'અરે બેન, સાંભળ્યું કે પેલી સરિતાની વહુનું ગઈકાલે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખ્યું!' 'અરે બાપરે, શું વાત કરે છે એ તો હજી માંડ 40 એ પહોંચી છે આટલી વયમાં આવું ઓપરેશન?' બીજો સંવાદ 'મંજરી તું દેખાઈ તો ફિટ એન્ડ ફાઇન છે તો પછી ગર્ભાશય કેમ કઢાવી નાખ્યું? ફેમિલી પ્લાનિંગ માટે કે શું કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ કે બીમારીના લીધે??' આવા વાક્યો અને સંવાદ છેલ્લા ઘણા સમયથી આપણાં કાને અથડાઈ રહ્યા છે. પણ એક સ્ત્રી તરીકે તમે ક્યારે વિચાર્યું છે કે આ ગંભીર વિષયનો ભોગ આપણે પણ બની શકીએ છીએ! નહિં ને? તો આજનો લેખ તમારા માટે જ છે.
ઘણી વખત સ્ત્રીઓ એવા પ્રૉબ્લેમમાંથી પસાર થતી હોય છે કે જેની ચર્ચા તેના પતિ અથવા નજીકના વ્યક્તિ સાથે કરતાં પણ થોડી મુંઝવણ અને શરમ અનુભવે છે. જેમ એક સ્ત્રીના મન ને સમજવું મુશ્કેલ છે તેમ સ્ત્રી વિષયક રોગ અથવા બીમારીને પણ સમજવું કઠીન છે. વાત સાચી. પરંતુ આ બધામાં શૉકિંગ બાબત એ છે કે છેલ્લા થોડા વર્ષથી ગર્ભાશયને સંબધિત સમસ્યા લઈને આવતાં દર્દીઓ ની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી છે. આ સમસ્યામાં ગર્ભાશય માં ઇન્ફેકશન લાગવું, નશ ઢીલી થવાથી ગર્ભાશય નીચે આવવું, ગર્ભાશયમાં ટ્યુમર, મોનોપોસ પૂર્વે ઓવર બ્લીડીંગ, હોર્મોન્સમાં ફેરફાર થવાથી માસિક ચક્ર આગળ પાછળ થવું જેવા અનેક પ્રૉબ્લેમ આજે વધુ જોવા મળી રહ્યા છે. જેમાં આ પ્રૉબ્લેમનો સામનો કરનારી સૌથી વધુ મહિલાઓ ૫૦ વર્ષની વય કરતાં પણ ઓછી ઉંમરની મહિલાઓ છે.
'માસિક વખતે બ્લીડીંગ બહુ થાય છે અને પેટમાં બહુ દુઃખે છે. માસિક અનિયમિત આવે છે. સફેદ પાણી પડે છે. સારું નથી લાગતું. શરીર બહુ દુઃખે છે થાક થાક લાગે છે વિગેરે જેવી ગર્ભાશયને સંબધિત ફરિયાદો લઈને આવતાંં પેશન્ટની સંખ્યા વધી રહી છે. સરેરાશ રોજના એક પેશન્ટ તો મારી પાસે ગર્ભાશયને સબંધિત સમસ્યા લઈને આવે જ છે. એમ ગાયનેકોલોજિસ્ટ ડૉ.મનીષા દેસાઈ કહે છે.
