Jugaad in Gujarati Short Stories by Rajendra Solanki books and stories PDF | જુગાડ

Featured Books
Categories
Share

જુગાડ

"જુગાડ"
----------


દયાએ ત્રણે ને વહેલાસર જમાડી દીધા. આ તેનો રોજનો નિયમ હતો.અરવિંદ આવે તે પહેલાં
કામ આટોપી લેવું.દશ વર્ષ ની મધુ અને બાર વર્ષ
ની વિમુ તો સમજી ગયેલી પણ નાનો જયેશ છ
વર્ષ નો ક્યાંથી સમજે ?.

હમણાં એ આવશે, નશામાં ચકચૂર થઈને.અને
જરાપણ આડું અવળું જોશે તો સીધા કોઈક ને
ફટકારસે.

ત્યાં એના સેફટી શૂઝ નો ધમધમ અવાજ કાને
સંભળાયો.મધુ અને વિમુ દોડીને પોતાની સુવાની
જગ્યાએ પાથરેલી ગોદડી ઉપર બેસી ગઈ. જયેશ
દોડી ને ફફળતો બને વચ્ચે ગોઠવાઈ ગયો.

અરવિંદે આવીને શર્ટ ઉતારી પલંગ પર ધા કર્યો
અને દયા સામે જોયું.દયાએ ઝટપટ થાળી પીરશી.
અરવિંદ જમવા બેઠો. વાતાવરણ માં સ્તબ્ધતા હતી.અરવિંદે એક નઝર ચારેબાજુ ફેરવી જમવાનું
પૂરું કરી તે લથડતી ચાલે જઈને પલંગમાં લંબાવ્યું.
તેની લાલ આંખો સૌને ડરાવતી હતી.

દયાએ થાળી ઉપાડી છોકરાઓ સામે જોયું, ત્રણે બીકના માર્યા પલંગ સામે જોઈ રહ્યા.આજ
ચારેય માંથી એકેય ને માર નહોતો પડ્યો.

દયા નવરી થઈ છોકરાઓ પાસે આવી. શરીર
લંબાવ્યું.થોડીવારે જયેશ સુઈ ગયો.મધુની આંખો
ઘેરાતી બંધ થઈ.વિમુએ ધીમેથી માં સામે જોયું.

"સુઈ ગયા લાગેછે 'ને માં ?"
"હા, તું સુઈ જા બેટી." દયાએ તેને નજીક માં
ખેંચી,અને માથે હાથ ફેરવ્યો. જવાબમાં વિમુ નું
આછું ડૂસકું સંભળાયું.

દયાએ તેના માથે હાથ ફેરવી ધીમેથી કહ્યું,"તું
સુઇજા બેટા, માતાજી નું નામ લે,બધું સારું થઈ
જાશે." પણ દયા સમજતી હતી, આ દારુ ની લત
એમ છૂટે ?, એણે રોજની જેમ મનમાં માતાજી ની
પ્રાથના કરી.

" મારા ત્રણેય વિયા સામું જો માવડી, બાપ ને
જોઈને કેવા ફફળે છે, અમને સારા વાના કર, હે
કુળદેવી હું ચૂંદડી લઈને દોડતી ચોટીલે આવીશ."
તેણે વિમુ સામે જોયું ,તે સુઈ ગઈ હતી.

-----------------------૦--------------------


ફેકટરી માં બપોરે લંચ ટાઈમ બાદ અરવિંદ ને
આજે કંઈજ કામ સૂઝતું નહોતું. પંદર 'દી પહેલા
ભરતી થયેલો તેનો આસિસ્ટન્ટ મુકેશે આજે જે
વાત કરી હતી ,તેનાથી અરવિંદ નું મન વલોવાતું
હતું. અને કારણ પણ સાચું હતું.
મુકેશે ક્યાં ખોટી વાત કરી હતી , તેણે તો સાચું
કહેલું. કેવો હોનહાર છોકરો છે. અને પોતે ?

