Premnu Aganphool - 4 - 2 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 4 - 2

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

પ્રેમનું અગનફૂલ - 4 - 2

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

થરપાર્કર બોર્ડર પર

ભાગ - 2

બોર્ડર પર બાંધેલ તાર ફેન્સિંગની હદ આવી જતાં તરત ફોજીએ પોતાના ઊંટને આગળ દોડતું અટકાવ્યું.

ઘણી વખત બોર્ડરમાં લોકો ઘૂસી આવતા હોય છે. અને બી.એસ.એફ. ના યુવાનો તેનો પીછો કરતા ભારતની સરહદ વટાવી આગળ નીકળી જાય, પણ પછી તરત ખબર પડે કે તે પાકિસ્તાન લશ્કરની એક ચાલ હતી. જેનો તે ભોગ બની ચૂક્યો છે, પચી તુરત પાકિસ્તાન લશ્કરના યુવાનો તેને ઘેરી લઇ પકડી લે અને પછી મોટો હોબાળો મચાવી દુનિયાભરના દેશોને બતાવે કે ભારતનું લશ્કર વારંવાર સરહદ પાર કરી અમારી બોર્ડરમાં ઘૂસી આવે છે.

ફોજીએ પોતાના ઊંટને અટકાવ્યું પછી ત્યાં ઊભા ઊભા જ નાસી જતા લોકોને નાઇટ વિઝન દૂરબીનથી નીરખવા લાગ્યો.

થોડીવાર પછી એક ઊંડો શ્વાસ લઇ ફોજીએ દૂરબીનને આંખ પરથી દૂર કર્યું અને તરત વાયરલેસ સેટ પરથી નજદીકની ચોકી પર બનેલી ઘટના વિશે જાણ કરી અને પોતે તૂટેલ ફેન્સિંગ પાસે જ ઊંટને ઊભો રાખી મશીનગન હાથમાં રાખી પહેરો ભરવા લાગ્યો. તેનાથી થોડે દૂર છેલ્લો ઊંટ સવાર અને તેનું ઊંટ બંને મૃત હાલતમાં પડ્યા હતા. જે તેની ગોળીઓનો ભોગ બન્યા હતા.

થોડીવારમાં જ નજદીકની ચોકીમાંથી કેપ્ટન વિક્રમસીંગ બી.એસ.એફ. ના યુવાનોની ટુકડી સાથે પહોંચી આવ્યો. બી.એસ.એફ. ના યુવાનોએ તરત ત્યાં પોઝિશન સંભાળી લીધી.

‘સર...’ વિક્રમસીંગ આવતાં જ તરત તે ફોજી ઊંટમાંથી ઠેકડો મારી નીચે ઊતરી અને વિક્રમસીંગની સામે આવી સલામ ઠોકી, ત્યારબાદ તેમણે બનેલ ઘટનાનું પૂરું વિવરણ વિક્રમસીંગને કહ્યું, વિક્રમસીંગે તરત બનેલી ઘટનાની માહિતી હાઇકમાન્ડે જણાવી.

બનેલી ઘટનાની માહિતી મળતા તુરંત કદમ ગુજરાતથી રાજસ્થાન જવા બાય એર નીકળી ગયો. કેમ કે બોર્ડર પર નાસેલા લોકોનો એક સાથી મૃત્યુ પામ્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલ મોબાઇલ પરથી જેનું નામ ધનીયો હતો અને તે અમદાવાદનો રહેવાસી હતો. તેવું સાબિત થયું હતું. અને એટલે જ તુરંત કદમને બનેલ બનાવ વિશે જાણ કરવામાં આવી હતી.

અમદાવાદથી દુર્ગાનું અપહરણકરી નાસી છૂટેલા લોકોમાં તે ધનીયો નામનો મવાલી સામેલ હતો અને તેથી એવું સાબિત થયું હતું કે દુર્ગાનું અપહરણ કરી ગમે તેમ કરી તે લોકો અમદાવાદથી છટકી રાજસ્થાન પહોંચ્યા હતા અને રાજસ્થાનના થરપાર્કરના રણથી ભારત બોર્ડર ક્રોસ કરી તેઓ પાકિસ્તાન નાસી ગયા હતાં.

