મૃત્યુ પછીનું જીવન - ૮
આપણે આગળ જોયું , એમ રાઘવ પહેલાં તો સ્વીકારી જ ન શક્યો કે એનું મુત્યું થઇ ચુક્યું છે. પણ હવે એને શરીર વિના દુન્યવી મજા માણવાની મજા પડી રહી છે . બે દેવદૂતો એને સ્પીરીટ વર્લ્ડ લઈ જવાં આવ્યાં છે , પણ એ એમની પાસેથી ભાગીને ફરી હીના પાસે પહોંચી જાય છે . વર્ષો પછી એ એનાં બાળપણના દોસ્ત સુજીત અને એની પ્રેમીકા હીનાના ઘરમાં પ્રવેશે છે .પણ ત્યાં એક નવો આઘાત એની રાહ જોઇને ઊભો છે. હવે આગળ વાંચો ...
આ બાજુ સ્મશાન ભૂમિ પર બંને દેવદૂતો ને ખબર છે કે રાઘવ ભાગી રહ્યો છે ...બંને રાઘવની નાદાની પર હસી રહ્યાં છે ...
“ ભાગવાનો એનો સ્વભાવ છે , આદત છે ...દરેક મનુષ્ય પોતાની આદતનો ગુલામ છે ...! ”
બીજો અવાજ આવ્યો ...
“ ભાગવા દો એને ...ભાગી ભાગીને જવાનો ક્યાં ? ”
“ ચાલો , પૃથ્વી પર આવ્યાં છે , તો આપણે પણ થોડું રમી લઈએ , થોડી મસ્તી કરી લઈએ ...પછી તો ફરી એ જ સ્વર્ગ અને એ જ લાઈટ અને ચોતરફ શાંતિ જ શાંતિ...
બંને દેવદૂતો ને ટીખળ સુઝે છે ...અને ફાફડા અને ચાની મજા માણતા ટોળા પર એક કાંકરો ફેંકે છે. કાંકરો સીધો પરેશની ચાય માં જઈને પડે છે ...
પરેશ ગભરાઈને ઊભો થઇ ગયો..
“ અરે યાર મારી ચાયમાં પથરા ક્યાંથી પડ્યા ? ...પેલાં ખૂણામાં કોણ છે ? ”
ફરી કાંકરા પડ્યા સલીમની ચાયમાં ...
“અરે .... નક્કી કોઈ છે ત્યાં ...ભાગો , રાઘવનું ભુત છે કે શું ?”
બધાયનાં ભયભીત ચહેરાઓને જોઇને દેવદુતોને મજા આવી ગઈ ...
થોડીવાર પહેલાં મસ્તીથી ચાયની ચૂસકી લેતાં ટોળામાં ભાગદોડ મચી ગઈ ... બંને ત્યાં ઊભા ઊભા પોતાની રીતે મજા લઇ રહ્યાં હતાં , આ બધા તો એમનાં રોજનાં સીન હતાં ...એક તરફ રાઘવનું શરીર બળી રહ્યું હતું અને બીજી તરફ બધા ભાગી રહ્યાં હતાં ...એટલામાં એક વડીલે વાત સંભાળી લીધી .
“ ઓ ડરપોકની જમાતો ....સીધાં ર્યો , ઝાડ ઉપરથી લીંબોળી પડી રહી છે અને તમે બધાય કાગ નો વાઘ કરો છો ...
વાતાવરણ હળવું થઇ ગયું ..બધાં હસવા લાગ્યાં ...ફરી આવીને બેસી ગયાં ..
“ આ રાઘવ તો મર્યા પછી પણ જપવા નથી દેતો ...”
બંને દેવદુતો હસવા લાગ્યાં ...બે માંથી એક દેવદૂતે પોતાનાં તેજ શરીર માંથી માનવશરીર જેવો જ તેજોમય આકાર ધારણ કર્યો , પછી પોતાનાં હાથ ઊંચા કરી એક આંગળી વડે હવામાં એક ચોરસ આકાર બનાવ્યો, જે ચોરસ આકાર એક સેકન્ડમાં આઈ પેડ જેવી સ્ક્રીન બની ગઈ . ફરી એમણે એ સ્ક્રીનની વચ્ચે આંગળીથી હળવો સ્પર્શ કર્યો . સ્ક્રીનમાંથી એકદમ ભૂરા અને લીલા તરંગો આંદોલિત થવાં માંડ્યા અને પછી એમાં રાઘવનું લાઇવ પિક્ચર દેખાવા લાગ્યું .
