પ્રેઈંગ મેન્ટીસ
બે હાથ જોડીને શાંતીથી પ્રાર્થના કરતા હોય તેવી મુદ્રામાં કાયમ રહેવા ટેવાયેલ અને અતિ શુદ્ધ ગુજરાતીમાં જેનું નામ “બુદ્ધહસ્ત કીટક” એટલે કે ભગવાન બુદ્ધ સાથે જેનું નામ સંકળાયેલ છે તે છે પ્રેઈંગ મેન્ટીસ. તેની દેહ મુદ્રા બે હાથ જોડેલા સંતને મળતી આવે છે. તેના વિશે જયારે વધુ માહિતી મળે ત્યારે વિચાર આવે કે તેનું નામ કેવી રીતે “બુદ્ધહસ્ત કીટક” પડ્યું. આમ તો તેનું મુખ ત્રિકોણ આકારનું છે પણ નર પ્રેઈંગ મેન્ટીસના જીવનમાં પ્રણય હંમેશા એવા ત્રિભેટે આવીને ઊભો રહે છે કે જ્યાંનો રસ્તો તેને મૃત્યુ તરફ લઇ જાય છે.
જો આ કીટક ઉષ્ણ પ્રદેશમાં રહેતા હોય તો વસંત ઋતુ આવે કે તરતજ આ કીટકની પ્રણયની ઋતુ શરુ થાય પણ જો તે શીતોષ્ણ પ્રદેશમાં રહેતા હોય તો તેના માટે બારેય માસ પ્રણયની ઋતુ છે. પ્રજનન કરવા માટે માદા એક રાસાયણિક સંદેશો મોકલાવે. એમ કહો કે હવામાં એક સુગંધીદાર કેમિકલનો સ્પ્રે કરે. અંગ્રેજીમાં ફેરોમોન્સના નામે ઓળખાતા આ કેમિકલ્સને નર ઓળખી લે. દરેક કીટક પોતે એક ખાસ પ્રકારનું ફેરોમોન ધરાવતું હોય છે અને તે પોતાના પાર્ટનરને આકર્ષવા માટે તે વાપરે છે. માનવીની જેમ કીટકો ડીઓ સ્પ્રે ખરીદતા નથી પણ જાતે પોતાના શરીરમાં બનાવી લે છે.
અદલોઅદલ માણસની સ્ટાઈલમાં સ્પ્રે ( ફેરોમોન્સ) નો સ્રાવ કર્યા પછી જેવો નર આકર્ષિત થઇને મળવા માટે આવે કે તરત જ માદા તેને નચાવે. માદાના ઈશારે નાચતો નર જો હિંમત કરીને માદાની પીઠ પર ચડી જાય તો તેની પેઢી જળવાય, નહીં તો રામેરામ. પીઠ પર બેઠેલ નરનો વારસો જળવાઈ રહે તે માટે માદા ગર્ભધારણ કરવા તૈયાર તો થાય છે પણ તેની કીંમત રૂપે તે સૌથી પહેલા નરનું માથું ખાઈ જાય છે. માદા પ્રેઈંગ મેન્ટીસ ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગ મુજબ માથું ખાતી હોત તો હજુ આપણે આ ઘટનાને કચકચ ગણાવત, પણ અહીં તો ખરા અર્થમાં માદા નરનું માથું ખાઈ જાય. માથું વધેરાઈને માદાનાં પેટમાં જતું રહે છતાં નર ગમે તેમ કરીને પ્રજનન પૂરું કરે અને માદાને ફલિત કરે. પ્રયોગશાળામાં અવલોકન પરથી વૈજ્ઞાનિકો એવા તારણ પર આવેલ છે કે