Once upon a time - 109 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 109

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 2

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • સત્ય...??

    ️ નમો ભગવતે વાસુદેવાય નમઃ ️આજ બપોરથી શરૂ થઈને કાલ બપોર સુધી...

  • રામ જન્મભૂમિ, અયોધ્યા

    શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યાઅમે  મંદિર ખુલ્લું મુકાયું ત્યારથી...

  • ખજાનો - 31

    " ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ ર...

  • તલાશ 3 - ભાગ 11

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 109

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 109

પપ્પુ ટકલાએ મોબાઈલ ફોન ઉઠાવીને એના સ્ક્રીન ઉપર ફ્લેશ નંબર જોયો અને એ અસ્વસ્થ થઈ ગયો એ અમને સમજાયું. એણે અંદરના રૂમમાં જઈને મોબાઈલ ફોન પર વાત કરી. ત્રણ મિનિટ પછી એ પાછો આવ્યો ત્યારે એણે અમારી ધારણા પ્રમાણે જ કહ્યું: ‘સોરી પણ આપણે પછીથી વાત કરીશું.’

પપ્પુ ટકલાએ આવું કહ્યું એટલે અમે સમજી ગયા કે અમારે અત્યારે વિદાય લેવાની છે.

આ વખતે પપ્પુ ટકલાથી છૂટા પડ્યા પછી એકાદ સપ્તાહ સુધી એ ગાયબ થઈ ગયો. અમે એના મોબાઈલ ફોન પર એનો સંપર્ક કરવાની કોશિશ કરી જોઈ પણ એનો મોબાઈલ ફોન બંધ હતો અને એના ઘરના ફોનની પણ રિંગ જ વાગતી રહેતી હતી. છેવટે તેણે એક વખત સામેથી જ અમને મેસેજ મોકલ્યો કે ‘હમણાં થોડા દિવસો સુધી હું બિઝી છું, તમે આપણા ઑફિસર ફ્રેન્ડને મળો. આપણે ના મળીએ ત્યાં સુધી તેમની પાસેથી મસાલો લઈને ચાલુ રાખો. શો મસ્ટ ગો ઓન!’

પપ્પુ ટકલાના સૂચનથી અમે પોલીસ ઑફિસર મિત્રને મળ્યા. પપ્પુ ટકલાનો સંપર્ક તૂટી ગયો હોવાનું જાણીને એમણે સૂચક સ્મિત કર્યું. પપ્પુ ટકલા સાથે ક્યાં સુધી વાત થઈ હતી એ પૂછીને એમણે મને કહ્યું, ‘હું પપ્પુ ટકલા જેટલી ઝીણવટભરી માહિતી આપી શકું એમ નથી, પણ અંડરવર્લ્ડમાં બનેલી મહત્વની ઘટનાઓ તમને કહી શકું એમ છું.’

એ પછી પોલીસ ઑફિસર મિત્રએ પપ્પુ ટકલાની વાત જ્યાંથી અધૂરી રહી હતી એ સમયથી વાત આગળ ધપાવતા અમને કહ્યું, ‘છોટા રાજન ગેંગના શૂટરો સલીમ પાસપોર્ટને મારી નાખ્યો એ પછી થોડા સમયમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને બીજો એક ફટકો પડ્યો હતો. એ વખતે જો કે મુંબઈ પોલીસને પણ આઘાત ખમવો પડ્યો હતો. આટલું કહીને પોલીસ ઑફિસર મિત્રએ ઉમેર્યું, ‘હું પપ્પુ ટકલાની જેમ સ્ક્રિપ્ટ રાઈટર બનવાનું સપનું સેવતો નથી, પણ સલીમ પાસપોર્ટની હત્યા પછી મુંબઈના અંડરવર્લ્ડને અને મુંબઈ પોલીસને આંચકો આપનારી ઘટનાનું વર્ણન કરીશ. એ રીતે તમે લખશો તો તમારા વાચકોને પણ રસ પડશે.’

પોલીસ ઑફિસર ફ્રેન્ડે ગોલ્ડ ફ્લેક સિગરેટ સળગાવીને એ ઘટના કહેવાની શરૂઆત કરી. તેમને ગોલ્ડ ફલેકનો કશ લેતા જોઈને અનાયાસે ફાઈવફાઈવફાઈવ સિગરેટ ફૂંકતા પપ્પુ ટકલાનો ચહેરો અમારા માનસપટ પર ઝબકી ગયો.

***

‘23, જૂન, 1998ની બપોરે મુંબઈના દહીંસર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હેમંત પાટીલને ફોન પર કોઈ અગત્યની બાતમી મળી. ઉત્સાહી ઈન્સ્પેક્ટર હેમંત પાટીલે તાબડતોબ પોતાની ટીમ તૈયાર કરી અને ટીમના દરેક સભ્યોને આખો પ્લાન સમજાવ્યો. સાંજના સાડાપાંચ વાગ્યાથી એ ટીમ દહીસરની રવિન્દ્ર હોટેલમાં સાદા ડ્રેસમાં ગોઠવાઈ ગઈ. કેટલાક પોલીસમેન હોટેલની બહાર અને કેટલાક હોટલની અંદર સતર્ક બનીને વોચ રાખી રહ્યા હતા.