બીજે દિવસે સવારના જ કદમ તે બોર્ડર પર આવેલા નાના ગામ મોહનગઢી પહોંચી ગયો. ચોકી પર કેપ્ટન વિક્રમસીંગે કદમને લેવા માટે ગાડી મોકલાવી. કદમ થરપાર્કર રણ બોર્ડર પરના બી.એસ.એફ. ના કેમ્પમાં પહોંચ્યો. વિક્રમસીંગે ઇંટો તથા ઘાસથી બનેલ પોતાની ટેમ્પરરી ઓફિસમાંથી ઝડપથી બહાર આવ્યો.

‘હલ્લો મી. કદમ... થરપાર્કર બેઝ કેમ્પ પર આપનું સ્વાગત છે.’ ઉત્સાહભેર હાથ મિલાવતાં વિક્રમસીંગ બોલ્યા.

‘સર... આપને મળીને આનંદ થયો.’ હાથ મિલાવતા કદમ બોલ્યો, પછી વિક્રમસીંગ કદમના ખભા પર હાથ સંવારતા તેને પોતાની ઓફિસમાં લઇ ગયો.

આવેલ ચા-નાસ્તાને ન્યાય આપી કદમે પૂછ્યું, ‘સર... આપને વાંધો ન હોય તો હું એક સિગારેટ પી શકું... ?’

‘વાય નોટ... ? કદમ... હું પણ સિગારેટ પીવું છું.’ ખિસ્સામાંથી કિંગ સાઇઝ ફોર સ્કવેરની પાકીટ બહાર કાઢી એક સિગારેટ કદમને આપી પછી બીજી સિગારેટને હોઠ પર ગોઠવતાં લાઇટર વડે કદમની અને પોતાની સિગારેટ સળગાવી.

તે જ ક્ષણે રાકેશ તિવારી નામનો યુવાન ઓફિસમાં આવ્યો.

શરીરને અટેન્શનમાં ગોઠવતાં તેમણે સેલ્યુટ મારી, ‘યસ સર...?’

‘આવ બેસ રાકેશ... ?’ કહેતાં વિક્રમસીંગે ખુરશી તરફ સંકેત કર્યો.

‘મી. કદમ... આ મારી કેમ્પનો શેરદિલ યુવાન રાકેશ છે. જેમણે બોર્ડર પાર કરી નાસી જતા લોકોનો પીછો કર્યો હતો.’ સિગારેટનો દમ વિક્રમસીંગ બોલ્યા, પછી રાકેશ સામે જોયું. ‘રાકેશ, આ આપણી ઇન્ટેલિજન્સ જાસૂસી સંસ્થા ‘રો’નો જાંબાઝ એજન્ટ મી. કદમ છે.’

‘સર... આપને મળીને ખૂબ જ આનંદ થયો. આપનું નામ આપના મિશનોનાં સાહસોને ગાથાઓ સાંભળી હતી. મારું સૌભાગ્ય છે કે આપને રૂબરૂ મળવાનું થયું.’ કદમ સાથે હ્સ્તધનૂન કરતાં ભાવવિભોર સ્વરે રાકેશ બોલ્યો.

‘મી. રાકેશ.. રાત્રિના એકલા હાથે હિંમતભેર દુશ્મનોને સામનો કરી સરહદ પાર કરતા અટકાવવાની કોશિશ તમે કરી તે પણ બહાદુરીભર્યું સાહસ હતું. આપના જેવા નવયુવાનોને કારણે જ આજ દેશ સુરક્ષિત છે.’ સિગારેટનો ઊંડો દમ ભરી પ્રશંસાભર્યા અવાજે કદમ બોલ્યો.

‘સર... એ તો મારી ફરજ હતી, પણ હરામખોરો ગોળીઓની રમઝટ બોલાવતા સરહદ પાર કરી પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસી ગયા. સર હું થોડો મોડો પહોંચ્યો નહીંતર સાલ્લાઓને જીવતા બોર્ડર પાર કરવા ન દેત.’ મેજ પર મુઠ્ઠી પછાડતા રાકેશ ક્રોધભર્યા સ્વરે બોલ્યો. કદમ જાંબાઝ બી.એસ.એફ. ના તે યુવાનને જોઇ જ રહ્યો.

‘કદમ... જે રાત્રીના તેઓ સરહદ પાર કરી નાસૂ છૂટ્યા હતા. તે રાત્રિના આપણી સરહદનું છેલ્લુ ગામ મોહનગઢીની બાજુ થોડે દૂર એક કેમ્પ બનાવી રોકાયા હતા. તે રાત્રિના ત્યાં નાચગાન અને મહેફિલો પણ થઇ હતી.’ એસ ટ્રેમાં સિગારેટ બુઝાવતા કેપ્ટન વિક્રમસીંગ બોલ્યા.