* * * * *
રાઘવ હીનાનાં ઘરમાં ફરી રહ્યો છે . અચાનક જોર જોરથી અવાજ આવી રહ્યો છે . રાઘવ અવાજની દિશામાં આગળ વધી રહ્યો છે . એ જુએ છે કે એક યુવાન જોર જોરથી બારણા ઠોકી રહ્યો છે અને આખા ઘરની શાંતિ ડહોળી રહ્યો છે ..એવું લાગે છે કે આજે દરવાજો મિજાગરાં તોડીને બહાર આવી જશે ..
“મોમ , મોમ ...જલ્દી બહાર આવ ...શું કર્યા કરે છે અંદર ..”
‘ઓહો ...આ તો ઘરનાં પ્રિન્સ છે ....! બાપ રે ... આ તો કેટલો બરાડીયો છે ? અને હીના મને બરાડીયો કહેતી હતી . આટલો અસભ્ય હીનામેડમનો છોકરો... ! જે વાતે વાતે મને સભ્યતા શીખવતી હતી ...!
એક ઠરેલ સ્ત્રી , જે ઘરની કેર-ટેકર જેવી લાગતી હતી ..યુવાન પાસે જઈને ઊભી રહી ...
“ બાબા, આમ કેમ કરો છો ? મોમ હમણાં બહાર આવશે. ”
“તાઈ , એ કલાકથી અંદર છે , શું કરે છે એકલી એકલી ...? મને ભુખ લાગી છે , એને ખબર છે , હું એનાં વિના જમતો નથી .એ ૫ મિનિટ નહીં આવે , તો હું દરવાજો તોડી નાખીશ ...”
“એ હમણાં બહાર આવશે . હું પીરસું છું , તમે જમી લો .મેડમની તબિયત સારી નથી , માથું દુખે છે , તમે એને વધારે હેરાન કરો છો.”
“અરે , એટલે જ તો...મોમ કઈ ખાશે તો એને સારું લાગશે .”
“હું આટલું ઠોકુ છું , એ સાંભળે છે , તો પણ ખોલતી નથી ? હવે એ ૫ મિનિટમાં નહીં આવે , તો હું દરવાજો તોડી નાખીશ ...” યુવક ગુસ્સામાં બોલ્યો .
“ બાબા, એમને પણ થોડી સ્પેસની જરૂર હોય ...થોડી ધીરજ રાખો ..હમણાં આવશે , ચાલો , તમને જમાડી દઉ ...”
“ઠીક છે, પણ એને જલ્દી જમાડી દેજો તાઈ ..”
જમનાતાઈ એને પ્રેમથી સમજાવીને જમાડવા લઇ ગઈ ...એક મિનિટ માટે રાઘવને સુજ્જુની બા યાદ આવી ગઈ .જયારે બધાં એની વિરૂદ્ધ હોય ત્યારે બા કેવા પ્રેમથી સમજાવીને એને જમાડતી .થોડી વાર બધે શાંતિ છવાઈ ગઈ ...
રાઘવ હીનાનાં રૂમમાં પ્રવેશતા પહેલાં અચકાયો , હવે એ એની બાળપણની મિત્ર કે પ્રેમીકાનાં રૂમમાં નહી પણ એનાં દોસ્તની પત્નીનાં રૂમમાં જઈ રહ્યો છે ..પણ હવે એને પણ ફિકર થવાં માંડી કે હીના કોઈ મુશીબતમાં તો નથી ને ....!
- અમીષા રાવલ
* * * * * *
હીના દરવાજો કેમ નથી ખોલતી ? દેવદૂતો ક્યાં સુધી રાઘવને પૃથ્વી પર રહેવાં દેશે ? હજુ કયો આઘાત રાઘવની રાહ જોઈ રહ્યો છે ? આગળ વાંચતાં રહો ,તમારા દરેક પ્રશ્નોના જવાબ મેળવવાં ..
આપનાં રીવ્યુ અને રેટીંગ આપતાં રહો ..આપનાં તરફથી મળતાં અદ્બભુત પ્રતિસાદ બદલ ખુબ આભાર ....!