Bala - Movie Review in Gujarati Film Reviews by Siddharth Chhaya books and stories PDF | બાલા - મુવી રિવ્યુ

Featured Books
Categories
Share

બાલા - મુવી રિવ્યુ

એક જ વિષય પર એકથી વધુ ફિલ્મો બનવી એ બોલિવુડમાં નવાઈની વાત નથી. પરંતુ જ્યારે એક જ વિષય પર બનેલી બે ફિલ્મોમાંથી એક ફિલ્મ સાવ વિષયથી ભટકી જાય અને બીજી વિષયને છોડે જ નહીં એવી બને ત્યારે આ બંને ફિલ્મોની સરખામણી કરવી અયોગ્ય બની જાય છે.

બાલા – તમારી જાતને પ્રેમ કરો!

કલાકારો: આયુષ્માન ખુરાના, યામિ ગૌતમ, ભૂમિ પેડનેકર, સૌરભ શુક્લા, અભિષેક બેનરજી, સીમા પાહવા, દીપિકા ચીખલીયા ટોપીવાલા અને જાવેદ જાફરી

કથાનક

કાનપુર શહેરમાં રહેતો બાલમુકુન્દ ઉર્ફે બાલા (આયુષ્માન ખુરાના) બાળપણમાં શાહરૂખ ખાનનો ‘જબરો ફેન’ છે. આ પાછળનું કારણ તેના માથા પર રહેલા ઘનઘોર વાળ છે. ભગવાન તરફથી પોતાને મળેલી આ ભેટને કારણે એ બાળપણથી જ જરા અભિમાની બની જાય છે. પરંતુ કહેવાય છે ને કે ભગવાન પણ બધું જોવે છે અને જે કારણસર બાલા પોતાની જાત પર આટલું અભિમાન કરતો હોય છે જ કારણ તેની જિંદગી ભરની મુસીબત બની જાય છે.

બને છે એવું કે ઉંમરનો વીસનો દાયકો મધ્યમાં આવતા આવતા બાલા લગભગ ૭૦% ટાલિયો થઇ જાય છે. બાલાએ ભૂતકાળમાં પોતાની સ્કુલની મિત્ર લતિકાની (ભૂમિ પેડનેકર) તેના અતિશય શ્યામવર્ણની ખૂબ મશ્કરી અથવાતો અપમાન કર્યું હતું આથી લતિકાને એમ લાગે છે કે બાલાને એ અપમાનનો જ બદલો ભગવાને આપ્યો છે આથી તે જ્યારે પણ તક મળે ત્યારે બાલાનું ટાલિયાપણું દુનિયા સમક્ષ ખુલ્લું પાડવામાં બિલકુલ ખંચકાટ અનુભવતી નથી.

બાલાને ટીકટોક ક્વીન પરી મિશ્રા (યામિ ગૌતમ) ખૂબ ગમે છે અને નસીબજોગે એ જ્યાં કામ કરે છે એ ફેયરનેસ ક્રીમ કંપની પરી ને જ પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવે છે અને આથી બાલાને પરીની એડ શૂટ માટે લખનૌ જવાનું આવે છે. એક તરફ પોતાના ક્રશને સામસામે મળવાની અને તેને ઈમ્પ્રેસ કરીને પોતાના તરફ આકર્ષવાની તક અને બીજી તરફ ટાલિયું માથું બાલા સામે એક જબરી મુસીબત સામે આવીને ઉભી છે!

રિવ્યુ

બે શુક્રવારે એક જ વિષય પરની બે ફિલ્મો જોયા પછી એવું લાગ્યું કે બાલા અને ઉજડે ચમનની કોઈ સરખામણી હોઈજ ન શકે. જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ ઉજડે ચમન એ તેના વિષયને ક્યારેય સળંગ વળગી રહી ન હતી જ્યારે બાલા પહેલી ફ્રેમથી જ વાળ અને ટાલ સાથે ચોંટીને જોડાઈ જાય છે. ફિલ્મની શરૂઆતથી અંત સુધી ‘વાળ’ તરીકે વિજય રાઝની રસપ્રદ, રસાળ અને હળવાશથી ભરપૂર બેકગ્રાઉન્ડ કોમેન્ટ્રી આપણને સતત કહેતી રહે છે કે આ ફિલ્મ માત્રને માત્ર વાળ અને ટાલ સાથે જોડાયેલી છે.

