*અંગત ડાયરી*
============
*શીર્ષક : ચારિત્ર્ય*
*લેખક : કમલેશ જોશી*
*ઓલ ઈઝ વેલ*
લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવાર
ચારિત્ર્ય માટે અંગ્રેજી શબ્દ છે કેરેક્ટર. ચારિત્ર્યહીન કે કેરેક્ટર લેસ શબ્દનો બહુ સંકુચિત અર્થ સમાજમાં થઇ રહ્યો છે. બહુ વિખ્યાત ચિંતક શેક્સપિયરે કહ્યું છે કે ‘વર્ડ ઇસ અ સ્ટેજ, લાઈફ ઈઝ અ ડ્રામા એન્ડ વિ ઓલ આર ઇટ્સ કેરેક્ટર્સ’. જીવન એક નાટક છે. સામાન્ય રીતે કોઈ શહેરના ટાઉનહોલમાં સ્ટેજ પર ભજવાતું નાટક એક બે કે ત્રણ કલાકનું હોય છે, જયારે જીવનનું નાટક સાંઠ, સીત્તેર કે સો વર્ષ સુધી ચાલે છે.
વ્યક્તિના અલગ અલગ રોલ છે. એમાંય પાછું ટ્વિસ્ટ એ છે કે એક જ વ્યક્તિએ મલ્ટીપલ રોલ ભજવવાના છે. જેને શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં માનવધર્મો તરીકે ઓળખાવે છે. વ્યક્તિ એક જ છે જે માતા-પિતા માટે પુત્ર કે પુત્રી છે, જીવન સાથી માટે પત્ની કે પતિ છે જયારે બાળકો માટે પિતા કે માતા છે. એક જ વ્યક્તિની અંદર દરેક રોલના વિવિધ ઈમોશન્સ, ડાયલોગ્સ, અધિકારો અને ફરજોનો ફિક્સ કોમન મિનીમમ વિસ્તાર છે. આ વિસ્તારની મર્યાદામાં આખે આખા જીવનની ક્ષણે ક્ષણનું નાટક જે વ્યક્તિ ભજવ્યા કરે એ ચારિત્ર્યવાન અને જે આ વિસ્તાર મર્યાદાને ઓળંગે એનું કેરેક્ટર શંકાના દાયરામાં આવે.
તમારું પાત્ર વિદ્યાર્થી પાસે એક શિક્ષકનું છે. પેપર ચેક કરતી વખતે જો તમારા પુત્રનું પેપર તમારે ચેક કરવાનું આવે તો તમે ધર્મ સંકટમાં મુકાઈ જાઓ. કારણ કે તમારી ભીતરે બેઠેલા બે રોલ, એક શિક્ષક અને એક પિતાના ઈમોશન્સ સામસામે આવી જાય. ભીતરે એક નાનકડું યુદ્ધ શરુ થાય. જો માર્ક કાપો તો પિતાને દુખ થાય અને વધુ આપો તો ભીતરી શિક્ષક ઘવાઈ જાય. એવું જ પોતાના સગા-સંબધીઓને ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર છૂટછાટ આપે ત્યારે થતું હોય છે. સાસુ-વહુ જયારે આમને સામને આવી જાય ત્યારે પુરુષમાં રહેલા પુત્ર અને પતિના રોલ ટકરાય છે. માને ખોટી કહે તો પુત્ર ઘવાય અને પત્નીને અન્યાય કરે તો પતિ ઘવાય. બહુ ઝીણવટભરી મુંઝવણ છે.
