Paardarshi - 20 in Gujarati Short Stories by bharat maru books and stories PDF | પારદર્શી - 20

Featured Books
Categories
Share

પારદર્શી - 20

પારદર્શી-20
સમ્યક અને મોહિની આજે ફાર્મહાઉસ પર એકલા જ હતા.મોહિની કીચનમાં રસોઇ બનાવી રહી હતી.સમ્યક અદ્રશ્ય હતો.એટલે જ કીચનમાં ઉભેલી મોહિની થોડી થોડી વારે પાછળ જોઇ લેતી હતી.પછી મોહિનીએ કીચનમાંથી જ બુમ પાડી

“સમ્યક, અહિં કંઇ ‘સ્વીટ’ તો નથી દેખાતી?”

સમ્યક સોફા પર બેઠો હતો.એને મોહિનીની મજાક કરવાનું સુઝયું એટલે એ મૌન જ રહ્યોં.મોહિની ફરી એ જ વાકય બોલી.સમ્યક હજુ પણ નિઃશબ્દ જ રહ્યોં.મોહિની હવે લીવીંગરૂમમાં આવી.એ સોફા તરફ હળવે પગલે આવી અને સોફાથી બે ડગલા દુર ઉભી રહી ગઇ.સમ્યકને આ જોઇ હસવુ આવ્યું.કોઇ અંધ વ્યક્તિ જેવા મોહિનીનાં હાવભાવ જોઇ એને મોહિની ‘સ્વીટ’ લાગી.મોહિનીએ ફરી મોટા અવાજથી કહ્યું

“ઓ...સમ્યક.આ તો તમને દરરોજ જમવા સાથે કંઇક ગળ્યું ખાવાની આદત છે એટલે પુછું છું.જવાબ ન આપવો હોય તો ફકત તીખું જ ખાવું પડશે.”

હવે મોહિનીનાં ચહેરાની તીખાશ પણ સમ્યકે ચાખી લીધી.જે સમ્યકને તો મીઠી જ લાગી.એના મને કહ્યું ‘કેટલું ધ્યાન રાખે છે મોહિની! સ્ત્રી હંમેસા એની આજુબાજુનાં માણસોનું ધ્યાન રાખવામાં જ જીંદગી વીતાવે છે.અને પુરુષ મોટાભાગે સ્ત્રીની દરેક વાતમાં પોતાનો જ સ્વાર્થ શોધતો હોય છે.આ મોહિનીને શું ખબર કે હું તો મારો સ્વાર્થ કાઢી લઇશ.પણ ના...હું આવું કરું છું તો ફકત દિશા માટે જને! એક સ્ત્રીની ખુશી માટે જ કરું છું.એમાં મોહિની પણ થોડો સમય ખુશ જ થશેને!’ સમ્યકે મનમાં જ પોતાનો ન્યાય તોળી લીધો.અને એટલે જ થોડી હળવાશમાં કહ્યું

“અરે...અરે.તને ‘સ્વીટ’ નથી મળતી.પેલા અરીસા સામે રાખેલી છે.”

મોહિની તો અરીસા સામે જઇને બોલી

“કયાં છે?”

“અરીસામાં નથી દેખાતી?”

