Premnu Aganphool - 3 - 1 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories PDF | પ્રેમનું અગનફૂલ - 3 - 1

Featured Books
Categories
Share

પ્રેમનું અગનફૂલ - 3 - 1

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

અપહરણ

ભાગ - 1

બીજા દિવસની સવારે.

આનંદ અને દુર્ગા વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસમાં બેઠા હતા.

દેવેન્દ્ર ભટ્ટના ચહેરા પર ચિંતાની લકીર ફેલાયેલી હતી.

‘આનંદ... દુર્ગાને આપેલા રૂપિયાનું બંડલ ગુપ્તા સાહેબે તમને હાથોહાથ આપ્યું હતું ને તે રૂપિયા કોઈ સંસ્થાએ કેમ્પસમાં આપ્યાનું કહ્યું હતું.’ વિચારમાંથી બહાર વતાં દેવેન્દ્ર ભટ્ટે પૂછ્યું.

‘હા, સર... ગુપ્તા સાહેબે ખુદ પૈસા આપ્યા હતા અને એટલે જ તેમના માન ખાતર આ પૈસા દુર્ગાને લેવાનું મેં કહ્યું હતું નહિતર દુર્ગાને હું પૈસા લેવા જ ન દેતા.’

‘અચ્છા... યાસ્મીને તને જે પાંચસો રૂપિયા આપ્યા હતા તે પણ કોઈ સંસ્થાએ કેમ્પમાં આપેલ હતા, બરાબર...?’

‘હા, સર....!’

‘તો તે પાંચ સો રૂપિયાની નોટ એ જ છે. એવું નથી ને કે તું દુર્ગા પાસે ગયો હતો અને ત્યાં તે છૂટા કરાવ્યા હોય અને પાંચસોની નોટ ત્યાંથી તારા પાકિટમાં આવી હોય...?’

‘સર... મને યાસ્મીને આપેલ પાંચસોની નોટ આ જ છે. કેમ કે તે નોટ મેં સાચવીને અલગ રાખેલી હતી.’

‘અચ્છા... તો આ યાસ્મીને તને આપેલી નોટ અને ગુપ્તા સાહેબે દુર્ગાને આપેલ પાંચસોની નોટો એક જ સિરિયલની છે.’ દુર્ગાને ગુપ્તાસાહેબે આપેલ પેકેટ અને આનંદને યાસ્મીને આપેલ પાંચસોની નોટ હાથમાં લઈ ધ્યાનપૂર્વક તેઓ નિરીક્ષણ કરતા કરતા દેવેનદ્ર ભટ્ટ બોલ્યા.

‘સર... જુઓ, આ નોટ જેના સિરિયલ નંબર... 8-બીએફ-625450 અને ગવર્નરનું નામ લખેલ છે, સુબારાવ.’

હવે આ ચાસ્મીન પાસેથી મળેલ નોટ જેના નંબર છે.

8 - બીએફ - 625500 અને ગવર્નરનું નામ પણ સુબારાવ છે.’

‘માય ગોડ... આનંદ ખરેખર માની ન શકાય તેવું છે. મને પોતાને પણ આમાં કોઇ ભેદી રહસ્ય છુપાયેલું જણાય છે. ઠીક છે તો બંને થોડીવાર રિફ્રેશન રૂમમાં બેસો હું ગુપ્તા સાહેબને ફોન કરું છું. તેઓ કેમ્પસમાં પહોંચી ગયા નહી હોય તો ચોક્કસ અહીં આવશે.’ ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢી દેવેન્દ્ર ભટ્ટે ગુપ્તા સાહેબના નંબર લગાવ્યા.

થોડીવારમાં અખિલેશ ગુપ્તા સાહેબ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસે પહોંચી આવ્યા.

દેવેન્દ્ર ભટ્ટે તેમને બધી વાત વિગતવાર જણાવી પાંચસોની નોટો પણ બતાવી.

