Angarpath. - 25 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ.- ૨૫.

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

અંગારપથ.- ૨૫.

અંગારપથ.

પ્રકરણ-૨૫.

પ્રવીણ પીઠડીયા.

ગોવામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાઇ ચૂકયો હતો. આકાશમાં ઉડતા નાનકડા અમથા પંખીની પણ જડતી લેવાની સૂચના અપાઇ હોય એવી ભયંકર ઉત્તેજના પોલીસ બેડામાં છવાયેલી હતી. એકાએક જ સમસ્ત ગોવાની પોલીસને સ્ટેન્ડબાય અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. ચારેકોર ભયાનક અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ચૂકયું હતું. આવું ભાગ્યે જ થતું. ગોવાનો ઇતિહાસ જ કંઇક એવા પ્રકારનો હતો કે તેમાં અંદરખાને ઘણીબધી બદીઓ છૂપાયેલી હોવા છતાં જાહેરમાં ક્યારેય કોઇ વારદાત સપાટી ઉપર આવતી નહી. અન-લીગલ ડ્રગ્સનો ગોવામાં સૌથી મોટો કારોબાર થતો. દુનિયાભરમાંથી તરેહ તરેહનું ડ્રગ્સ અહી ઠલવાતું અને તેનો બેફામ વેપાર થતો. તેમાં અબજો રૂપિયાની ઉથલ પાથલ થતી અને ગોવાનાં અર્થતંત્રની પેરેલલ એક નવા જ પ્રકારનું અર્થતંત્ર ધમધમતું હતું. તેનું કોઇ જંગી મશીનરીની જેમ સંચાલન થતું અને આ ડ્રગ્સનાં રેકેટને કંન્ટ્રોલ કરવાં માટે, તેના પર આધીપત્ય જમાવવા માટે, કે પછી પોતાની સર્વોપરી સાબિત કરવા માટે, ડ્રગ્સ માફિયાઓનાં ગીરોહમાં આપસ-માં જબરજસ્ત હોડ હર-હંમેશ લાગેલી રહેતી હતી. ડ્રગ્સ ઉપરાંત ખાનગી રીતે ચાલતો વિદેશી યુવતીઓનાં દેહનો વ્યાપાર પણ બહું મોટા પ્રમાણમાં રૂપિયા કમાવી આપતો હતો. આ બધું વર્ષોથી એકદમ વ્યવસ્થિત અને સંગઠીત રીતે સરળતાથી ચાલતું આવતું હતું. તેમાં ભાગ્યે જ ક્યારેય કોઇ મોટી ઉથલ પાથલ સર્જાઇ હશે. આ નેટવર્કમાં કામ કરતાં તમામ લોકો… ભલે પછી તે ડ્રગ્સ માફિયા હોય કે ભ્રષ્ટ પોલીસ અફસર હોય કે પછી નાના પાયે કામ કરતો કોઇ દલાલ, બધા જ પોત-પોતાની રીતે એક વ્યવસ્થિત ગોઠવાયેલી એક સિસ્ટમ પ્રમાણે કામ કરતાં હતા તેમાં ભાગ્યે જ ક્યારેક કોઇ પ્રોબ્લેમ સર્જાયો હશે.

પરંતુ… એક વ્યક્તિ એવી પણ હતી જેને આ જંગી કમાણીથી પૂરતો સંતોષ થતો નહોતો. તે આથી પણ આગળ વધવાની મહત્વકાંક્ષા મનમાં ધરબીને કોઇક નવું તીકડમ કરવાનાં મનસૂબા સેવી તેને અમલમાં મૂકવાની ફિરાકમાં હતો. અને… તેને એ મળી પણ ગયું હતું. તેણે એક નવા જ પ્રકારનો બિઝનેસ ચાલું કર્યો હતો જેમાં તેનું એકહથ્થું શાસન હતું. એક એવો ધ્રૂણીત અને માણસાઇને શર્મસાર કરનાર બિઝનેસ કે જેમાં અઢળક અને બેસૂમાર કમાણી તો હતી જ, ઉપરાંત સત્તાદાર વ્યક્તિઓ ઉપર તેનું આધીપત્ય સ્થપાતું જતું હતું. ધીરે ધીરે તે સત્તામાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો પાસેથી પોતાનું ધાર્યું કરાવી શકે એવી પોઝિશનમાં આવતો જતો હતો. કોણ હતો એ વ્યક્તિ..?

