એકવાર ન બનવાનું બની ગયું ને નિયમિત ટાઈમમાં બેસનારી હું બે મહિના થયાં ટાઈમમાં નાં બેઠી.મારી માએ મારી ખૂબ ઉધડી લીધી.પહેલા તો થયું કે અનિયમિતતા હશે,પછી મને તરત યાદ આવ્યું.વચ્ચે અમે..હું અને વિજય, અચાનક જ બે-ત્રણ વાર મળેલા ને ગોળીઓ લેવાઈ નહતી.વિજયે મને ગોળીઓ આપી પણ મળવાનું નક્કી ન હોય ત્યારે અમસ્તા જ રોજ તો ગોળી લીધી ન હોય..
મા એ વારંવાર પુછ્યું, ક્યાંક કાળું કરીને તો નથી આવીને! હું ચૂપ રહી.મા એ ફરી પુછ્યું, સાચું કહે..ક્યાંય કુંડાળામાં પગ?ને હું છુટ્ટા મોં રડી પડી.માનો ગુસ્સો સાતમા આસમાને પોંહચી ગયો.તેણે જોરથી મને હડસેલો માર્યો ને હું અફળાઇ દીવાલ સાથે.માથે લોહીની ધાર વહેવા માંડી.મા સહેજ ઢીલી પડી, 'બોલ કોણ છે એ?'...હું ફરી ચૂપ રહી.
મા મને તરત લેડી ડૉક્ટર પાસે લઇ ગઇ.ત્યાં મારુ ચેકઅપ થયું.ને સાચ્ચે જ મારા પેટમાં વિજયનાં પ્રેમનું બીજ આકાર લેતું થઈ ગયું હતું. ડૉક્ટરે કહ્યુ, "ખુશખબર છે તમારી દિકરી પેટથી છે..."
આ સાંભળતા જ માનો મિજાજ ગયો.એય શું કરે?
મા એ તેની સરસ્વતી વાણી શરુ કરી.
"નાલાયક..તને ભણાવી ગણાવી આની માટે?તુ કાં મારા પેટ જન્મી?મરી કેમ ના ગઇ?હવે હું બહાર શું મોઢું બતાવીશ?
બોલ કોનું પાપ છે આ?બોલ..."
ડૉક્ટર બોલ્યા, "હવે જમાનો બદલાયો છે.પહેલી વાત એ કે લગ્ન પહેલાં કોઇપણ પુરુષને શરીર નાં અપાય ને, જુવાની હાથમાં ન રહેતી હોય તો ઘણાં સાધનો છે ઉપયોગમાં લઇ શકાય."
પછી ડૉક્ટર એ અબોશૅન માટે સલાહ સૂચન કર્યા.વેળાસર ન કરાવાય ને મોડુ થઈ જાય તો..ને વીલે મોઢે હું અને મા ઘરે આવ્યાં.રીક્ષામાં બન્ને છેક સુધી ચૂપ રહ્યાં.ઘર આવ્યાં પછી ફરી માનો ગુસ્સો સાતમા આસમાને પોંહચી ગયો.
'તને કેટલા છોકરાં બતાવ્યા તે એક ય નજરે ન આવ્યાં.ને હવે આમ આ છીનાંળુ કરીને આવી..?કહે તો ખરી એ કોણ છે તો કંઇક સમજ પડે....'
ને મેં રડતા રડતા લાલજી શેઠનાં દિકરા વિજયનું નામ દઇ દીધું.નામ સાંભળી માનો ચહેરો લાલઘૂમ થઈ ગયો.એ છાતી કૂટવા માંડી.રડતી ગઇ ને મને ય મારા માથાંમાં અને પીઠમાં ગુમ્બા મારતી ગઇ.થોડીવાર પછી એ શાંત થઈ ગઇ.કંઇક વિચારી એ બોલી, 'ના દિકરી હવે ગર્ભપાતનું પાપ નહીં જ..ને પછી મેં માંડીને મારા વિજય સાથેના પ્રેમસંબંધની વાત કરી.મા ને સમજાયું કે આમાં મારી એકલીનો વાંક નહતો, એનાં શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું.એણે કહ્યું, 'દિકરી આ બધાં મોટા લોકો કહેવાય.એમનાં ભરોસા ન રખાય.ક્યારે ફરી જાય કહેવાય નહિ.છતાં, તું એક કામ તેને મળ ને બધી વાત કર.'
