Ravanoham Part 6 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | રાવણોહ્મ - ભાગ ૬

Featured Books
Categories
Share

રાવણોહ્મ - ભાગ ૬

ભાગ 

બીજે દિવસે સોમ ઉઠ્યો ત્યાંજ તેમનો નોકર ગિરધારી બેડરૂમમાં આવ્યો અને કહ્યું, “ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા છે.”

પાયલ તે સમયે બાથરૂમમાંથી બહાર આવી રહી હતી, તેણે કહ્યું, “સવારે સવારે ઇન્સ્પેક્ટર! લાગે છે આજનો દિવસ બગડશે.”

 

સોમે ગિરધારીને કહ્યું, “તેમને ચાપાણી કરાવ, હું પંદર મિનિટમાં તૈયાર થઈને આવું છું.”

 

ગિરધારી ભલે સાહેબ કહીને નીકળી ગયો. પંદર મિનિટ પછી સોમ અને પાયલ કુલકર્ણીની સામે બેસેલા હતા.

 

સોમે પૂછ્યું, “શું કામ પડ્યું ઇન્સ્પેક્ટર સાહેબ?”

 

કુલકર્ણીએ કહ્યું, “આજે આપનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ એટલે કે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવાનો છે.”

 

સોમે કહ્યું, “પણ! મારે આજે જરૂરી કામ છે, બે દિવસ પછી નહિ ચાલે?”

 

ઈન્સ્પેક્ટરે કહ્યું, “જો મેં કોર્ટમાંથી તારીખ ન લીધી હોત તો ચાલી ગયું હોત, પણ આ કેમિકલ ટેસ્ટ છે એટલે ડૉક્ટર અને સાઈક્રિયાટિસ્ટની પણ અપોઈન્ટમેન્ટ લીધી છે.  આ ટેસ્ટમાં ડૉક્ટર થોડું કેમિકલ ઈન્જેક્ટ કરશે અને હું થોડા પ્રશ્ન પૂછીશ બસ એટલું જ.”

 

કેમિકલ ટેસ્ટનું નામ સાંભળીને સોમના પેટમાં ફાળ પડી કે રખે કંઈ બોલાઈ જાય તો તો તેની છુપાવી રાખેલી હકીકત બહાર આવી જશે.

 

            પાયલે કહ્યું, “પણ, તમારે અમને પહેલા ઇન્ફોર્મ કરવું જોઈએને અને કદાચ ડૉક્ટર વધારે ડૉઝ આપી દે અને સોમને કંઈ નુકસાન થાય તો? તમે જાણો છો તે અવ્વલ દર્જાનો કલાકાર છે.”

 

ઈન્સ્પેક્ટરે કહ્યું, “આવું કદી થયું તો નથી, છતાં આપ ઇચ્છતા હો તો આપના ફેમિલી ડૉક્ટરને સાથે રાખી શકો છો અને વકીલને પણ અને જ્યાં સુધી પ્રિ ઇન્ફોરમેશનની વાત છે તો તે જ  કરવા આવ્યો છું, ટેસ્ટ સાંજે છે અત્યારે તો હું ફક્ત કહેવા આવ્યો છું કે કોઈ પ્રોગ્રામ હોય તો તો વહેલો પતાવો અથવા પછીથી રાખજો. સાંજે ૬ વાગે હોસ્પિટલમાં મળીશું.” એમ કહીને ઇન્સ્પેક્ટર નીકળી ગયો.

 

ઈન્સ્પેક્ટરના ગયા પછી પાયલે સોમને પૂછ્યું, “હું અત્યારે ઓફિસ જાઉં છું સાંજે વહેલી આવી જઈશ.  હું ડૉક્ટર બુદ્ધેને ફોન કરી દઉં છું અને જોબનપુત્રાને પણ.”

 

સોમે કહ્યું, “ઠીક છે!”

 

સોમ કુલકર્ણીને કોસી રહ્યો હતો, થોડો મોડો આવ્યો હોત તો નિલીમાને છોડાવવા નીકળી ગયો હોત ઠીક છે કાલે જઈશ એવી વિચારીને શાંત થયો.

 

  સોમે આસિસ્ટન્ટને ફોન કરીને રેકોર્ડિંગનું કામ આગળ ધપાવવા કહ્યું અને તે પોતાની લાઈબ્રેરીમાં સમાઈ ગયો. એક જૂની પેટી કાઢી અને તેમાંથી એક પુસ્તક કાઢીને વાંચવા લાગ્યો અને તે દરમ્યાન તેણે એક બે કૉલ કર્યા. એક બે કલાક પછી તે લાઇબ્રેરીમાંથી બહાર આવ્યો તેના ચેહરા પર સંતોષના ભાવ હતા તે હવે તૈયાર હતો ટેસ્ટ માટે.

