શિવમ પોતાના પપ્પાની ઓફિસે જઈ રહ્યો હોય છે. રસ્તામાં તેને કોઈ વ્યક્તિ મળે છે. તે બીજું કોઈ નહીં પણ વિધિ હોય છે. વિધિએ હજુ લગ્ન ન કરવાની વાત ઘરમાં જણાવી ન હોવાની વાતથી ખૂબ ગુસ્સે હોય છે.તેને લાગ્યું વિધિ સાથે વાત કરવાનો આ જ સાચો સમય છે. તે વિધિ પાસે વાત કરવા માટે જાય છે.
“વાત કરવી છે તારી સાથે ૫ મિનિટ.” શિવમ.
શિવમને આવેલો જોઈ વિધિ ખુશ થઈ જાય છે અને તે આલિંગન આપવા જાય છે પણ શિવમ ખસી જાય છે.
“ મે તને વાત કરવાની કહી પ્રેમ કરવાનો નહીં. કરવાનો હતો પ્રેમ ત્યારે કરી ન શકી હવે શા માટે દેખાવ કરે છે?” શિવમ.
“શિવમ મને થયું કે તું સામે ચાલીને વાત કરવા આવ્યો મારી પાસે તો કદાચ તે મને માફ કરી દીધી હશે.!! તને ખબર છે મારા પપ્પાએ તારા પપ્પા જોડે આપણાં લગ્નની વાત કરી.”વિધિએ ફરી શિવમની નજીક જતાં કહ્યું.
“ હા હું પણ તે માટે જ તારી સાથે વાત કરવા માટે આવ્યો છું.પહેલા તું આમ મારી નજીક આવવાનું બંધ કર અને હા બીજી વાત કે આપણી વચ્ચે પહેલા જ વાત થઈ ગઈ છે કે તું તારા ઘરે અને હું મારા ઘરે વાત કરી દઇશ કે આપણે એકબીજા સાથે લગ્ન કરવાના નથી. તો પણ તારા પપ્પાએ મારા પપ્પા જોડે આપણાં લગ્નની વાત કરી? તને ખબર છે મારા માટે પરિસ્થિતી સંભાળવી કેટલી આકરી થઈ ગઈ. એક તો પપ્પા લગ્ન માટે ઉતાવળ કરે છે. તેમને હમણાં મારા લગ્નની ઉતાવળ ન કરવા સમજાવવા એક મોટી વાત હતી. તેમાં તારા પરિવાર તરફથી લગ્નની વાત આવવાથી પરિસ્થિતી ઘણી વણસી ગઈ. હું તને માત્ર એટલુ જ કહેવા આવ્યો છું કે મહેરબાની કરીને તારા પરિવારને તું લગ્નવાળી વાત સમજાવી દે.મે મારા ઘરમાં આ વાત સમજાવી દીધી છે. હું મારા તરફથી એકદમ ચોક્કસ છું કે અને હું આ નિર્ણય પણ મારી મરજીથી જ લઉં છું.હવે આપણી વચ્ચે પહેલા જેવા કોઈ સંબંધ રહ્યા નથી.હા, વેદે જે તારી સાથે કર્યું તે વાતનું મને દુખ છે.મને ખ્યાલ છે કે કોઈ પોતાનું અચાનક દગો આપીને જાય ત્યારે કેવું થાય? માટે તારી સાથે માનવતાને ખાતર બધા સંબંધો નહીં તોડું. આપણી વચ્ચે એક સારી મિત્રતા ચોક્કસ રહેશે જ. અને તે પણ એટલા માટે જ કે તારા કહેવા મુજબ જ કે તું વેદની વાતમાં આવી ને મારી જોડે દગો કરવા ચાલી પણ તને હવે તારા કર્યાનો ઘણો અફસોસ છે.જો તને અફસોસ હોય તો હું એટલો પણ ખરાબ નથી કે હું તારી જોડે તારા જેવુ જ વર્તન કરું. આપણે એક સારા મિત્ર હોઈશું.તારે ભવિષ્યમાં જ્યારે કોઈ વાતથી તકલીફ થાય તો હું તારી બનતી મદદ કરીશ આ મારુ તને વચન છે.” શિવમ.
