The Ooty - 30 in Gujarati Fiction Stories by Rahul Makwana books and stories PDF | ધ ઊટી... - 30

Featured Books
Categories
Share

ધ ઊટી... - 30


30.


( નિત્યા હોટલ સિલ્વર સેન્ડનાં રૂમ - 110 પાસે ઊભાં રહીને જાણે જોત - જોતામાં અખિલેશ અને પોતાની સાથે જોડાયેલા બધાં જ રહસ્યો પળભરમાં ખોલી નાંખ્યા હોય તેવું લાગી રહ્યું હતું, હાજર રહેલા બધાં જ લોકો સ્તબ્ધ બનીને નિત્યાં જે કંઈ જણાવી રહી હતી, તે એકચિત થઈને સાંભળી રહ્યાં હતાં, સૌ કોઈને વિશ્વાસ આવી ગયો હતો કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ હતો, અને તેને જે સપનું આવી રહ્યું હતું તે તેના પુનર્જન્મ સાથે જોડાયેલ હતું, આથી જ તેને એ સપનું આવી રહ્યું હતું….અત્યાર સુધી અખિલેશને આવતું એ સપનું રહસ્યમય હતું….પરંતુ જ્યારે નિત્યાએ અખિલેશની આંખો પર દિવ્ય શક્તિ સાથે હાથ ફેરવ્યો ત્યારબાદ આ સપનાં સાથે જોડાયેલા બધાં જ રહસ્યો ઉકેલાય ગયાં…ત્યારબાદ નિત્યાં જોત-જોતામાં ધુમાડાં સાથે અદ્રશ્ય થઈ જાય છે….!")

નિત્યાં આ બાજુ અદ્રશ્ય થઈ ત્યારે બધાનો જીવ હેઠો બેઠો અને રાહતનો શ્વાસ લીધો…..જાણે આપણે કોઈ મોટી આફત અને મુસીબતોમાં ફસાયેલા હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નાં મળી રહ્યો હોય, આપણને એવું લાગી રહ્યું હોય કે ભગવાને આપણાં માટેનાં બધાં જ રસ્તાઓ બંધ કરી દીધેલાં છે, તેવામાં કોઈ ફરીસ્તો કે મદદગાર આવીને એ મુસીબતો કે આફ્તમાંથી બચાવી લે, તેવી જ હાલત હાલમાં અખિલેશની હતી, અખિલેશનાં જીવનમાં હાલ પ્રશ્નો અને રહસ્યો તો અઢળક હતાં, પરંતુ તેમાંથી અમુક રહસ્યો ડૉ. અભય અને ડૉ.રાજન હનીફ, સલીમભાઈ, અને સાક્ષીને મદદથી ઉકેલવામાં સફળ રહ્યાં હતાં, જ્યારે અમુક બાકી રહેલાં રહસ્યો તો એક સામાન્ય વ્યક્તિ ઉકેલી શકે તેવાં હતાં જ નહીં….સૌ કોઈ મૂંઝવણ અનુભવી રહ્યાં હતાં, કેવી રીતે આ બધાં રહસ્યો ઉકેલીશું….? કોણ આપણને અખિલેશનાં જીવન સાથે જોડાયેલાં રહસ્યો ઉકેલવામાં મદદ કરશે…? આવું વિચારી રહ્યાં હતાં, તેવામાં નિત્યાએ એકાએક અણધારી રીતે હાજર થઈને જાણે એક જ પળમાં અખિલેશનાં જીવન સાથે જોડાયેલા તમામ રહસ્યો એક ખુલી કિતાબની માફક ખોલી નાખ્યાં….બધાંને એ બાબતની ખાતરી થઈ ગઈ હતી કે અખિલેશ બીજું કોઈ નહીં પરંતુ નિસર્ગનો જ પુનર્જન્મ છે, નિત્યાની હાલત પર સૌ કોઈને દયા આવવા લાગી...બધાં નિત્યાં પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યાં હતાં….આ બાજુ નિત્યાં પણ જાણે વર્ષોથી પોતાનાં હૃદયમાં દબાવેલા રહસ્યો ખોલીને જાણે પોતે પણ એકદમ હળવાશ અનુભવી રહી હોય તેવી રીતે...ફરી જ્યારે જરૂર પડશે...તેવો વાયદો કરીને ધુમાડા સાથે ગાયબ થઈ ગઈ.

ત્યારબાદ સૌ કોઈ પોત- પોતાનાં રૂમ પર જવાં માટે ચાલવા લાવે છે, જ્યારે હનીફ અને સલીમભાઈ પોતાનાં ઘરે જવાં રવાનાં થાય છે, અને સાક્ષી એ હોટલનાં રિસેપશન કાઉટર પર જવાં માટે ચાલવા માંડે છે.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

બીજે દિવસે

સ્થળ - એસ.પી. (સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ) ઓફીસ, ઊટી
સમય - સવારનાં 11 કલાક.

ડી.સી.પી.અભિમન્યુ કોલ કરીને હનીફ, સલીમભાઈ, ડૉ. અભય અને સાક્ષીને કોલ કરીને એસ.પી.ઓફિસમાં બોલાવે છે, થોડીવારમાં તેઓ એસ.પી.ઓફિસે આવી પહોંચે છે. તે બધાં આવીને ડી.સી.પી.અભિમન્યુને મળે છે, ત્યારબાદ અભિમન્યુ એ લોકોને જણાવે છે કે….

"જુવો..! આપણે જ્યારે કાલે એકબીજાથી છુટા પડ્યા, ત્યારબાદ હું મારા ઘરે ગયો, ઘરે પહોંચ્યા બાદ જ્યારે હું ઊંઘવા માટે મારા બેડ પર સૂતો અને આંખો બંધ કરી, તો મારી નજર સમક્ષ એક જ ચહેરો નજર આવી રહ્યો હતો… તે ચહેરો હતો નિત્યાંનો જે જોઈ મને એવું લાગી રહ્યું હતું કે જાણે તે લાચારી ભરેલાં અવાજમાં મારી પાસે મદદ માંગી રહી હોય, લગભગ એકાદ કલાક સુધી મેં સુવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ મને ઊંઘ આવી નહીં...આથી હું જાગીને મારી ઓફિસે ગયો, અને ઊટીનાં એમ.એલ.એ જયકાન્ત વિરુદ્ધ આખી એક એફ.આઈ.આર મારા અન્ય કર્મચારી પાસે લખાવી, જેમાં આ સમગ્ર ઘટનાનાં સાક્ષી એવા સલીમભાઈની સહી જરૂરી છે, આ ઉપરાંત આ કેસ બાબતે મેં મારા ઉપરી અધિકારી શ્રી રાજનાથ સાહેબ સાથે વાત-ચીત કરી કે જે હાલમાં ઊટી શહેરના એસ.પી. (સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ) તરીકે ફરજ બજાવે છે, આથી મેં તેની સાથે આખા કેસની વ્યવસ્થિત ચર્ચા કરી આથી તેમણે આ કેસને સ્પેશિયલ કેસ તરિકે હેન્ડલ કરવાં માટેની ઓથોરિટી અને પાવર આપેલાં છે, આજે આપણે આ નિત્યા અને નિસર્ગના કેસને એસ.પી રાજનાથ સરની સહી થઈ જાય, ત્યારબાદ આ કેસને સ્પેશિયલ કેસ તરીકે આજે જ ઊટીની ડિસ્ટ્રિક કોર્ટમાં સબમિટ કરવાં માટે એડવાઇસ કરેલ છે, અને ઊટીનાં એમ.એલ.એ જયકાન્તને આજની તારીખમાં ધરપકડ કરવાં માટેનો ઓર્ડર ઇસ્યુ કરેલ છે….ટૂંકમાં આજની જ તારીખમાં નિત્યાં અને નિસર્ગનો જે સાચે - સાચો ગુનેગાર છે, તેને આજ સાંજ સુધીમાં જ સજા મળી જશે…. માટે તમે લોકોએ અત્યાર સુધી નિત્યા, નિસર્ગને ન્યાય અપાવવામાં અને અખિલેશનાં જીવન સાથે જોડાયેલા રહસ્યો સોલ્વ કરવા માટે જેટલી લગનથી મહેનત કરી છે, અમે તમારો સહકાર આપેલો છે, એવો અને એટલો જ સાથ - સહકાર આજે મને આપજો જેથી સાચો જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા મળી શકે…..અને ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ આવું કરવા માટેની હિંમત ના કરે તેવી કડકમાં કડક સજા તેને હું અપાવડાવીને જ રહીશ…!" - ડી.સી.પી.અભિમન્યુ આખી વાત જણાવતાં બોલે છે.

"સાહેબ ! અત્યાર સુધી અમે સિંઘમ, રાઉડી રાઠોડ, ચુલબુલ પાંડે, સિમ્બા માત્ર મૂવીમાં જ જોયેલાં છે, પરંતુ રિયલ લાઇફમાં તમારામાં અમને આ બધાં દેખાય રહ્યાં છે, સાહેબે મને એવું હતું કે પોલીસ પોતાની ફરજ સાચા દિલથી નથી બજાવી રહી...અત્યાર સુધી પોલીસ એવો શબ્દ સાંભળતા જ મને ડર લાગી રહ્યો હતો...પરંતુ આજે તમને જોયા બાદ મારો બધો જ ડર દૂર થઈ ગયો….અને પોલીસ માટેની મારી જે કઈ ખોટી માન્યતા હતી તે બધી જ દૂર થઈ ગઈ….!" - સાક્ષીએ આંખોમાં આનંદ અને ગર્વ સાથે અભિમન્યુ સામે બે હાથ જોડીને બોલી.

"અરે ! સાક્ષી ! એવું નથી...હું તો માત્ર મારી ફરજ બજાવી રહ્યો છું, નિત્યાની આખી આપવીતી સાંભળ્યા બાદ મારી આંખોમાં પણ પહેલીવાર આંસુ આવી ગયાં હતાં, કારણ કે મારે એકપણ સગી બહેન નથી, અને નિત્યાં જાણે મારી બહેન જ હોય તેવું મને લાગી રહ્યું હતું, આથી કોઈ ભાઈ પોતાની બહેનને મદદ ના કરે તેવું બને…? બીજી વાત હાલમાં આપણાં સમાજમાં પોલીસ વિશે લોકોની જે કંઈપણ માન્યતાઓ છે...એ આપણાં મીડિયાને લીધે છે….કારણ કે જો પોલીસ ડિપાર્ટમેન્ટ દસમાંથી નવ કામ સારા કરશે તો તે ન્યુઝ ટી.વી માં નહીં બતાવે પરંતુ એક જ ખરાબ કે અયોગ્ય કામ કરશે તો તે જ ન્યુઝ આખો દિવસ પોતાની ન્યુઝ ચેનલમાં બ્રેકિંગ ન્યુઝ તરીકે બતાવ્યા કરશે….ખેર..બધાં પોત-પોતાનું કામ જ કરે છે…!" - અભિમન્યુ સાક્ષીને જવાબ આપતાં બોલે છે.

ત્યારબાદ બધાં એસ.પી.ઓફિસમાં પ્રવેશે છે, અને પોત પોતાના નિત્યા અને નિસર્ગના કેસ સંબધિત નિવેદનો એસ.પી રાજનાથને જણાવે છે, ત્યારબાદ એસ.પી. રાજનાથ અને સલીમભાઈ અભિમન્યુએ તૈયાર કરેલ એફ.આઈ.આર પર સહી કરે છે, અને એસ.પી રાજનાથ અભિમન્યુને એમ.એલ.એ જયકાન્તની ધરપકડ કરવાં માટેનો ઓર્ડર સહી કરીને ઇસ્યુ કરે છે, અને આજ સાંજ સુધીમાં તેને કોર્ટમાં હાજર કરાવવા માટે જણાવે છે.

ત્યારબાદ બધાં એસ.પી. રાજનાથ સાહેબનો સહૃદય આભાર માનીને એસ.પી. ઓફીસની બહાર નીકળે છે, અને અભિમન્યુ એ બધાંને જણાવે છે કે…

"જુઓ ! નિત્યાં અને નિસર્ગનો કેસ સોલ્વ કરવાં માટે મેં મારો પૂરેપૂરો જીવ લગાવી દીધેલ છે, અને જો ભગવાને ઈચ્છયું હશે તો આપણે પેલા નીચ અને હરામી એમ.એલ.એ જયકાન્તને આજ સાંજ સુધીમાં સજા અપાવવામાં સફળ રહીશું….તો તમે આજે સાંજે ચાર વાગે ઊટીની ડિસ્ટ્રીક કોર્ટે પહોંચી જાજો અને હું જયકાન્તને કોઈપણ કિંમતે આજ સાંજ સુધીમાં કોર્ટમાં હાજર કરી દઈશ.. !" - અભિમન્યુ બધાને જણાવતાં બોલે છે.

ત્યારબાદ બધાં સાંજે ચાર વાગે ઊટી ડિસ્ટ્રીક કોર્ટમાં સાંજે ચાર વાગ્યે ચોક્કસપણે હાજર રહીશું તેવું વચન આપે છે...અને બધાં છુટ્ટા પડે છે…જ્યારે આ બાજુ એસ.પી રાજનાથન અભિમન્યુ એ આપેલ એફ.આઈ.આર ની નકલો માંથી એક નકલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.સ્વામીને સ્પેશિયલ કેસ તરીકે આ કેસ આજે સાંજે 4 વાગ્યે લેવા માટે મોકલી આપે છે. આ સાથે એસ.પી.પોતાની ભલામણ માટેનું પણ નોટિંગ કરે છે.

જ્યારે આ બાજુ અભિમન્યુ પોતાનાં જાબાંઝ અને બાહોશ પોલીસ કર્મચારીઓ અને સરકારી વકીલને લઈને એમ.એલ.એની ધરપકડ કરવાં માટે નીકળી પડે છે….જ્યારે તે જયકાન્તનાં નિવાસસ્થાને પહોંચે છે….ત્યારે ગેટ પર રહેલાં સિક્યુરિટી ગાર્ડને એ બાબતનો ખ્યાલ આવી જાય છે, કે તેઓ જયકાન્ત સરની ધરપકડ કરવા માટે જ આવ્યાં હશે….આથી તમામ સિક્યુરિટી ગાર્ડ અને એમ.એલ.એ નાં અન્ય માણસો હાથમાં હથિયાર સાથે ગેટ પાસે ઉભા રહી જાય છે.

આ જોય અભિમન્યુએ આખી પરિસ્થિતિનો તાગ મેળવી લીધો હોય તેવી રીતે પોતાની કમરે રહેલ લોડેડ ગન બહાર કાઢી….અભિમન્યુને આવી રીતે લોડેડ ગન કાઢતાં જોઈને અમુક માણસો તો એમ જ રફુચક્કર થઈ ગયાં, ત્યારબાદ અભિમન્યુ પોતાનાં પોલીસકર્મીઓ દ્વારા એ બધાં જ માણસો પર એક તુફાન કે વાવાઝોડાં માફક ત્રાટકી પડ્યાં…..અને બધા ને ધૂળ ચાટતાં કરી દીધાં, ત્યારબાદ એમ.એલ.એ નાં ઘરમાં ઘૂસીને તેનો કાંઠલો પકડીને બધાં લોકોની નજરો સમક્ષ ઘસેડતાં - ઘસેડતાં પોતાની જીપ સુધી લઈને આવ્યા. કપટી અને હલકટ જયકાન્તએ અભિમન્યુને ઘણી બધી ઓફરો પણ કરી પરંતુ અભિમન્યુ જાણે કુરુક્ષેત્રનાં મેદાનમાં યુદ્ધ જીતવા માટે જ ઉતર્યો હોય તેમ એકનો બે ના થયો, આ અભિમન્યુ એમ.એલ.એ જયકાન્તએ ગોઠવેલા તમામ કોઠાઓ પાર કરવામાં સફળ રહ્યો હતો, ત્યારબાદ આખા રસ્તામાં સાઇરન વગાડતાં - વગાડતાં એક સાથે દસેક ગાડીઓ સાથે અભિમન્યુ એસ.પી ઓફિસે પહોંચ છે….અને જયકાન્તને સખત કસ્ટડીમાં રાખે છે, અને ત્યારબાદ તે જયકાન્તને ઊટી ડિસ્ટ્રીક કોર્ટમાં હાજર કરવાં માટે લઇ જાય છે.


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સ્થળ - ઊટી ડિસ્ટ્રીક કોર્ટ

સમય - સાંજના 4 વાગ્યે.

કોર્ટ તેના નિયત સમયે શરૂ થઈ ગયેલ હતી, કોર્ટમાં સૌ કોઈ પોત પોતાની સીટ પર ગોઠવાય ગયેલાં હતાં, જેમાં અખિલેશ, દીક્ષિત, ડૉ. રાજન, ડૉ. અભય, હનીફ, સલીમભાઈ, સાક્ષી, ઉપરાંત અન્ય લોકો પણ કોર્ટમાં આવે છે, સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું આ જે આ કેસનો ચુકાદો આવી જશે….? જો આ કેસનો ચુકાદો આજે આવી જશે તો શું જયકાન્તને સજા મળશે…? જો સજા મળશે તો કેવી અને શું સજા મળશે….?" આવા અનેક પ્રશ્નો સૌ કોઈના મનમાં રમી રહ્યાં હતાં.

એવામાં ડિસ્ટ્રીક કોર્ટના જજ પી.સ્વામી આવે છે, અને સૌ કોઈ પી.સ્વામીને રિસ્પેક્ટ આપવા માટે પોતાની ખુરશી પરથી ઉભા થાય છે, અને ત્યારબાદ બધાં પોતાની ખુરશી પર બેસી જાય છે, થોડીવારમાં પી.સ્વામી અગાવથી પોતાનાં ટેબલ પર પડેલ નિત્યાં - નિસર્ગ મર્ડર કેસની ફાઈલ ઓપન કરે છે, આ આખા કેસની જાણ એસ.પી. રાજનાથએ પી.સ્વામીને કોલ કરીને જણાવી દીધેલ હતી...ત્યારબાદ પી.સ્વામી આ કેસની સુનવણી કરવાં માટે અને વકીલોને પોતાની રજુઆત કરવાં માટે આદેશ આપે છે.

ત્યારબાદ જયકાન્તનાં વકીલે જયકાન્તને બચાવવા માટે અને નિત્યા નિર્સગ મર્ડર કેસમાં નિર્દોષ સાબિત કરવાં માટે ઘણી માથામણો અને મહેનત કરી પરંતુ એ બધાં જ પ્રયત્નો નિષ્ફળ નિવડયાં, જ્યારે આ બાજુ સરકારી વકીલે અખિલેશ, દીક્ષિત, ડૉ. રાજન, ડૉ. અભય, હનીફ અને સાક્ષીને આ કેસ માટે પોતાનું નિવેદન જણાવવા માટે વિટનેસ બોક્ષમાં બોલાવે છે….

અંતે આ કેસનાં આઈ વિટનેસ એવાં સલીમભાઈને બોલાવે છે, ત્યારબાદ સલીમભાઈ પોતાનાં અલ્લાહને યાદ કરીને પોતે ટાઇગર હિલ પર જે ઘટનાં જોઈ હતી, તે સમગ્ર ઘટનાં પોતાના જ શબ્દોમાં જજ પી.સ્વામીને જણાવે છે….સલીમભાઈનું નિવેદન સાંભળીને જજ પી.સ્વામી સલીમભાઈને પૂછે છે કે……

"સલીમભાઇ ! તમે આ કેસનાં આઈ વિટનેસ છો, એટલે હું તમારી વાત માનું છું, પણ…??" - જજ પી.સ્વામી થોડુંક અચકાતાં બોલ્યાં…..આ સાંભળી ડૉ. અભય, ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, સાક્ષી, હનીફ, અભિમન્યુ, રાજનાથન બધાનાં ધબકારા વધી ગયાં.

"પણ...પણ શું સાહેબ….?" - સલીમભાઈએ ધ્રુજતાં અવાજમાં હળવેકથી જજ પી.સ્વામીને પૂછ્યું.

"સલીમભાઈ ! તમે જે જણાવ્યું એ પ્રમાણે નિત્યાનું ખૂન તેના પિતાએ, નિસર્ગ અને નિત્યાનાં પિતાનું ખૂન એમ.એલ.એ જયકાન્તએ કરેલું છે….આ બાબતનું તમારી પાસે કોઈ પ્રુફ એટલે કે સબૂત છે….જેમ કે ફોટોગ્રાફ, વિડિઓ, કોઈ સાધન વગેરે...વગેરે...?" - જજ પી.સ્વામીએ સલીમભાઈને પૂછ્યું.

આ સાંભળી કોર્ટમાં હાજર રહેલાં સૌ કોઈનો જીવ તાળવે ચોંટી ગયો, કારણ કે આ બાબતની સાબિતી માટે કોઈપણ વ્યક્તિ પાસે પ્રુફ હતું નહીં….જ્યારે આ બાજુ વિટનેસ બોક્ષમાં ઉભેલો એમ.એલ.એ જયકાન્ત અને તેનો વકીલ જાણે આ કેસ જીતવાની અણી ઉપર જ હોય તેમ મૂછોમાં મરક - મરક હસી રહ્યાં હતાં…!

સલીમભાઈ થોડીવાર માટે અવાક થઈ ગયાં અને વિચારવા લાગ્યાં, લગભગ પાંચેક મિનિટ વિચાર્યા બાદ પણ સલીમભાઈ પાસેથી કોઈ જ પ્રત્યુતર ન મળવાથી જજ પી.સ્વામીએ ઉંચા અવાજમાં સલીમભાઈને ફરીથી પૂછ્યું.

"સલીમભાઈ…..તમે કોર્ટનો સમય બરબાદ કરી રહ્યાં છો….જો તમારી પાસે આ બાબતનું કોઈ પ્રુફ કે સાબિતી હોય તો જણાવો….તમારી આ ખામોશી મને એ માનવા પર મજબુર કરી રહી છે કે તમારી પાસે આ બાબતે કોઈ જ પ્રુફ કે સબૂત નથી….!" - જજ પી.સ્વામી પોતાની કલમ ઉઠાવતાં બોલ્યાં.

સલીમભાઈના હાથ - પગ ધ્રૂજવાં લાગ્યાં, જાણે કિનારે આવીને કેસ હારી ગયાં હોય તેવું પોતે મહેસુસ કરી રહ્યાં હતાં, આથી હળવેથી સલીમભાઈ હિંમત કરીને બોલ્યાં.

"સાહેબ ! મારી પાસે આ બાબતનું કોઈ જ પ્રુફ કે સબૂત નથી..!" - ગમગીન અવાજમાં સલીમભાઈ બોલ્યાં.

આ સાંભળતાની સાથે જ આખી કોર્ટમાં સન્નટો છવાઈ ગયો, ચારેય તરફ એકદમ નીરવ શાંતિ પ્રસરી ગઈ, ડૉ. અભય, ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, સાક્ષી, હનીફ, અભિમન્યુ, રાજનાથન બધાનાં ચહેરા પર હતાશા છવાઈ ગઈ….આ હતાશા એ પોતાના કેસની હારની હતી, એ બધા લોકો દુઃખી મન સાથે અફસોસ અનુભવી રહ્યાં હતાં કે આટ- આટલી મહેનત કરવાં છતાંપણ કોર્ટનો ચુકાદો જયકાન્તનાં પક્ષમાં જ જશે….નિત્યા અને નિસર્ગના ગુનેગારને સજા ન મળવા કરતાં, તે હરામી, નીચ અને કપટી એમ.એલ.એ બીજા કેટલાય નિસર્ગ અને નિત્યાની લાઈફ ભવિષ્યમાં બરબાદ કરશે….એ બાબતનું વધુ દુઃખ લાગી રહ્યું હતું, સૌ કોઈનાં માથાં હારને લીધે ઝૂકી ગયાં હતાં. બધા લોકોએ નિત્યા અને નિસર્ગને ન્યાય મળશે એવી આશા જ છોડી દીધેલ હતી.

"ઓકે….!" - જજ પી.સ્વામીએ આટલું બોલી સલીમભાઈને પોતાની સીટ પર જઈને બેસવા માટે જણાવ્યું.

ત્યારબાદ જજ પી.સ્વામી એ આ કેસનો ચુકાદો લખવા માટે પોતાની કલમ ઉઠાવી….અને ચુકાદો લખવાની શરૂઆત કરી..ત્યાં તો એકાએક અચાનક જોર- જોરથી પવન ફૂંકાવા લાગ્યો, કોર્ટના દરવાજા અને બારીઓ પોતાની જાતે જ ખોલબંધ થવાં લાગી, કોર્ટમાં રહેલ બધી જ લાઈટો પોતાની જાતે જ ઝબગ -ઝબક થવાં માંડી, કોર્ટમાં જજ પી.સ્વામીના ટેબલ અને સામેની તરફ રહેલાં વકીલોનાં ટેબલ પર રહેલાં કાગળો હવામાં પ્લેનની માફક ઉડવા લાગ્યાં, કોર્ટના દરવાજા પર ઉપરની તરફ રહેલ ડિઝાઇનના કાચ એક પછી એક તેની જાતે જ તૂટવા લાગ્યાં, આખી કોર્ટમાં ધીમે- ધીમે ધુમાડો છવાઈ ગયો…..સૌ કોઈ પોત પોતાની જગ્યાએથી ઉભા થઈને બહાર ભાગવા માટે પ્રયત્નો કરવાં માંડ્યા, પરંતુ કોર્ટના દરવાજા તેની જાતે જ બંધ થઈ ગયાં…..આ બધું શું બની રહ્યું છે એ હજુપણ વિટનેસ બોક્ષમાં ઉભેલ જયકાન્ત હજુ પણ વિચારી રહ્યો હતો….તેની સમાજમાં કઈ આવી રહ્યું નહોતું.

થોડીવારમાં બધું જ પહેલાની માફક શાંત થઈ ગયું, અને એક આછી એવી સફેદ રોશની સાથે જયકાન્તની સામે રહેલાં વિટનેસ બોક્ષમાં નિત્યાં પ્રગટ થઈ….નિત્યાને પોતાની સામે આવી રીતે વિટનેસ બોક્ષમાં ઉભેલ જોઈને…..જયકાન્તના હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ એક્દમથી વધી ગયાં, તેનાં પુરેપુરા શરીરમાં પરસેવો થવાં માંડ્યો, આખા શરીર પરની રૂંવાટીઓ ડરને લીધે ઉભી થઇ ગયેલ હતી, ડરને કારણે જયકાન્તનું આખે-આખું શરીર કાંપી રહ્યું હતું, એકાએક તેને છાતીનાં ભાગમાં જોરદાર દુખાવો શરૂ થયો, થોડીક જ મિનિટોમાં જયકાન્તનાં હૃદયે ધબકવાનું બંધ કરી દીધું….તેને સિવિયર માયોકાર્ડિયલ ઇનફાક્શન (ભારે હાર્ટએટેક આવી ગયો) થઈ ગયું હતું , આથી જ એક જ મિનિટની અંદર જયકાન્તએ છેલ્લો શ્વાસ લીધો, અને તેનું નિષ્પ્રાણ શરીર એ જે વિટનેસ બોક્ષમાં ઉભેલ હતો, ત્યાંજ ધડામ કરતું પડ્યું.

આથી વિટનેસ બોક્ષમાં ઉભેલ નિત્યાં એ પોતાનાં બે હાથ જજ પી.સ્વામીને જોડતા કહ્યું કે….

"સાહેબ ! હું નિત્યા જ છું, કદાચ તમારી લાઈફમાં તમારી પાસે સુનવણી માટે આવેલો આ પહેલો એવો કેસ હશે….કે જેમાં આવી રીતે મારી જેવી કોઈ ભટકતી આત્મા પોતાની સાથે થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા માટે આવી રીતે વિટનેસ બોક્ષમાં ઉભેલ હશે…..!" - નિત્યાં બોલી.

હજુપણ આખી કોર્ટમાં સન્નાટો છવાયેલ હતો, કોર્ટમાં ખરેખર શું બની રહ્યું છે તે સમજાતું ન હતું, કેટલાય લોકોને હજુપણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેઓ પોતાની સગી આંખો વડે પોતાની સાથે થયેલા અન્યાય માટે ભટકતી એક આત્માને નિહાળી રહ્યાં હતાં, એનાં પર બધાંને વિશ્વાસ નહોતો આવી રહ્યો, આથી પોતાની આંખો ચોળવાં માંડ્યા, અને આંખો પહોળી કરીને નિત્યાને જ નિહાળી રહ્યાં હતાં.

"સાહેબ ! તમારી કોર્ટે જો મારા અને નિસર્ગના કેસનો જો ચુકાદો આપ્યો હોત, તો તે ચોક્કસ જયકાન્ત જેવાં કપટી, લાલચુ, અને નફ્ટ વ્યક્તિનાં જ પક્ષમાં હોત, કારણ કે મારૂ, મારા પિતાનું અને નિસર્ગનું ખૂન થયું એનાં એકમાત્ર આઈ વિટનેસ એવાં સલીમભાઈ પાસે કોઈ પ્રુફ કે સબૂત હતું નહીં, આથી તમે જયકાન્તને બેગુનેહગાર સાબિત કરીને બા-ઈજ્જત છૂટો કરી મુકવાનો આદેશ આપવાના હતાં….પરંતુ સાહેબ કદાચ તમારી કોર્ટ માંથી જયકાન્ત કેસ જીત જાત પરંતુ કુદરતની કોર્ટમાંથી ક્યારેય કેસ જીત જ ના શકે….આથી કુદરતે જયકાન્તનાં કેસનો ફેંસલો કરી દીધો….તેને હાર્ટએટેક આવ્યો અને તે મરી ગયો….અને તે કુદરતની કેસમાં ગુનેહગાર જાહેર થયો, તમે જ વિચારો સાહેબ જો ! જયકાન્ત આ કેસમાં નિર્દોષ હોત તો મને જોઈને શાં માટે તેને હાર્ટએટેક આવ્યો, જ્યારે કોર્ટમાં ઉપસ્થિત અન્ય કોઈપણ લોકોને શાં માટે હાર્ટએટેક ના આવ્યો….કારણ કે સાહેબ જયકાન્ત ખરેખર વાસ્તવમાં અમારો ગુનેગાર હતો….કુદરતે તેને જે સજા આપી તે એકદમ યોગ્ય છે….મને મારો ન્યાય મળી ગયો…..હવે મારા જીવને શાંતિ મળશે અને હું મોક્ષ પ્રાપ્ત કરીશ." - આટલું બોલી નિત્યાએ આંખોમાં આંસુ સાથે કોર્ટમાં રહેલાં તમામ વ્યક્તિઓનો બે હાથ જોડી આભાર માન્યો.

એવામાં અખિલેશ એકાએક ઝડપથી પોતે જ્યાં બેસેલો હતો ત્યાં ઊભાં થઈને નિત્યાને પૂછે છે….

"નિત્યાં ! જતાં-જતાં મને મારા એક પ્રશ્નનો જવાબ આપતી જા…પ્લીઝ..!" - અખિલેશે બે હાથ જોડીને નિત્યાને વિનંતી કરે છે.

"હા ! અખિલેશ બોલ…!" - નિત્યાએ અખિલેશને કહ્યું.

"નિત્યાં ! હવે તારા જીવને મોક્ષ મળશે...આથી અમને પણ આનંદ થશે...તે મને મારી અંધકારમય દુનિયામાંથી બહાર અવવાવમાં ખૂબ જ મદદ કરી છે….મારા મનમાં રહેલાં બધા જ પ્રશ્નોના જવાબો તે આપ્યાં છે, મારા જીવન સાથે જોડાયેલા ઘણાં રહસ્યો ઉકેલવામાં તે મારી મદદ કરી છે, પણ શું હવે મને પેલાં ભયાનક અને ડરામણાં સપનાથી કાયમિક માટે આઝાદી મળી જશે...ને…?" - અખિલેશે પોતાનાં મનમાં રહેલ પ્રશ્ન નિત્યાંને પૂછ્યો.

"અખિલેશ…! આજ પછી થી એ ડરામણું સપનું હવે ક્યારેય નહીં આવે….એ બધી તો કુદરતની માયાજાળ હતી, કે જેથી તું મને મળી શકે….એને તને ખ્યાલ આવે કે તું વાસ્તમાં કોણ છે...તું વાસ્તવમાં બીજું કોઈ નહીં પરંતુ મારા નિસર્ગનો જ પુનર્જન્મ છો, ભગવાને આપણને બનેવને એટલાં માટે મેળવ્યા હશે...કે તારા થકી મારા જેવી આ સમાજમાં અધૂરી ઈચ્છાઓ સાથે ભટકતી આત્માની મુક્તિ થાય અને મોક્ષ મળે….અને જયકાન્ત જેવાં પીઢ આ અને રીઢા ગુનેહગારને તેણે કરેલાં ખરાબ કર્યો, કે કર્મો માટે તેને યોગ્ય સજા મળે….આજે અખિલેશ તમે બધાએ માત્રને માત્ર મને એકને જ ન્યાય નથી અપાવ્યો, પરંતુ ભવિષ્યમાં પણ મારા અને નિસર્ગ જેવાં પ્રેમી પંખીડાંઓનો માળો ના વિખાય અને કોઈપણ છોકરી પોતાને ખુબજ પ્રેમ કરતાં પિતાને ગુમાવવાનો વારો ન આવે, તે દરેક યુવતીને તમે ન્યાય અપાવ્યો છે.." - નિત્યાં અખિલેશનો આભાર માનતાં બોલી.

"પણ..!"- અખિલેશ બોલ્યો.

"પણ...શું અખિલેશ….?" - નિત્યાએ પૂછ્યું.

"તારી બધી વાત મને સમજાય ગઈ, હું તો માત્ર એક નિમિત્ત બન્યો હતો, તને ન્યાય અપાવવામાં પરંતુ સાચી મહેનત તો ડૉ. અભય, ડૉ. રાજન, સાક્ષી, હનીફ, સલીમભાઈ, રાજનાથ, અભિમન્યુ વગેરે લોકોએ કરેલ છે….પણ હું માત્ર તને એટલું જ પૂછવા માંગુ છું કે...જો હું નિસર્ગનો પુનર્જન્મ છું…અને તારો અને નિસર્ગનો ગયાં જન્મમાં પ્રેમ અધુરો રહી ગયો હતો, તો શું આ જન્મમાં પણ આપણે નહીં મળી શકીશું….??" - અખિલેશે નિર્દોષભાવે નિત્યાને પ્રશ્ન પૂછ્યો.

અખિલેશ દ્વારા બોલાયેલાં દરેક શબ્દો નિત્યાંના હૃદયને સ્પર્શી ગયાં, આંખોમાં આંસુ સાથે નિત્યા બોલી કે

"અખિલેશ ! કુદરતે તારા નસીબમાં પણ સાચો પ્રેમ લખેલ જ હશે….કદાચ તું તેને ઓળખવામાં થાપ ખાય ગયો હોય…? ઓળખી ના શક્યો હોય….? સમજી ના શક્યો હોય….? એવું પણ બની શકે….તું શાંતિપૂર્વક યાદ કરજે કે તારી લાઈફમાં પણ ક્યારેય આવો સાચો પ્રેમ કે સાચો પ્રેમ કરનાર વ્યક્તિ મળી હતી કે નહીં…તને સો ટકા એવી યુવતી મળી જ હશે….કે જે હું જેમ નિસર્ગને સાચો પ્રેમ કરતી હતી તેવો જ પ્રેમ એ યુવતી તને કરતી હશે….! અને રહી વાત મારી ...તો મારો પ્રેમ ગયાં જન્મમાં તો અધુરો રહી ગયો હતો, પરંતુ આ જન્મમાં તો હું તારો પ્રેમ મેળવીને જ રહીશ...કારણ કે તારા પ્રેમ પર તો મારો અધિકાર છે જ તે….હું તારા ઘરે એક નાનકડી એવી ઢીંગલી જેવી દીકરીનાં સ્વરૂપે આવીશ...અને જન્મથી તારો પ્રેમ મેળવીને જ રહીશ….!" - આટલું બોલી નિત્યાં પોતાનાં બે હાથ જોડે છે, બધાના આખો દ્વારા આભાર માને છે….અને જોત-જોતામાં તો એ ધુમાળામાં અદ્રશ્ય થઈ જાય છે…..

ત્યારબાદ જજ પી.સ્વામી આ કેસનાં ચુકાદામાં લખે છે કે "ઇન ધ પ્રેઝન્સ ઓફ ડિવાઇન નેચરલ સુપર પાવર, ધ ક્રિમિનલ ઓફ ધીસ કેસ હેવ બીન ગોટ ધ જસ્ટિસ ફ્રોમ ગોડ એન્ડ નેચરલ પાવર….બટ અલ્ટીમેટલી મિ. જયકાન્ત ઇસ લાઈબેલ ફોર ગોટ ધીસ પનીશમેન્ટ સો ધેય ડુ નોટ રીકવાયાર્ડ માય જસ્ટિસ….આટલું લખીને નીચે પોતાની સહી કરે છે, તારીખ અને સમય નાખે છે.

ડિસ્ટ્રિકટ જજ પી.સ્વામીની લાઈફમાં આ એવો પહેલો કેસ હશે...કે જેમાં વિટનેસ તરીકે કોઈ ભટકતી આત્મા હોય, અને પોતાની એ જ કોર્ટમાં ચુકાદો પોતે નહીં પરંતુ ખુદ કુદરતે આપેલ હોય….

ત્યારબાદ સૌ કોઈ ઊભાં થઈને કોર્ટની બહાર નીકળે છે, જે લોકો નિત્યાં વિશે કંઈ જણાતાં જ ન હતાં, તેવાં અજાણ્યા માણસોનાં તો હૃદયનાં ધબકારા અને શ્વાસોશ્વાસ હજુપણ શાંત થયાં ન હતાં.

ક્રમશ :

મિત્રો, જો તમે આ નવલકથાનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ નવલકથાનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ નવલકથા માટેના રીવ્યુ પણ તમે જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com