રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 16
ગેબીનાથ પોતાની દૈવી શક્તિથી જાણી લેશે કે હિમાલ દેશનો રાજા હિમાન સૂર્યદંડ ચોરી ગયો હોય છે.. હિમાન નાં આ કરવાં પાછળનું કારણ જાણીને સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ દેશની સરહદમાં પગ મૂકે ત્યાંતો રાજા હિમાનનો સેનાપતિ વારંગા એ લોકોની ધરપકડ કરી હિમાન સમક્ષ લાવે છે. રુદ્ર દ્વારા પોતાનો પરિચય અપાતાં જ વારંગાની બદલ હિમાન રુદ્રની માફી માંગે છે.. રુદ્ર દ્વારા સૂર્યદંડ ની ચોરીનું કારણ પૂછતાં હિમાન એ વિષયમાં જણાવવાનું શરૂ કરે છે.
"રાજકુમાર રુદ્ર.. ચોરી કરવી એ અપરાધ છે પણ મારે એક રાજા હોવાં છતાં આ જઘન્ય અપરાધ કેમ કરવો પડ્યો એ જાણવું હોય તો આપ મને અનુસરી મારી પાછળ-પાછળ આવો.. "પોતાનાં આસન પરથી ઉભાં થઈ પગથિયાં ઉતરી રુદ્ર ની સમીપ આવી ઉભાં રહી રાજા હિમાને કહ્યું.
રાજા હિમાનની વાત નાં પ્રતિભાવ રૂપે રુદ્ર એ હકારમાં પોતાની ગરદન હલાવી એમને આગળ થવાંની અનુમતિ આપી એટલે હિમાન મહેલની ડાબી તરફ નાં રસ્તે આગળ વધ્યો.. સેનાપતિ વારંગા, રુદ્ર, શતાયુ અને ઈશાન પણ રાજા હિમાનને અનુસરતાં એ રસ્તે ચાલી નીકળ્યાં.
મહેલનો સભાખંડ વટાવી મહેલની દક્ષિણ દિશા તરફ જતાં રસ્તે બસો ડગલાં જેટલું અંતર કાપ્યા બાદ હિમાને જમણી તરફ ચાલવા માંડ્યું.. બાકીનાં બધાં પણ રાજા હિમાન ની પાછળ-પાછળ અગ્રેસર થયાં.
ત્યાં એક વિશાળ કક્ષ હતો.. જેની અંદર હિમાને પ્રવેશ કર્યો અને રુદ્ર અને એનાં સાથીદારો ને પણ એ કક્ષમાં પ્રવેશ કરવાં જણાવ્યું.. હિમાનની વાત માની રુદ્ર અને એનાં સાથી મિત્રો શતાયુ અને ઈશાન પણ એ કક્ષની અંદર પ્રવેશ્યાં. આ કક્ષની અંદર લગભગ પચાસેક પલંગ હતાં જેની ઉપર શરીરમાં અશક્ત અને માયકાંગલા બાળકો સુતા હતાં.. એમની દશા એટલી દયનિય હતી કે એમનાં શરીર ની જગ્યાએ ખાલી હાડપિંજર વધ્યું હોય એવું લાગતું હતું.
"આ છે કારણ મારાં સૂર્યદંડ ની ચોરી કરવાં પાછળનું.. "ત્યાં સુતેલા બાળકો તરફ આંગળી કરી રાજા હિમાને કહ્યું.
"આ બાળકોની આવી દશા.. આખરે આ માસુમ બાળકોને થયું છે શું..? "રુદ્ર એ એ બાળકોની ગંભીર હાલત જોઈ દુઃખ અને ચિંતાનાં મિશ્રિત ભાવ સાથે પુછ્યું.
"રાજકુમાર.. આ બધી શરૂઆત હકીકતમાં આજથી ઘણાં વર્ષો પહેલાં નિર્મિત થઈ હતી જ્યારે યક્ષરાજ બકાર નો ભગવાન વિષ્ણુએ વધ કર્યો.. "આમ બોલતાં જ હિમાને જાણે પોતાની નજરો સામે કોઈ જીવંત દ્રશ્ય ચાલી રહ્યું હોય એમ રુદ્ર ને બધું જણાવવાનું શરૂ કર્યું.