 

પાંચ વાગે  પાયલ તેના સેક્રેટરી શુક્લા સાથે આવી ગઈ હતી પછી તેઓ હોસ્પિટલ જવા નીકળ્યા. જેવા તે કારમાંથી ઉતર્યા કેમેરાના ફ્લેશ ઑન થઇ ગયા. પત્રકારોનું મોટું ટોળું ત્યાં ઉભું હતું. સોમને માઈક પકડેલા પત્રકારોએ ઘેરી લીધો.

 

એક પત્રકારે સોમને પૂછ્યું, “શું આપે આપની સિંગરો પર રેપ કર્યો હતો?”

 

આવા પ્રશ્નથી સોમ એક ક્ષણ માટે ડઘાઈ ગયો પણ તે જ સમયે પાયલ આગળ આવી તેણે કહ્યું.”આરોપ તો કોઈ પણ લગાવી શકે? સોમ નિર્દોષ છે તેથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે તૈયાર થયો છે. આપ પેલી સિંગરોને પૂછો શું તેઓ પણ ટેસ્ટ આપવા તૈયાર છે? મને લાગે છે કોઈ સોમને ફસાવવા માંગે છે. કોઈ તેને બદનામ કરવા માગે છે.”

 

તે પત્રકારે પૂછ્યું, “તમને કોના પર શક છે?”

 

પાયલે કહ્યું, “તે કોઈ પણ હોઈ શકે, આપ કે આપની ચેનલ પણ હોઈ શકે. એક વખત સોમે તમારી ચેનલના પ્રોગ્રામમાં આવવાની ના પડી હતી એટલે?”

 

હવે થોથવાવાનો વારો પત્રકારનો હતો. તેણે કહ્યું, “ના ના એવું નથી.”

 

પાયલે કહ્યું, “ચીલ યાર! પણ હું કહેવા માગતી હતી કે પોલીસ અને કોર્ટને તેમનું કામ કરવા દો તમે મીડિયા ટ્રાયલ ચલાવવાનું બંધ કરો.”

 

આવા સણસણતા જવાબથી પત્રકારો પાછા પડ્યા અને ત્રણેય જણા હોસ્પિટલમાં પ્રવેશી ગયા. તેમના હોસ્પિટલમાં પ્રવેશવાનું દ્રશ્ય એક વ્યક્તિ દૂરથી જોઈ રહી હતી. તેણે કોઈને ફોન કર્યો અને કહ્યું, “તે લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા છે હવે શું કરવાનું છું?”

 

સામેથી તેને સૂચનાઓ મળી એટલે તે ધીરે ધીરે સીટી વગાડતો હોસ્પિટલમાં પ્રવેશી ગયો અને એક વોર્ડબોય પાસે ગયો.

 

આનંદ કુલકર્ણી તેમની રાહ જોઈ રહ્યો હતો તે સોમને એક રૂમમાં લઇ ગયો ત્યાં ત્રણ ડૉક્ટર અને એક વ્યક્તિ હાજર હતી અને તેમની પાછળ ડૉક્ટર બુદ્ધે અને જોબનપુત્રા પણ આવી ગયા. કુલકર્ણીએ ત્રણેય ડોક્ટરોની ઓળખાણ કરાવી અને ચોથી વ્યક્તિની ઓળખાણ કરાવતા કહ્યું, “આ છે ડોક્ટર ઝા. આ સાયક્રિયાટિસ્ટ છે, જે આ ટેસ્ટ પછી તમારું મનોવિશ્લેષણ કરશે. આ ડૉક્ટરની પેનલ તમને ટ્રુથ સીરમ કહેવાતું સોડિયમ થાયોપૅન્ટલ નામનું કેમિકલ ઈન્જેક્ટ કરશે અને પછી હું સવાલો પૂછીશ અને જો આ ડૉક્ટરો અને તમારા ડૉક્ટરને લાગશે કે આ કેમિકલ તમારી ઉપર ખરાબ અસર કરી રહ્યું છે, તો તમને એન્ટીડોટ આપી દેવામાં આવશે.”

 

પછી પાયલ અને જોબનપુત્રા સામે ફરીને પૂછ્યું, “આપને કોઈ આપત્તિ તો નથી ને?”

 

પાયલે પોતાનું માથું હકારમાં હલાવ્યું અને કહ્યું, “નો પ્રોબ્લેમ!”

 

એટલામાં એક વોર્ડબોય ત્યાં ટ્રે લઈને હાજર થયો. ડોક્ટરે તેની તરફ જોયું અને પૂછ્યું, “સાઠે ક્યાં છે?”

