દિવાળી પૂરી થઈ.નવું વર્ષ બેસી ગયું. એમ કહીએ કે એક દિવસ માં જૂનું થઈ ગયું. ભાઇબીજ પણ પૂરી થઈ.લાભ પાંચમ પણ ગઇ.હવે બધાં પાછા કામે વળગી પડવાનાં. નવું વર્ષ પછી નું જો કોઈ પહેલું કામ હોય તો એ મોબાઈલ માંથી શુભેચ્છા નાં મેસેજ ડિલીટ મારવાનું. આપણું પણ ખરું છે ! નવાં વર્ષ પહેલાં ઘર સાફ કરવાનું ને નવાં વર્ષ પછી મોબાઈલ ! આ બધાની વચ્ચે આપણે ક્યારેય પણ આપણું મન અને મગજ સાફ કરવાની કોશિશ જ નથી કરી.
આપણે દિવસે દિવસે એક ફોર્માલીટી ની દુનિયા તરફ ધકેલાઇ જઈ રહ્યા છીએ.જયાં માત્ર ને માત્ર નકરો દંભ જ છે.મોટેભાગ નાં લોકોએ દર વખતની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન મોટાભાગનો સમય તો લોકોને શુભેચ્છા નાં મેસેજ કરવામાં અને આવેલાં મેસજ નાં રિપ્લાય આપવામાં જ ખર્ચી કાઢયો. બેસતાં વર્ષ ની સવાર તો ફોન માં જ પૂરી થઈ ગઈ.જેમ જેમ માણસો યાદ આવે તેમ તેમ મેસેજ અને કોલ થાય. અરે; ઘણા ખરાએ તો એક લીસ્ટ જ બનાવી રાખેલું કે કોને ફોન કરવાનાં છે. સવાલ એ થાય કે આપણે કરેલાં મેસેજ અને ફોન માંથી કેટલા ફોન અને મેસેજ આપણે દિલ થી કરતાં હોઈએ છીએ. કેટલાં લોકોને આપણે દિલથી શુભેચ્છા પાઠવતાં હોઈએ છીએ ? મોટેભાગે તો આપણે સંબંધ સાચવવા માટે જ આવું કરતાં હોઈએ છીએ. હવે તો આવાં શુભેચ્છા સંદેશ પણ એક માર્કેટીંગ સ્ટ્રેટેજી બની ગઈ છે. પોતાના ગ્રાહકોને સાચવવા અને ખુશ કરવા આવી શુભેચ્છા પાઠવવામાં આવે છે અને સંદેશાની સાથે પોતાનું અથવા વ્યવસાય નું નામ મોકલી દેવામાં આવે છે. ખરેખર તો હવે આપણી સાથે આપણી લાગણીઓ પણ આર્ટીફીશીયલ થવા લાગી છે.
વારે તહેવારે જેની યાદ આવે, જેને મળવાનું મન થાય અને જેની સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા થાય એવો માણસ એટલે આપણો સ્નેહી. જેની સામે મન મુકીને હસી લેવાનું, મન મૂકીને રડી લેવાનું મન થાય એ સ્નેહી.મારા માટે નો એનાં થી વધુ બીજી સ્નેહી ની કોઈ વ્યાખ્યા નથી. તમે વિચારો કે આપણે જેને મસેજ કે કોલ કરીએ છીએ એમાંથી કેટલાં માણસો સ્નેહી ની વ્યાખ્યા માં આવે છે ?
આપણે બધા જ સંબધો માં એકબીજા ને પ્રેમ કરવાને બદલે એકબીજા ને સાચવવા માં સમય પસાર કરી રહ્યાં છીએ. આનું પરિણામ એ આવ્યું કે સંબંધો નાં નામે આટલા બધાં માણસો થી ઘેરાયેલો વ્યક્તિ આજે પોતાને સાવ એકલો જ માને છે. ફેસબુક પર હજારો મિત્રો, સગાસંબંધીઓ, વોટ્સપ નાં ગૃપ આ બધાને જોતાં તો એમ લાગે કે આપણા ઘણાં સ્નેહીઓ છે.જો તેઓ બધાં સ્નેહી ઓ હોય તો આપણે કેમ આટલાં અધૂરા છીએ ? એવો વિચાર પ્રશ્ર કયારેય થયો છે ? નવા વર્ષનાં દિવસે મેં ઘણાં નાં મોઢે સાંભળ્યું કે ફલાણા ને મેસેજ કરી દેવ એટલે કામ પૂરું થાય. નોકરીમાં ઉપરી ને ફોન કરી દેવ એટલે એક કામ પૂરું થાય .સંબંધી ઓને તો ફોન કરવાં પડશે નહીંતર ખોટું લાગી જશે ! ત્યારે ખરેખર એક સવાલ થાય છે કે આ બધું એક કામ છે ? અને જો એ કામ હોય તો એ કરવું ખરેખર જરૂરી છે ? મને એવું લાગે છે કે આને એક કામ સમજી ને કરવામાં આપણે એક તો સામે ની વ્યક્તિ ને અને બીજી આપણી પોતાની જાત ને ભારોભાર છેતરી રહ્યાં છીએ. આપણી શુભેચ્છા માં પ્રેમતત્વ લુપ્ત થઈ ગયેલું છે.
આપણે આને એક રિવાજ અને થોડાઘણાં અંશે ફેશન બનાવી દીધી છે. આવું કરીને આપણે બધાં જ નવાં વર્ષ ની સવારથી જ દંભ કરતાં થઈ ગયાં છીએ. અને પરિણામ એ આવ્યું છે કે આપણે આખું વર્ષ પણ એજ કરતાં રહીએ છીએ. સાચું કહું તો આપણે એક દંભી સમાજ ની રચી ને બેસી ગયાં છીએ જયાં પ્રેમ ઓછો ને છેતરામણી વધુ છે.આપણે કેમ કોઈ માટે હોય એટલી લાગણી દર્શાવવા માં માનતાં નથી ! મારે મન દંભયુક્ત સ્વિકાર કરતાં સ્પષ્ટ અસ્વિકાર વધુ પવિત્ર છે.અહીં એવું કહેવાનો કોઈ જ ઈરાદો નથી કે આપણે શુભેચ્છા માટે જે મેસેજ અને ફોન કરીએ છીએ એમાં દંભ જ છે.પરંતુ કરવા પડે એટલે કરવું એનાં કરતાં તો ન કરવું વધારે ચઢિયાતું છે. કદાચ આપણાં વોટ્સપ નું કોમન સ્ટેટસ પણ કાફી છે આપણી શુભેચ્છા ને પ્રગટ કરવાં.જેને ખરેખર ફોન કરવાનું મન થતું હોય એને ફોન અને મેસેજ કરવાનું મન થતું હોય એવાં થોડા ને મેસેજ કરીને પણ આપણે તહેવાર ને ઉજવી જ શકીએ...
અનુભવ નાં આધારે માનું છું કે તમે જેવાં છો એવાં પ્રગટ થવામાં મોટું નુકશાન નથી જેટલું ન હોય એવાં પ્રગટ થવામાં છે.લાગણી નું પોટલું બધી જ જગ્યાએ એક સરખું ખોલી શકાતું નથી. શરૂમાં કદાચ તકલીફ પડે પણ પાછળ થી સામેની વ્યક્તિ તમને અને તમારી લાગણી ને સમજી તમે જેવાં છો એવી જ રીતે તમારો સ્વિકાર કરશે. આપ સૌ ને વર્ષ નહીં બદલે આખેઆખી જીંદગી મુબારક...જય શ્રીકૃષ્ણ
ડો જય વશી