મારો શું વાંક ?
પ્રકરણ - 5
તળાવની પાળ નીચે પાનનાં ગલ્લાં આગળ પાંચ-છ નવ યુવાનોનું ટોળું ઊભું હતું. બધા મળીને ઠઠ્ઠા-મશ્કરીઓ કરી રહ્યા હતા. આ બધા યુવાનોમાં રહેમતનો ઇરફાન પણ હતો... જે બધાંથી અલગ તરી આવતો હતો.
સત્તર વરસનો ઇરફાન બારમું ધોરણ પાસ કરીને કોલેજનાં પહેલા વરસમાં બાજુનાં શહેરમાં અભ્યાસ કરતો હતો. બ્લૂ કલરનું જીન્સ અને ઉપર લાલ કલરનું અડધી બાંય વાળું ટીશર્ટ, પાંચ ફૂટ છ ઇંચની ઊંચાઈ, મધ્યમ બાંધાનું ખડતલ શરીર, સહેજ ભૂરાશ પડતાં આડી માંગ સાથે ઓળેલાં વાળ, નાની પણ ચમકદાર બોલતી આંખો, ગોરો રંગ પણ તડકામાં રહેવાને કારણે ચામડી ઉપર આવી ગયેલી લાલાશ... મિત્રો સાથે હાથ ઊંચા કરીને વાતો કરતો ત્યારે તેની અડધી બાંયનાં ટીશર્ટમાંથી તેનાં માંસલ બાવડાઓ અને હાથની લીલી નસો સ્પષ્ટ તરી આવતી હતી.
હજી તો માંડ થોડાક સમય પહેલાં જ જેના મૂછોનાં દોરા ફૂટયા છે અને જે હજી પૂરાં અઢાર વરસનોય નથી થયો તે ઇરફાનનાં થોડાજ સમયમાં નિકાહ થવાના છે.
ત્યાં તો થોડેક દૂરથી ઇરફાન કાકા! ઈરફાન કાકા! ની મરિયમ બૂમો પાડી રહી હતી. ઈરફાન કાકા.... જલ્દી હાલો... અમ્મા બોલાવે છે. આપણે કાકી લેવા જાવાની છે. ॥એટલું બોલીને મરિયમ અને કંચન પાછી ઘર બાજુ દોડવા માંડી.
મરિયમની વાત સાંભળીને ઇરફાનનાં ભાઈબંધો મજાક કરવા લાગ્યા ને કહેવા લાગ્યા કે.... હવે થોડાક ટાઈમમાં ઈરફાન બલીનો બકરો બનવા જઈ રહ્યો છે. હવે તો ભાભી આવી જાવાના છે તો ઇરફાનની આપણી હારે ભાઈબંધી ઓછી થઈ જાવાની.
ભાઈબંધોની વાત સાંભળીને ઈરફાન નીચે રહેલા નાનાં પથરાને જોરથી લાત મારે છે અને થોડી વાર શૂન્યમન્સ્ક થઈ જાય છે અને પછી બોલી ઊઠે છે કે... શું ખાલી ખોટાં બકવાસ કરો છો? તમે લોકો બોલો છો એવું કાઇ નથી થવાનું. એટલું કહેતાં ઈરફાન પોતાનાં ઘર તરફ જવા નીકળી પડે છે.
ઘર તરફ ચાલતાં-ચાલતાં ઇરફાન રહેમત વિશે વિચારવા લાગે છે કે રહેમતને મોટી થયા પછી એકેયવાર જોઈ જ નથી. અત્યારે તે કેવી લાગતી હશે? કારણકે રહેમત અને મને એકબીજાનાં ઘરે જાવાની મનાઈ હતી. કારણકે અમારાં બેયનાં લગન થઈ ચૂક્યા હતા. એકવાર રહેમતને કોઈ સંબંધીને ત્યાં લગનમાં દૂરથી ફક્ત પાછળથી જોઈ હતી. તેને માથાં ઉપર ઓઢણું ઓઢેલું હતું... ફક્ત તેનાં ગોરા બંગળી પહેરેલા હાથ જોયા હતા.
ઈરફાન નાનપણનો કિસ્સો યાદ કરવા લાગ્યો. ભાઈનાં લગનમાં એની થાળીમાંથી લાડુ લીધો હતો તે ગાલે લાફો ચોડી દીધો તો.... ત્યારે તો નાની હતી પણ અત્યારે તો મોટી થઈ ગઈ છે. હવે તો એ મારો ઢીબેળીયો કાઢી નાખશે એ વિચાર માત્રથી ઈરફાન મનોમન હસી પડ્યો.
ઘરે પહોચતાંજ અમ્મા-અબ્બાએ એમનો હુકમ સંભળાવી દીધો કે આજ થી પંદર દા’ડા પછી રજજબ મહિનાનાં પચીસમાં ચાંદે તારા અને રહેમતનાં નિકાહ નક્કી કરી દીધા છે. જિન્નત બોલી... તારા અબ્બાએ જાવેદ પાંહે ટપાલ લખાવી દીધી છે. કાલે હવારે જ પોસ્ટઓફિસે મોકલી દઇશું... આ સાંભળીને જાવેદનાં ત્રણેય છોકરાઓ કૂદતા તાળીઓ પાડતા ઇરફાનને વળગી પડ્યા. એ એ એ...... એ એ એ ....... કાકા! આપણાં ઘરે કાકી આવશે. અમે તણેય એમની હારે ખૂબ રમશું.
ત્યાં જ અમ્મા વચ્ચે બોલ્યા કે નિકાહને હવે થોડા દા’ડા જ બાકી છે. વધારે કાઇં કરવાનું તો છે જ નહીં.... ખાલી સાદાઇથી નિકાહ પઢાવવાના છે. ઇરફાન તને ગમે એવો તારો નિકાહનો જોડો બનાવડાવી લેજે... અને શબાના વહુ... રહેમત સાટુ છાબમાં રાખવાના સાત જોડાં ખરીદવાની જવાબદારી તારા ઉપર... બીજું બધુંય નાનું-મોટું કામ તારા અબ્બા અને જાવેદ સંભાળી લેશે.
ભલે અમ્મા! તમને બધાંયને જેવુ ઠીક લાગે. એટલું કહીને ઈરફાન અંદર ઓરડામાં જતો રહ્યો. જેમનાં બાળપણમાં જ લગન થઈ ચૂક્યા છે અને એ બંને જણાં એકબીજાને લઈને અસમંજસતામાં છે.. તે ઇરફાન અને રહેમત પંદર દા’ડામાં નિકાહનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
આખરે રહેમત અને ઇરફાનનાં નિકાહનો દિવસ આવી ગયો. ઈરફાનનાં બે ભાઈબંધ અને જિન્નતનો પરિવાર.... બસ એટલાં લોકો જ રાશીદને ત્યાં હાજર હતા. જ્યારે રાશીદ તરફથી રાશીદનો પરિવાર અને રહેમતની બેનપણી હેતલ અને તેનો પરિવાર બસ એટલા જ.
નિકાહનો જોડો પહેરીને અને ગુલાબનાં ફૂલોનો સહેરો બાંધીને ઈરફાન નિકાહ પઢવા રહેમતનાં દરવાજે પહોંચી ગયો.
જરદોસી વર્કવાળા લાલજોડામાં સજ્જ , કોણી સુધીની બેય હાથોમાં લાગેલી મહેંદી, ચાલતાં ઝાંઝરથી છમછમ રણકતા મહેંદીવાળા પગ, મારકણી આંખોમાં નાખેલું અણિયાળું કાજળ, લાલીથી રંગાયેલા ગુલાબની પાંખડી જેવા હોઠ, ખન-ખન થતી પહેરેલી ભરચક બંગળીઓ. સોળે શણગાર સજેલી રહેમત રૂપ-રૂપનો અંબાર લાગતી હતી.
રહેમતની પાસે બેઠેલી હેતલ વાર-વારે તેને કહેતી કે આજ તો તારા ઇરફાનની નજર તારા ઉપરથી હટવાની જ નથી.... હેતલની આ વાતથી રહેમત વારે-વારે તેને ઠોંસા મારી રહી હતી. દૂર ઊભી રહીને આસિફા આ બધું જોઈ રહી હતી. ઘડીભર તો એને વિશ્વાસ નહોતો થાતો કે તેની ઢીંગલી આટલી મોટી થઈ ગઈ છે અને તે દુલ્હન બની ગઈ છે. આસિફા રહેમત પાસે આવી અને ધીમેકથી બોલી... બેટા! હવે આવી બધી મશ્કરીઓ છોડી દે. તારા નિકાહ થવા જઈ રહ્યા છે, તું મોટી થઈ ગઈ છે. તું સાસરે જઈ રહી છે ત્યાં હવે આવું બધું નહીં ચાલે બેટા... કહેતા જ આસિફા ચોધાર આંસુએ રડી પડી.
***