અર્જુનને યુદ્ધ ભૂમિમાં એના બે રોલના ઈમોશન્સ એક બીજા સાથે ટકરાયા અને શ્રીમદ ભગવદ્ ગીતા નામની ઈશ્વર પીનલ કોડની કલમો સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને માનવસમાજના કલ્યાણ માટે, ઇવન ૨૦૧૯માં જીવતા અર્જુનો માટે, વ્યક્ત કરી. જેને જીવનમાં જીવંતતાની ઝંખના છે એને ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે ગીતાજીના શબ્દે શબ્દમાંથી ઊર્જા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. જેમ હોંશિયાર વિદ્યાર્થી ગણિતના નિયમો રસપૂર્વક સાંભળતો, સમજતો અને ભીતરે ઉતારતો હોય છે, એમ જ જિંદગીની તમામ પરીક્ષાઓ અવ્વલ નંબરે પાસ કરવા ઈચ્છતો આજનો યુવાન કે વૃદ્ધ ગીતાજીના માર્ગદર્શક સિદ્ધાંતોને જાણ્યે અજાણ્યે ફોલો કરતો જ હોય છે, એમાં પી.એમ. શ્રી નરેન્દ્ર મોદી પણ બાદ નથી કે અમિતાભ બચ્ચન પણ બાકાત નથી. એ જામનગરના જીગાનેય લાગુ પડે છે અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને પણ લાગુ પડે છે. જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ અફર છે એમ જ ઈશ્વર પીનલ કોડના નિયમો અફર જ છે.
આપણા તમામ સુખનું કારણ કેવળ નિયમ પાલનમાં રહેલું છે. આપણી તમામ બેચેની પાછળ નિયમ ભંગ સિવાય કશું નથી. જે ફિલ્મ કલાકાર પોતાના રોલમાં ઓતપ્રોત થઇ જાય છે, એ જ સદીનો નાયક બની શકે છે. સચિને ક્રિકેટરનો રોલ જોરદાર રીતે પ્લે કર્યો તો અમિતાભ બચ્ચને ફિલ્મ કલાકાર તરીકેનો. તમે જ્યાં છો ત્યાં તમે કોઈ રોલ પ્લે કરી જ રહ્યા છો. એમાં જેટલા ઊંડા ઉતરો એટલા સફળ થાઓ એ ફિક્સ છે. ઉપરછલ્લા રોલ પ્લે કરવા એને ‘દંભ’ તરીકે ઓળખવામાં આવે છે. રાવણે ઋષિ હોવાનો દંભ કર્યો તો શું થયું? આખેઆખી સોનાની લંકા બળી ગઈ. ગુરુત્વાકર્ષણનો ભંગ કરનાર વાહન ચાલક જેમ હોસ્પિટલમાં પ્લાસ્ટર સાથે ઘવાયેલો જોવા મળે છે તેમ કદાચ ગીતાજીના કાયદાઓને તોડનાર કોઈ હોસ્પિટલમાં જોવા નહિ મળે પણ એની ભીતરે વ્યાપેલી ખિન્નતા, ગમગીની અને પીડા પેલા ફેક્ચર કરતા વધુ દર્દનાક હોય છે. આવા અકસ્માતો મોટે ભાગે વાણી, વર્તન અને વિચાર જયારે લિમીટ ઓળંગે છે ત્યારે સર્જાતા હોય છે. એક વખત ગીતા પર હાથ મૂકી, આપણા દ્વારા ઘવાયેલા કોઈ સબંધને યાદ કરી ભીતરી અફસોસનું એકાદ વાક્ય જો વ્યક્ત કરી શકો કે કોઈના દ્વારા તમને પહોંચેલી ઠેંસને હૃદય પર હાથ મૂકી માફ કરી શકો તો નવા વર્ષનું એ બહુ મોટું એચીવમેન્ટ બની રહેશે.
હું તો મારા વાણી, વર્તન કે વિચાર દ્વારા તમને ક્યાંય ઠેસ પહોંચી હોય તો બે હાથ જોડી માફી માંગું છું, અને જો તમારા વાણી, વર્તન કે વિચારથી મને ઠેસ પહોંચી હોય તો આજના દિવસે તમને સંપૂર્ણ માફી આપું છું કારણ કે તમારા દ્વારા થયેલી એકાદ-બે ભૂલો કરતા તમારી સાથેના સંબંધ દરમિયાન તમે તમારા પ્રોત્સાહક વાણી, વર્તન અને વિચારથી જે ખુશીઓ આપી છે એ અનેક ગણી વધુ કીંમતી છે...
આવો, વહેલી તકે મળીએ અને આવનારું આખું વર્ષ કૃષ્ણ કનૈયાને ગમે એવું વીતાવીએ.
હેવ અ નાઈસ ડે. હેપી ન્યુ યર. આવજો.
(મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં ...!)