માથું કપાઈ ગયા પછી નર વધુ તાકાતથી પ્રજનન કરે છે. પ્રયોગશાળાના જે અવલોકનો હોય તે પણ એક હકીકત છે કે માથા વગર નર જીવંત રહેતો નથી. પ્રજનનની શરૂઆતમાં શીશ ગુમાવનાર આ નરબંકો પ્રજનન પૂર્ણ થતાં જ મૃત્યુ પામે છે. પ્રજનન (અને નરના મૃત્યુ)ના ભાગ રૂપે માદા ૨૦ થી ૪૦૦ જેટલા ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી જન્મ લેનાર એકેય બાળક તેનાં પિતાને મળી શકતો નથી કેમ કે તેના પિતાનું ધડથી માથું અલગ તો તેની માતાએ જ કરી દીધેલ હોય છે. પોતાની પેઢી જળવાઈ રહે તે માટે પોતાનું શીર્ષ ધરી દેનાર અને તે શીર્ષને આરોગી જનાર આ કીટકનું નામ "Praying mantis" એટલે કે “બુદ્ધહસ્ત કીટક”
લેબોર્ડનો કાચિંડો
Furcifer labordi જેવું અઘરું અને ટેકનિકલ નામ વાંચીને જેના વિષે વિશેષ ઊંડું ઉતારવાનું મન ન થાય તેવો આ કાચિંડો ઘણી બાબતોમાં ખાસ છે, જેને સામાન્ય ભાષામાં લેબોર્ડનો કાચિંડો કહે છે. લેબોર્ડનો કાચિંડો એક ખાસ પ્રકારનો કાચિંડો છે જે માત્ર ને માત્ર હિન્દ મહાસાગરમાં આવેલ માડાગાસ્કર ટાપુ પર જોવા મળે છે. માત્રને માત્ર શબ્દ ફરી પાછો વાપરવો પડે તેમ છે કેમ કે ચોપગા તેમજ કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં સૌથી ઓછું આયુષ્ય એટલે કે માત્ર ૪-૫ મહિનામાં તે પોતાની જીવન લીલા સંકેલી લે છે. ગીનીસબુકમાં નામ લખાવવાનો તેનો અભરખો આમ તો આ ઓછી ઉંમરથી પૂરો થઇ શકે પણ તેનાથી વિશેષ લેબોર્ડનો કાચિંડો ખાસિયત ધરાવે છે. આ ખાસિયત છે તેનું જીવન ચક્ર.
સીઝનથી સીઝન શબ્દ પૃથ્વી પર વાપરવો હોય તો એક પૂર્ણ વર્ષ અને તેમાં આવતી બધી ઋતુ અને મહિનાને તેમાં ગણી લેવા પડે. પૃથ્વી સૂર્યને એક પ્રદક્ષિણા ના ફરે ત્યાં સુધી પૃથ્વી પરનું વાતાવરણ એક વર્ષને પૂર્ણ જાહેર ન કરે અને ફરીથી પાનખર, વસંત, શરદ, શિશિર, હેમંત અને ગ્રીષ્મનું ચક પૂરું ન થાય. ગુજરાતમાં લેબોર્ડના કાચિંડોની જીવન લીલા ચાલતી હોત તો એક ઋતુ એટલે કે પૂરતો બે મહિનાનો સમય મળત પણ માડાગાસ્કર ટાપુ પર ગ્રેગોરીયન કેલેન્ડર મુજબ બાર મહિનાનું વર્ષ હોવાથી તે ચોક્કસાઈ પૂર્વક કેલેન્ડરનું પાલન કરે છે.