@@@

એ વ્યક્તિ બીજુ કોઇ નહી પરંતુ રોબર્ટ ડગ્લાસ હતો. ખૂબ જ ટૂંકા સમયમાં તેણે અસાધારણ પ્રગતી કરી હતી અને ગોવાનો સર્વે-સર્વા બનીને ગોવા ઉપર રાજ કરવા લાગ્યો હતો. તે પહેલી વખત જ્યારે ગોવા આવ્યો ત્યારે જ તેને સમજાઇ ચૂકયું હતું કે આ ધરતી તેના માટે સોનાની ખાણ સાબિત થઇ શકે તેમ છે. એ શક્યતાને તેણે એકદમ ખામોશીથી હકીકતમાં તબદિલ કરવાની શરૂઆત કરી દીધી હતી અને કોઇ કંઇ સમજે કે તેના મંસૂબા વિશે જાણે એ પહેલાં તો તે સમગ્ર ગોવાનાં અંડરવલ્ડમાં કોઇ આંધીની માફક છવાઇ ચૂકયો હતો. તેણે એટલી શિદ્દતથી અને એટલી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું કે અત્યાર સુધી ગોવાને પોતાની જાગીર સમજતાં જૂના જોગીઓ પણ હબક ખાઇને સન્નાટામાં આવી ગયા હતા. તેમણે ડગ્લાસને પછાડવાની ઘણી કોશિશો કરી જોઇ હતી પરંતુ દરેક જગ્યાએ ડગ્લાસે એવી જડબેસલાક વ્યવસ્થા સર્જી દીધી હતી કે તેમના હાથ ટૂંકા પડયાં હતા અને ન-છૂટકે તેમણે ડગ્લાસનું આધિપત્ય સ્વિકારવું પડયું હતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે ડગ્લાસ એટલે ગોવા અને ગોવા એટલે ડગ્લાસ એવી વાયકાઓ વહેવી શરૂ થઇ હતી. ગોવાનાં અંડરવલ્ડમાં ડગ્લાસની રીતસરની આણ વર્તાવા લાગી અને તેની પરમિશન વગર કોઇ કામ કરવું લગભગ અસંભવ બનવા લાગ્યું.

પરંતુ કહેવાય છે ને કે બારુદનાં જંગી ઢેરને તબાહ કરવા માટે એક નાનકડી અમથી દિવાસળી જ કાફી થઇ પડે છે. ડગ્લાસ સાથે પણ કંઇક એવું જ બન્યું હતું. તેનું રાક્ષસી સામ્રાજ્ય એક દિવસ અચાનક એક નાજૂક નમણી રશીયન યુવતીનાં કારણે ખળભળી ઉઠયું હતું. એક તોફોન ઉઠયું હતું જે ડગ્લાસને પોતાની સાથે વહાવીને લઇ ગયું હતું. ડગ્લાસે ક્યારેય સ્વપ્નેય વિચાર્યું નહી હોય કે તેની સામે જોવાની પણ જેની કોઇ હેસીયત નથી એવી એક અજાણી યુવતી તેની બરબાદીનું કારણ બનશે. અને એ પણ તેની જાણ બહાર. બન્યું એવું હતું કે…

@@@

જૂલીયા એકવીસ વર્ષની એક રશિયન યુવતી હતી. રશિયાનાં એક સાધારણ પરિવારમાં જન્મેલી જૂલીયાનાં સ્વપ્નાઓ ઘણા ઉંચા હતા. તે પોતાની બદહાલ અને મૂફલિસ જીંદગીથી કંટાળીને ભારત પોતાના મિત્રોને ત્યાં આવી પહોંચી હતી. તેના ઘણાં મિત્રો ઓલરેડી પહેલેથી જ ગોવામાં રહેતા હતા અને રશિયા કરતાં અહી ઘણી સારી લાઇફ જીવતાં હતા એટલે તે પણ ગોવા પહોંચી હતી. આમ પણ રશિયન લોકોમાં ગોવાનું જબરું વળગણ રહેતું. અહી તેમને પૂરતી આઝાદી મળી રહેતી હતી અને પૈસા ખૂટી જાય ત્યારે એવા ઘણા રસ્તાઓ હાજર હતા જેનાથી તેમનો ગુજારો થઇ રહેતો. જૂલીયા સ્માર્ટ યુવતી હતી. એકા’દ મહિનાની અંદર જ તે સમજી ગઇ હતી કે જો તેણે એકદમ ફ્રી અને હાઇ-ફાઇ લાઇફ જીવવી હોય તો શું કરવું જોઇએ!

