પ્રેમ કે પ્રતિશોધ-45
(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ અમદાવાદ પહોંચે છે. બીજી બાજુ સંજય અને દીનેશ પણ ગિરધરને લઈને અમદાવાદ આવે છે. ગિરધરે બધું રાજેશભાઈના કહેવાથી કર્યું હતું એમ કબૂલ કરી લે છે. )
હવે આગળ....
એક તરફ અર્જુન ટ્રેકરની મદદથી એક ગાડીનો પીછો કરી રહ્યો હતો. એ ટ્રેકર મુજબ એ ગાડી અમદાવાદથી લગભગ 5 કિમી જેટલા અંતરે કોઈ સ્થળ પર ઉભી રહી ગઈ હતી. તો બીજી બાજુ રાજેશભાઈ પણ પોતાની કાર લઈને અમદાવાદ સિટીથી થોડું આગળ એક ફાર્મ હાઉસ પાસે કાર ઉભી રાખી, ફાર્મ હાઉસ કેટલા સમયથી એમ જ નિર્જન અવસ્થામાં હોય એવું પ્રતિત થતું હતું. રાજેશભાઈએ ફાર્મહાઉસ અંદર પ્રવેશીને કાર કોઈને દેખાઈ નહીં તે રીતે તે ફાર્મહાઉસ બિલ્ડીંગની પાછળની બાજુ પાર્ક કરી. અને તેમણે જોયું કે બાજુમાં એક મોટરસાયકલ(બાઈક) પણ પાર્ક કરેલી હતી. એટલે રાજેશભાઈ આમતેમ નજર ફેરવી મેઈન ડોર ખોલી અંદર પ્રવેશ્યા. ઘણા સમયથી અહીં કોઈ આવ્યું જ ન હોય એમ ચારે બાજુ કચરાના ઢગ ચઢી ગયા હતા. કરોળિયાઓને ખુલ્લું મેદાન મળ્યું હોઈ એમ બે-બે ફૂટની ત્રિજ્યાના જાળા રચ્યા હતા. ફર્સ પર ધૂળ જામી ગઈ હતી. અને એ જામેલી ધૂળ પર બુટ-ચપ્પલના થોડા નિશાનો હતા. અમુક તાજા અને અમુક જુના એમ નિશાન છપાઈ ગયા હતા. રાજેશભાઈ સૌથી છેલ્લા રૂમ બાજુ ચાલ્યા એવું પ્રતીત થતું હતું કે તેઓ આ સ્થળથી પહેલાથી જ પરિચિત હોય....
*****
વિનય અધમુઆની જેમ ખુરશી સાથે જે-સે થે અવસ્થામાં જ બંધાયેલો હતો. કેટલા દિવસ થયા એની એને જાણ સુધ્ધાં પણ નહોતી, એની બધી આશાઓ ધીમે ધીમે ક્ષીણ થતી જતી હતી. જ્યારે ખાવા માટે કઈ આપવામાં આવે તો ખાઈ લેતો... બસ પરિવાર અને રાધીને મળવાની આશ એ જ કદાચ એને જીવિત રાખ્યો હતો અને કોણ જાણે કેમ પણ અર્જુન પર એને વિશ્વાસ હતો કે અર્જુન એને બચાવી લેશે.... પરંતુ જ્યારથી એણે અજય અને શિવાનીના કાતિલને ઓળખ્યો ત્યારથી તો એનું દિમાગ કામ કરતું જ બંધ થઈ ગયું હતું...કેટલા દિવસથી એને સૂર્ય દેવના તો દર્શન જ નહોતા થયા. દિવસ પણ રાત્રી માફક પસાર થઈ જતો. હા દિવસના થોડા પ્રકાશના કારણે એણે એટલું તો નોંધ્યું હતું કે પોતે જે રૂમમાં હતો એ રૂમ લગભગ 20 બાય 15 ના મોટા હોલ જેવડો હતો. અને હોલમાં એકમાત્ર પ્રવેશ દ્વાર હતો. અને એનાથી પણ વિશેષ કે હોલમાં એક પણ બારી જ ન હતી. જેથી બહારનો પ્રકાશ અંદર આવી શકે...
વિનયે થોડું સ્વસ્થ થઈ સામે જોવાનો પ્રયત્ન કર્યો તો તે જ વ્યક્તિ સામે ખુરશી પર બેઠો બેઠો સિગારેટના લાંબા કસ ખેંચી રહ્યો હતો. એણે સિગારેટનો છેલ્લો કસ ખેંચી સિગારેટને એશ ટ્રેમાં પધરાવી અને વિનયની નજીક આવીને કહ્યું,“અરે તને ખબર છે રાધીએ તો તારી ચિંતામાં ને ચિંતામાં ખાવાનું પણ છોડી દીધું છે..ખરેખર હો તને અનહદ ચાહે છે..."
“પણ.. તે શા માટે.."વિનય તૃટક સ્વરમાં એટલું જ બોલી શક્યો.
“અરે યાર, હું ના કરું તો કોણ કરે..."એ વ્યક્તિ આગળ બોલવા જતો હતો ત્યાં રૂમનો દરવાજો ખખડ્યો..
એ વ્યક્તિના ચહેરાના ભાવ ખેંચાયા, જાણે કે આવેલ આગંતુક વિશે તેને પણ કશી જાણકારી ન હતી. તેનો હાથ ટેબલ પર પડેલી ગન પર ગયો. તેણે વિનયના ચહેરા સામે જોઈ હાથ ગન પર ભીસીને ધીમેકથી ઉભો થઈ દરવાજા તરફ ચાલ્યો..હજી બહારથી કોઈ જોરથી દરવાજો ખખડાવી રહ્યું હતું. એ દરવાજે થોડીક વાર એમ જ હાથમાં ગન લઈને ઉભો રહ્યો. અને બહારથી આવતો ધીમો અવાજ સાંભળવા કાન દરવાજા નજીક લઈને શાંતિથી ઉભો રહ્યો...
દરવાજાની પહેલી પારથી ધીમો ધીમો અવાજ સંભળાય રહ્યો હતો.“દરવાજો ખોલ હું છું..."
બહારથી આવતો અવાજ પરિચિત હતો એટલે એણે ગન પરથી એક હાથ હટાવી દરવાજાની સ્ટોપર ખોલી ઝડપથી દરવાજો ખોલ્યો.
આગંતુકને જોઈને તે અત્યંત આશ્ચર્યમાં પડી ગયો. અને કહ્યું,“તમે અહીં શા માટે આવ્યા...?"
સામે ઉભેલ વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ રાજેશભાઈ હતા. તેમણે ફટાફટ દરવાજો બંધ કરીને કહ્યું,“તને ખબર છે કે શું થયું છે...પ્રે..અઅમં....."ખુરશીમાં બાંધેલ વિનય સામે નજર પડતાં રાજેશભાઈ બોલતાં બોલતાં અધવચ્ચે જ અટકી ગયા....
પણ વિનયના કાને જે શબ્દો પડ્યા એનાથી જાણે કોઈ 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય તેમ અવાચક બનીને રાજેશભાઈ સામે જોઈ રહ્યો. અને એના મુખમાંથી શબ્દો સરી પડ્યા,“પ્રેમ........?"
વધુ આવતા અંકે....