બાલાના અમુક દ્રશ્યો અત્યંત ફન્ની બન્યા છે. ખાસ કરીને બાલાના પિતા એટલેકે સૌરભ શુક્લા જ્યારે એક ‘ખાસ લેપ’ બાલાના માથા પર લગાવે છે ત્યારે! આ ઉપરાંત કાયમ બાલાની માતા કોઇપણ નવો નુસ્ખો જ્યારે બાલાના માથા પર અજમાવવા બાલાના નાના ભાઈને “વિહાન, ઝરા ભૈયા કી મદદ કરના તો!” કહે ત્યારે પણ ચહેરા પર સ્મિત અથવાતો હાસ્ય આપોઆપ આવી જાય છે.

ફિલ્મ સંપૂર્ણ કોમેડી હોવા છતાં અહીં બે-ત્રણ ભાવુક દ્રશ્યો પણ છે. જ્યારે યામિ ગૌતમ બાલાને પોતે કેવી છોકરી છે અને તેને શું ગમે છે એ સમજાવે છે ત્યારે અને બાલા અને લતિકા અગાસી પર મળે છે એ બંને દ્રશ્યો ખાસ જોવા જેવા બન્યા છે. આ ઉપરાંત બાલાનો તેના પિતા પ્રત્યેનો ગુસ્સો જ્યારે બહાર આવે છે એ દ્રશ્ય પણ જોવાલાયક બન્યું છે.

પરફોર્મન્સની દ્રષ્ટિએ યામિ ગૌતમનો અભિનય કદાચ તમામ અદાકારો, આયુષ્માન સહીત, સહુથી વધુ ગમતીલો બન્યો છે. એક નીશ્ફીકર ટીકટોક સેલીબ્રીટી તરીકે તેની અદાઓ અને સતત કશુંને કશું અપલોડ કરવાની તેમજ કેટલી લાઈક્સ આવી એ જાણવાની તેની ઉતાવળ એ આજની અને આપણી આસપાસની જ વાત હોય એવું સતત લાગ્યા કરે છે.

લતિકા તરીકે ભૂમિ પેડનેકરની ફર્સ્ટ હાફમાં કોઈ ખાસ હાજરી નથી પરંતુ સેકન્ડ હાફમાં એની ભૂમિકાનું મહત્ત્વ વધી જાય છે. બડબોલી, થોડી ઉદ્ધત અને બોલ્ડ લતિકાને ભૂમિએ બરોબર ન્યાય આપ્યો છે. હા એનો મેકઅપ જરા આપણને ગળે ઉતરતો નથી એ અલગ વાત છે પરંતુ આ ભૂલને જો ઇગ્નોર કરીએ તો ફરીથી ભૂમિ પેડનેકરે ફરીથી તેનું ખૂબ સારું પરફોર્મન્સ અહીં આપ્યું છે.

નાની ભૂમિકાઓમાં અથવાતો સહાયક ભૂમિકાઓમાં અભિષેક બેનરજી બાલાના ખાસ મિત્ર અજ્જુ તરીકે ફિટ બેસે છે. આ ઉપરાંત બાલાના પિતા તરીકે સૌરભ શુક્લાએ એમની પાસેથી આશા હોય એવું જ પરફોર્મન્સ દેખાડ્યું છે. બચ્ચન પાંડે તરીકે જાવેદ જાફરી ન હોત તો પણ ચાલત એટલેકે એમનું પાત્ર ફિલ્મમાં કોઈ ખાસ કામમાં આવતું નથી.

આયુષ્માન ખુરાના વિષે અગાઉ પણ આ કોલમમાં કહેવામાં આવ્યું છે કે તેના વિષે જેટલું કહીએ તેટલું ઓછું છે. બાલામાં પણ આયુષ્માન ખુરાનાએ આખી ફિલ્મ પોતાને ખભે લઇ લીધી છે. નાની ઉંમરે ટાલ પડી જવાની વ્યથા અને પછી છેલ્લે જ્યારે સચ્ચાઈની સમજણ પડે છે ત્યારે દેખાડેલી મેચ્યોરીટી એમ બંને અંતિમો આયુષ્માન ખુરાનાએ યોગ્ય રીતે ભજવ્યા છે. એક વાત છે કે આયુષ્માન હવે થોડો સ્ટીરિયોટાઇપ થઇ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આશા છે તેને પણ આ બાબતની જાણ હશે જ.

કોઈ નવા વિષય પર, સારી રીતે બનાવેલી હળવીફૂલ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો બાલા તમારી યોગ્ય પસંદગી હશે.

૧૦ નવેમ્બર ૨૦૧૯, રવિવાર

અમદાવાદ