ગર્ભાશય શરીરનું અત્યંત મહત્વનું અવયવ છે. જે અનેક પ્રકારે કાળજી માંગી લેઇ છે જેમ એક સ્ત્રી તેના બાહ્ય સૌંદર્યને લઈને સતર્ક રહે છે તેમ જો તે તેના આંતરીક સૌંદર્યને લઈને પણ સચેત રહે તો બીમારી ઘર કરતી નથી. સામાન્ય રીતે ગર્ભાશય નીચે આવવું અને તેમાં ઇન્ફેક્શન થઈ જવાના કેસ અમુક ઉંમર પછી એટલે કે ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકોના જ વધુ હોય છે પરંતુ ૫૦ વર્ષની અંદરની મહિલાઓ ને સૌથી મોટી સમસ્યા બ્લીડીંગની અને તેને સંબધિત સમસ્યાઓની જ હોય છે. જેમાં ૪૦-૫૦ વર્ષની મહિલાઓ ને સામાન્ય રીતે મોનોપોઝનો પ્રૉબ્લેમ સતાવતો હોય છે જ્યારે ૪૦ થી ઓછી ઉંમરની મહિલાઓને અનિયમિત માસિક ચક્ર, વાઈટ ડિસ્ચાર્જ સહિત અનેક સમસ્યાઓ લઈને આવતાં હોય છે જેમાંના મોટાભાગના કેસ દવાથી અને ટ્રીટમેન્ટથી રિકવર થઈ જવાની શક્યતા હોવાં છતાં કેટલાક કેસમાં ગર્ભાશય કાઢવું જરૂરી બની જાય છે જેનું એક કારણ આજની મોટાભાગની મહિલાઓમાં જોવા મળી રહેલો પેશન્સનો અભાવ પણ છે. મોટાભાગના કેસમાં દવા અને ટ્રિટમેન્ટ ઉપલબ્ધ હોવા છતાં ઘણાં પેશન્ટ ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખવા માંગે છે.
સહનશક્તિ ઘટી ગઈ છે
એવું નથી કે ગર્ભાશયને સંબધિત પ્રૉબ્લેમ આજના સમયના છે અગાઉ પણ બધાને પ્રૉબ્લેમ આવતાં હતાં પણ પેશન્ટસનો આંકડો નાનો હતો. તે સમયે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના અભાવને લીધે લોકોને આ વિશે જાણકારી મળતી નહોતી જેને લીધે લોકો ઘરગથ્થુ ઉપાયો જ કરતાં તેમજ જ્યાં સુધી સહન થાય ત્યાંસુધી સહન કરી લેતાં હતા. આજે લોકોમાં બીમારીને લઈને ગભરાટ વધ્યો છે. આજે આવતાં ગર્ભાશયના કેસમાં ૧૦ માંથી ચાર જ કેસ એવા હોઈ છે જેને અમે ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપીએ છીએ બાકીના કેસ દવા અને ટ્રીટમેન્ટથી રિકવર થઈ જતાં હોય છે તેમછતાં, પેશન્ટમાં ધીરજ રહેતી નથી. આજે મારી પાસે એવા પણ કેસ આવે છે જેને માસિકમાં બ્લીડીંગ વધુ થાય છે જેનું કારણ હોર્મોન્સ છે. જેમને મે તપાસીને ત્રણ ચાર મહિનાની દવા લખી આપી છે પરંતુ તેઓ આવી પરિસ્થિતિ ત્રણ ચાર મહિના સુધી સહન કરવા તૈયાર નથી અને દવા પછી પણ પરિસ્થિતિ નહિ બદલાશે તો એવા પ્રશ્નોના મારા કરે છે અને ગર્ભાશય કાઢી નાખવા માંગે છે હવે પેશન્ટ ગૂગલ પરથી જાતે જ બધા કારણો અને બીમારીના ચિહ્નો શોધી લાવે છે અને જાતે ડોકટર બની જાય છે કોઈ પણ સામાન્ય બીમારીને પણ કેન્સર અને બીજા રોગની સાથે સરખાવી મૂકે છે આવા પેશન્ટ ને હેન્ડલ કરવા અમારા માટે ઘણી વખત કઠિન બની જાય છે.
