અનાડીનો મુકામ ધોરણ નવ-બ.
શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલના ધોરણ નવ-બ. સીધાસાદા સાહેબ ભણતાં હોય તો પણ જે ગૃપમાંથી વાંકી-ચૂકી કોમેન્ટ આવતી હોય. આમ તો અમારી હાઈસ્કૂલમાં બોયઝ જ આવતા, પરંતુ જે ગૃપની વાતોમાંથી ગર્લ્સની સુંદરતા હાઉકલી કાર્ય કરતી હોય... જે ગૃપમાંથી ફ્રી તાસ સમયે સૌથી વધારે બટા-જટી બોલતી હોય. એ ગૃપ એટલે જીજ્ઞેશ વ્યાસનું અને તેનાં દોસ્તારોનું ગૃપ. મને થતું કે અમારી બોયઝ હાઈસ્કૂલ આવા ‘અનાડી બોયઝ’ના લીધે બોયઝ હાઈસ્કૂલ છે.
આ અનાડી દોસ્તે ગયા વર્ષે મારા હાથમાં તેની સહી સાથે પુસ્તક ભેટ ધર્યું. જેનું નામ હતું ‘અંતરધ્વનિ’. અંતરધ્વનિ એ લઘુવાર્તા સંગ્રહ છે. લટૂર પ્રકાશન છે. આવી વાર્તાઓને વિધ-વિધ સ્વરૂપે ઓળખે છે. સ્મોક સ્ટોરી, સ્ક્રીનશોટ સ્ટોરી, કટિંગ(ચા) સ્ટોરી... વગરે.. હવે આપણે સ્મોક કરવાની આદત નહી એટલે વ્યાસજીની આ વાર્તાને હું આપણને ભાવતું ‘મીઠું-પાન સ્ટોરી’ કહીશ.
“અજાણી ભૂમિ પર પહેલું પગલું જોખમી હોય છે” આ સંદર્ભે કવિ-વાર્તાકાર શ્રી યોગેશ પંડ્યાએ વ્યાસજી માટે ‘યોગીરેખા’ દોરી છે.
આપને મારે આ મીઠું-પાન સ્ટોરી અન્વયે ‘અંતરધ્વનિ’ની સફર કરાવવી છે. આ પુસ્તક દિપાવલીના વેકેશનમાં માણવા લાયક છે. આ ઉપરાંત ટ્રેનમાં બારી પાસે જગ્યા મળી જાય અને વ્યાસની વાર્તાઓ ભેળી થાય તો બાત બન જાયે..!
મને વ્યાસજી પૂછે કે ‘અંતરધ્વનિ’ પુસ્તક કેવું લાગ્યું?
હું કહું કે “જેમ કોઈ ગામડું ગામ હોય, વાળું ટાણાના તાહ્ળીના મધુરાં દૂધ જેવો મીઠો આવકાર હોય, ગામમાં હંધાય હમ્પીને રેતા હોય, આ ગામની માલીપા જુવાનડા હોય, અને આ જુવાનીયા પાંહે અણધાર્યું કામ કરતું એવું નાજુક દિલડું હોય... હવે આ ગામની માલીપા.... એમ કહેવાય છે કે ઈશ્વર પેટલીકરની વાર્તામાં આવતાં ‘ચંદા’ના પાત્ર જેવી જોબનવંત કન્યા હોય, ઈ’ જોબનવંત કન્યાના ઝાંઝરનો આવતો છ્ન...છ્ન...છ્ન... અવાજના જુવાનીયાઓ ઓળઘોળ હોય... ઈ’ જોબનવંત કન્યાના પાલવને અડી અડીને આવતો વાયરો જુવાનીયાઓને લેરું કરાવતો હોય, એની હાથની મેંદી જેવી ભાતું ભોળિયા જુવાનીયાઓ દીલડાં ઉપર કોતરીને બેઠાં હોય...
બસ, એવી લહેર કરાવે છે આપણો આ વ્યાસજીનો અંતરધ્વનિ વાર્તાસંગ્રહ.
વાર્તાના કેટલાક પાત્રો મારી બાજુમાં આવીને બેસે. મારી સાથે ગોઠડી માંડે. પછી એ ‘અંતરધ્વનિ’ વાર્તાના સોમભા હોય કે બે અવાજના નરશીપ્રશાદ. ભાગી ભાગીને થાકીને લોથ થઈને બાજુમાં બેસતો રઘલો હોય કે ચોરો વાર્તની સોહામણી નાર જાનકી. અંતરધ્વનિ પુસ્તક વાંચતા એવું લાગ્યું કે વ્યાસજીના ખભે હાથ મુકીને વિહાર કરીએ છીએ. કારણ વ્યાસજી વ્યવહારમાં પણ ઉત્કૃષ્ઠ ગુજરાતી ભાષા ઉચ્ચારે છે.
દેર રાત્રી સુધી એક જ બેઠકે આ પુસ્તક પૂર્ણ કરનાર મિત્રરાજ પાર્થરાજ (જબ્બર વાચક) આ તમામ પાત્રોના સબળ ગ્વાહ છે ! કેમ પાર્થભાઈ બરાબરને ???