‘સર... આ વાતની આપને કેવી રીતે ખ્યાલ આવ્યો... ?’ સિગારેટનો છેલ્લો દમ ભરતાં ઉત્સુકતા સાથે કદમે પૂછ્યું.

‘પગી... બી.એસ.એફ. માં પગી રાખવામાં આવે છે. ઘણી વખત રણમાં બોર્ડર પાર કરી કોણ ઘૂસી આવ્યું છે. અથવા રણ સીમા પાર કરી કોઇ પાકિસ્તાનની નાસી ગયું, તે કોણ છે તે પગી તેના પગલાંની છાપ પરથી પકડી પાડે છે. અમારા પગીએ રાત્રીના જે લોકો ઊંટ પર સવાર થઇ નાસી છૂટ્યા હતા. તે સ્થળેથી ઊંટના પગલાંઓની છાપનું સગડ પકડી તે સ્થળ સુધી પહોંચ્યો હતો અને ત્યાં લોકોની પગલાંની છાપ પણ ઓળખી બતાવી હતી. રાત્રીના ત્યાં નાચગાન થયાં હતાં તે સ્ત્રીના પગલાંની છાપને બાદ કરતાં એક સ્ત્રીના પગલાંની છાપ પણ મળી આવી હતી, જેને લઇને તે લોકો બોર્ડર પાર કરી ગયા છે.’

‘ઠીક છે... તો હું તે સ્થળ જોવા માંગુ છું...’ સર મારી સાથે કોઇને મોકલી શકશો...?’

‘કદમ... હું જ તારી સાથે ચાલું છું... ચાલ...’ કહેતાં વિક્રમસીંગ ઊભા થયાં.

થોડીવારમાં જ તેઓ તે સ્થળ પાસે પહોંચી ગયા.

બપોર થવા આવી હતી. ગરમ ગરમ પવનોની થપાટો સાથે રણની ગરમ રેતી ચારે તરફ ઊડતી દઝાડતી હતી.

વિક્રમસીંગ, કદમ અને રાકેશ ત્રણે ખુલ્લી જીપમાં રણમાં બોર્ડરથી ગામ સુધી જવા બનાવેલા કાચા રસ્તેથી તે સ્થળ પર આવ્યા, રાકેશ જીપ ચલાવી રહ્યો હતો.

સ્થળ પર આવતાં જ કદમ ઠેકડો મારી નીચે ઉતર્યો. ગોગલ્સને આંખ પરથી ઉતારી ચારે તરફ નજર ફેરવી. જાણે દરિયો હિલોળા લેતો હોય તેમ રણમાં ચારે તરફ ‘ઝાંઝવાનાં નીર’ દેખાતાં હતાં, જે સૂર્યપ્રકાશ અને સખત તાપથી પેદા થતાં હતાં.

સખત તાપમાં રણની રેતી ભઠ્ઠીની જેમ બળી રહી હોય તેવી સખત ગરમ ‘લુ’ લાગતી હતી. કદમનો રણના સખત તાપમાં આજ પહેલો અનુભવ હતો. માથા, મોં પરની રેતી ખંખેરી, ગાડીમાં પડેલી પાણીની બોટલ ઉઠાવી તેણે પાણી પીધું, તેને થોડી હાશ થઇ.

‘સર... જુઓ, આ સ્થળ પર તેઓએ ચાર તંબુઓ બાંધેલ હતાં. અને અહીં ગોળ ચોગાન જેવું બનાવી ફરત છાલકાઓ પર બેસી તેઓ રાત્રીના દારૂ પીતા પીતા નૃત્ય જોતા હશે, અહીં આગ પ્રગટાવવામાં આવી હતી. પડેલા કોલસાના ઢગલા તરફ આંગળી ચીંધી બતાવી તે આગળ બોલ્યો. અહીં કોઇ સ્ત્રીના આગના ફરતા નૃત્ય કર્યું હશે, અત્યારે તો ઊડતી રણની રેતીને લીધે નિશાન ભુંસાઇ ગયા છે, પણ કાલ તે અસ્પષ્ટ દેખાતાં હતાં.’ રાકેશે કહ્યું.