બીમારી કરતાં ભય વધુ
અવેરનેસ વધવાને લીધે આજે હેલ્થમાં જરાપણ અપ ડાઉન જોવા મળે કે તરત જ લોકો સીધાં ડોકટર પાસે પહોંચી જવા લાગ્યા છે. ઘણી વખત જરૂર ન હોવા છતાં પણ રિપોર્ટ કઢાવવાનો આગ્રહ પણ કરતાં હોય છે. એક રીતે તો તે સારું છે પરંતુ તે બધાને લીધે મનમાં ભય ઉભો કરી લેઇ છે ઘણાં કેસમાં ગર્ભાશયમાં ગાંઠ આવે છે પરંતુ તે શેની ગાંઠ છે તે જાણ્યા વિના તેને કેન્સરની ગાંઠ સમજી બેસે છે અને કેન્સર ફેલાઈ જવાના ભયે ગર્ભાશય જ કઢાવી નાખવાની જીદ કરે છે. ઘણાં કેસમાં ગર્ભાશય કાઢી નાખવું એક માત્ર વિકલ્પ હોતો નથી. ઘણાં એવા પ્રૉબ્લેમ પણ હોઈ છે જેને અમે બલૂન થેરીપી, કૉપર ટી, થેલીનો કચરો સાફ કરીને તેમજ ફાઈબ્રોઈડની ગાંઠ કાઢીને પણ ઉકેલી લઈએ છે પરંતુ આ બધાં માટે જરૂરી છે પેશન્સ.
ગર્ભાશયમાં પ્રૉબ્લેમ હોવાના સંકેતો
અનિયમિત માસિક, સરેરાશ કરતાં વધુ બ્લીડીંગ, એનિમિયા જેને લીધે તમારો ચહેરો નિસ્તેજ બને છે, થાક વધુ લાગે, એનર્જીની ઉણપ, હૉર્મન્સ ઉપરનીચે થવાથી ચીડિયો સ્વભાવ થવો વિગેરે...
આ રહ્યા કારણો
આવા પ્રકારની સમસ્યા ઉભી થવા પાછળનું મુખ્ય કારણ છે લાઇફસ્ટાઇલમાં બદલાવ. ભાગદોડ વધી છે જેને લીધે તેની પાછળ સ્ટ્રેસ પણ આવે છે જેના લીધે બધાં પ્રૉબ્લેમ આવે. આ સિવાય બીજું કારણ છે ફૂડ. આજે આપણે ડેઇલી ફૂડ ડીશમાં ગ્રીન વેજીટેબલ્સ અને ફ્રુટનું સ્થાન ઘટાડી દીધું છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ના ડરે દૂધ પણ લેવાનું ઓછું કરી દીધું છે ભારત જેવા દેશમાં સૂર્યનો પ્રકાશ અને તેના કિરણો ભરપુર લેવાનો લ્હાવો મળે છે ત્યાં જ તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. સૂર્યના કિરણો શરીરને મળતાં નથી જેથી વિટામિન ડી ની ઉણપ વધે છે આમ શરીરને જે જરૂરી વિટામિન્સ અને મિનરલ જોઈએ છે તે તેને મળી શકતાં નથી.
શું કરી શકાય???
ગ્રીન વેજીટેબલ્સ, સીઝનલ ફ્રુટ, દૂધ અને દૂધની બનાવટના પ્રોડક્ટ ભરપૂર લેવા. કેલ્શિયમ નો ઇન્ટેક વધારવો. સવારે ઉગતાં સૂર્યના કિરણોની નીચે થોડા સમય માટે ઉભા રહેવું. ઉંમર વધે તેમ લૉ ફૅટ અને હાઈ ફાઇબર ધરાવતા ખાદ્યપદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરવો અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ એક્સસાઇઝ ઈસ મસ્ટ. તમને જે ગમે અને જે ફાવે તે એક્સસાઇઝ રોજ કરવાનું રાખો. એમ ડૉ. મનીષા દેસાઈ કહે છે.
આમ તો સ્ત્રીઓ બાહ્ય સોંદર્ય ને લઈને ખૂબ જ સચેત રહે છે. સ્કિન કેર હોય કે પછી હેર કેર તેને ફસ્ટ પ્રેફરન્સ જ આપે છે પરંતુ જ્યારે આંતરિક સૌંદર્યની વાત આવે ત્યારે તેમાં પાછળ પડે છે અને એજ કારણને લીધે શરીર રોગ અને બીમારીને આમંત્રે છે.