આ વખતે મોહિનીનાં ચહેરે એકદમ મર્યાદિત માત્રામાં છવાયેલી શરમ પણ સમ્યકે જોઇ લીધી.મોહિની ફકત પાણીનાં છાંટા સોફા તરફ ઉડાવીને કીચનમાં જતી રહી.હવે ધીમે ધીમે સમ્યકનાં તમામ પ્રયત્નો ફરી દ્રશ્યમાન થવા માટેનાં જ હતા.એ માટે જરૂરી આ છેલ્લી શરતભંગની તૈયારીઓ કરી રહેલા સમ્યકે પોતાના બધા વિચારો અને પોતાનો જુનો સ્વભાવ પણ કચરાપેટીમાં મુકી દીધો.કારણકે એ વચ્ચે વચ્ચે આવીને બધો ખેલ બગાડી નાંખશે એવો ભય સમ્યકને સતાવતો હતો.મોહિની જમવાનું લઇ આવી.બંનેએ સાથે જમી લીધું.પછી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી.ઓફીસની વાતો કરી.આ તમામ સમય દરમિયાન મોહિનીએ કેટલીય વાર ઘડીયાલમાં જોયું.ઉતાવળ બંનેને હતી પણ એના કારણો અલગ અલગ હતા.સમ્યકને પણ ખ્યાલ હતો ‘મોહિની મને જોવા માંગે છે.એ બાર વાગવાની રાહ જુએ છે.રાતનાં અગિયાર તો વાગી ગયા હતા.ફકત એક કલાક પછી મોહિનીને શું જવાબ આપીશ? ફરી કંઇક બહાનું રજુ કરીશ કે પછી કોઇ જવાબ ન આપી ફકત બળજબરીથી મારું કામ પાર પાડીશ.જો મોહિની મને, અદ્રશ્યને સહકાર નહિ આપે તો?’ આવા વિચારોની અસરથી મોહિની એનાથી દુર થઇ જશે એવું એને લાગ્યું એટલે સમ્યકે અચાનક મોહિનીને પોતાના તરફ ખેંચી.મોહિની આજે પહેલીવાર કોઇ બીજા પણ ગમતા પુરુષની સાથે એના બાહુંપાશમાં છુપાઇ ગઇ.એની આંખોમાં તો પ્રેમ છલકાયો....કે પ્રેમની તરસ પાણી બનીને આંખોમાં છલકાઇ.થોડી ક્ષણ પછી એ બોલી

“સમ્યક....થેન્કસ.હું જાણું છું તમે કદી કોઇને દુઃખી નથી કર્યાં.એટલે જ કદાચ મારા માટે તમે બદલાયા છો.”

સમ્યકે પોતાનાં ખભ્ભા પર એક તરફ થોડી ભીનાશ અનુભવી એટલે એણે મોહિનીને હળવેથી દુર કરી એનો ચહેરો જોયો.બીજી આંખનું પાણી પોતાના હાથ વડે લુંછી નાંખતા મોહિની ફરી બોલી

“સમ્યક...એટલે જ આપણો આ સબંધ તમારા સંસારને કયાંરેય નડતરરૂપ નહિ બનવા દઉં.હું તમને પ્રેમ કરીશ, શરીર સોપી દઇશ પણ કયાંરેય પરેશાન નહિ કરું.”