વાત એમ બને કે બરાબર નવેમ્બર મહિનામાં માડાગાસ્કરમાં પહેલો વરસાદ પડે કે તરત જ ઈંડામાંથી નાના નાના લેબોર્ડના કાચિંડાના બચ્ચા બહાર નીકળે. ઈંડામાંથી બહાર નીકળે ત્યારે તેના મમ્મી પપ્પાનો કોઈ અત્તો-પત્તો હોતો નથી. મા-બાપ વગરના નોધારા આ બચ્ચાઓ ખૂબ જ ઝડપથી પોતાનું બાળપણ પૂર્ણ કરે. કયારે બાલમંદિર અને કયારે ભણતર એવું બિલકુલ ન પૂછવું. નવેમ્બરમાં જન્મેલ બાળકો બીજું વર્ષ શરુ થાય એટલે કે ડિસેમ્બર પૂરો કરી જાન્યુઆરીમાં પુખ્ત થઇ જાય. કેલેન્ડર ભલે માનવીઓ બદલે પણ કેલેન્ડર બદલવા સાથે મોટપણાનો ભાર સ્વીકારતા આ બાળ કાચીંડા જયારે પુખ્ત થાય ત્યારે તેની ઉંમર માંડ ત્રણ ચાર મહિનાની હોય. ફેબ્રુઆરીના અંત સુધીમાં કે માર્ચની શરૂઆતમાં પ્રજનનની પ્રક્રિયા પૂરી કરીને માદા ઈંડા પણ મૂકવા માંડે. હજી તો ચાર-પાંચ મહિનાનું બાળક હોય ત્યાં તેના લગ્ન પણ થઇ જાય અને તે ઈંડા પણ મૂકી દે. માનવીનું બાળક હજુ બોલતા પણ ન શીખે ત્યાં આ પ્રાણી બીજી પેઢી જળવાઈ રહે તે માટે ઈંડા મૂકી દે. ઈંડા મૂકીને બીજી પેઢી માટે રસ્તો તૈયાર કરવાની જવાબદારી પૂર્ણ થાય કે તરતજ લેબોર્ડના કાચિંડાની સંપૂર્ણ વસ્તી નાશ પામે. બીજી પેઢી કેવી હોઈ શકે તે જોવા માટે એકેય જીવતું ન રહે. બને એમ કે પ્રજનન દરમ્યાન તે એટલી તાકાત વાપરી નાખે એટલી તાકાત વાપરી નાખે કે હવે તેની પાસે જીવવામાં ન તાકાત બચી હોય કે અન્ય કોઈ લક્ષ. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે તેમાં તેના અંતઃસ્ત્રાવો બહુ મોટો ફાળો ભજવે છે. ગમે તે કહો પણ સારી નસલ જળવાઈ રહે તેમાં અંતઃસ્ત્રાવો ખૂબ મહત્વનો ફાળો ભજવે અને આજ અંતઃસ્ત્રાવો લેબોર્ડના કાચિંડાના કિસ્સામાં માતા-પિતા માટે ઘાતક બની રહે. માર્ચની શરૂઆતમાં મુકાયેલ ઈંડાનું સેવન કરવાની જવાબદારી હવે કુદરતની. કુદરત શક્ય હોય તેટલી હદ સુધી તેની રક્ષા કરે. કયારેક શિકારી પ્રાણીઓ તેને ખાઈ જાય તો બચાવવા માટે આગલી પેઢીનું કોઈ જ વડીલ હાજર ન હોય. સમગ્ર પેઢી નાશ પામી હોય ત્યારે ઈંડા માત્ર ને માત્ર ભગવાનના ભરોસે. આ અનાથ ઈંડાને નવેમ્બરમાં આવતો માડાગાસ્કરનો પહેલો વરસાદ નશીબવંતો નીવડે. તે ઈંડામાંથી બહાર નીકળી નવું જીવન શરૂ કરે.
તાજા જન્મેલ બાળકોને ખબર પણ નથી હોતી કે તેના પિતા કોણ અને માતા કોણ. બે મહિનાની બાલ્યાવસ્થા પૂરી કરી તેણે ફરજિયાત પુખ્ત થવાનું અને ચોથે મહિને પ્રજનન કરી બાળક પેદા કરવા માટે એટલી તાકાત વાપરવાની કે જીવન પૂરું થઈ જાય. બાળ લગ્ન કરવાની અને વહેલા બાળકો પેદા કરવાની સજા રૂપે આ પ્રાણી તેનું ટૂંકું જીવન ચાર-પાંચ મહિનામાં પૂરું કરી દે. સાતથી આઠ મહિના ઈંડામાં અને ચારથી પાંચ મહિના ઈંડાની બહાર વીતાવતું આ પ્રાણી દર વર્ષે બીજી પેઢી જળવાઈ રહે તે માટે ફરી ફરીને પોતાની આખી પેઢીનું બલિદાન આપી દે.