mammy, aa vakhate nahi aavi shaku in Gujarati Love Stories by Akshay Mulchandani books and stories PDF | મમ્મી, આ વખતે નહિ આવી શકું..!

Featured Books
Categories
Share

મમ્મી, આ વખતે નહિ આવી શકું..!

કાળી ચૌદશની રાત હતી, પોતાના બંગલાની બાલ્કનીમાં એક લાંબી લચક દિવડાઓની લાઇટિંગ ચૌદશની રાતમાં અજવાળું કરતી હતી.

શેરીમાં આવેલા બધા જ બાંગ્લાઓની ચાલીઓમાં ઘરના બાળકો અને બહેનો અને શોખીનો વાતોના વડાઓની પંચાત સાથે રંગોળી કરવાની રમઝટ હતી અને નાના બાળકો ત્યારે પણ ફટાકડાની રમઝટ બોલાવતા હતા.
બધે જ હાસ્ય અને ઉલ્લાસનું વાતાવરણ હતું, રંગો અને ફટાકડાની રમઝટ હતી, પણ નિલાબહેનના ચહેરા પરનું હાસ્ય ફિક્કુ હતું, કહો કે એમની દિવાળીમાં રંગોળીનાં રંગો વિખરાયેલા લાગતા હતા, દીવડા થોડા નિસ્તેજ લાગતા હતા. કારણ હતું એક ફોન કોલ.

જે બસ દિવાળીના તહેવારોની છડી શરૂ થયાના પ્રથમ દિવસે જ આવ્યો હતો, અગિયારસની રાતે.

"મમ્મી, રજાનો મેડ આવે એવું લાગતું નથી, હું આ દિવાળીમાં ઘરે આવી શકું એવું લાગતું નથી, કોશિશ તો બહુ કરી હતી, પણ મારો ખડૂસ બોસ માન્યો નહિ."

ફોન હતો, નિમિશનો..! નિમિશ, નિલાબહેનનો પુત્ર..! પ્રોફેશનલથી આઈ.ટી. ઈજનેર અને ત્રણ વર્ષથી બેંગલુરૂમાં જોબ કરતો નિમિશ, માધ્વીનો ઈકલોતો ભાઈ ને ઘરની જાન..!

વાત જાણે એમ હતી કે આ સતત બીજી દિવાળી હતી, જ્યારે પરિવારે નિમિશ વગર દિવાળી ઉજવી હતી. આઈ.ટી. કંપનીઓનો સાચે ત્રાસ છે હો..! બેંગલુરુ વાળાને શુ ખબર, પરિવાર સાથે ગુજરાતમાં દિવાળી કોને કહેવાય.

એક બાજુ નિલાબહેન રડુમસું હતું, તો બીજી બાજુ નિમિશ પણ ઘરે પરિવાર સાથે દિવાળી મનાવવા એડી ચોટીનો જોર લગાવતો હતો. એ પણ છેલ્લા દશેક મહિનાથી ઘરે નહોતો ગયો.છેલ્લે ક્રિસમસમાં ઘરના રૂબરૂ દર્શન કર્યા હતા, ત્યાર બાદ બસ વીડિયો કોલ પર જ સંબંધો સાચવતા હતા.

એચ.આર. ને મેઈલ ઉપર મેઈલ, રજાનો બનતો જુગાડ ને બોસ સાથે રજકચ..! ઉપરથી જો બાય રોડ આવે તો 24 કલાક જેટલી મુસાફરી..! ફટાકડા સુસ્વાઈ ગયા પછી પહોંચવાનો પણ શું મતલબ..!

પણ હવે થોડી ઘરની યાદ તો આવે ને..! ઉપરથી "માં કા કોલ..!"

"આ લોકોને 3 દિવસની રજા આપવામાં એની માને શુ જાય છે..! કામ તો આખું વર્ષ જખ કરાવીને કરીએ જ છીએ..!"

નિમિશનો સો કોલ્ડ ફ્રાસ્ટ્રેશન ટોચ પર હતો.એનું પણ એક કારણ હતું.

આપના નિમિશ સાહેબે 3 મહિના પહેલા જ બોસને વાત કરી લીધી હતી ને ટિકિટ્સ પણ જોઈ લીધી હતી. પણ છેલ્લી ઘડીએ પત્તર ફાડી નાખી કે, "સોરી , રજા નહિ મળે..!"