મોહિનીનાં શબ્દોમાં જે સચ્ચાઇ ભળેલી હતી એ સમ્યકનાં હૃદયમાં શુળની જેમ ખુંચી ગઇ.એ શુળે સમ્યકનાં મનમાં ઉજરડા પાડી પાડીને પોતાની સામે જ પોતાની સ્વાર્થી અને લાલચુ છબી રજુ કરી દીધી.પોતાને જ આજે પોતે ઉઘાડો થઇ જોઇ રહ્યોં હતો.એને એ નગ્ન પડછાયા પર ખુબ ગુસ્સો આવ્યોં.ગુસ્સાનો જવાળામુખી એના મનમાં ભરાયો.એની તમામ નિર્ણય શક્તિ ક્ષીણ થવા લાગી.એટલે જ એ લાવાની બધી જ ઉર્જા એણે કામાગ્નિમાં ફેરવવાનું નકકી કરી લીધુ.એ ઉતાવળો થયો.હવે રાતનાં બાર વાગી ગયા હતા.મોહિની તો સમ્યકનાં દેખાવાની આતુરતાથી રાહ જોવા લાગી.પણ એવું કંઇ બનવાનું નથી એ ખ્યાલથી સમ્યક વધુ પરેશાન હતો.પણ જયાંરે જયાંરે સમ્યક મોહિનીનાં તરસ્યા ચહેરા તરફ જોઇ લેતો એને ત્યાં કંઇક ક્ષણીક શાંતિ અનુભવાતી હતી.એ શાંતિમાં કયાંરેક સમ્યકને વિચાર આવી જતો કે મોહિની જેટલી સુંદર છે એટલી જ હૃદયની ચોખ્ખી પણ છે.એણે તો એનું હૃદય સહિત બધુ જ ખુલ્લુ મુકી દીધુ છે.અને આ ખુલ્લી હવાનો હું ફકત મારા માટે ઉપયોગ કરી લઇશ? પણ પછી એની અંદર ભારેલા અગ્નિએ જવાબ આપ્યોં ‘હવે તો આ સારા વિચારો પણ લાલચ આપી રહ્યાં છે.’ ચારે બાજુથી દરેક વસ્તુ, વિચાર, દ્રશ્યો અને આ સુંદર સ્ત્રી....આ મનમોહક સ્ત્રી...આ નાજુક સ્ત્રી સમ્યકને પોતાનો સંસાર ફરી ન રચવા દેવા માટે લાલચ જન્માવતા હોય એવું હવે સમ્યકને લાગી રહ્યું હતુ.એક માત્ર ફરી દેખાવાનાં હેતુ સુધી પહોંચવા માટે સમ્યકને હવે દરેક વિચારો, હૃદયમાં ઉઠતા દરેક ભાવો પણ વિધ્નો લાગવા મંડયા.જેમ જેમ એ લાલચો અને વિધ્નો વધતા ગયા એમ એમ સમ્યક લગભગ પાગલ બનતો ગયો.મોહિનીને સમ્યકનો ચહેરો કે એના પર ઉપસતા હાવભાવ તો દેખાતા ન હતા.પણ એના અમુક વર્તનોથી, અમુક ઉતાવળા અડપલાઓથી મોહિનીએ થોડો અમથો પ્રતિકાર પણ કર્યોં.પણ આંતરીક વિદ્રોહી બનેલા સમ્યકે હવે બાહ્ય વિદ્રોહ પણ ચાલુ કર્યોં.જીવનનાં એક છેડાથી ભાગીને સમ્યકે બીજો છેડો અપનાવ્યોં.પાછલા જીવનમાં મોટા મનવાળો સમ્યક આજે મોહિનીનાં આ નાના પ્રતિકારો પણ સહન ન કરી શકયો.એણે હવે મોહિની સાથે બળજબરી કરવા માંડી.
આ તરફ દિશા સમ્યકને કેટલાય ફોન કરતી રહી અને એક પણ વખત ફોન ન ઉંચકાયો એટલે અડધી રાત્રે એકલી રડતી રહી.એને એવો ભય લાગ્યોં કે કયાંક સમ્યક પણ એના પપ્પાની જેમ અમને છોડીને જતો તો નથી રહ્યોંને? સતત પરેશાન દિશા રડીને થાકી હતી.એ શુન્યમનસ્ક થઇ બારી બહાર દેખાતા આભને તાકી રહી.ત્યાં અંધારી રાત સીવાય કશું ન હતુ.શહેરી આકાશમાં તારલાઓની હારમાળા પણ દેખાતી ન હતી.સમ્યક વિશેનો એક ભયાનક વિચાર અને પછી બાળકો અને પોતાના અનિશ્ચિત ભવિષ્યનાં વિચારોની હારમાળા જરૂર હતી.દિશાએ ફરી પોતાનો મોબાઇલ ફોન હાથમાં લીધો.પણ સમ્યકને ફોન કરવાની હિંમત હવે ન કરી શકી.આખરે છેલ્લે સમ્યક સાથે થયેલી વાતચીતનું ‘રેકોર્ડીંગ’ ફરી ફરીને સાંભળવા લાગી. ‘ડિયર, આવતી કાલે સવારે હું આવીશ અને તું મને જોઇ શકીશ.હું પહેલા હતો એવો જ થઇને આવીશ’ સમ્યકની આ વાત પર પણ હવે દિશાને ભરોસો નહોતો આવતો.આવું તો એણે ઘણીવાર કહ્યું હતુ.છતા એક અવિશ્વસનીય આશાએ ફરી સવાર પડશે.સવારે સમ્યક આવશે કે એના કાયમી ગુમ થયાનાં યથાવત રહેલા સમાચાર આવશે? એવા અનિશ્ચિત ભવિષ્યની રાહ જોતી એ બેસી રહી.થાકીને એની આંખો કયાંરે ઉંઘથી બીડાઇ ગઇ એ દિશાને ખબર જ ન રહી.સમય પસાર થતો ગયો.આખરે સવારનાં 4.30 વાગ્યે સતત રણકતી ડોરબેલને લીધે દિશાની ઉંઘ ઉડી.એણે સીસીટીવી યુનીટની સ્ક્રીન પર જોયું તો ત્યાં દરવાજા બહાર સમ્યક ઉભો હતો.દિશા તો દરવાજા તરફ દોડી.એ એક ક્ષણ માટે એણે એવો વિચાર પણ કરી લીધો કે કયાંક સમ્યક ફકત કેમેરામાં જ તો નહિ દેખાતો હોયને? શું ખરેખર હું બારણું ખોલીશ ત્યાંરે સમ્યક સામે ઉભો હશે? એના બધા સવાલોનાં જવાબો ઘરનાં મુખ્ય દરવાજાએ આપી દીધા.એ ખુલી ગયો અને સામે સાચે જ સમ્યક એક સુંદર દ્રશ્ય થઇને ઉભો હતો.એ ખુબ જ ખુશ હતો.દિશા તો એવી રીતે સમ્યકને ભેંટી પડી જાણે સમ્યક મોતનાં મુખમાંથી પાછો ફર્યોં હોય.બંને અંદર ગયા.દિશા રડીને સ્વસ્થ થઇ પછી એણે પુછયું