‘ભાઇ આનંદ... નોટો ચેક કર્યા પછી ગુપ્તા સાહેબે આનંદ સામે જોયું, ‘આનંદ... સંસ્થાએ સારા ઉદ્દેશ માટે પૈસા આપ્યા છે, સમજ્યો. આ નોટોના સિરિયલ નંબર જોવાની અને મુસ્લિમ કેમ્પમાં આવેલ રૂપિયામાંથી પાંચસોની નોટોના સિરિયલ નંબર સાથે માનવાની અને ખોટો વિવાદ ઊભો કરવાની આપણે જરૂર નથી. સંસ્થાએ સાચા દિલથી દુર્ગાને મદદ માટે સહાયરૂપ બનવા પૈસા આપ્યા છે. નહીં કે કોઇ ખોટા ઉદ્દેશ માટે અને તે પણ મારા કહેવાથી સમજ્યો. રૂપિયા ઉપરથી આવ્યા છે, કોઇ બેન્કમાંથી આવેલ પૈસામાં ક્યારેક આવું બને... માટે આ વાતને અહીં સમાપ્ત કરી દેજે.’ ગુપ્તાસાહેબના અવાજમાં થોડી સખ્તાઇ હતી. દુર્ગાને સમજાયું નહીં કે ગુપ્તા સાહેબ આનંદને ધમકી આપે છે કે પછી આનંદ ખોટા વિવાદમાં ન ફસાય એટલે કડક શબ્દમાં કહે છે.

‘સર... તમને નથી લાગતું કે આમાં કોઇ રહસ્ય છુપાયું હોય સર. તમને નથી લાગતું કે આની તપાસ કરવી જોઇએ. કમ સે કમ આપણે પોલીસને આ વાતની જાણ તો ચોક્કસ કરવી જોઇએ પછી પોલીસે તપાસ કરવી હોય તો કરે.’ આનંદના ચહેરા પર મક્કમતાના ભાવ તરવરી ઊઠ્યા.

‘પોલીસ... આમાં પોલીસ શેની તપાસ કરવાની છે. આનંદ હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે આવી ઝંઝટમાં પડતો નહીં, નહીંતર તેનાં પરિણામ બહુ સારાં નહીં હોય અને દુર્ગા તને આ રૂપિયાની જરૂર ન હોય તો મને પાછા આપી દે.’

વકીલ દેવેન્દ્ર ભટ્ટ અખિલેશ ગુપ્તાની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઇ ગયા.

‘નહીં સર... મને રૂપિયાની જરૂર છે. હું રાખી લઉં છું.’ દુર્ગાએ ટેબલ પર પડેલ રૂપિયાનું બંડલ ઝડપથી ઉઠાવી લીધા અને તરત પર્સમાં મૂકી દીધું.

ગુપ્તાસાહેબ ઊભા થયા.

‘ભાઇ વકીલ... તારા આ આનંદ અને દુર્ગાને સમજાવજે આવી ઝંઝટમાં પડે નહીં.’ વકીલ દેવેન્દ્ર ભટ્ટ સામે જોઇ ગુપ્તા સાહેબ બોલ્યા. પછી દરવાજા તરફ આગળ વધી દરવાજા પાસે પહોંચી પળભર તેઓ થોભ્યા અને ગરદન પાછળ ફેરવી દુર્ગા સામે જોયું, ‘દુર્ગા... હવે કેમ્પમાં તારી સેવાની જરૂર નથી. માટે કેમ્પમાં આવવાની તસદી લઇશ નહીં.’ આટલું બોલી તેઓ ઝડપથી આગળ વધી ગયા.

આનંદ, દુર્ગા અને દેવેન્દ્ર ભટ્ટે એકદમ સ્તબ્ધ બની બહાર જતા ગુપ્તા સાહેબની પીઠને તાકી રહ્યા.

વકીલ દેવેન્દ્ર ભટ્ટે પણ આનંદ અને દુર્ગાને સલાહ આપી કે તેઓ આ ઝંઝટમાં ન પડે કેમ કે તને ભય હતો કે આ પ્રશ્નને લઇ મોટી બબાલ ઊભી થશે અને આનંદ તથા દુર્ગા મુશ્કેલીમાં મુકાઇ જશે.