 

તે વોર્ડબોયે કહ્યું, “વોર્ડ નંબર બાવીસના પેશન્ટને તકલીફ હતી એટલે ત્યાં ગયો છે.”

 

ડોક્ટરે પોતાના હાથમાં સિરીંજ લીધી અને શુક્લા તરફ જોયું તેણે કોઈ ઈશારો કર્યો એટલે એક વાયલ ઉપાડી અને તેમાંથી કેમિકલ ભરીને સોમના બાવડામાં ઇન્જેક્શન આપ્યું.

     

  સોમે પોતાની આંખો બંધ કરી દીધી તેને આખું જગત ગોળ ગોળ ફરતું લાગ્યું જાણે તેણે કોઈ નશો કર્યો હોય. તેણે આંખો ખોલીને પાયલ તરફ જોયું, તે જગતસુંદરી ભાસી રહી હતી તેના માથે તાજ દેખાઈ રહ્યો હતો. સોમે આંખો બંધ કરીને ધ્યાન લગાવવાની કોશિશ કરી પણ જાણે તે હવાસ ખોઈ બેઠો હતો. તેને બધી જગ્યાએ જુદા જુદા રંગો દેખાતા હતા. તેણે પોતાના શ્વાસને કાબુ કરવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. તેણે પોતાના હાથ પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ હલાવી શક્યો નહિ. હવે તેના મગજમાં તરંગોનું સ્થાન ક્રોધે લઇ લીધું હતું. ત્યાં જ તેને કુલકર્ણીનો અવાજ સંભળાયો, “આર યુ ઓકે સંગીતસોમ સર?”

 

 

અવાજ કાનમાં પડતાં સોમ થોડો સતર્ક થઇ ગયો, તેણે પોતાના ઉપર કાબુ મેળવ્યો અને કહ્યું, “હા, ઠીક છું.”

 

સોમને પોતાનો અવાજ પણ અજાણ્યો લાગ્યો.

 

  કુલકર્ણીએ કહ્યું, “સર, શું આપ પાયલ મલ્હોત્રા, સરિતા પાટીલ, રીના બત્રા અને સાયલી પવારને ઓળખો છો?”

 

સોમે કહ્યું, “હા, હું તેમને ઓળખું છું.

 

કુલકર્ણીએ પૂછ્યું, “કેવી રીતે?”

 

સોમે કહ્યું, “તેમણે મારા માટે ગીતો ગાયા છે.”

 

“તેમની પ્રતિભા વિષે શું કહેવું છે આપનું?”

 

સોમે ધીમા અવાજે કહ્યું, “રીના અને સરિતાનો અવાજ લોકગીતો માટે સારો છે, અદ્દલ ઈલા અરુણ જેવો પણ ગાયકીની રેન્જ લિમિટેડ છે એટલે તેમની પાસે રેગ્યુલર ગીતો ન ગવડાવી શકાય. પાયલ અને સાયલીનો અવાજ પૉપ સોન્ગ માટે સારો છે પણ તેમનામાં કન્ટિન્યુટીનો અભાવ છે અને આ બધી પેજ થ્રી પાર્ટીઓમાં રચીપચી રહી એટલે રિયાઝના અભાવ વધારે ટકી નહિ.”

 

કુલકર્ણીએ પૂછ્યું, “શું આમાંથી કોઈની સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે?”

 

સોમે જવાબ આપ્યો, “ના કોઈની સાથે નથી એમની સાથે વાત પણ ભાગ્યે જ કરી હશે.”

 

કુલકર્ણીએ કહ્યું, “તમે જૂઠું બોલી રહ્યા છો, એક વખત સાયલી પવારને હોટેલ રીજન્સીમાં મળ્યા છો મારી પાસે પ્રુફ છે.”

 

“હું જૂઠું નથી બોલતો.”

 

“જૂઠું.”

 

સોમના માથાની નસ ફડકવા લાગી હતી તેણે કહ્યું, “હું જૂઠનો સહારો લઇ ન શકું.”

 

કુલકર્ણીએ તેના અવાજમાં કટુતા ભેળવી અને કહ્યું, “કેમ તમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના અવતાર છો?”

 

સોમે ફરીથી દ્રઢતાથી કહ્યું, “હું ખોટું બોલી ન શકું.”

 

“કેમ?”

 

સોમના અવાજમાં ક્રોધ ભળ્યો તેણે ઊંચા સ્વરમાં કહ્યું, “કારણ હું છું રાવણ, પૌલત્સ્ય વૈશ્રવણ રક્ષરાજ રાવણ અને રાવણના મુખે અસત્ય ન શોભે.”

 

આ શબ્દો સાથે જ પાયલની આંખમાં ચમક અને  ચેહરા પર સ્મિત આવી ગયું.