જોઇ એક વૃક્ષની પાછળ છુપાઇ ગયો.
સલીમ હાથમાં રિવોલ્વર આગળ ધરી સાવચેતી સાથે આગળ વધતો હતો. સુમસામ સન્નાટામાં તેના બૂટના તળિયે કચરાતાં સૂકાં પાંદડાંના કંપારીભર્યા અવાજે સિવાય શાંતિ ચારે તરફ આછો અંધકાર છવાયેલો હતો.
જે વૃક્ષના થડ પાછળ તે છાંયો છુપાયો હતો. તે વૃક્ષ પાસેથી સલીમ આગળ વધ્યો, તેના હાથમાં રિવોલ્વર ગમે ત્યારે ઓકવા માટે તૈયાર હતી.
જેવો સલીમ આગળ વધ્યો કે તરત તે છાયાંએ નીચેની તરફ નજર ફેરવી જોયું. તેના પગ પાસે જ એક મોટો પથ્થર પડ્યો હતો, તે છાંયો ધીરે ધીરે જરાય અવાજ ન થાય તેની કાળજી રાખી તે કમરથી નીચો નમ્યો અને પછી અવાજ ભર્યા વગર નીચે પડેલ તે પથ્થર એક હાથે ઉઠાવ્યો.
જે પળે તે છાંયો પથ્થર ઉઠાવી ઊભો થયો તે જ પળે આગળ હવે કોઇ જ ન હોય તેવું વિચારી સલીમ પાછો ફર્યો. એક સેકન્ડ માટે સલીમ અને તે છાંયાએ એકબીજાને જોયા, સલીમના હાથમાં રહેલી રિવોલ્વરને સલીમ તેની સામે તાકી પણ તે ક્ષણ પહેલાં જ તે છાંયાના હાથમાં રહેલો પથ્થર ‘સનનન... હવાને ચીરતો તેના હાથમાંથી તોપના ગોળાની જેમ છૂટ્યો, સલીમ રિવોલ્વરનુ ટ્રેગર દબાવ તે પહેલાં જ ‘ધડાક’ કરતો તે પથ્થર પુરજોશ સાથે તેના માથામાં અથડાયો.
સલીમના ગળામાંથી જોરદાર ચીસ નીકળી પડી. તેના હાથમાંની રિવોલ્વર છટકી નીચે પડી, તે બંને હાથ દબાવી નીચે બેસી ગયો કે તરત તકનો લાભ લઇ તે છાયો સલીમ પર કૂદ્યો. ધાડ કરતી તેના પગની લાત સલીમના માથા પર પડી, એક વધુ ચીસ સાથે સલીમ ઊથલી પડ્યો.
નીચે ઊલટો ઊથલી પડેલો સલીમ ઝડપથી ઊભો થયો. તેનો પૂરો ચહેરો લોહીથી ખરડાયેલો હતો. જેથી તેનો ચહેરો એકદમ ખૂંખાર લાગતો હતો. અત્યારે તે મારવા મરવા પર ઊતરી આવ્યો હતો.
સલીમની ચીસનો અવાજ સાંભળી રહેમાન નામનો તે મવાલી જે સ્ટીમબાથના દરવાજા પાસે ઊભો હતો. તે દ્વિધામાં મુકાયો તે સલીમનો અવાજ પારખી ગયો હતો, ચીસ સલીમની જ હતી, પણ અત્યારે તે એકલો હતો અને દુશ્મન સ્ટીમબાથમાં હતો, તેને છોડીને સલીમને મદદ કરવા જાય કે પછી અહીં જ સ્ટીમબાથ પાસે કોઇ આવી ન જાય તેનો ખ્યાલ રાખે.
‘સ્ટીમબાથનો દરવાજો બહારથી બંધ છે. અને સલીમ આફતમાં હોય તેવું લાગે છે. અત્યારે અહીં કોણ આવવાનું હતુ.’ વિચારી રહેમાન હાથમાં રિવોલ્વર લઇ સ્ટીમબાથના પાછળના ભાગમાં આગળ વધ્યો.
બહાર બનાવ બની રહ્યો હતો, ત્યારે સ્ટીમબાથમાં અંદર ફસાયેલો કદમ મોત સાથે ઝઝૂમી રહ્યો હતો અને ત્યારે ઇન્ડીકેટરમાં અઢાર મિનિટ થયાનો આંક બતાવતો હતો.
ગરમ વરાળને લીધે કદમની ચામડીમાં એકદમ બળતરા થતી હતી. હવે તે થોડી જ મિનિટનો મહેમાન હતો. અત્યારે તે જીવન અને મોતની વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો. કદમની આંખ હવે ખૂલતી ન હતી. ન તો તે ઊભો થઇ શકતો હતો. તેને એકદમ ચક્કર આવી રહ્યાં હતાં. ફેફસાં ઓક્સિજન માટે તરફડતાં હતાં. ‘હે મા ભવાની... મા મને સહાય કરો. મારી રક્ષા કરો. મને આવું મોત નથી જોઇતુ. દુશ્મનો સામે લડતા લડતા દેશની રક્ષા કાજે સામી છાતીએ ગોળી ખાઇ શહીદ થવું છે માં. મને મદદ કરો.’ કદમની આંખોમાંથી આંસુ ધસી આવ્યાં.
***