આનંદ અને દુર્ગા બંને વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસમાંથી બહાર આવ્યા. અને બાજુમાં નવી બનેલી એક રેસ્ટોરેન્ટમાં જઇ બેઠા.

પેપ્સીના ઘૂંટ ભરતાં આનંદ બોલ્યો, ‘દુર્ગા, હવે શું કરશું...?’ તારી સેવા તો સમજો પૂરી થઇ, તારે કેમ્પમાં જવાની જરૂર નથી.’

‘આનંદ મને લાગે છે કે આપણે પોલીસ સ્ટેશને જઇને બાતમી આપી આવીએ અને રૂપિયા પણ ત્યાં જમા કરાવતા આવીએ પછી જોઇએ શું થાય છે ?’ પેપ્સીનો ઘૂંટ ભરી બોટલ ટેબલ પર મૂકતાં દુર્ગાએ રૂમાલ વડે ચેહરા પરનો પરસેવો લૂછ્યો.

‘તારી વાત બરાબર છે, દુર્ગા, ચાલ આપણે ડાયરેક્ટ ડી.એસ.પી. ની ઓફિસે જઇ ડી.એસ.પી. ને બધી વિગત જણાવી આવીએ.’

બંને પેપ્સી પી ઊભાં થયાં, આનંદે કાઉન્ટર પર પૈસા ચૂકવ્યા. પછી દુર્ગાને સાથે લઇ આનંદે ડી.એસ.પી. ઓફિસ તરફ મોટર સાયકલને મારી મૂકી.

ટ્રાફિક ઘણો હોવાથી ડી.એસ.પી. ની ઓફિસે પહોંચતાં લગભગ કલાકનો સમય વીતી ગયો. ઓફિસના પ્રાંગણમાં મોટરસાયકલ પાર્ક કરી તેઓ ઓફિસની બિલ્ડિંગ તરફ આગળ વધી ગયા. ઓફિસની બહાર બેઠેલા પટાવાળાને આનંદે તેનું તથા દુર્ગાનં નામ પર્ચીમાં લખીને આપ્યું, અને સાહેબને મળવા માટે આવ્યા છીએ એમ જણાવ્યું.

પટાવાળો તેઓને વેઇટિંગ રૂમમાં બેસવાનું કહી, નામવાળી ચિઠ્ઠી લઇ ઓફિસના દરવાજાની અંદર અર્દશ્ય થઇ ગયો.

દુર્ગા અને આનંદ વેઇટિંગ રૂમમાં બેઠા હતા.

ટ્રીન... ટ્રીન... અચાનક આનંદનો મોબાઇલ ફોન રણકી ઊઠ્યો.

ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢી આનંદે ઓન કરવાની સ્વીચ દબાવી.

‘હલ્લો...’

‘કોણ મી. આનંદ..?’

‘યસ... આપ કોણ ?’ આનંદે પૂછ્યું.

‘મિ. આનંદ...’ સામેથી આવતો અવાજ એકદમ સખ્ત હતો.

‘મિ. આનંદ તમે તાત્કાલિક ડી.એસ.પી. ની ઓફિસમાંથી બહાર આવો... જલદી.’

‘પણ... પણ વાત શું છે ?’ આનંદે મૂઝવણભર્યા સ્વરે પૂછ્યું અને હું ડી.એસ.પી. ની ઓફિસમાં બેઠો છું. તેની તમને કેમ ખબર પડી ?’

‘મિ. આનંદ...તમને કહેવામાં આવે એટલું કરો. નહિતર પસ્તાવાનો વારો આવશે.’

‘ઓ.કે. હું બરાબર આવું છું’ કાંઇક વિચારી આનંદ ઊભો થયો અને દુર્ગાને ઇશારાથી બેસવાનું કહી બહાર આવ્યો.

‘હં... બહાર આવી ગયા હવે મારી વાત સાંભળો.’ મોબાઇલના સ્પિકરમાંથી અવાજ આવ્યો.

‘એક મિનિટ... એક મિનિટ... હું ઓફિસમાંથી બહાર આવ્યો. તેની તમને કેમ ખબર પડી...?’ ઉતાવળા અવાજે આનંદ બોલ્યો.

