Absent Mind - 10 in Gujarati Travel stories by Sarthi M Sagar books and stories PDF | એબસન્ટ માઈન્ડ - 10

Featured Books
Categories
Share

એબસન્ટ માઈન્ડ - 10

એબસન્ટ માઈન્ડ

(૧૦)

સીધો રસ્તો વાઘા બોર્ડરે જતો હતો ઘડિયાળમાં જોયું….

ગઈકાલે રાત્રે અમારે વાત થઈ હતી. એ મુજબ મારે એલાર્મ મુકવાનો હતો, સવારે સાડા પાંચ વાગ્યાનો. પણ મેં ન મુક્યો. કોઈક તો જગાડવા આવશે જ એ ગણતરી હતી. સવારે સવા પાંચની આસપાસ “ભૈયા, ભૈયાજી, ભૈયાજી ઊઠો. સન રાઈઝ નહીં દેખના ક્યા ?”

એ મુરાદ અલી હતો. સનાસરમાં કેટલાંક સનરાઈઝ પોઈન્ટ આવેલાં હતા. એમાંનો એક અમારાં કેમ્પની પાછળ જ હતો.

આંખો પહાડ ઊપર હતી. થોડીવાર બાદ ધીમે ધીમે સૂર્ય ઉપર ચડતો દેખાયો. એક-બે ફોટા લીધા.

પરત ફર્યાે ત્યાં ડો.આભા દેખાયા. “ડા.સાહબ નહીં આયે?” “નહીં વો, સો રહે હે.”

હું ફરી સૂઈ ગયો. સાતેક વાગ્યે જગદીશકુમાર જગાડવા આવ્યો. “ભૈયા જગ જાઓ. કલ રાત તો બતા રહે થે. જલદી નીકલ જાઉંગા. ચાય નાસ્તા તૈયાર હે”

બ્રેક ફાસ્ટ કરતાં કરતાં બંને ડોક્ટર સાથે વાતો કરી. મુરાદ અલી ટેક્સી કરવા ગયો હતો. પાછો આવીને અમારી સાથે જોડાયો. જગદીશકુમારે આગ્રહ કરીને મને ચા-નાસ્તો કરાવ્યો.

બધાને મળીને હું અને મુરાદ અલી ઊપડ્યા. ખબર નહીં અહીં ફરી ક્યારે પાછો આવીશ. આખા કેમ્પને જોઈ લીધો.

બસ સ્ટેન્ડે પહોંચ્યો. ચારેક દિવસ બાદ ફરી વિક્રાંત જોયું. ટેવ પ્રમાણે સીટ, હેડલાઈટ અને નંબર પ્લેટ સાફ કરી બેગ ગોઠવી. ત્યાં જ મુરાદે આખું બાઈક ધોઈને સાફ કરી નાખ્યું.

હું જોતો રહ્યો. આખું બાઈક સર્વિસમાં જાય ત્યારે જ સાફ થાય છે.

મોટર સાયકલ મુરાદને ચલાવવા આપીને હું પાછળ ગોઠવાયો. બસ સ્ટેન્ડ આગળ જે ઢાળની બીક હતી. એ ઢાળ વર્ટીકલ હતો જ નહીં. ખબર નહીં વિચાર ક્યાંથી ઘુસ્યો મનમાં ? થોડીવાર બાદ વિક્રાંત રસ્તાની બાજુએ ઊભું રાખ્યું. “આ જાઈએ સર, મેરા ઘર દેખીએ.” બેગ વિક્રાંત પર જ રાખીને નાનું ખેતર અને વોટર ફોલ ક્રોસ કરીને એનાં ઘરે ગયા. આ બધું ખૂબ નાની જગ્યામાં હતું. ખુશ થઈ જવાય એવું ઘર.

“આપકી મમ્મી હે ?”

“નહીં મેરી મોસી હે. હમ સબ સાથ મે હી રહતે હે” ફરી બહાર જઇને વીડિયો ઊતાર્યાે. પહેલે માળ ગયો. યુરોપ યાદ આવ્યું. ઊપર મેઈન રૂમમાંથી અમે નાના રૂમમાં ગયા.“સર યહાં સે ના સનાસર કા પુરા વ્યુ દિખતા હે” એણે બારી ખોલી. રીઅલી બ્યુટીફુલ. ઓસમ, અદભૂત, હું બધુ રેકોર્ડ કરતો રહ્યો.