વ્યાસજીના પુસ્તક ‘અંતરધ્વનિ’માંથી ટોળું વાર્તાને ‘દિલ્લી સાહિત્ય અકાદમી’ દ્વારા ‘શ્રેષ્ઠ વાર્તા’ તરીકે પસંદ પામી છે. દિપાવલીના દિવસે વાચીકમ રૂપે રૂબરૂ સાંભળ્યાનો લ્હાવો પણ મળ્યો. ટોળું વાર્તાના અંતમાં લેખક જેમ ગુલાંટ ખાતા પતંગને વશ કરતાં, શબ્દોના ગુલાંટ ખવરાવતા આલેખે છે “હવે હું “હું” નહોતો, ટોળાં માનો જ એક હતો, ટોળું જ હતો.”
અંતરધ્વનિ નામક પ્રમુખ વાર્તામાં કોઈ તીન પત્તી રમતાં અવ્વલ ગેમ્લર માફક વ્યાસજી સોમભા સામે ઢીંચણભેર રહીને કાળીનો એક્કો ઉતરીને ‘સાવ છુટ્ટા સાવજ’ને શબ્દોના પાંજરે પૂરે છે.
‘ખાલીપો’ વાર્તામાં હિંચકાને રૂપક તરીકે રજૂ કરીને દામોદરદાદાને ચૂપ કરે છે.
ઉત્તરાયણ સમયે કોઈ પાક્કો માંજો આંગળીઓ પર લસરકો કરે તેમ “ચા પીશો ને સાહેબ” આ વાર્તા તેવી છે. આપના દિમાગમાં હળવો ઘસરકો પાડીને મરક મરક હસવાનું ઇજન આપશે.
નરશીપ્રસાદનો ખેંચીને મારેલો તમાચો શું પરિવર્તન આણી શકે આ આપણને “બે-અવાજ” કહાનીમાં મળે છે.
“ઉજાગરાનો થાક આજે તો ઉતારી જ નાખવો છે” આવું કહેતા હરિપ્રસાદ “છેતરપીંડી” વાર્તામાં દુઃખદ અંતનો વંટોળ પેદા કરે છે.
આ પુસ્તકમાં લેખકે ચિક્કાર વાતો સર્વ કરી છે. વ્યાસજીએ પોતાની જગ્યા ( ) કૌંસમાં રાખી છે. વાર્તામાં ક્યાંક ક્યાંક બારી ખોલીને હાઉકલી કરી લે છે. અને વાર્તા આગળ ચાલે છે.
ડરનું સામ્રાજ્ય ફેલાવતી વાર્તા એટલે “જીવતી ડાકણ” આ વાર્તામાં ગામડું ખડું કરીને તેની સાથે જોડાયેલી વાતોની છાંટ લગાવી છે. દરેક ગામમાં એક અવાવરું કૂવો હોય. ત્યાં ભૂત, પલિત, ડાકણ અને તેનો ઝાંઝરનો અવાજ સંભળાતો હોય. કર્ણોપકર્ણ સંભાળતી વાતોને ભયાનક બનતી જાય છે.
ચોરો નામક વાર્તામાં જાનકીની આસ-પાસ વાર્તા ઘેરો લે છે. જેમ કોઈ સ્ત્રી નાકમાં નથણી પહેરે અને બિંદી લગાવી બીજા અલંકારો હડસેલી દે તેમ અહીં લેખકે જાનકીનું શ્રુંગારિક વર્ણન સિમિત રાખ્યું છે. કદાચ એમ વિચારીને કે આગળનું વર્ણન વાચક જાતે કરી લેશે ! શું ખબર દરેકના નજરમાં જાનકી અલગ અલગ શ્રુંગારિક હોય...!
ફરી ફરી જીજ્ઞેશ વ્યાસનો આભાર વ્યક્ત કરું છું.
શ્રાવણ માસે.... શુક્લ પક્ષે... બોટાદ મધ્યે... રાત્રી ટાણે... બસ સ્ટેન્ડ નિયરે... મિત્રો હિઅરે... ઓળો આરોગતા.... પાર્થરાજજી... આચાર્યજી.... મલ્હારજી... મકવાણાજી...ની... શાક્ષીએ ભેટ કરેલું પુસ્તક ‘અંતરધ્વનિ’ પરત્વે મારો ‘અંતરધ્વનિ’ આવો રજૂ કરું છું. સ્વીકારી લેશો વ્યાસજી. વ્યાસજી આપની દરેક વાર્તાઓમાંથી આ આચમન માત્ર લેખન કરીને એક ભાવક તરીકે પ્રતિભાવ આપું છું.
ઉલ્લેખનીય બની રહેશે કે વ્યાસજીનું દ્વિતીય પુસ્તક આવી રહ્યું છે. જેની અમને બધાં મિત્રોને અને બોટાદકર સાહિત્યસભાના સર્વોને રાહ રહેશે. આ પુસ્તક શિક્ષણ પરત્વે આલેખાયું છે. જે માટે વાલીડાને ખોબલે ખોબલે શુભેચ્છાઓ !
લેખન: નરેન્દ્ર જોષી. (૩૦/૧૦/૨૦૧૯)