મારો શું વાંક ?
પ્રકરણ - 7
ઈરફાન જમીને પોતાનાં ઓરડામાં જતો રહ્યો. જાવેદે ઈરફાનનાં દોસ્તારોને કહીને તેનો ઓરડો થોડાં ફૂલોથી સજાવી દીધો હતો. પાડોશી સ્ત્રીઓ નવી વહુને જોવા આવી હતી. રહેમત હજી સુધી બહાર ઓસરીમાં જ બેઠી હતી. ત્યાં જિન્નતબાનું બોલ્યા... બેટા શબાના! રહેમતને અંદર ઓરડામાં લઈ જા, છોકરી થાકી ગઈ હશે. શબાના બોલી.. હા અમ્મા! લઈ જાઉં છું.
હાલ રહેમત! રહેમતનો હાથ પકડીને શબાના એને ઓરડા સુધી લઈ ગઈ. શબાના બોલી ઉઠી... જો રહેમત! આપણે બેય જણી બેનની જેમ, બેનપણીની જેમ રે’શુ. તારી જેમ મારે એકેય બેન નથી.... તો આજથી હું તારી મોટી બેન અને તું મારી નાની બેન.
શબાનાની વાત સાંભળી આંખોમાં ચમક સાથે રહેમત બોલી... હેં સાચે જ... બો’વ સારું ... આજથી હું તમને ‘આપા’ કહીશ.... કહું ને આપા? હા તે ગાંડી... આપા જ કે’વાનું હોય ને મારી નાનકી..... રહેમતનાં માથે ટાપલી મારીને શબાના બોલી.... અને બેય બેનું ઓરડામાં દાખલ થઈ.
ઓરડામાં દાખલ થતાંની સાથે જ ફૂલોથી સજાવેલો પલંગ અને ઓરડાને જોઈને રહેમત જોરથી બોલી ઊઠી... હેં આપા! લગન થઈ જાય પછી આવા સારા ફૂલોથી સજાવેલા પલંગ ઉપર સૂવાનું હોય? મારા અબ્બાનાં ઘરે તો હું સાદા ખાટલામાં સૂતી તી... વાહ રહેમત! તારે તો મોજ પડી ગઈ.
ઇરફાનેય અંદર ઓરડામાંજ બેઠો તો.... રહેમતની વાત સાંભળીને શબાના થોડી છોભીલી પડી ગઈ કે આનો શું જવાબ આપવો અને વિચારવા લાગી કે પહેલી વખત આવું બધું જોઈને તેને પણ આવા જ તો પ્રશ્નો થયાં હતા. તેનાય નિકાહ થયાં ત્યારે તે રહેમત જેટલી જ તો હતી. તેને રહેમતની જેમ ક્યાં કોઈ ગતાગમ હતી.
રહેમતની વાતોને શબાના અટકાવતાં બોલી કે આ બધું તું શું બોલી રહી છે? ચલ ચૂપ થઈ જા.... આવું ના બોલાય. હવે તમે લોકો આરામ કરો, હું જાઉં છું કહીને શબાના ઓરડાની બાર નીકળી ગઈ.
શબાનાનાં ગયા પછી ઈરફાને ઓરડાનો દરવાજો અંદરથી બંધ કર્યો. રહેમત સીધીજ ધબાક દઈને ગુલાબની પત્તીઓથી સજાવેલા પલંગ પર બેસી ગઈ અને જોર થી બબડવા માંડી... માં એ તો ક્યારેય નો’તું કીધું કે નિકાહ પછી રોજ આવી મસ્ત સુંવાળી પથારીમાં સૂવા મળશે. જો કીધું હોત તો ક્યારના નિકાહ કરી લીધા હોત... રહેમતની વાત સાંભળીને ઈરફાન ખડખડાટ હસી પડ્યો.
ઇરફાનને હસતો જોઈને રહેમત ચૂપ થઈને શરમાઇ ગઈ અને પલંગ ઉપરથી ઊભી થઈ ગઈ. ઇરફાન બોલી ઉઠ્યો.... અરે રહેમત! તું ઊભી કેમ થઈ ગઈ?પલંગ ઉપર બેસી જા, તું થાકી ગઈ હોઈશ. રહેમત એકીટશે ઈરફાન સામે જોઈ રહી અને તેનાં સાથે શું વાત કરવી એની એને કાઇં સમજ નહોતી પડતી.