"યક્ષરાજ બકાર નો વધ થતાં એમનાં શરીર નાં અંગો પાતાળલોકમાં અહીં-તહીં પડ્યાં.. અને એમની અપાર શક્તિનાં લીધે જ્યાં જ્યાં એ અંગો પડ્યાં એ વિસ્તાર ની આબોહવામાં પણ જે-તે અંગો પ્રમાણે ની શક્તિ પ્રસરી ગઈ.. કોઈ વિષધારી બન્યું, કોઈ અપાર બળશાળી, તો કોઈ ચમત્કારી શક્તિઓનું માલિક. આ સાથે જ સુખ શાંતિ થી રહેતાં નિમલોકો ની વચ્ચે ભાગ પડી ગયાં અને પોતપોતાની શક્તિ અને જનસંખ્યા મુજબ બધાંએ પોતપોતાનો વિસ્તાર નિશ્ચિત કરી લીધો.. "
"અમે પણ એ સમય સુધી અન્ય નિમલોકોની માફક સામાન્ય શરીર રચના ધરાવતાં હતાં.. અમારાં કમનસીબે અમે કારા પર્વતની તળેટી ની નજીક રહેતાં હોવાથી યક્ષરાજ બકાર ની કોઈ શક્તિ અમને પ્રાપ્ત ના થઈ.. અને ધીરે-ધીરે અન્ય નિમલોકો અમને તુચ્છ ગણવા લાગ્યાં. પોતાની સર્વોપરિતા અને શક્તિ નું પ્રદર્શન કરવાં વગર કોઈ કારણે એ લોકો અમારી ઉપર હુમલો કરતાં અને અમારાં લોકોનો જીવ લેતાં. "
"આ બધું અસહ્ય હતું પણ આની ફરિયાદ કોની જોડે કરવી..? આખરે મારાં પિતાજી રાજા હિમભદ્ર અહીં વધેલાં લોકોને લઈને કારા પર્વતની પાછળ આવી ગયાં.. શરૂવાતમાં તો અહીં વધુ તકલીફ ના પડી કેમકે પરમાત્માની સંરચના મુજબ સૂર્યપ્રકાશ છેક કારા પર્વતની પાછળ પણ સારી એવી માત્રા માં આવતો હતો.. પણ મનુષ્યોની લાલચ અને ક્રુરતા નાં લીધે પાતાળવાસીઓ જોડેથી પાયાની જરૂરિયાત સમો સૂર્યપ્રકાશ છીનવાઈ ગયો. "
"ગુરુ ગેબીનાથે સૂર્યદંડ ની સ્થાપના કરી અન્ય નિમલોકો ની સમસ્યા નું તો નિવારણ કરી દીધું પણ સૂર્યદંડ નો પ્રકાશ કારા પર્વતને વટાવીને આવવો શક્ય નહોતો.. બસ આ સાથે જ હિમાલ લોકોની જીંદગીમાં પણ એક એવું અંધારું સ્થાપિત થઈ ગયું જેનો કોઈ ઉકેલ શક્ય નહોતો. આમ છતાં આટઆટલું વેઠીને પણ અમે જીવતાં શીખી લીધું. અકુદરતી પ્રકાશનો સહારો લીધો અને ભોજનમાં જે કંઈપણ મળતું એનો ઉપયોગ વધુ યોગ્ય રીતે કરી જીવવાનું શરૂ કર્યું. "
"અસંખ્ય હાડમારી છતાં અહીં વસતાં લોકોએ હાર ના સ્વીકારી અને આટઆટલું સહન કરીને પણ જીવતાં શીખી લીધું.. પણ આજથી પંદર દિવસ પહેલાં કુદરતે એક એવી ક્રૂર મજાક કરી જેને અમારી બધી જ હિંમત ને પસ્ત કરી દીધી.. અને મારે સૂર્યદંડ ની ચોરી કરવાનું ગુનાહિત કૃત્ય કરવું પડ્યું. "
"બન્યું એવું કે પંદર દિવસ પહેલાં એક જોરદાર હિમ ચક્રવાત હિમાલ દેશ ની શાંતિ હણવા આવી ગયું.. એવું પ્રથમ વખત નહોતું કે અમે હિમ ચક્રવાત નો સામનો ના કર્યો હોય પણ આ વખતે કંઈક અલગ જ હતું.. આ હિમ ચક્રવાત એટલું શક્તિશાળી હતું કે એનાં પસાર થઈ ગયાં પછી પણ અતિશય ઠંડક હિમાલ દેશમાં દસેક દિવસો સુધી પ્રસરાયેલી રહી.. આ ઠંડક એટલી હદે વધુ હતી કે આ માસુમ બાળકો એને સહન ના કરી શક્યાં અને શિત તાવમાં પટકાઈને બેહોશ થઈ ગયાં. "
"સતત અઠવાડિયા સુધી ભોજન ના લઈ શકવાનાં લીધે અને કોઈ ઔષધિ ના મળવાંનાં લીધે આટલી મોટી સંખ્યામાં આ નિર્દોષ બાળકો છેક મૃત્યુશૈયા સુધી પહોંચી ગયાં.. મારાંથી આ બધું સહનશક્તિ બહારનું થઈ ગયું અને આખરે મેં આ બાળકો અને એમનાં પરિવાર નાં હિતમાં જઈને સૂર્યદંડ ની ચોરી કરવાનો નિર્ણય લીધો.. આજે આ બાળકો થોડાં ઘણાં હોશમાં આવ્યાં એનું કારણ છે સૂર્યદંડ ની ગરમી અને પ્રકાશ.. "
"હજુપણ તમને લાગતું હોય કે સૂર્યદંડ ની ચોરી કરી મેં કોઈ ગુનો કર્યો છે તો તમે મને જે સજા આપો એ હું સ્વીકારવા તૈયાર છું.. "લાગણીસભર સ્વરે રુદ્ર ની આગળ હાથ જોડી રાજા હિમાને કહ્યું.