ત્યાં ઊભા રહી કદમ તે સ્થળનું નિરીક્ષણ કરવા લાગ્યો.

ગરમ પવન સુસવાટાભેર વહેતો હતો. પવનના ઘુઘવાટ સાથે ચારે તરફ રેતી ઊડતી હતી. કેટલોય સમય વીતી ગયો ત્યાં ચક્કર લગાવતાં કદમે બધું જ નિરીક્ષણ કર્યું. અચાનક તેની આંખોમાં એક વિચિત્ર ચમક ઊભરાઇ. થોડે દૂર થોરની ઝાળીમાં એક દુપટ્ટો ફસાયેલો હતો અને પવનને લીધે ફરકતી ધજાની જેમ આમ તેમ ઊડતો હતો.

ઝડપથી આગળ વધી કદમ થોરના કાંટાઓ હાથમાં વાગે નહીં તેની સાવચેતી રાખી દુપટ્ટો ખેંચી લીધો.

આજ દુપટ્ટો દુર્ગાએ પહેર્યો હતો. જ્યારે ડી.એસ.પી. ની ઓફિસમાં દુર્ગા તેને મળી હતી.

શું કાંઇ જાણવાનું મળ્યું કદમ... ? તેમાંથી થોડે દૂર ગાડી પાસે ઊભેલા કેપ્ટન વિક્રમસીંગે પૂછ્યું.

‘સર... આ દુપટ્ટો દુર્ગાનો છે. તે લોકો જે સ્ત્રીને લઇ ગયા છે. તે ચોક્કસ દુર્ગા જ છે.’ મક્કમતાપૂર્વક કદમ બોલ્યો.

‘હવે... ? તારો વિચાર શું કરવાનો છે.... ?’ વિક્રમસીંગે કદમની સામે જોયું.

‘સર... હું અમદાવાદ થઇ આજે જ દિલ્હી જવા ઊપડી જઇશ. સર સોમદત્તને વિગતની જાણ કર્યા પછી આગળ શું કરવું તે નક્કી કરીશું.’ ગાડી તરફ આગળ વધતા કદમ બોલ્યો.

પછી...

થોડીવારમાં જ તેઓ તે સ્થળેથી રવાના થઇ ગયા.

વળતી ફ્લાઇટમાં કદમ અમદાવાદ રવાના થઇ ગયો.

કદમ તે દિવસની સાંજના અમદાવાદ સ્થિત ડી.એસ.પી. ની ઓફિસમાં બેઠો હતો. આનંદ પણ તેની બાજુમાં બેઠો હતો. તેના માથા પર મોટો પાટો બાંધેલો હતો.

આનંદને હોસ્પિટલમાંથી છૂટી મળી ન હતી, પણ તે જીદ કરી હોસ્પિટલમાંથી રજા લઇને આવ્યો હતો. દુર્ગાનુ અપહરણ થયું છે. તે વાત સાંભળ્યા પછી તે એકદમ વ્યાકુળ બની ગયો હતો.

‘સર... દુર્ગાનું અપહરણ કરી તેને રાજસ્થાનની બોર્ડર પારી કરી પાકિસ્તાન લઇ જવામાં આવી છે. જુઓ આ એનો દુપટ્ટો મને રાત્રે તે લોકો બોર્ડર પાસેના એક ગામ મોહનગઢી પાસે રોકાયા હતા. ત્યાંથી મળ્યો છે.’ બેગમાંથી દુપટ્ટો બહાર કાઢતા કદમે કહ્યું.

‘સર... આજ આજ દુર્ગાનો દુપટ્ટો છે.’ ઝડપથી દુપટ્ટાને કદમના હાથમાંથી લઇ નીરખતાં આનંદ બોલ્યો.

‘હા... આનંદ ત્યાં થોરની કાંટાળી ઝાડીમાં ફસાયેલો દુપટ્ટો જોતાં જ હું ઓળખી ગયો હતો કે આ દુર્ગાનો દુપટ્ટો છે. કેમ કે તે જ દુપટ્ટા સાથે દુર્ગા અહી તારી સાથે સાહેબને મળવા આવી હતી.’

‘સર... હવે...? હવે શું થશે, દુર્ગાની કેવી સ્થિતિ હશે... ? તે લોકો દુર્ગાને લઇ પાકિસ્તાન પહોંચી ગયા હોય તો તો... દુર્ગાનું શું થશે... ?’ આનંદની આંખોમાં ઝળઝળિયા આવી ગયાં.