મુકેશ ને સવારે પૂછ્યું હતું કે,
"મુકેશ તું આદિત્ય એન્જિનિયરિંગ કુ. માં હતોને?
ત્યાંથી કેમ છોડી દીધું"

અને મુકેશે જે વાત કહી તે સાંભળી ને જ તો
અરવિંદ ઢીલો થઈ ગયેલો ,પોતાની જાત પ્રત્યે
નફરત થઈ આવેલી.

"અરવિંદ ભાઈ ત્યાંના હેડમિસ્ત્રી હિમતભાઈ ને ઓળખો છો ? ત્યાં તેના હાથ નીચે બે જણ અને ત્રીજો હું ,અને ત્રણેય દારૂડિયા."

"પણ, મુકેશ તેમાં તારે શુ, 'છો 'ને પીતાં."
"અરવિંદ ભાઈ સાંજે મને પણ આગ્રહ કરતા.
હું તો માંડ બચ્યો.ભગવાન બચાવે એવા નસાઈ અન દારૂડિયાઓથી. લત લાગી જાય તો બાયડી
છોરા રખડી નો પડે ?"

"તારી વાત તો સાચી મુકેશ" અરવિંદે કહેલું.

" એકવાર તો હદ થઈ ગયેલી, અરવિંદ ભાઈ,
હિમતભાઈ ની વહુ શેઠ પાસે પૈસા માંગવા ઠેઠ ફેકટરીમાં આવેલી, જુવોતો બિચારી ભીખારણ
લાગે, પગમાં ચપલ પણ નહીં."

"નહીં તર હિંમત ભાઈ નો પગાર તો મારી કરતાં ત્રણ ગણો, અને કારીગર પણ એવા બધું
એજ સંભાળે. પણ દારૂ માં ડૂબેલા એવા સાથે તો
રહીએ તો બગડી જવાની બીક લાગે."

મુકેશે વાત આગળ ચલાવેલી."તમે કોઈવાર મારે ઘેર આવો, થોડી પાપાએ મદદ કરી અને
થોડી લૉન લીધી, વન બેડ હોલ કિચન વાળું મકાન
લીધું છે. ટી વી થોડું ફર્નીચર."

અરવિંદે ત્યારે હસીને કહેલું,"સારું સારું મુકેશ
કોઈવાર ચોકસ આવીશ". અરવિંદે વિચાર્યું, કેવો
હોંસીલો છે.

" અરવિંદભાઈ, માતાજી ની મહેરબાની છે,
સાલું આપણે ખોટે રસ્તે ચડી જઈએ એમાં તો
ભોગવવાનું ઘરના ને જ આવે.ખોટી વાત છે,?.
એટલે મેં નોકરી બદલી નાખી."

બપોર બાદ અરવિંદને પોતાનું ઘર યાદ આવ્યું
ઘર કેવું ? ઓસરી એક રૂમમાં માથે નળિયાં અને
એ પણ ભાડાનું.મુકેશની વાત પ્રમાણે હિંમત ભાઈ
અને મારામાં ફરક શું છે.? મારો પણ પગાર મુકેશ
કરતા ત્રણ ગણો છે. પણ દારૂએ બરબાદ કર્યો છે.
એજ ક્યાં છોડાય છે.

આ તો બિચારી દયા પારકા કામ કરીને ગાડું
ગબડાવે છે. નથી મેં કોઈ 'દી ઘેર પગાર આપ્યો,
કે નથી મેં કોઈ 'દી છોકરાઓને પ્રેમથી બોલાવ્યા.
વગર વાંકે બધાંયને માર્યા જ છે.

સાંજે છૂટીને રાત્રે નશામાં ઘેર જાઉં છું.જમી ને
સુઈ જાવું છું. છોકરાંઓ ધ્રુજતા હોય છે.ખાવામાં
કઈક ઓછુવતું હોય, કે કંઈક ખામી હોય તો તો થાળી વાટકાનો સીધો ઘા.ઘેર પૈસા જ ક્યાં આપું
છું.કોઈવાર પચાસ સો રