Hellaro - Movie Review in Gujarati Film Reviews by Bhushan Oza books and stories PDF | હેલ્લારો - Movie Review

Featured Books
Categories
Share

હેલ્લારો - Movie Review

મર્યાદાના વમળમાંથી નીકળ્યો સબળ સેલારો - ‘હેલ્લારો’

‘સપનાં વિનાની રાત’ થી શરુ થતી વાત , ‘સજ્જડબંબ પાંજરું પહોળું’ થવા સુધી પહોચે ને પછી ‘ ;હયડા ના હેઠ સુધી આવીને કરે હેલ્લારો...

સારું છે કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ગયો પછી આપણે (ઘણાખરાએ તો એટલે ય) આ ફિલ્મ જોઈ. નહિતર એવો સબળ દાવો કરવો પડત કે નેશનલ એવોર્ડ તો મળવો જ જોઈએ. !!!

કચ્છ વિસ્તાર ના છેવાડે આવેલા ગામમાં તત્કાલીન રાષ્ટ્રીય પરિસ્થિતિ દરમિયાન બનેલી વાત , ત્યાની સ્ત્રીઓને કે એમની સામજિક સ્થિતિ ને સીધી જ કનેક્ટ કરે છે. - Freedom of Expression પર સમૂળગો પ્રતિબંધ. વાત હજી ગંભીર એથી બને છે કે પેલી પરિસ્થિતિ તો લદાયેલી હતી , જયારે વાંઢ ગામની સ્ત્રીઓમાં તો આ સ્થિતિ સ્વીકારાઈ ચુકી છે.

પણ , સુક્કા ભઠ્ઠ ગામ, માનવ અને ઓરતાને નવું જીવન આપવા મંજરી આવે છે. ને ખરેખર રાધા, ગંગા , કેસર, રૂડી જેવી સ્ત્રીઓ ના મનમાં આશાના નવા મોર બેસે છે. સ્ત્રીઓના ઘરેણા સમાન ગરબા ને Guilt માનતી આ સ્ત્રીઓ ફરી પોતાના ગુણ તરીકે અપનાવે છે..

ફિલ્મ પ્રોડક્શન કે મેકિંગની દ્રષ્ટીએ કચ્છના રણમાં ને એ પણ એક જ location પર આખી ફિલ્મ બનાવવાનું કપરું કામ કાબીલ-એ-તારીફ છે. ફિલ્મનો ફ્લો જોતા આ આખી ટીમે મેકિંગ દરમિયાન રણની રેતીને ય માર્બલ ફલોરિંગ માનીને કામ કર્યું હોય એવું સહજ લાગે છે.

‘હેલ્લારો’ ઉંચી ગુણવત્તાના દિગ્દર્શન , મજબુત માવજત અને યથાર્થ કાસ્ટિંગ માટે શ્રી અભિષેક શાહ ને સલામ. અને સાહેબ, આ ફિલ્મને સાહિત્ય કૃતિનું શ્રેય અપાવવામાં સિંહફાળો છે , એક જોશી નો !! , યેસ , શ્રી સૌમ્ય જોશીના સંવાદ અને ગીતો ‘હેલ્લારો’ ની પ્રસ્તુતિને બળવત્તર બનાવે છે. ‘આંખ ના પાટિયા વાંચવા ..’ ‘શીંગડા છે કે પાંખ’ , ‘જેની પૂજા થાય ઈ જ હોમાય ..’ , ‘એનામાં સ્ત્રીનું કાળજું છે ..; (આ અધૂરા સંવાદો છે - પ્રેક્ષકો ને સિનેમાઘર ભણી જવાના ઈજન રૂપે) આવા અનેક સંવાદો આપણને પાત્રો અને ચિત્રપટ સાથે જોડી દે છે. સિનેમાઘરમાં ય વાહ , ક્યાં બાત હૈ ! બોલવાનું થયું ‘તું. ગીતો પણ કથાની સાથે વિકસે .. ! એવા. તો શ્રી મેહુલ સુરતી એ સાવ સુ -સંગત , સંગત કરી છે પોતાના સંગીતથી. ભૂમિ ત્રિવેદી , ઐશ્વર્યા મજમુદાર જેવા ગાયકો એ હલક અને ખનક ને જોરદાર વહાવી છે પોતાન સ્વરથી. રાત- દિવસ ને જુદા પાડતું, અંધકાર - ઉજાસ ને જુદા પાડતું , કે બંધન અને મુક્તિ ને તાદ્રશ્ય કરતું કેમેરાવર્ક - એક લગોલગ ચાલતા પાત્ર તરીકે નોંધવું રહ્યું.

મંજરી (શ્રદ્ધા ડાંગર) મુળજી -ઢોલી (જયેશ મોરે) , જે આખી ફિલ્મના દરેક વળાંક પર આગળ ઉભા રહે છે , એમણે સંવાદ સિવાય પણ આંખ અને ચહેરાથી ઘણું બધું હ્રદય સોંસરું ઉતાર્યું છે , ફિલ્મના પાત્રો પર અને પ્રેક્ષકો પર પણ. તો , રૂડી (જાગૃતિ ઠાકોર) રાધા (ડેનિશા ઘૂમરા) , ચંપા (કૌશંબી ભટ્ટ) ગંગા (શચી જોશી ) ગૌરી (તર્જની ભડીયા), ગોમતી (તેજલ પંચાસરા) ,હંસા (એકતા બચવાની) કંચન (રિદ્ધિ યાદવ ) કેસર (બ્રિન્દા ત્રિવેદી ) લીલા (નીલમ પંચાલ ) મેના (કામિની પંચાલ) આ દરેકે એવું કાઠું કાઢ્યું છે એમના અભિનયમાં કે નેશનલ એવોર્ડે પણ એની ૬૬ વર્ષની મર્યાદા ઓળંગી ને એક જ નહી દરેક ને શ્રેષ્ઠ અભિનેત્રી નું સ્વર્ણ કમલ આપવા દોટ મૂકી. ધન્યવાદ ! અને હા , હળવા ટોનમાં પણ પરીવર્તન અથવા તો રૂઢીઓને થોડીવાર bypass કરાવવાનું બહુ રસપ્રદ કામ , રસાળ ઢબે કરે છે ભગલો (મૌલિક નાયક ). અરજણના પાત્રમાં આર્જવ ત્રિવેદી એની અભિનય ક્ષમતાના જોરે પ્રમાણમાં ઓછા સમયના રોલમાં પણ દેખાઈ આવે છે. મુખી (શૈલેશ પ્રજાપતિ ) ખરેખર એમની આ ક્ષેત્રની દીર્ઘ કારકિર્દી ને મુખોમુખ કરાવે છે.

આ બધું એટલે લખ્યું કે માત્ર ગુજરાતીએ નહિ , ભારતના દરેક નાગરિકે આ ફિલ્મ જોવી જ રહી. કારણ , સ્ત્રી પર પુરુષનું આધિપત્ય એ સમગ્ર રાષ્ટ્ની ઘટના છે. એવી જ રીતે જેમ ધૂણીને સાવ નીચેથી ફૂંક મારો તો જ એ પ્રજ્વળે , એ ન્યાયે , અન્યાય સામે બદલાવની જ્યોત તો છેવાડે થી પ્રગટે તો જ એ સાર્થક એ પણ સમગ્ર સમાજ ને સ્પર્શતી વાત છે. ‘હેલ્લારો’ માં આ બન્ને સ્થિતિ Parallel ચાલે છે.

તો હાલો , હેલ્લારીએ. !!