માં ઘણી અસ્વસ્થ અને ચિંતિત હતી પણ કોણ જાણે કેમ મને વિજય પર ભરોસો હતો.હમણાં ચાર-પાંચ દિવસ પેહલા જ રામનવમીનો અવસર ગયો.'ઠુમકી ચલત રામ, બાજે પૈજનિયા..'
મને ખાતરી છે કે જેવું હું આ વાત એને કરીશ તે જરૂર લગ્નની ઉતાવળ કરશે.અત્યારથી મને નાના નાના પગ, હાથ, તારલા જેવી આંખો દેખાવા માંડી.સવારે ઊઠીને ફટાફટ હું તૈયાર થઈ મારી બેહનપણી મંજુના ઘરે ગઈ.તેને અમારા પ્રેમ સંબંધની જાણ છે પણ મારી આ અવસ્થા વિશે તેને કેહવાની હિંમત નહતી.તેના જોડે વિજયને મળવાનુ કેહવડાવ્યું.આમ તો વિજયના ઘરે જ મળી શકાય પણ એકલામાં વાત થાય તે શક્ય નહતું.એના બંગલે ઘણીવાર જતી, મા સાથે નાનપણમાં એના ઘરે વાળવા જતી. શેઠાણી ઘણાં સારા સ્વભાવના છે મને વારે તેહવારે નવા કપડાં લઈ આપતાં.
મંજુ એ સમાચાર આપ્યા કે, વિજય ધંધાના કામે બહાર ગયો છે બે ચાર દિવસ પછી આવશે.વળી બે ત્રણ દિવસ અજંપામાં ગયા. જોકે, અંદરથી શ્રદ્ધા હતી કે વિજય જરૂર આ વાત સાંભળીને લગ્ન કરશે.અમે ક્યાં પાપ કર્યું છે? અમે ફક્ત પ્રેમ કર્યો છે..
ચોથે દિવસ વિજય આવી ગયાના સમાચાર મળ્યાં.મંજુનો ભાઈ વિજયનો દોસ્ત હતો તેથી એની જોડે બીજા દિવસે મળવાનુ કેહવડાવ્યું.વિજયને જાણીને આશ્ચર્ય તો થયું હશે કારણ આમ સામેથી મળવાનુ કોઈ દિવસ હું કહેતી નથી.બીજી સાંજે હું તેના ફાર્મહાઉસ પર પહોંચી ગઈ ત્યાંના સિક્યુરિટી વાળા કાકા મને સારી રીતે ઓળખતા હતાં.વિજય સાથે હું અહિયાં જ આવતી. પાંચ-દસ મિનિટ પછી તેની કાર આવી..
આવતાં જ તે બોલ્યો, 'ઓહ આજે તો સામેથી બોલાવ્યો!! શું વાત છે બઉ ઉમળકો ઉભરાઈ ગયો કે શું??'
થોડી આડી-અવડી વાતો કરી એ મને અંદર ખેંચવા લાગ્યો.હું ઉદાસ હતી.મારો મુડ નહતો.એણે એ નોંધ્યું.મને કહે, 'લે આ તારો મુડ કેમ બગડેલો છે..સામેથી બોલાવ્યોને આવું?? ચાલ હવે આપડે કાંઈ પહેલીવાર થોડી મળીયે છે તો શરમાય છે!!
ને ફરી એકવાર હું સમર્પિત થઈ ગઈ.થોડીવાર બેસ્યા પછી તેનો હાથ પકડી હું બોલી, ચાલોને વિજય આપડે લગ્ન કરી લઈએ.. એ કહે, 'શું ઉતાવળ છે યાર?હજુ મને ધંધામાં સેટ થવા દે, આ ઊંમર તો મોજ મસ્તીની છે પછી લગ્નની જંઝટ છે જ ને..!!'
વધારે રાહ જોવાય એમ નથી વિજય તમારા પ્રેમનું બીજ મારા પેટમાં આકાર લેવા માંડ્યું છે અને તે સડાક દઈને બેઠો થઈ ગયો.એ કહે, 'તને ગોળીઓ લેવાનુ કહ્યું હતું ને કેમ ભૂલી ગઈ??' વિજયના ગલ્લાંતલ્લાં જોઈ હું સાવધ બની ગઈ, તેમ છતાં ડરતા બોલી, 'ઘણીવાર મને નક્કી કર્યા વગર અહિયાં લઈ આવ્યા હતાં એવા સમયે ગોળી નાં લેવાઈ હોય, તમે ગુસ્સે કેમ થાવ છો તમે તો પ્રેમ કરો છો ને મને લગ્ન કરવાના છો મારી સાથે આજે નહિ તો કાલે આ થવાનું જ હતું'.તે પ્રેમ શબ્દ સાંભળી છંછેડાઈ ગયો.
તેણે એક મોટું અટ્ટહાસ્ય કર્યું ને બોલ્યો, 'લગ્ન અને તારી સાથે..!ક્યાં અમારું ખાનદાન ને ક્યાં તું.આ તો બે ઘડી ગમ્મત કહેવાય.
મેં કહ્યું, 'ગમ્મત! અત્યારે હું એકદમ સિરિયસ મુડમાં છું.આવી ગમ્મત ન કર.તને આપણા પ્રેમની કસમ.'
તેણે મને જોરથી ધક્કો માર્યો, 'જા જા! ગળે ના પડ.તમારા જેવાને હું સારી રીતે ઓળખું છું.પૈસાદાર છોકરાને ફસાવીને પૈસા પડાવવા એજ તમારું કામ છે.'
મે કહ્યું, 'બસ હવે વધારે બોલીશ નહિ.અમારો જન્મ તમારી કહેવાતી ઉજળી કોમમાં નથી થયો એજને.બાકી અમારે ય આમન્યા હોય.'
આમન્યા ને તમારે!!એટલે જ મારી સાથે આવી રીતે સુઇ ગઈ.કોને ખબર કેટલા સાથે આવા ધંધા કર્યા હશે? ને કોનું પાપ મને ગળે નાંખે છે..
મારા ગુસ્સો આસમાને પહોંચી ગયો ને તરત જ એક તમાચો તેના ગાલ પર આપીને બોલી, 'તારી સાથે પ્રેમ કર્યો એનું આ પરિણામ તે મને આપ્યું?મારી મા બરાબર જ કહેતી આવી છે મોટા લોકોનું કોઈ ઠેકાણું નહીં.હવે જોઈ લેજે હું શું કરું છું તારી દશા..' ને ત્યાંથી સીધી મારી મા બીજા બંગલે કામ કરતી હતી ત્યાં ગઈ.
બધું જણાવ્યું ને માએ ત્વરિત નિર્ણય કર્યો.મને થોડા કપડાં અને સામાન સાથે મારા મામાના ગામ બાજુ લઈ ગઈ જ્યાં તેની જૂની સહેલીનું મકાન હતું.ને મારા લેડી ડોક્ટર સાથે ચેકઅપ કરાવ્યું.મારા ભાઈને દીદીને ભણવા મુકી છે હું ત્યાં રહીશ એમ કહી મામાને ઘરે રાખ્યો ને માં મારી સાથે રહેવા લાગી ત્યાંજ તેણે કામ તેની સહેલી દ્વારા મેળવી લીધું.ખરેખર એક માતા જ પોતાના બાળક માટે આટલું કરી શકે. હું ફક્ત તેને જોયા કરતી, કેટલીય રાતો ઉજાગરા કરીને જવા દેતી દગાની પીડ અને ભાવિ બાળકની ચિંતા સોયની જેમ ખુંચતી રહેતી..