‘આનંદ... આનંદના ખભા પર હાથ મૂકતાં કદમ બોલ્યો, ‘આનંદ, તું ચિંતા છોડી દે. હું જઇશ પાકિસ્તાન. દુર્ગાને છોડાવી લાવીશ. આનંદ... આ મારું તને વચન છે.’ મક્કમતાપૂર્વક કદમે કહ્યું.

આનંદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

ડી.એસ.પી.એ. પાણી મંગાવી આનંદને પિવડાવ્યું. ડી.એસ.પી. અને કદમે તેને આશ્વાસન આપી શાંત કર્યું.

‘સર... અહીંની શું પોઝિશન છે... ?’ કદમે પૂછ્યું.

‘કદમે અહીં કેટલાય લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને પૂછપરછમાં મોટું ષડયંત્ર રચાયું હોવાનું પણ બહાર આવ્યું છે. અને કદમ તે નોટો પણ બધી ડુપ્લિકેટ હોવાનુ જાણવામાં આવ્યું છે અને આ બધું પાકિસ્તાનના કોઇ આંતકવાદી સંગઠન અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.નું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે અને હા તારા વકીલના મિત્ર મી.ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે મને તે નિર્દોષ જણાય છે, પણ તપાસ કર્યા પછી જ બધી ખબર પડશે.’ બોલી ડી.એસ.પી. એ કદમ સામે જોયું.

‘કદમ હવે પછી આગળના પગલારૂપે તારે શું કરવું છે... ?’

‘સર... હું રાત્રિની ફ્લાઇટમાં દિલ્હી જઇ રહ્યો છું. કાલ સવારના સોમદત્ત સરને બધી વિગતવાર જાણ કર્યા પછી જ આગળ ક્યું કદમ ઉઠાવવું તે નક્કી થશે, પણ સર... અહીંની પરિસ્થિતિ શું છે... ?’ અને હા... બનેલી ઘટનાની કોઇનેય ખબર પડવી ન જોઇએ’ કહેતાં કદમે આનંદ સામે જોયું. ‘આનંદ તું પણ આ ઘટના વિષે તારી મમ્મી સિવાય કોઇનેય કહેતો નહીં બરાબર... !’

આનંદે હકારાત્મક રીતે માથું હલાવ્યું.

‘કદમ... અહીંની પરિસ્થિતિ થાળે પડી રહી છે અને સંગ્રહિત હરએક વ્યકિતની એક્ટિવિટી પર બાજનજર રખાઇ રહી છે. દુર્ગાના અપહરણ પછી તે પાકિસ્તાનની સંગઠનના લોકો કાંતો અહીંથી નાસી જઇ પાકિસ્તાન ભેગા થઇ ગયા હશે. અથવા તો કોઇ બીજો શહેરમાં ભરાઇ બેઠા હશે.’

‘સર... અહીંની પરિસ્થિતિ તમે સાંભળજો. કોઇ પણ ગુનેગારને બક્ષવામાં ન આવવો જોઇએ અને તે લોકો ગમે ત્યાં ભરાઇ બેઠા હોય તેને શોધી શોધી પકડી લેવાના છે. સર... મારું પાકિસ્તાન જવાનું થશે. તમને કોઇ જ માહિતી મળે કે કોઇ પ્રોબ્લેમ થાય તો સોમદત્ત સરને તરત જાણ કરજો.’

‘સર...’ કદમ તરફ નજર કરતાં આનંદે કહ્યું.

‘સર... હું તમારી સાથે પાકિસ્તાન આવવા માગું છું.’

‘શું... ? તું પાકિસ્તાન આવીશ...?’ આશ્ચર્ય સાથે કદમ જોઇ રહ્યો.

‘હા, સર... હું દુર્ગાને શોધવા પાકિસ્તાન આવવા માગું છું.’ મક્કમતા સાથે આનંદ બોલ્યો.