“પણ શિવમ લગ્ન કરવામાં તને વાંધો શું છે? હું હવે તેવું કોઈ કામ નહીં કરું કે જેથી તને કે તારા પરિવારને દુખ પહોચે.તું મને એક મોકો તો આપ.” વિધિ.
“ વિધિ આ મારો આખરી નિર્ણય છે. અને મારા જીવનમાં હવે કોઈ બીજું છે. હું તેને ખૂબ જ ચાહું છું.તે મારા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગઈ છે. તું મારા જીવનમાં હવે ક્યાય છો જ નહીં તો લગ્નની વાત તો ખૂબ દૂરની રહી.અને રહી વાત મોકો આપવાની તો મિત્રતા રાખવી તે પણ તો મારા તરફથી તને એક મોકો જ છે ને??” શિવમ.
શિવમના જીવનમાં હવે કોઈ બીજું આવી ગયું છે આ વાત સાંભળી વિધિ ખૂબ જ ભળકી ગઈ.
“ વાહ શિવમ, હું તને એક સારો છોકરો સમજતી હતી પણ તું તો કઈક અલગ જ નીકળ્યો. થોડા સમયમાં તારા જીવનમાં કોઈ આવી પણ ગયું અને તે તારા માટે એટલું જરૂરી બની ગયું? હવે હું સમજી તારા રાજકોટ જવા પાછળનું કારણ. તે છોકરી તો તારા જીવનમાં પહેલેથી જ હશે અને હવે લગ્ન્ન નથી કરવા માટે તું મારો ઉપયોગ કરે છે? તમારા બંનેની પ્રણયલીલા પણ ક્યારની શરૂ થઈ ગઈ હશે તેની મને શું ખબર? મારી વાત તો સામે આવી માટે તું મારા પર આરોપ લગાવે છે પણ તું ખુદ એક આરોપી છો.” વિધિ.
“ બસ ચૂપ વિધિ. બહુ વધારે બોલી ગઈ તું આજ. હવે મને વિશ્વાસ આવી ગયો કે મે તારી સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો તે સાચું જ કર્યું. અને રહી વાત મારા જીવનમાં આવેલી છોકરીની તો તે તો જાણતી પણ નથી કે હું તેને ચાહું છું.તે એવા સમયે મારા જીવનમાં આવી જ્યારે હું મારા જીવનથી જ હાથ ધોઈ બેઠો હતો. જો તે દિવસે તે મારા જીવનમાં ન આવી હોત તો ખબર નહીં આજ ની હકીકત શું હોત? તું તારી સરખામણી તેની સાથે કરતી હોય તો તે રહેવા જ દે. કેમ કે તે છોકરી હમેશા બીજા માટે જીવે છે. જે પોતાના નથી તેનું પણ તે પોતાનાથી વધારે ધ્યાન રાખે છે. જ્યારે તું તારા પોતાના છે તેની પણ પરવાહ નથી કરતી.” શિવમ.
“ જે કઈ પણ હોય હું તારી કોઈ વાત સાંભળવા નથી માંગતી. અત્યારે જ તારા પરિવારને જણાવી દે કે તું આપણાં લગ્ન માટે તૈયાર છો બાકી.. હું તારા પરિવારને જણાવી દઇશ કે તું જાણે છે કે તું તારા માતા-પિતાનો સગો દીકરો નથી.” વિધિ.
“ વાહ, આ જ સાંભળવાનું બાકી હતું. બતાવી દીધું ને ફરીવાર તારું અસલી રૂપ? મને હતું કે તું હવે ઠોકર ખાઈને સુધરી ગઈ હોઈશ. પણ હું ખોટો હતો. તું ત્યાની ત્યાં જ છો. અને રહી વાત લગ્ન કરવાની તો હું તારી સાથે આજ પણ લગ્ન નહીં કરું અને ક્યારેય પણ નહીં. આ જ મારો આખરી નિર્ણય છે.” શિવમે ગુસ્સે થતાં કહ્યું.