આખરે મહિનાઓ વીતતાં ગયા ને મને વેણ ઉપડ્યું, મા તરત દોડીને લેડી ડોક્ટર પાસે લઈ ગઈ.નર્સે ફોર્મમાં પિતાનું નામ શું લખવું પૂછ્યુ ત્યારે અમે મા-દીકરી એકબીજા સામે જોઈ નીચું જોઈ રહ્યા.
ડોક્ટર કહે, 'વાંધો નહિ..જે થયું તે વિધાતાને ગમ્યું હવે હિંમત હારવી પોસાય નહીં પિતાના નામમાં તમારું નામ લખાવી દ્યો,.આવા ઢીલા પોચા નહી રહેવાનું વખત આવે એવા લફંગાઓને સબક શીખવાડવા.ને ખરેખર મેં મારી વેદના ખંખેરી નાખી.'
મા આવનારા બાળકના પિતાના સ્થાન પર ઊભી રહી.ને મેં એક સુંદર બાળકીને જન્મ આપ્યો.(પડોશમાં થોડી પૂછરછ થઈ હતી પણ માએ બધું સંભાળી લીધું હતું કે એનો વર વિદેશ ગયો છે.)
દીકરી થઈ હતી એનો આનંદ હતો..દુઃખ બસ એજ વાતનું હતું કે તેનો બાપ હાજર નહતો કે કોઈ દિવસ થવાનો નહતો.આટલી માનસિક વેદના વચ્ચે પણ મને નોર્મલ ડિલિવરી થઈ હતી.
મા બાળકીને જોઈને રડી પડી હસતા બોલી, 'જો તો ખરા કેવી મસ્ત છે, મુઈ કેવું ય ભવિષ્ય લઈને આવી હશે.'
ડોક્ટરની રજા લઈ અમે મા-દિકરી અને નાની બાળકી મારા શહેર પરત ફર્યા.દસેક દિવસ એમ જ વિત્યા હશે ને એક સવાર હું,માં ને મારી દીકરીને લઇને શેઠના બંગલે જઈ પોહચ્યાં.બેલ મારવાની જરૂર ન પડી.શેઠ શેઠાણી બહાર હિંચકા પર જ બેઠા હતાં.અમને જોઈને શેઠાણી તરત બોલ્યા, 'અરે સુરજ! બહું દિવસ પછી આવી ને તારી આ દીકરી તો કેટલી સુંદર દેખાય છે લગન બગન કરી લીધા કે શું અને ક્યારે ડિલિવરી કરાવી જણાવ્યું પણ નહીં?'
મારી માએ મને આગળ કરી.પ્રસુતિના દસ જ દિવસ થયા હતા એટલે વધારે સુંદર લાગતી હતી ને ઉપરથી વિજય માટેનો ગુસ્સો.!!આજે હું કોઈના જવાબ આપવાના મુડમાં નહતી.આજે બોલવાનો વારો મારો હતો, 'શેઠાણી એક કહેવત છે મોરનાં ઈંડાને ચીતરવા ન પડે પણ આજે હું કેહવત બદલું છું નાલાયકની ઓલાદ નાલાયક જ પાકે, બોલાવો તમારા રાજકુંવરને બહાર.'
શેઠ ગુસ્સામાં બોલ્યા, 'તારું મગજ તો ઠેકાણે છેને શું બોલે છે સવારમાં સવારમાં..હે સુરજ! તારી દીકરીને દોહરા તો નથી પડતાને? પાગલ થઈ ગઈ છે લાગે..જાણે ક્યાંથી મોં કાળું કર્યું છેને અમારા દીકરા પર આમ...લઈ જા આને અહિયાંથી.'