“હવે તમે પાછા ગાયબ તો નહિ થાવને?”

“ના...મારી ઇચ્છા વગર નહિ.”

“એટલે? હજુ તમે અદ્રશ્ય થઇ જશો?” દિશા સમ્યકની આંખોમાં જોવા માટે એનાથી થોડી દુર થઇને બોલી.

“ના...” સમ્યક હવે વાતની શરૂઆત કયાંથી કરવી એ વિચારવા લાગ્યોં.

“મને બધી વાત કહો, પ્લીઝ.”

“હા દિશા, પણ જો આ બધુ સાંભળીને તું મને માફ કરી શકીશ?”

“તમે ઘરે આવી ગયા એટલે બધુ માફ.તમારી કોઇ વાતને હું મનમાં નહિ રાખુ.”

સમ્યકની આંખમાં પણ આસુ ઉભરાયા.એ લુંછીને એણે બધી વાત કરી કે કેવી રીતે એક નવો લોક જોયો, ત્યાંનું બધુ વર્ણન કર્યું.આખરે છેલ્લી શરતભંગ ‘પરસ્ત્રીગમન’ હતી એ પણ કહ્યું.અને એક લાંબા નિશાસા સાથે એ બોલ્યોં

“દિશા, આ ગઇ રાત મારા માટે અનેક પીડાઓથી ભરેલી હતી.જો આ વાત સાંભળી તું મને માફ નહિ કરે તો હવે મારામાં પીડા સહન કરવાની તાકાત નથી.”

“તમારા બધા ગુના માફ, ડિયર.અને જો તમને એવું લાગતું હોય તો વાત અહિં પુરી કરી નાંખો.મારી કોઇ જીદ નથી.” સમ્યક દિશાની આ વાત પર જ તો ફીદા હતો.દરેક વાતમાં ભરપુર સહકાર.

“ના ડિયર, જો હું તને નહિ કહું તો એ વાત મારા મનમાં ઘુમરાયા કરશે.એના કરતા કહીને હલકો થાઉં.”