‘મી. આનંદ... મારી બે નહીં, ચાર નહીં, પણ અનેક આંખો છે. જે તમારા તરફ મંડરાયેલી છે. હવે મારી વાત સાંભળો મી. આનંદ. તમે ડી.એસ.પી. ઓફિસમાં તમને અલગ અલગ સેવા કેમ્પમાંથી મળેલ નોટોની તપાસ કરવાના હેતુથી આવ્યા છો ને..?’

આનંદ એકદમ ચોંકી ઊઠ્યો. હવે તેને સમજાયું કે ફોન કરનાર વ્યક્તિને પોતે ડી.એસ.પી. ઓફિસમાં બેઠો છે, તેની ખબર કેમ પડી, ‘હા... તો...?’ આનંદ બોલ્યો.

‘મી. આનંદ તમને તમારો તથા તમારી ફિયાન્સી દુર્ગાનો જીવ વ્હાલો નથી લાગતો.’ સેલફોનમાંથી તીખો અવાજ સંભળાયો.

‘મિ. તમે કોણ બોલો છો ?’ અને આ તમે ધમકીભર્યા સ્વરે બોલો છો, તે શું મને ધમકી આપો છો ?’ આનંદનું દિમાગ ઘૂમી ગયું.

‘મિ. આનંદ... આ ધમકી નહીં પણ તમને ચેતવણી આપું છું. જો તમે આ નોટો વિશે ડી.એસ.પી. ને ફરિયાદ કરી અથવા બાતમી આપી તો તમે તમારા ઘરે નહીં પહોંચો.’

‘તમારાથી થાય તે કરી લેજે. તમારી ધમકીથી હું ડરતો નથી.’ ચીસભર્યા અવાજે આનંદ ચિલ્લાયો. ક્રોધથી તે રાતો-પીળો થઇ ગયો હતો.

‘ઠીક છે... મેં તમને ચેતવણી આપી દીધાં છે, બાકી તમારી મરજી.’ કહેતાં જ સામેથી કનેક્શન ડિસકનેક્ટ કરી નાખ્યું, આનંદ સન્નાટામાં આવી ગયો.

થોડીવાર તે મોબાઇલ પકડીને ત્યાં જ ઊભો રહ્યો પછી મનને મક્કમ કરી ફરીથી ડી.એસ.પી. ઓફિસના બિલ્ડિંગની અંદર જવાનાં પગથિયાં ફટાફટ ચડી ગયો.

‘આનંદ... ક્યાં ગયો હતો, સાહેબ બોલાવે છે. ચાલ જલદી...’ ફરિયાદભર્યા સ્વરે બોલતી દુર્ગા આનંદનો હાથ પકડી ઓફિસની અંદર લઇ ગઇ.

‘મેં આઇ કમ ઇન સર...’ દુર્ગા બોલી અને ડી.એસ.પી. સાહેબે સંમતીસૂચક માથું હલાવ્યું. ‘બેસો’ આનંદ અને દુર્ગા સામે જોઇ તેઓ બોલ્યા. આનંદ અને દુર્ગા ઓફિસમાં સાહેબની ટેબલની સામે મૂકેલ ખુરશી પર બેસી ગયા, બાજુની ખુરશી પર એક જુવાન પહેલાંથી ત્યાં બેઠો હતો, આનંદ અને દુર્ગાએ એક વખત તેના તરફ નજર કરી.

આકર્ષક દેહ ધરાવતો તે નવયુવાન કોઇ મોટા ઓફિસર જેવો લાગી રહ્યો હતો, તે સાહેબની સામે ચેર પર પગ લાંબા કરી બેફિકરાઇ સાથે બેઠો હતો.

‘બોલો, મી.આનંદ... શા માટે આવ્યો છો...? ડી.એસ.પી. સાહેબ એકદમ શાંત અવાજે બોલ્યા.

આનંદ ટટ્ટાર થયો પછી કાંઇક બોલતાં બોલતાં તે અચકાઇ ગયો અને ત્યાં બેઠેલા નવયુવાન તરફ જોવા લાગ્યો.

ત્યાં બેઠેલા યુવાનને લીધે આનંદ વાત કરતા અચકાય છે. સાહેબ સમજી ગયા કે તરત બોલ્યા, ‘મિ. આનંદ... તમારે જે કહેવું હોય તે વિના સંકોચે કહો. આ ભારતની ઉચ્ચ જાસૂસની સંસ્થા ‘રો ના મોટા અધિકારી છે, તમે નિસંકોચની તેની સામે વાત કરી શકો છો.’

‘નમસ્તે સર...’ આનંદ તથા દુર્ગાએ તે યુવાન સામે આદર સહિત હાથ જોડ્યા.’

‘સર... હું અને દુર્ગા તમને એક એવી બાતમી આપવા આવ્યા છીએ કે કદાચ બહુ મહત્વપૂર્ણ હોય અથવા તો કોઇ મતલબ વગરની પણ હોય, પણ સર... તમારી ઓફિસે આવ્યા પછી તે બાતમી એકદમ મહત્ત્વની બની ગઇ.’ આનંદ બોલ્યો.

તે યુવાન એક ઝાટકા સાથે ખુરશીમાં ટટ્ટાર થયો.

‘તમારી વાત હું સમજ્યો નહીં. તમે મારી ઓફિસે આવ્યા પછી તે વાત એકદમ મહત્ત્વની થઇ ગઇ ?’ શાંત અવાજે ડી.એસ.પી. સાહેબ બોલ્યા.

‘સર... પહેલાં આપ અમારી પૂરી વાત સાંભળી લ્યો પછી તમને બધું સમજાઇ જશે.’ વિવેકપૂર્વક આનંદે કહ્યું.

‘ઠીક છે આનંદ... પહેલાં તમે તમારી પૂરી વાત કહો પછી આપણે તે બાબતે ચર્ચા કરીશું.’

‘સર... જે દિવસે દંગા શરૂ થયા ત્યારે હું વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસેથી ઘરે જઇ રહ્યો હતો. ત્યારે રસ્તામાં યાસ્મીન દોડતી ભાગી રહી હતી અને કેટલાય લોકો તેને મારી નાખવા તેની પાછળ પડ્યા હતા. માંડ-માંડ યાસ્મીનને તે લોકોના પંજામાંથી છોડાવી હું તેને મારા ઘરે લઇ આવ્યો. ત્યારબાદ બે દિવસ પછી યાસ્મીનને તેમના સંબંધી રહીમચાચાને ઘરે હું મૂકવા માટે ગયો ત્યારે રહીમચાચા ઘરે મારી મુલાકાત દુર્ગા સાથે થઇ. દુર્ગાને રહીમચાચાએ બચાવી હતી, પણ દંગા-ફસાદીઓએ દુર્ગાના માતા-પિતાને તેમના જ ઘરમાં જીવતા સળગાવી મૂક્યા હતા. રહીમચાચાએ દુર્ગાની જવાબદારી મને સોંપી. દુર્ગાનું તેમનાં માતા-પિતા સિવાય કોઇ સંબંધી ન હતું, મેં દુર્ગાની જવાબદારી સહર્ષ સ્વીકારી અને દુર્ગાને મારા ઘરે લઇ આવ્યો. અત્યારે પણ દુર્ગા મારા ઘરે રહે છે. થોડા દિવસો પછી હું યાસ્મીનની પૃચ્છા કરવા રહીમચાચાના ઘરે ગયો ત્યારે જાણવા મળ્યું કે યાસ્મીન તો મુસ્લિમ બેઘર બનેલ ઘાયલ થયેલ, અનાથ થયેલ લોકો માટે જે કેમ્પ શરૂ કરેલ છે ત્યાં સેવા આપવા ગઇ છે. તેથી હું યાસ્મીનને મળવા કેમ્પ શરૂ કરેલ છે ત્યાં સેવા આપવા ગઇ છે. તેથી હું યાસ્મીનને મળવા કેમ્પમાં ગયો.