હું શેઠાણી પાસે જઈ બોલી, 'તમે તો સ્ત્રી છો ને?અનુભવી..આ દીકરીને જુવો તો કોના જેવી લાગે છે?અને એનાથી પણ પેટ ના ભરાય તો બોલાવો તમારા સુપૂત ને બહાર..એય સમજી ગયા પણ ખામોશ રહ્યા.શેઠાણીજી મારે તો બસ તમારા આ ઉજળિયાત કપડાંની નીચે અમ જેવા ભોળા લોકોને પીંખવા જે નાગ છુપાયેલો છે તે બહાર લાવવો છે.તમારે જાણવું જ હોય તો કહું..યાદ છે માસી ખાસ્સા ટાઈમ પહેલા તમે એકવાર બહાર ગયા ત્યારે મારી માએ તમારા ઘરે કામ બંધ કરી દીધું હતું? જાણવું નથી કેમ??'
'હા એતો તારી માને રૂપિયા વધારે જોઈતા હતાને કામ ઓછું કરવું હતું..' શેઠ વાત ન વધે એ ઇરાદાથી બોલ્યાં.
તમે ચૂપ રહો મને સાંભળવા દો...શેઠાણી પણ કંઇક કાચું કપાય રહ્યું એમ સમજી રહ્યા હતા.બોલ બેટા શું કારણ હતું?
તો સાંભળો તમારા મહાન પતિદેવના એ પરાક્રમો..એ વખત મારી માં બાજુના ઘેર પોતું કરવા ગઈ હતી અને હું વચ્ચે ફરીને પોતું ના બગાડ કરું એ આશયથી મને તમારા હિંચકા પર બેસાડીને ગઈ હતી.થોડી વારે શેઠ બહાર આવ્યાને જોયું કે હું એકલી છું તો મને કહે, ચાલ તને ચોકલેટ આપીશને હું ચોકલેટની લાલચ માં અંદર આવી ગઈ.મને એમણે તમારા પલંગ પર બેસાડીને ગાલે બચી કરી હું કંઇ સમજી નહી, મને કહે, 'ચાલ આપડે સુઇ જઈએ.'
પછી મારા ફ્રોકને ઉંચું કરી પગ પર હાથ ફેરવવા લાગ્યા..ધીમે ધીમે ઉપર ને પછી ચડ્ડીની અંદર.હું હાથ છોડાવી ભાગી પણ એમણે મને ગુસ્સામાં કહ્યું, 'એકવાર કીધું ને સુઈ જા.'
ને તરત મારી માની બુમ આવી. 'દીપુ !!..'
શેઠ તરત ચમકી ગયા મને કહે, 'જો તારી મા બોલાવે..ને હું તરત મા પાસે દોડતી દોડતી ગઈને વળગી પડી.ઘરે જઈને એણે મને જૂડી જ નાખી.મે પુછ્યું, 'શું થયું મારાથી કંઇ ભૂલ થઈ ગઈ?'
તે બોલી, 'ના કંઇ ભુલ નહીં પણ ખબરદાર! જો હવે ત્યાં એકલી ગઈ છે જો..'ને એણે તરત મને પ્રશ્નોનાં વરસાદથી નવડાવી દીધી મને કહે, 'બોલ એણે શું કર્યું હતું તારી જોડે?' અને મેં પણ ભોળા ભાવે બધું જ કહી દીધું.પછી તો એય રડવા લાગી હાય મારા કરમ ફૂટી ગયા.. વળી ક્યાં તને એકલી મુકી..!