સમ્યકને હળવો એમ બોલવું હતુ પણ હલકો બોલાય ગયુ.દિશા તો મૌન જ રહી.એની માંગ તો પુરી થઇ હતી.હવે તો બધુ ગૌણ હતુ.પણ સમ્યકે વાત ચાલુ કરી

“જો ડિયર, આ સિદ્ધીની છેલ્લી શરત મારે તોડવાની હતી.એટલે મે આપણાં ફાર્મહાઉસ પર મોહિનીને બોલાવી.એ પણ મારા અદ્રશ્યપણાથી અચરજમાં હતી.પણ એણે મને ફરી દેખાવાનું કહ્યું, એના માટે એણે જીદ પકડી.એટલે મને ડર લાગ્યોં કે આ છેલ્લો મોકો પણ હું ચુકી જઇશ.એટલે હું પાગલ બની એની સાથે બળજબરી કરવા જઇ રહ્યોં હતો પણ ત્યાં જ”...

સમ્યક અટકયોં.સમ્યકને યાદ આવ્યું કે મોહિનીને તો બેડ પર બાંધી પણ દીધી હતી.લગભગ એક બળાત્કારી જ થઇ ગયેલો.

“પણ ત્યાં જ મોહિનીએ મને કહ્યું કે તમે તો દેખાવા મંડયા.એટલે મે અરીસામાં જોયું તો હું ખરેખર દેખાવા લાગેલો.પછી મે મોહિની સામે બધી વાત કરી દીધી.એને કહી દીધુ કે હું ફકત તારો ઉપયોગ જ કરવાનો હતો.”

સમ્યકને ફરી યાદ આવ્યું કે ત્યાંરે મોહિનીને બંધનમાંથી છોડી હતી.એ ખુબ રડી પણ હતી.પણ પછી મોહિનીએ કહેલું ‘સમ્યક, જો એવું જ હોય તો હવે તમે મારી સાથે સહવાસ કરી શકો છો.હું તમારા માટે જ તો આવી છું.તમારા માટે બધુ જ વ્યાજબી છે.’ જેવી મોહિની મને વળગી કે હું ફરી અદ્રશ્ય થયો...પછી સમ્યકે આગળ પોતાની યાદોને પણ દબાવી અને દિશા સામે મો ખોલ્યું

“પછી જે થયું એ હું કયાંરેય નહિ ભુલુ.અમે બંને લીવીંગરૂમમાં બેઠા હતા અને અચાનક રૂમમાં એક પ્રકાશ આવ્યોં અને એ સાથે પપ્પા અને એના ગુરૂ મારી સામે ઉભા હતા.પપ્પાનાં ગુરૂએ મને માફ કર્યોં.મને ફરી દ્રશ્ય બનાવ્યોં.અને કહ્યું કે ‘હવે તું ઇચ્છીશ ત્યાંરે જ અમારી સાથે આવી શકીશ.નહિંતર તારા મૃત્યુનાં બે દિવસ પહેલા તું આપોઆપ ગાયબ થઇને અમર થઇ જઇશ.અને પેલા નવા લોકનો રહેવાસી બની જઇશ.’

દિશાએ તરત જ સવાલ કર્યોં
“એટલે લગભગ કયાંરે?”

“અરે તું ચીંતા ન કર.લગભગ મારા ચોર્યાસીમાં વર્ષે”
સમ્યકે અટ્ટાહાસ્ય કર્યું.દિશા પણ ખુશ થઇ હસવા લાગી.સમ્યકે ફરી વાત કરી

“પપ્પાનાં ગુરૂજી આજથી લગભગ 2500 વર્ષ પહેલા એનાં મૃત્યુનાં આગલા દિવસે જ કાયમી અદ્રશ્ય થઇને અમર થયા છે.એણે જે નવા લોકમાં વસવાટ કર્યોં ત્યાં કોઇનું મૃત્યુ નથી કે કોઇનો જન્મ નથી.ફકત થોડા થોડા વર્ષોમાં મારા જેવા પર પસંદગી ઉતારે છે.”

સમ્યક હવે એકદમ ખુશ હતો.એના શબ્દો અંદર એના મનમાં અને બહાર જીભમાં સરખા ચાલ્યા જતા હતા.

“તો પછી અત્યાંરે તમને અને પછી મને કેમ આમ પરેશાન કર્યાં.” દિશાએ સહજ સવાલ કર્યોં.