બરાબર પોણાસાત વાગે બે યુવાન દહીંસર પૂર્વની ‘રવીન્દ્ર’ હોટલમાં આવ્યાં બંને યુવાનો હોટેલમાં પ્રવેશ્યા એ સાથે જ હોટલની અંદર-બહાર ગોઠવાયેલા પોલીસ ઑફિસર્સે એમને પડકારીને શરણે આવવાનો આદેશ આપ્યો. એ બંને યુવાન દાઉદ ગેંગના આરીફ લતીફ શેખ અને ફારૂખ અબુબકર હતા. છોટા શકીલે એમને દહીંસરના એક વેપારી પાસેથી ખંડણી વસૂલ કરવા મોકલ્યા હતા અને હીરાનો એ વેપારી ખંડણી આપવાની ના પાડે તો તેને શૂટ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે એ યુવાનોને પોતાની ઓળખ આપીને પડકાર્યા એ સાથે જ એ યુવાનોએ પિસ્તાલ કાઢી, પણ એ જ વખતે ‘રવીન્દ્ર’ હોટેલના માલિક રવિ શેટ્ટીએ હિંમતપૂર્વક ફારૂક અબુબકરને પાછળથી પકડી લીધો. જો કે ફારૂક અબુબકરે બીજી સેક્ન્ડે હોટેલના માલિક રવિ શેટ્ટીનાં લમણાંમાં ગોળી ઉતારી દેવાની ધમકી આપી એટલે શેટ્ટીએ એને છોડી દીધો.

એ દરમિયાન આરીફ લતીફ શેખ પિસ્તોલમાંથી આડેધડ ફાયરિંગ કરતો દરવાજા તરફ દોડ્યો પણ હોટેલના દરવાજામાં બે પોલીસમેન ઉભા હતા. ગભરાઈ ગયેલા આરીફ શેખે પોલીસ ટીમને ડરાવવા માટે એની પાસેની બેગમાંથી હેન્ડગ્રેનેડ કાઢ્યો. એ દરમિયાન ફારૂક અબુબકરને એક પોલીસ કોન્સ્ટેબલે પાછળથી બરાબર જકડી લીધો હતો, પણ આરીફ શેખે બેગમાંથી હેન્ડગ્રેનેડ બહાર કાઢ્યો, એટલે આખી પોલીસ ટીમનું ધ્યાન એ તરફ કેન્દ્રિત થયું.

પોલીસ કર્મચારીઓ આગળ કશું પણ વિચારે પહેલાં તો અચાનક આરીફ શેખની પણ કલ્પના બહાર એના હાથમાં જ હેન્ડગ્રેનેડ ફાટ્યો અને ત્રીજી સેકન્ડે આરીફ શેખ, એનાથી થોડે દૂર ઊભેલા બે પોલીસ કોન્સ્ટેબલ અને હોટલમાં આવેલા બીજા બે ગ્રાહક સહિત પાંચ માણસોની લાશો પડી ગઈ હતી!

હેન્ડગ્રેનેડના વિસ્ફોટથી અન્ય બે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને બે સામાન્ય નાગરિક પણ ગંભીર રીતે ઘવાયા. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હેમંત પાટીલ બે ક્ષણ માટે હેબતાઈ ગયા. ફારૂક અબુબકર અને આરીફ શેખ મુંબઈ પોલીસના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતા. એમની ધરપકડ કરીને પાટીલ ઉપરી ઓફિસર્સની શાબાશી મેળવવાના વિચારો કરી રહ્યા હતા પણ ‘રવીન્દ્ર’ હોટલમાં એમની કલ્પના બહારની ભયાનક ઘટના બની ગઈ હતી. આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પાટીલે ફારૂખ અબુબકરને પકડવામાં સફળતા મેળવી પણ એ માટે એમણે આકરી કિંમત ચૂકવવી પડી હતી. એમની ટીમના હેડ.કોન્સ્ટેબલ નવનાથ શેલાર અને કોન્સ્ટેબલ વિલાસ મોરે અને બીજા બે નાગરિકોના શરીરના આરીફ શેખની સાથે ફૂરચા ઉડી ગયા હતા.

દહીંસર ઉપનગરની એ ઘટનાથી છોટા રાજન ગેંગમાં આનંદની લાગણી ફેલાઈ હતી. છોટા શકીલ ગેંગનો એક શૂટર માર્યો ગયો અને બીજો પકડાઈ ગયો એ કંઈ બહુ મોટી વાત ન હતી, પણ એ ઘટનામાં બે પોલીસમેન અને બે નાગરિક માર્યા ગયા એથી મુંબઈ પોલીસના ઑફિસર્સ અકળાઈ ઉઠ્યા હતા અને એનો સીધો અર્થ એ હતો કે દાઉદ અને છોટા શકીલ ગેંગપર મુંબઈ પોલીસની ભીંસ વધવાની હતી. આથી છોટા રાજન ગેંગ રાજી થઈ ગઈ હતી.

દહીંસરની ઘટના બની એ સમય દરમિયાન જ છોટા રાજનના શૂટર્સે દાઉદ ગેંગને વધુ એક ફટકો માર્યો હતો.’

***