સત્તર વરસનો કોલેજમાં અભ્યાસ કરતો ઈરફાન સ્માર્ટ અને હોશિયાર યુવક હતો. શહેરમાં અભ્યાસ કરવાનાં કારણે શહેરી છોકરાઓ જેવી તેને બધીજ પ્રકારની ગતાગમ હતી. તે રહેમતની માફક ભોટ તો નહોતો જ.
થોડીવાર પછી રહેમત બોલી... હું બોવ થાકી ગઈ છું, હું આ પલંગ ઉપર સૂઈ જાઉં? ઇરફાને હકારમાં જવાબ આપ્યો... હા સૂઈ જા.... માથાથી પગ સુધી ઘરેણાંથી લદાયેલી રહેમત જેવી પલંગ ઉપર સૂવા ગઈ ત્યાં પહેરેલાં ઘરેણાં એને વાગવા માંડ્યાં અને બોલી ઊઠી.... યા અલ્લાહ! આટલા ઘરેણાં હારે કઈ રીતે સૂવું? તે પાછી પલંગ ઉપર બેસી ગઈ અને એક પછી એક બધાંજ ઘરેણાંઓ ઊતારી કાઢ્યા. તેને માથામાં ચોટલામાં નાખેલી ફૂલની વેણી પણ નડતી હતી. વેણીનો દોરો ચોટલાં સાથે બાંધેલો હતો. તેને જોયા વગર એ ખોલવામાં મુશ્કેલી થાતી હતી. ત્યાં તે સામે રહેલા અરીસા પાસે ઊભી રહીને ચોટલો આગળ લઈને તે દોરો ખોલવાની મથામણ કરવા માંડી. તેનાથી છેલ્લે નીચે મારેલી ગાંઠ ખૂલતી જ નહોતી. ઈરફાન આ બધુ જોઈ રહ્યો તો... અને તે રહેમત પાસે તેની મદદ કરવા ગયો અને બોલ્યો... લાવ રહેમત! ખોલી દઉં.... રહેમત ગાંઠ ખોલવા જોર-જોરથી જાટકા મારી રહી હતી. ગાંઠ નહીં ખૂલતાં રહેમતે જોરથી વેણીનો દોરો તોડી નાખ્યો. જેવો દોરો તૂટ્યો કે જટકા સાથે રહેમતનો હાથ જોરથી પાછળ ઊભેલા ઇરફાનની આંખ નીચે વાગ્યો. જટકા સાથે સટાક દઈને વાગેલા હાથને કારણે ઈરફાનને થોડીક વાર તમ્મર ચડી ગઈ.
ત્યાં વળી સામે રહેમત જોર-જોરથી રડવા માંડી. ઈરફાન વિચારવા લાગ્યો કે માર મેં ખાધો અને રડે છે એ.... એણે રહેમતને ચૂપ કરાવતા કહ્યું કે.... કઇં વાંધો નહીં રહેમત.... મને એટલું બધું નથી વાગ્યું, ખાલી આંખ નીચે થોડીક કાળાશ આવી ગઈ છે. તારા કારણે કઇં નથી થયું, તું ચૂપ થઈ જા....
ત્યાં તો રહેમત વધારે જોર-જોરથી રડવા માંડી. મને મારા અબ્બાની બોવ યાદ આવે છે. મારે એમની આગળ જાવું છે. ઓય રે.... ઈરફાન મનોમન વિચારવા લાગ્યો કે... ”મને એમ કે મને એનાથી વાગ્યું એટલે રડે છે પણ એને તો આ વાતની કોઈ અસર જ નથી. બેટા ઈરફાન! આગળ વધારે માર ખાવા તૈયાર રહેજે”. ઇરફાને કહ્યું... સારું હું તને તારા અબ્બા પાસે લઈ જઈશ પણ અત્યારે સૂઈ જા અને ચૂપ થઈ જા.... રહેમત રોવાનું બંધ કરીને પલંગ ઉપર જઈને સૂઈ ગઈ. બે જ મિનિટમાં તો ઘસઘસાટ ઊંઘી ગઈ. પલંગમાં ધાર પાસે થોડીક જગ્યા બચી તી, બાકી પોણો પલંગ રોકીને રહેમત સૂઈ ગઈ હતી. ઈરફાન પલંગને જોઈને વિચારવા લાગ્યો કે આટલી જગ્યામાં કઈ રીતે સૂવીશ? ઉપરથી રાતે લાત અને મુક્કાઓનો માર પડી શકે એ અલગ એવું વિચારીને એ ફરી હસી પડ્યો. ડામચિયામાંથી એક શેતરંજી અને ઓશીકું લઈને પાથરીને ઈરફાન નીચે સૂઈ ગયો.
***