બહાર રંગોળીની રમઝટ ને અંદરના રૂમમાં નિલાબહેનના આંસુઓ સરતા હતા.હા, પિતાજીને પણ યાદ તો આવે જ..!

"પણ, ભાવનાઓને સાંભળતા પિતાની જેમ ક્યાં કોઈને આવડે જ છે આ દુનિયામાં બન્ધુ..!"

ચેહરા પર હાસ્ય , પણ અંદર સે
'થોડા સા તો થોડા સા, દર્દ તો હૈ..!'

માધ્વી પણ ભાઈને યાદ તો કરતી જ હતી, આ વખતે પણ એ કહેવા વાળું કોઈ જ નહોતું કે,

"આવી ભંગાર રંગોળી શુ બનાવી છે !

કલર કોમ્બિનેશન તો શીખ વાઇડી..!

આ જો, આ લાલ સાથે પીળો નહિ, લીલો સારો લાગે..!

આ લે લવીન્ગ્યુ..! મોટા ફટાકડા તારે ન ફોડાય..!

આ વખતે પણ રંગોળીમાં આઉટલાઈન કરવા વાળું કોઈ નહોતું કે નવી રંગોળી કરતા પહેલા એમાં વચ્ચે ફટાકડો રાખીને રંગો ઉડાવવાનું કારનામું કરવવાળું કોઈ નહોતું..!

રંગોળી કરતી વખતે માધ્વી પણ દેખાડતી ન્હોતી પિતાની જેમ, પણ યાદ તો યાર આવે જ ને..!

બસ, આમ જ અગિયારસ, વાઘબારસ, ધનતેરસ અને કાળી ચૌદશ પણ ગઈ. કાળી ચૌદશની રાત પણ બસ પુરી થવાની તૈયારીમાં હતી, ને ત્યાં જ દૂરથી એક થેલો આગળ, એક બેગ પાછળ ને ટ્રોલી હાથમાં એક ઇન્દ્રદેવની સવારી આવતી દેખાણી..! (સાથે કોઈ ઈન્દ્રાણી પણ ભેગી દેખાતી હતી)

માધવી જોઈને મનમાં બોલી,
"ભાઈ…! ભાઈ તો આવવાના હતા, એ તો મને કહી દીધું હતું, પણ આ ઇન્દ્રદેવની સવારીમાં આ ઇન્દ્રાણી  પણ ભેગા આવવાના હતા, એ નહોતું કહ્યું..!"
(સિક્રેટ બીટ્વિન ટ્વિનિસ)

પછી બધા વિચારો છોડીને દોડીને ભાઈનો સમાન લઈ ભાઈને ભેટી પડી..! વર્ષો પછી કેમ મળ્યા હોય જાણે..!

હલકે હલકે બંને બિલ્લી પગે ઘરની અંદર ઘુસ્યા. અંદરના રૂમની લાઈટ બંધ હતી અને નિલાબહેન હજુ જાગતા હતા..! પણ એમના મનમાં હજુ નિમિશની જ યાદ ફરતી હતી કહો કે સપનામાં પણ તે જ આવ્યો હશે.

ત્યાં માધવી બોલી,"મમ્મી, પાણી આપો ને, મારા હાથમાંથી કલર નથી જતો..!"

";હા બેટા, આવી..!" ને નિલાબહેન રસોડા તરફ ગયા.

રસોડાની લાઈટ બંધ હતી.જઈને સૌથી પહેલા લાઈટ ચાલુ કરી ને ફ્રીજની પાસે સાક્ષાત નિમિશદેવ ઉભા હતા. જોઈને માતાજી તો ડઘાઈ ગયા અને આંખમાંથી આંસુઓ ટપકવા લાગ્યા.

માધવી પાછળથી આવી બોલી, "સરપ્રાઈઝઝઝ……!"

ને નિમિશ મમ્મીજીને ભેટી પડ્યો ને આંખોમાંથી એની પણ આંસુ આવી ગયા.
પાછળ સીડી પર ઉભા ઉભા પિતાજી આ બધું જોઈ રહ્યા હતા, તેમની આંખો ભીની નહોતી પણ નમ જરૂર થઈ ગઈ હતી..!