રાજા હિમાનની વાત ધ્યાનથી સાંભળી રહેલાં રુદ્ર, શતાયુ અને ઈશાન તો હિમાલ લોકો જે તકલીફો વેઠીને જીવી રહ્યાં હતાં એ જાણીને અવાચક બની ગયાં.. કુદરત ને પડકારી જીવન જીવતાં હિમાલ લોકો ની એમને દયા તો આવી પણ સાથે સાથે એમનાં જુસ્સા ને જોઈ ગર્વની લાગણી પણ થઈ. રુદ્ર એ રાજા હિમાલ નાં બંને હાથ ફરતે પોતાનાં હાથ મુકીને કહ્યું.
"રાજન.. તમે જે કંઈપણ કર્યું છે એ એક રાજા તરીકે એટલું જ યોગ્ય છે જેટલું એક માં પોતાનાં બાળક નાં રક્ષણ માટે કરે.. મને તો તમારાં અને તમારાં રાજ્યની પ્રજા ઉપર આ સાંભળી ગર્વ થયો કે પોતાની ઉપર જે કંઈપણ વીત્યું છે એની દલીલમાં ઉતર્યા વગર જીવન જીવવાનો તમે એક નવો માર્ગ શોધી લીધો.. "
"આ બાળકો નો ઉપચાર ખાલી સૂર્યદંડથી શક્ય નથી કેમકે એમનાં શરીર નાં આંતરિક ભાગો અને પાચનશક્તિ પણ અત્યારે નબળી પડી ગઈ હશે.. મારી જોડે ગુરુ ગેબીનાથે તૈયાર કરેલી એક એવી ઔષધિ છે જેનો ઉપયોગ કરી આપ આ બાળકોને ઘણાં જલ્દી બેઠાં કરી શકો છો.. "આટલું કહી રુદ્ર એ પોતાનાં પહેરવેશમાં છુપાવેલી એક ચામડાની બનેલી પોટલી બહાર નીકાળી રાજા હિમાનનાં હાથમાં મુકી.
"આ ઔષધિનું શું કરવાનું છે રાજકુમાર રુદ્ર..? "રુદ્ર નાં જોડેથી ઔષધિ ભરેલી ચમડાની પોટલી લેતાં રાજા હિમાને કહ્યું.
"આ ઔષધિ ને દૂધ અને મધ સાથે મિશ્ર કરી શિતતાવમાં પટકાયેલાં બાળકોને બે ચમચી પીવડાવવી.. થોડી જ વારમાં આ બાળકો ની જઠરાગ્નિ પહેલાંની માફક કામ કરતી થઈ જશે અને આ બાળકો પહેલાંની જેમ ભોજન પણ લઈ શકશે.. "રાજા હિમાન નાં સવાલ નો જવાબ આપતાં રુદ્ર બોલ્યો.
"ધન્યવાદ રાજકુમાર રુદ્ર.. "રુદ્ર ની સામે શીશ ઝુકાવી રાજા હિમાને કહ્યું.
"એમાં ધન્યવાદ ની જરૂર નથી કેમકે મેં જે કર્યું એ મારું કર્તવ્ય છે. "વિનમ્રતા સાથે રુદ્ર બોલ્યો.
"તો રુદ્ર પછી આપણે સૂર્યદંડ ને સાથે લઈને નીકળીએ.. કેમકે જો આપણે કાલે સવારે માં ભૈરવીનાં મંદિરે નહીં પહોંચીએ તો તારા પિતાજી અને ગુરુ ગેબીનાથ નાહકની ચિંતા કરશે.. "શતાયુ એ રુદ્ર ની નજીક આવીને ધીરેથી એનાં કાનમાં કહ્યું.
શતાયુ ની વાત રાજા હિમાન નાં કાને પણ પડી એટલે રુદ્ર શતાયુ ની વાતનો પ્રતિભાવ આપે એ પહેલાં રાજા હિમાન બોલ્યાં.