‘સર...’ એક ઊંડો શ્વાસ લઇ વળતી પળે આનંદ આગળ બોલ્યો.. ‘યાસ્મીનને મારા ઘરે લઇ જવાની હતી, મેં યાસ્મીનને બેન માની છે. મારી માતા તેને પોતાની પુત્રી જેવી ગણે છે. મારી મમ્મીએ કહ્યું હતું કે યાસ્મીનને થોડા દિવસ આપણા ઘરે લઇ આવજે, કેમ કે યાસ્મીનનાં માતા-પિતા, બહેન પણ દંગા-ફસાદીઓએ મારી નાખ્યા હતા. યાસ્મીને મને કહ્યું, હું થોડા દિવસ કેમ્પમાં સેવા આપના માગું છું. તેથી હું થોડા દિવસો પછી ઘરે આવીશ, સર... જતાં-જતાં મેં કેમ્પમાં સહાય માટે રૂં. પંદરસો લખાવ્યા મેં યાસ્મીનને હજાર રૂપિયાવાળી બે નોટો આપી યાસ્મીને મને પાંચ સોની એકદમ નવી-નકોર નોટ પાછી આપી.

હવે સર...દુર્ગા એમ.બી.બી.એસ. પાસ કરી ર્ડોક્ટર બની ગઇ છે. તેથી તેને પણ ઇચ્છા થઇ હિન્દુ લોકોએ શરૂ કરેલ કેમ્પમાં સેવા આપવાની. મારી મમ્મીએ તેને સહર્ષ રજા આપી. સર હું જ્યાં વકીલ તરીકે કામ કરું છું, તે વકીલ દેવેન્દ્ર ભટ્ટના ખાસ મિત્ર અખિલેશ ગુપ્તા સાહેબને મે વાત કરી. તેઓએ તરત દુર્ગાને સેવા માટે કેમ્પમાં બોલાવી લીધી. તેઓ તે કેમ્પના અગ્રગણ્ય છે. સર દુર્ગાએ કેમ્પમાં સેવા આપવાનું શરૂ કર્યું. ગઇકાલ ગુપ્તા સાહેબે દુર્ગાને આર્થિક સહાય આપવા માટે વીસ હજારનું પેકેટ આપ્યું, મેં અને દુર્ગાએ ઘણી ના કરી પણ ગુપ્તા સાહેબનું દિલ દુભાતું હતું એટલે મેં દુર્ગાને તે લઇ લેવા કહ્યું અને ગરીબની સેવામાં તે વાપરી નાખીશું તેવું સમજાવ્યું, ક્ષણ માટે આનંદ અટકાયો.

ત્યાં બેઠેલ તે યુવાને પૂરી તલ્લીનતાથી એકચિત્તે આનંદની વાત સાંભળી રહ્યો હતો.

દુર્ગાને મળેલ રૂપિયા જે એકદમ નવી નકોર નોટો હતી અને યાસ્મીને મને પરત આપેલ પાંચસોની નોટ પણ એકદમ નવી નકોર હતી, સર... કોઇ અજ્ઞાત પ્રેરણાથી મેં પાકીટમાં પડેલ પાંચસોની નોટ બહાર કાઢી દુર્ગાને મળેલ પાંચસોની નોટો સાથે સરખાવી અને સર આશ્ચર્યની વાત છે, યાસ્મીને આપેલ પાંચસોની નોટ અને દુર્ગાને મળેલ પાંચસોની નોટો એક જ સિરિયલ નંબરની અને એક જ ગવર્નરની સહીવાળી નવી નકોર નોટો છે.’

રિલેક્સ થઇને ખુરશી પર બેઠેલા તે યુવાન આનંદની વાત સાંભળી એકદમ ચમક્યો અને તેનું શરીર ખુરશી પર એકદમ ટટ્ટાર થયું. ડી.એસ.પી. સાહેબ પણ એકાએક ચોંકી ઊઠ્યાં.

‘આ... આવું કેમ બને મી. આનંદ?’ તેઓ બોલ્યા. તેના ચહેરા પર અસજંસ સાથે આશ્ચર્યના ભાવ ફેલાયેલા હતા.