“તો તું પણ હવે તારા જીવનમાં આવનારી આફત માટે તૈયાર થઈ જા. જો હું નહીં તો તારા જીવનમાં બીજું કોઈ નહીં.હું પણ તારા પરિવારને હકીકત જણાવી દઇશ.” વિધિ.
“તું ડરાવે છે મને? કાન ખોલીને સાંભળી લે ..મને તારી આવી ધમકીઓથી કોઈ ફર્ક પડવાનો નથી.તું શું સમજે છે હું તારી આવી વાતોથી ડરી જઈશ અને તારા જેવી બેઈમાન છોકરી જોડે લગ્ન કરી મારૂ ભવિષ્ય બરબાદ કરીશ? ક્યારેય નહીં. તારે જે કરવું હોય તે કર પણ મારી એક વાત સાંભળી લે..જો આ વાત મારા ઘરમાં ખબર પડી તો હું પણ ઓછો નહીં ઊતરું. હું પણ તારા અને વેદના સંબંધો વિષે તારા પરિવારમાં જણાવી દઇશ. અને હા તને એક વાત જણાવવાનું તો ભૂલી જ ગયો..મને તે વાતની પણ ખબર છે કે તારા પેટમાં વેદનું બાળક પણ હતું.જેને તમે બંનેએ મારી નાખ્યું.હવે આ વાત તારા પરિવારને ખબર પડે તેવું તો તું નહીં ચાહેને? અને રહી વાત મારી તો આજ નહીં તો કાલ હું ખુદ આ વાત મારા પરિવારમાં જણાવવાનો જ છું. સારું ને તું કહી દઇશ તો મને તારી મદદ મળી રહેશે. માટે જરા પણ ન વિચારતી કે મારી હકીકત મારા પરિવારને જણાવી તું મારા માટે તકલીફ વધારે છે. તું જણાવીશ તે મારા માટે ખૂબ જ સરળ રહેશે.” શિવમે એક નવી હકીકતનો વિધિ સામે ખૂલશો કર્યો.
શિવમના મોઢેથી પોતાની એક નવી હકીકતની જાણ થતાં વિધિના ચહેરાનો રંગ ઊડી ગયો.તે કઈ બોલી ન શકી. શિવમે તેની સામે શરત રાખી કે વિધિ પોતાના ઘરમાં લગ્ન માટે ના કહે તો તે પણ તેની અને વેદની હકીકત વિધિના પરિવારમાં કોઈને પણ નહીં જણાવે.વિધિ માત્ર હકારમાં જવાબ આપી ત્યાથી જતી રહે છે. શિવમ ઓફિસે જાય છે.તેને આજ તેના પિતાએ ઓફિસે થોડા કામ માટે બોલાવ્યો હોય છે.શિવમને પણ ઓફિસેથી કદાચ પપ્પાના જૂના મિત્ર અને મોરબી વિષે કોઈ માહિતી કે આવી કોઈ વ્યક્તિનો સંપર્ક કે ફોન નંબર કે કોઈ વિગત મળી જાય તે ઉદેશથી ગયો હતો. રાજકોટ જઈ હવે તેને પોતાના અસલી માતા-પિતા વિષે તપાસ શરૂ કરવાની હતી. માટે તેને ખ્યાલ હતો કે ઘરે નહીં તો ઓફિસે તો કોઈ મોરબીને અને તેના ભૂતકાળને લઈને માહિતી મળી જ જશે.શિવમ ઓફિસે પહોચે છે ..
***********************
આખરમાં શિવમે સ્વીકાર્યું કે તે રાહીને ચાહે છે. પણ શું શિવમ આટલી જલ્દી કોઈને ફરીવાર પ્રેમ કરી શકશે? શિવમને તેના ભૂતકાળની કોઈ માહિતી મળશે ? જોઈએ આગળ...