નિમિશ દોડીને તેમની પાસે ગયો અને તેમને પણ ભેટી પડ્યો..! આ વખતે નમ આંખો માંથી થોડા આંસુ સરી પડ્યા, ન રોકાઈ શક્યા…! પપ્પા છે ને..!!

"ભાઈ, આમનો પરિચય તો આપો…!"

"અરે હા..સોરી સોરી..! આ છે બંસી, અમારા ભેગી કામ કરે છે..! રજા નહોતી મળતી તો ઘરે ના પાડી દીધી અને ઘરે કહી દીધું તમે ફરી આઓ..! ને છેલ્લે રજા માટે કન્વીનસ થયા મારા ખડૂસ બોસ, એટલે મેં કહ્યું, દિવાળી તો ફેમિલી સાથે જ બોસ..!"

"સારું કર્યું બેટા..! બંસીને માધવીના રૂમમાં ઉતારો આપીએ..! ચાલશે ને માધ્વી ?" નીલાબહેન બોલ્યા.

"અરે કેમ નહિ..!"

"ચલો , હવે કશું ખાઈ લો….!" નીતિનભાઈ બોલી ઉઠ્યા.

રાતે દોઢ વાગે બધાની ઊંઘ ઊડી ગઈ અને શરૂ થઈ પંચાત ડાઇનિંગ ટેબલ પર..!

"નિમિશ, આમ અચાનક ક્યાંથી જુગાડ કર્યો રજાનો એ તો કે ?"

"બોસને થોડો મસ્કો,
થોડું ઇમોશનલ બ્લેકમેઇલ,
થોડા રોદણાં ને
રજાની ભીખ માંગતા 4-5 મેઈલ..!
બસ, આટલામાં કામ થઈ ગયું..!
હા..હા..હા..હા..!"

"ને ટીકીટ ને ટ્રાવેલ..?"

"એનો જુગાડ બંસીએ કર્યો..! લાસ્ટ મુમેન્ટ પર ટિકિટનો બંદોબસ્ત..! છેલ્લી ઘડીએ એની પણ રજા મંજુર થઈ તો કીધું તું પણ ચાલ હવે..!"

"એક્ચ્યુલી મારો કઝીન ટ્રાન્સપોર્ટ ને ટુરિંગનું કરે છે, તો કોઈ કવોટમાં સીધી ટીકીટ મળી ગઈ..! નસીબથી..!" બંસી બોલી..!

"બંસી બેટા, બી કમ્ફર્ટેબલ હો..! તારા જ ઘરે આવી છો એવું જ માનજે..!" નિલાબહેન બોલ્યા.

"હા આંટી..!"

ને બસ, છેલ્લા ચાર દિવસમાં નિલાબહેનના ફેસ પર પહેલી વાર મીઠી સ્માઈલ આવી, ને દિવાળીની ઉજવણીમાં સાચો હર્ષોલ્લાસ ઉમેરાયો, ને સાચુ કહું તો દિવાળીની સાચી ઉજવણી શરૂ થઈ..!

"પપ્પા એક સવાલ છે, સાચું કહેજો..!"

"બોલ બોલ..!"

"તમને ખબર હતી ને પહેલાથી કે હું આવવાનો છું ? આ ચાપલીએ કહી દીધું હતું ને…!"

"અલ્યા, તારો બાપ છું..! જો, તે ફ્લાઇટ ટિકિતનું પેમેન્ટ કોના કાર્ડ માંથી કર્યું હતું..?"

ને બધા ખડખડાટ હસવા લાગ્યા..!

આ જ રીતે થયું અહીં પણ આ વાર્તાનું હેપી એન્ડિંગ, સાચું કહું તો આ હકીકતમાં ઘણાની વાર્તા હશે કે જેઓ દિવાળીમાં ઘરે આવી નથી શકતા ને રજા માટે રીતસરની ભીખ માંગે છે..!

તમારા વિચારો કોમેન્ટ બોક્સ કે ઈનબોક્સમાં જણાવો..!

આ જ સાથે, બધા ને હેપી દિવાળી, સેફ દિવાળી…!


અક્ષય મૂલચંદાણી
"ભોમિયો"