તેણે શહેરનાં રિચ અને ક્રિમ લોકોમાં પોતાના સંપર્કો વધારવા શરૂ કર્યાં હતા. તેની ગોરી ચામડી અને બેહદ રૂપાળો ચહેરો તેમા ઘણો મહત્વનો ભાગ ભજવતા હતા. ભારતીય લોકોની ગોરી ચામડી પ્રત્યેની ઘેલછાનો તેણે ભરપૂર લાભ ઉઠાવવો શરૂ કર્યો હતો અને ખૂબ જ ટૂંકા ગાળામાં તે ઘણી આગળ નીકળી ગઇ હતી. તેની ફાઇનાન્સીયલ કંડીશન ઘણી સૂધરી હતી અને રશિયામાં લગભગ ભીખ માંગવાની કગાર ઉપર જીવતાં પોતાના માતા-પિતાને અહીથી તેણે પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું. તેની ડિમાંન્ડ દિવસ-રાત વધતી જતી હતી. મોટી ક્લબોમાં અને બારમાં તે બિન્ધાસ્ત બનીને ઘૂમતી, પોતાના સંપર્કો વધારતી અને એ સંપર્કોનો ભરપૂર લાભ ઉઠાવતી. તેની લાઇફ એકદમ ’સેટ’ હતી અને તે સાતમાં આસમાને વીહરવા લાગી હતી. તેને જે જોઇતું હતું એ બધું જ તેને મળી રહ્યું હતું. પરંતુ… એક દિવસ અચાનક તેના જીવનમાં ભયાનક ભૂકંપ ઉઠયો. તેને એવું કંઇક જાણવા મળ્યું હતું જેનાથી તેની રુહ સુધ્ધા કાંપી ઉઠી હતી. તે ભયંકર રીતે ગભરાઇ ગઇ હતી અને ગભરાહટમાં જ એ વાત તેણે રક્ષા સૂર્યવંશીને કહી હતી. એ સમય… એ ઘડી તે બન્નેનાં જીવનની સૌથી મનહૂસ ક્ષણ સાબિત થવાની હતી એ બાબતથી ત્યારે તેઓ અજાણ હતા.

રક્ષા સૂર્યવંશીનો સંપર્ક જૂલીયાને એક ક્લબમાં થયો હતો. રક્ષા એક એન.જી.ઓ.માં કામ કરતી હતી. રક્ષા તેના ઘણા મિત્રોનાં સંપર્કમાં હતી અને તેમને ઘણી વખત મદદ પણ કરતી હતી એ સંબંધે એ તેની પણ મિત્ર બની ગઇ હતી.

“મારે તને એક વાત કહેવી છે.” જૂલીયાનાં અવાજમાં રીતસરનું કંપન વર્તાતું હતું. તેની હરણી જેવી ખૂબસૂરત આંખો કોઇ અજાણ્યાં ડરથી ચારેકોર ફરતી હતી. રક્ષા તેની તરફ ફરી એ દરમ્યાન ઝડપથી તેણે દારૂનો મોટો ધૂંટડો ગળા નીચે ઉતારીને પોતાની વાત કહેવા હિંમત એકઠી કરી લીધી હતી.

“શું વાત છે ડિયર, તું આટલી બધી ગભરાયેલી કેમ છે?” રક્ષા જૂલીયાનો ડરેલો ચહેરો જોઇને ચોંકી હતી. હંમેશા ખુશમિજાજ અને ખીલેલી રહેતી છોકરી આજે કોઇ ભયંકર મુંઝવણ અનુભવતી હતી એ તેના માટે નવીન હતું. “તારે જે કહેવું હોય એ બિન્ધાસ્તપણે મને કહે.”

“તું… એક મિનિટ, પહેલા મને વચન આપ કે આ વાત તું કોઇને નહી જણાવે.”

“ડોન્ટવરી ડિયર, એ બાબતે તું મારી ઉપર સંપૂર્ણપણે ભરોસો મૂકી શકે છે.” રક્ષા એકાએક સતર્ક થઇ હતી કારણ કે વાત ઘણી ગંભીર જણાતી હતી. એ દરમ્યાન જૂલીયાએ ફરીથી પોતાની ચો-પાસ નજર ફેરવીને ખાત્રી કરી લીધી હતી કે તેમને કોઇ જોઇ તો નથી રહ્યું ને!

“તું દૂર્જન રાયસંગાને ઓળખે છે?” જૂલીયાએ સાવ અસબંધ પ્રશ્ન પૂછયો. રક્ષા ઘડીક પૂરતી વિચારમાં પડી. તેને જૂલીયાનો પ્રશ્ન પહેલા તો સમજાયો નહી. અને સમજાયો ત્યારે ભારે હેરાનીથી તે જૂલીયાનાં પ્રસ્વેદ યુક્ત ભિના ચહેરાને જોઇ રહી.

“દૂર્જન રાયસંગા? ઓહ… ગોવાનાં ડેપ્યૂટી ચીફ મિનિસ્ટર તો નહી ને! પણ તેનું શું છે? તું કેમ ઓળખે તેને?” રક્ષા ખરેખર ચોંકી ઉઠી હતી. એક નાનકડી અને રૂપાળી છોકરી ગોવાનાં સર્વેસર્વા ગણાતાં ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરને ઓળખતી હોય એ તેના માટે અપાર આશ્વર્યની વાત હતી. પરંતુ… હવે પછી જૂલીયા જે વાત કહેવાની હતી એ સાંભળીને તેનું માથું ચકરાઇ જવાનું હતું.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.