#તારી_યાદમાં!❤
જાવેદ અને જલ્પાબેન વચ્ચે મેઘ ગર્જના સિવાય બીજા કોઈનો અવાજ નહોતો. ફળિયામાં બેઠેલા જલ્પાબેન પોતાના જુનૈદની તો શેરીમાં રહેલા બાળકો પહેલા વરસાદની રાહ જોતા હતા. પવન ફર્યો હતો..છાપાઓમાં વરસાદની આગાહી થઈ ગઈ હતી..આમ તો મૌસમનો વરસાદ વહેલો હતો , ગરમીથી ત્રસ્ત માણસો વરસાદને વળગી ઠન્ડકના અહેસાસને ઝન્ખતા હતા. કાળા ડિબાંગ આભનો રંગ સૂચવતું હતું કે ટકરાવ નક્કી છે! બાળકોના શોરબકોર વચ્ચે જાવેદ લગભગ નિસ્તેજ બેઠો હતો. એકાદ વર્ષ પછી એ મૌસમ ફરી સામે આવીને ઉભી હતી, એ કપરી બનતી રાતો ને વીજળીના ઝબકારા ફરી વહેતા થયા હતા..તેના મનમાં નહોતો વહાણને તરાવવાનો શોખ કે નહોતું મન છબછબિયાં કરવાનું! વરસાદની રાહમાં ઉછળતા કૂદતાં ભુલકાઓને તે એકીટસે જોયા કરતો હતો. આંખમાંનું આંસુ પણ પડતું નહોતું, ક્યાંક આવીને અટકી જતું હતું! મૌનને શબ્દો ના હોય! સમજણ તો હોય!
"માં, ચાલ અંદર રસોઈ કરીએ!"
આ સમયે ઘટનાને ભૂલીને આગળ વધવા માટે પ્રવૃત્તિ બદલવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો! જલ્પાબેન સમજી ગયા. બંને માં-દીકરો અંદર ગયા..વીજળીનો કડાકો થયો ને લાઈટ બંધ! જાવેદને છાતી સરસો ચાંપીને પોતાની આંખમાંનું આસું એ આંખના પ્રવાહી સાથે જ ભેળવી દીધું! આ શબ્દોવિહીન ચર્ચામાં આવી રહેલો અવાજ માત્ર એક જ સૂચન કરતો હતો, અનરાધાર વરસાદ! આ પવન સામે ટકી રહેતા ને પોતાની મજબૂતીની ઓળખ આપતા વૃક્ષો, અસહ્ય તાપ વેઠીને વરસાદ માટે કરગરતી એ જમીન, વેકેશનમાં મામાના ઘરનો એ પેહલો વરસાદ, દેડકાના નીકળેલા દિવસો, મોરનું એ નાચવું જાણે કુદરત આજે સોળે કળાએ ખીલી છે એવું લાગતું હતું. વરસાદનો વેગ અને વીજળીના અવાજોની વચ્ચે ભજીયાની મહેફિલ જામી હતી! સામે આ ઘરમાં શોકનું વાતાવરણ હતું..દરેક વીજળીના કડાકે હૃદય કંપી ઉઠતું હતું! જલ્પાને દરેક વીજળીના અવાજ પેલા રચાતી સફેદ આકૃતિમાં જુનૈદ દેખાતો હતો! વર્ષ પહેલા એ વીજળી પડવાથી થયેલી જુનૈદની મોત હજુ તો ભૂલાય જ હતી કે વરસાદે વિરહને તાજો કરાવી દીધો! હિંદુ - મુસ્લિમ એ વિવાહ સમાજથી પર હતા! લોકોએ ખૂબ કહ્યું કે કુંડળી કહે છે કે તારો પતિ નહીં જીવે..પણ પ્રેમના વિશ્વાસ ને કોઈ પહોંચે? નીકળી પડ્યા હતા એ યુગલ કુદરતને હરાવવા, સમાજ સામે ઝઝૂમવા અને સમય સાથે દોડવા! નીડર બનીને જીવી રહેલા આ પ્રેમયુગલની જોડીને ૭ વર્ષ થવા આવ્યા હતા..તેમનું પ્રેમચિન્હ પણ હતું! કંઈક આવી જ મૌસમને માણવા નીકળી પડેલ આ પરિવારને ક્યાં ખબર હતી કે એક વરસાદ ત્રણ માંથી બે કરશે! જલ્પાએ ક્યારેય પોતાના નિર્ણયને દોષ નહોતો દીધો. આ તો આયુષ્યનો ખેલ છે એમ તે માનતી હતી! ફળિયાની ખાટ પર બેઠેલા બન્નેની આંખ ભીની હતી! અચાનક જાવેદ ફળિયામાં વચ્ચે આવીને પલળવા લાગ્યો! ઉપર જોઈ રહેલો એ બાળકના આંસુ ભળી ગયા વરસાદની સાથે! વરસાદની ગતિ બમણી થઈ! બાળકના આંસુથી કુદરત પણ રોવા લાગી હોય એવો અહેસાસ જલ્પાને થયો! વરસાદ ક્યાં નાતજાતને જોઈને પડે છે! એ તો બસ પડે છે! પડી રહેલી એ વીજળીને ક્યાં ખબર છે કે કોણ મુસ્લિમ કોણ હિંદુ ! જુનૈદને વરસાદ ખૂબ જ ગમતો! ભારેખમ હૈયા સાથે એ ઉભી થઈ..જાવેદને બહાર જવા કહ્યું! પોતે પણ આ અનંત આકાશની વચ્ચે જુનૈદની યાદમાં એક સાહજિક હાસ્ય લઈને નાહવા લાગી! આસપાસ સૌને ખુશી થઈ..પણ એની આંખમાંના આંસુઓ જોવાવાળો જુનૈદ શાયદ ઉપરથી એને ચુમતો હશે! હાસ્ય ને વિરહ બંને માત્ર એક જ ઋતુમાં શક્ય છે, વર્ષાઋતુ! સામે દેખાતું હાસ્ય ને પલળતો એ વિરહ!
આ વરસાદી વાવઠા અમારા સંબંધને વધુ મજબૂત બનાવતા હોય એવું લાગ્યા કરે છે!!