“કારણ કે કોઇ એક મનુષ્યની પસંદગી કરી એને અમર કરવાનો એ લોકોનો સમય થઇ ગયો હતો.અને પપ્પાનો આગ્રહ હતો કે હું જ આ પસંદગી પામું.”

સમ્યક હવે શાંત હતો.મોટા ભાગની વાતો એણે મનની બહાર કાઢી નાંખી એટલે એ હવે હળવો થયો હતો.પણ દિશા પોતાના મનમાં બધી વાતો ગોઠવવા લાગી ત્યાંરે અચાનક એ બોલી પડી

“પણ તો મોહિની”....

દિશા અટકી ગઇ.કદાચ મનમાં રાખવાની વાત એના હોઠે આવી ગઇ હશે.સમ્યકને મોહિનીનું નામ સાંભળી લાગ્યું કે હવે દિશા એના વિશે વધુ પુછશે એટલે એ મનમાં જવાબો ગોઠવવા લાગ્યોં.પણ દિશાએ દિશા બદલીને પુછયું

“તમારા પપ્પા અને એમના ગુરુએ તમારા પર જ કેમ પસંદગી ઉતારી હશે?”

સમ્યક થોડો સ્વસ્થ થયો.અને હસીને બોલ્યોં

“થોડા દિવસો પહેલા સુધી એમના માટે હું એક ખુબ સારો માણસ હતો એટલે.એમને હંમેસા એમની કસોટીએ ખરો ઉતરે એવો માણસ જોઇતો હોય છે.”

“થોડા દિવસ પહેલા એટલે વળી શું? તમે તો હજુ પણ એવા જ છો.”

દિશાનું વાકય સમ્યકનાં મનોમંથન સાથે ખરું નહોતું બેસતુ.એટલે એનાથી બોલી જવાયું

“ના દિશા...હવે હું એમના માટે, મારા ખુદનાં માટે કે મોહિની માટે જરા પણ સારો નથી રહ્યોં....એટલે જ હવે તું મોહિનીનાં મારા તરફેનાં એકતરફી પ્રેમની ચીંતા પણ છોડી દેજે.”

સમ્યકનું વાકય પુરુ થયું અને એની આંખોમાં આસુ દેખાયા જાણે એના વાકયનાં એ પુર્ણવિરામ હોય.
દિશાએ સમ્યકનાં આંસુ લુંછી નાંખ્યા.સમ્યકે દિશાનાં ખોળમાં માથુ ટેકવ્યું.ત્યાંરે દિશાએ એના માથા પર હાથ ફેરવતા કહ્યું

“તમે તમારી સિદ્ધી અને અમરત્વ છોડીને ફકત મારા માટે પાછા આવી ગયા.મારો સંસાર બચાવવા માટે આવી ગયા.તમે તો મારા માટે સારા હતા, છો અને હંમેસા રહેશો.”

સમ્યક ફકત મનમાં જ બોલી શકયો ‘દિશા, એટલે જ તો હું એક છેડાથી બીજા છેડે અથડાયેલો, ભટકેલો અને ખરડાયેલો પણ તારી પાસે આવી ગયો.તારા સુધી પહોંચવું જરૂરી હતું, માર્ગ તો કીચડથી ભરેલો જ હતો.'
સમ્યકને હવે એમનાં પપ્પા અને ગુરુએ પહેલા જેવો જ બનાવી દીધો હતો.જયાંરે એ મન શાંત કરે અને એક ઇચ્છા કરે ત્યાંરે એ અદ્રશ્ય થઇ શકતો હતો.એને એક લાંબી કસોટી પછી એ સિદ્ધી યથાવત મળી હતી.પણ સમ્યકને હવે અદ્રશ્ય થવાની ઇચ્છા થતી ન હતી.બે વિપરીત દિશાઓ જોઇ લીધા પછી સમ્યક હવે ફકત એક પારદર્શી સાક્ષી તરકે જીવવા લાગ્યોં હતો.
સમાપ્ત
--ભરત મારૂ