આગ્રહપૂર્વક ભેંસોનું તાજું ગરમ કરેલું દૂધ પીવડાવ્યું. મુરાદ ઘરની પાછળ તરફ એની મમ્મીને મળવા ગયો. ત્યાં એની મમ્મી અને મોટો ભાઈ ઘઉં કાપી રહ્યા હતા. એ લોકો ડોગરી ભાષામાં પારીવારીક ચર્ચા કરી રહ્યા હતા. થોડી વાર આમ તેમ ફાંફાં માર્યા બાદ મુરાદને ટાઈમ યાદ કરાવ્યો. એની મમ્મી અને ભાઈએ પોતાનું ઘર છે કહી ફરી આવવાનું આમંત્રણ આપ્યું. પાછા ઘરમાં આવ્યા. મેં પાણી માંગ્યું. એમણે નમકીન લસ્સી અને મકાઈનો રોટલો ખાવા આપ્યા.

અડધો કલાક કે કલાક બાદ અમે નૌશેરી-ચેનાની ટનલ આગળ હતા. મેં કહ્યું “લાઓ પાજી અબ દે દો, બાઈક” ટનલ આગળ ફોટા પડાવ્યા બાદ બાઈક પર ગોઠવાયા. દસ કિલોમીટર લાંબી એશિયાની સૌથી લાંબી ટનલ છે. આખી ટનલમાં અમે બંને બુમો પાડતા રહ્યા.

બહાર નીકળતાં વાહનોનું પ્રમાણ વધ્યું. ટ્રાફીક જામ હતો. બાદમાં ધ્યાન આવ્યું. બે-ત્રણ દિવસની સળંગ રજા માણીને બધા ઘરે પરત ફરી રહ્યા હતા.

કેટલાંય કિમી લાબો ટ્રાફીક હોવા છતાં વિક્રાંત હોવાથી અમને ટ્રાફીક જામ ક્યાંય ન નડ્યો. વચ્ચે ડ્રાઈવીંગ એક્સચેન્જ કરતાં રહ્યા.માનસર આવ્યું. તળાવ જોઇને બંને બહાર આવ્યા ત્યાં મુરાદની બસ ઊભી હતી. એકબીજાને ભેટીને અમે છુટાં પડ્યા.

માનસર બાદ ફરી હું એકલો હતો. આગળ નડ ગામ આવ્યું. પેલો વર્ટીકલ રસ્તો અને ટ્રકવાળો પોઈન્ટ. ફોટા લેવા હતા. ઊભો રહ્યો. પણ મજા ન આવી. વચ્ચે ક્યાંક ક્યાંક ઊભા રહીને પાંચ વાગ્યાની આસપાસ અમૃતસર પહોંચ્યો. વાઘા બોર્ડર જવાનું યાદ આવ્યું. પણ કોઈક રીતે મેળ ન પડ્યો. હોસ્ટેલમાં પહોંચી ગયો. ફ્રેશ થયો. ત્યાં નિખિલ મળ્યો. એક પોર્ટુગીઝ છોકરી પણ મળી. પરંતુ એની સાથે વધારે કોન્ટેક્ટ નથી. ત્રણેય ગુરૂ ગ્રંથ સાહીબના દર્શન કરીને લંગરમાં જમ્યા. ક્યાંય સુધી અમે સરોવર આગળ બેસી રહ્યા. અસંખ્ય યાત્રાળુઓ વચ્ચે પણ સર્વત્ર શાંતિ લાગતી હતી.

હું નિખીલ અને પોર્ટુગીઝ છોકરી ત્રણેય વાતો કરતાં કરતાં હોસ્ટેલે પહોંચ્યા. જો હું આવતી કાલે રોકાઇ જઉં તો સાથે ફરીશું એવું નિખિલે કહ્યું. પણ મારે કાલે સવારે નીકળવું છે.હોસ્ટેલમાંથી નીકળીને ફરી પાછો આવ્યો. બધા લોકો બદલાઈ ગયા હતા. સિવાય કે વિકી પાજી અને ફીલીપ આજેર્ન્ટીનાવાળો.

દિનચર્યા બાદ દરરોજ સાંજે ફીલોસોફીકલ થોટ્‌સ આવે છે.

આજના ૩૨૭ કિલોમીટર.

૧ મે, ૨૦૧૮

P.S. કેટલીય બધી વસ્તુઓ હોય છે જે તમારા હાથમાં નથી હોતી. બસ બનતી જ રહે છે. – અજ્ઞાત

***