‘બન્યું છે સર... અને આ વાત મેં અમારા વકીલ સાહેબને કહી તો તેઓને પણ આશ્ચર્ય થયું અને તેઓએ તુરંત ગુપ્તા સાહેબને પોતાની ઓફિસમાં બોલાવી નોટો બતાવી વિગતની જાણ કરી.

‘ગુપ્તાસાહેબે શું કહ્યું...? તેઓનું મંતવ્ય શું કહ્યું ?’ ‘રો’ ના તે અધિકારી બોલ્યા.

‘સર... ગુપ્તા સાહેબે મને કડક શબ્દોમાં આ ઘટનાને ભૂલી જવાનું કહ્યું. મેં તેઓને કહ્યું કે આપણે કમ સે કમ પોલીસમાં આ ઘટના વિશે જાણ કરવી જોઇએ. સર તો તેમણે મને ક્હયું કે આનંદ... આ વાતને અહીં જ સમાપ્ત કરી દે, ખોટા-વિવાદમાં ફસાઇએ તો તને પસ્તાવું પડશે. સર... તેના અવાજમાં ધમકીનો સૂર હતો અને તેઓ તો દુર્ગાને આપેલ રૂપિયા લઇ લેવા ઇચ્છતા હતા, પણ દુર્ગાએ ચતુરાઇ વાપરી તે રૂપિયા પોતે પાસે રાખી લીધા.

ડી.એસ.પી. સાહેબ અને ‘રો’નો તે અધિકારી એકચિત્તે આનંદની વાત સાંભળી રહ્યા હતા. તેઓના ચહેરા પર અનેક ભાવ છવાતા જતા અને ફરી બદલાતા જતા હતા.

‘સર... હું તમને મળવા આવ્યો, હજુ વેઇટિંગ રૂમમાં બેઠો હતો કે તુંરત મારા મોબાઇલ પર રિંગ આવી અને મને ફોન પર ધમકી અપાઇ છે કે તારો અને દુર્ગાનો જીવ વ્હાલો હોય તો તમે ડી.એસ.પી. ને વાત કર્યા વગર પાછા ચાલ્યા જાવ.’

‘માય ગોડ... એનો મતલબ એ થયો કે તમારી પાસે રહેલી નોટોમાં કોઇ મોટું રહસ્ય છુપાયેલુ છું.’ ‘રો’ નો તે અધિકારી બોલ્યો.

‘સર... લ્યો આ નોટોનું બંડલ જે દુર્ગાને ગુપ્તા સાહેબે આપ્યું હતું અને આ પાંચસોની નોટ જે મને યાસ્મીન પાસેથી કેમ્પમાં મળી હતી.’ આનંદે નોટોનું પેકેટ ટેબલ પર મૂક્યું અને પાકીટમાંથી પાંચસોની નોટ બહાર કાઢી ડી.એસ.પી. સાહેબને આપી.

‘મી. આનંદ... તમે એક મોટા મિશનનો પર્દાફાશ કરવાનું કાર્ય કર્યું છે. તમારા તથા દુર્ગા પર ખતરો મંડરાયેલો છે. ખ્લાય રાખજો... સાવચેત રહેજો અને જરૂર પડે તો મારો નંબર નોટ કરી લ્યો અને મને રિંગ મારજો. તરત હું તમારી મદદ માટે પહોંચીશ આવીશ.’ ‘રો’ નો તે અધિકારી ગંભીરતા પૂર્વક બોલ્યો.

આનંદે નંબર પોતના મોબાઇલમાં સેવ કર્યા પછી તે અધિકારી સામે જોયું, ‘સર... આપનું નામ ?’

‘આનંદ... ‘રો’ એક એવી જાસૂસ સંસ્થા છે કે તેમની એજન્ટોમાં નામ નથી હોતાં તેઓ ફક્ત તેના નંબર પરથી ઓળખાય છે, પણ તમે જાનનું જોખમ વ્હોરી લઇ દેશની એકતા અને અખંડતા જોડવા મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેથી તેમને હું મારુ નામ કહું છું.’ કહેતા તે મુશ્કુરાયો પછી બોલ્યો, ‘મારું નામ કદમ છે, કદમ ‘રો’ નો એજન્ટ નં. 002.’

***