પણ પછી હું ય થોડી સાવધ થઈ ગઈ હતી.મોટી થતાં ઘણું બધું સમજાય ગયું હતું, આ મોટા લોકો અમારી મજબુરીનો લાભ લેતા.નાની નાની છોકરીઓને પણ ન છોડે.અમે આવી વાત કહીએ પણ કોને?મારા બાપા નાની ઉંમરમાં જ અમને ભાઈ બહેનને મૂકીને મૃત્યુ પામ્યા હતા એટલે મારી માને અમને મોટા કરવા આવા ઘરકામ કરવા પડતા.ને તો પણ મારી માં જાત સાચવીને રહી ને એક હું જ આવી ચુંગાલમાં ફસાઈ ગઈ...બાકી તમારા પરાક્રમી પતિદેવે મારી માને પણ ફસાવવા આભ જમીન એક કરી દીધું હતું.એતો શેઠાણી તમે ભગવાનનું માણસ એટલે મારી મા એ તમારે ત્યાં કામ ફરી ચાલુ કર્યું.ને એ જ વીર શેઠનો દીકરો વરણાગી નીકળ્યો.હું પણ કોલેજ સુધી ભણી એટલે હવા લાગી ગઈને તમારા વિજયના પ્રેમના મિનારા બાંધવા લાગી.મને એમ કે મને પ્રેમ કરે છે તો લગ્ન પણ કરશે જ ને..જોડે તો એ મને ના ફેરવી શકે તમારા મોટા લોકોનું માન ઘટી જાય! એટલે એ મને ફાર્મ હાઉસ પર લઈ જતો ને ત્યાં જ હું મારું દિલ અને શરીર દઈ બેસી પણ મેં ભુલ કરી.બાપના ગુણ જાય બેટામાંથી?
અને આ વાતની તેને જાણ પણ કરી કે હું સગર્ભા છું ,લગ્ન કરવા સમજાવ્યો પણ તે કાયર નીકળ્યો.
શેઠાણી શેઠ સામે કરડાકી નજરે જોઈ રહ્યાં ત્યાં જ એમનો સુપુત વિજય બહાર આવ્યો.મને જોઈને કહે, 'ઓહો મેરેજ કરી લીધું અમને બોલાયા પણ નહિ...' એ વાક્ય પૂરું કરે એ પહેલાં જ મારા હાથનો પ્રસાદ એના ગાલ પર પડી ચૂક્યો હતો.
'હરામખોર શરમ નથી આવતી તને આવું બોલતા, આને જુવો તો આ આપડા બન્નેની દીકરી છે.' મેં ગુસ્સામાં જે આયું એ બોલવા માંડ્યું.
એ તરત ગોટા વાળવા માંડ્યો..મને કહે, 'અરે જા જા..તમે તો સત્તર ઘાટના પાણી પીને આવો ને આમ ગળે પડો.શું સાબિતી છે કે આ મારી જ દીકરી છે?'
બે પળ હું સ્તભ થઈ ગઈ, મન મક્કમ કર્યું આજે ઢીલી પડી તો કંઈ નહીં કરી શકું આજે મારે આંસુ વહાવાના નહતા તરત સ્વસ્થ થઈ બોલી, 'હેં શેઠાણી તમે રોજ આ ટીલાંટીપકાં કરી મંદિરે જાવ એટલે ચોખ્ખા થઈ જાવ?થયું ન થયું થઈ જાય?જુવો હવે હું કોઈથી ડરવાની નથી, ભણેલી છું અને કાયદા કાનુન જાણું છું...અને ખબરદાર જો કોઈએ મારી દીકરીને હાથ પણ લગાવ્યો છે તો! આ મારી દીકરી છે અને રહી વાત લગ્નની તો એ આ જનમમાં શું આવતા દસ જનમ સુધી હું તારી સાથે કરીશ નહિ ભલેને તું મારા પગે પડે.'
વિજય અકળાય ગયો, 'એટલે તું કહેવા શું માંગે છે?'
એ જ કે હવે તારી સાથે લગ્ન કોઈ કાળે નહીં કરું.તમને બન્ને બાપ દીકરાને હું ખુલ્લા પાડીશ કૉર્ટમાં.વર્ષોથી સત્ય પર અસત્યના જે વાઘા તમે પેહરી ફર્યા છો તેને હું કાઢી નાખીશ.કોર્ટ જરૂર સત્યને પ્રગટ કરશે.ચાલ દીકરી! ને હું મારી નાની ઢીંગલીને લઈ પગથિયાં ઉતરી નવી આશામાં ચાલી રહી.
****