‘આનંદ... પાકિસ્તાનમાં પગ મૂકવો એટલે હાથે કરી મોતને આમંત્રણ આપવા જેવુ છે. પાકિસ્તાનમાં પકડાયેલી ભારતીય નાગરિક ક્યારેય ભારત પાછો નથી આવી શકતો. કાં તો તેને જેલમાં સબડી સબડીને મરવું પડે છે, કાં તો મારી નાખવામાં આવે છે. હજારોમાં એકાદ વ્યકિત પાકિસ્તાનની જેલમાંથી છટકી ભારત પાછો આવી શકે છે.’ બોલતાં બોલતાં કદમ એકદમ અતીતની આગોસમાં ઊતરી ગયો. આંખો બંધ કરતાં જ તેની સામે પાકિસ્તાનની જેલમાં સબડતો ભારતીય જાસૂસી સંસ્થાનો એજન્ટ મી. આનંદ યાદ આવી ગયો. જેને છોડાવવા તે પાકિસ્તાન ગયો હતો. કચ્છમાં થયેલ ધરતીકંપ અને પાકિસ્તાનની જેલમાં સબડતા એક કેદી વચ્ચે શું સંબંધ હતો. કચ્છના સપુત કદમે કચ્છની ‘ધરતીનું ઋણ’ કેવી રીતે ઉતાર્યું.

‘સર... પ્લીઝ હું ગમે તે પરિસ્થિતિમાં આપને મદદરૂપ થઇશ અને દુર્ગાને શોધતાં કદાચ મારું મૃત્યુ થશે તો તેનો અફસોસ નહીં થાય.’

વિચારધારામાંથી બહાર આવેલ કદમ આનંદની વાત સાંભળી રહ્યો. ખરેખર આનંદ દુર્ગાને હ્રદયપૂર્વક ચાહતો હતો.

‘ઠીક છે, આનંદ હું દિલ્હી જઇ મારા અધિકારીઓ સાથે વાતચીત કરી કંઇક ગોઠવું છું, પણ તારે મારી સાથે નહી પણ આમ આદમીની જેમ પાકિસ્તાનમાં આવવાનું છે. પછી હું તને શોધી લઇશ,હું તારી આજુબાજુ જ હોઇશ, બરાબર... ?’

‘થેન્ક્યુ સર...’ આનંદ ઉત્તેજના સાથે ઊભો થઇ કદમને ભેટી પડ્યો.

‘અરે... અરે... મારું ગળુ દબાય છે, છોડ.’ હસતાં હસતાં કદમ બોલ્યો.

‘આનંદ તારી પાસે પાસપોર્ટ છે...?’ ડી.એસ.પી. સાહેબે પૂછ્યું.

‘હા... સર... પાસપોર્ટ છે, ફકત વિઝા મેળવવા પડશે.’

‘ઠીક છે તારા ડોક્યુમેન્ટ મને મોકલી આપ તને તાત્કાલિક ધોરણે વિઝા મળી જશે.’

‘આભાર સર...’ ભાવ-વિભોર અવાજે આનંદે કહ્યું.

‘આનંદ... આમાં આભાર માનવાની જરૂર નથી અને દુર્ગાને શોધી ભારતમાં પરત લાવવી તથા દેશને નુકસાન કરતા દુશ્મન દેશના ગદ્દારને સજા દેવી એ અમારી ફર્જ બને છે અને તું તે ફર્જમાં અમને મદદ કરી રહ્યો છે.’ સમજ્યાને... ! હસતાં તેઓ બોલ્યાં.

ત્યારબાદ કોફી-નાસ્તો આવ્યાં.

કોફી-નાસ્તાને ન્યાય આપી કદમ તુરંત અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવા નીકળી ગયો. રાત્રિના નવ વાગ્યાની તેને દિલ્હીની ફલાઇટ પકડવાની હતી. જતાં જતાં આનંદને કેટલીય સૂચનાઓ તે આપતો ગયો.

કદમ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે આઠ ચાલીસનો સમય થયો હતો. નિયોન લાઇટના પ્રકાશમાં એરપોર્ટની નવી બિલ્ડિંગ નવવધૂની જેમ શોભી રહી હતી. એરપોર્ટની બિલ્ડિંગ બહારના સર્કલમાં લગાવેલ સરદાર વલ્લભભાઇની પ્રતિમાને જોતાં કદમે મનમાં ને મનમાં વીરપુરુષ વલ્લભભાઇ પટેલને યાદ કરી સલામ કર્યાં.

‘કાશ... ભારતના પહેલા વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ બન્યા હોત તો આ દેશના ભાગલા ન પડ્યા હોત, ન કાશ્મીરનો વણઉકેલાયો વિવાદ રહ્યો હોત. ભારતના સપુત તમને અમારા કોટી કોટી વંદન...’

***