"આપ સૂર્યદંડ અવશ્ય લઈ જઈ શકો છો.. કેમકે આખરે તો એ તમારી અમાનત છે.. "
"રાજન, આ સૂર્યદંડ ખાલી અમારી જ નહીં પણ તમારી પણ અમાનત છે.. હું અત્યારે સૂર્યદંડ મારી સાથે લઈને તો જાઉં છું પણ હવેથી આ સૂર્યદંડ નો પ્રકાશ આપનાં વિસ્તાર નાં લોકો સુધી પહોંચે એની પણ વ્યવસ્થા કરી દઈશ.. "રુદ્ર એ કહ્યું.
"એ કઈ રીતે..? "રુદ્ર ની વાત સાંભળતાં જ ઈશાને પૂછ્યું.
"આપણે આ સૂર્યદંડ ની સ્થાપના કારા પર્વતની સૌથી ઊંચી ટોચ ઉપર કરતાં જઈશું.. જેથી ભવિષ્યમાં સૂર્યદંડનો પ્રકાશ આપણાં સુધી તો પહોંચે પણ સાથેસાથે અહીનાં હિમાલ લોકોને પણ એનો લાભ મળે.. આખરે એ લોકો પણ આપણાંમાંથી જ એક છે.. "રુદ્ર એ ઈશાન ની તરફ જોઈને કહ્યું.
રુદ્રનાં આમ બોલતાં જ રાજા હિમાન અને સેનાપતિ વારંગા નો ચહેરો હરખાઈ ગયો.. શતાયુ અને ઈશાન પણ રુદ્ર ની વાત સાથે સહમત થઈ એને ગળે લગાવીને બોલ્યાં.
"વાહ મિત્ર, ખરેખર તને રાજા તરીકે મેળવીને નિમલોકો નાં ભાગ્ય ખુલી જશે.. "
"રાજકુમાર રુદ્ર, તમે અને તમારાં મિત્રો આ સૂર્યદંડ ને લઈને અહીંથી પ્રસ્થાન કરો એ પહેલાં આજનું રાત્રી-ભોજ અહીં જ લઈને અમારી મહેમાનગતિ નો સ્વીકાર કરો એવી અરજ છે.. "રાજા હિમાને કહ્યું.
હિમાનની વાત સાંભળી રુદ્ર એ પોતાનાં સાથી મિત્રો શતાયુ અને ઈશાન ની તરફ જોઈ એમની ઈશારામાં જ સહમતી મેળવી અને પછી રાજા હિમાન ભણી જોઈને કહ્યું.
"અવશ્ય રાજન.. હું અને મારાં મિત્રો આજનું રાત્રિભોજ આપની સાથે લઈને આપનું આતિથ્ય સ્વીકાર કરીએ છીએ.. "
આ સાથે જ રાજા હિમાને પોતાનાં રસોઈયા ને રાત્રી ભોજ નો પ્રબંધ કરવાનું અને શિતતાવમાં પટકાયેલાં બાળકો માટે રુદ્ર એ આપેલી ઔષધિમાંથી ઓસડ બનાવવાનું કહ્યું.
રાજા હિમાન ની મહેમાનગતિ માણીને રુદ્ર સૂર્યદંડને પોતાની સાથે લઈને કારા પર્વત તરફ જવાં પોતાનાં અશ્વ મેઘદૂત પર સવાર થઈને ચાલી નીકળ્યો.. જતાં-જતાં રાજા હિમાને રુદ્રને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ જરૂર પડે ત્યારે પોતે જીવ ની ચિંતા કર્યાં વગર રુદ્રનો સાથ આપશે એવું વચન આપ્યું.
રુદ્ર એ પણ પોતાની કહેલી વાત મુજબ કારા પર્વતની ટોચ ઉપર જ સૂર્યદંડ ને સ્થાપિત કર્યો અને એકસાથે લાખો લોકોનાં પ્રશ્નોનું નિવારણ કરીને કારા પર્વતની બીજી તરફ એટલે કે પોતાનાં રાજ્યની તરફ આગળ વધ્યો.. શતાયુ અને ઈશાન પણ આ ભગીરથ કાર્યમાં પોતે રુદ્રની સાથે હોવાનાં લીધે ગર્વ અનુભવી રહ્યાં હતાં.
રુદ્ર ની પાછળ-પાછળ પોતાનાં અશ્વ પર બેસી આવી રહેલાં ઈશાન અને શતાયુ એ નહોતાં જાણતાં કે હિમાલ દેશમાં જે કંઈપણ રુદ્ર એ જોયું અને સાંભળ્યું હતું એનાં લીધે એનાં મનમાં એક નવાં વિચારે જન્મ લીધો હતો જે આગળ જતાં ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરવાનો હતો.. !!
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રુદ્ર નાં મનમાં કેવો વિચાર ઉદ્દભવ્યો હતો..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***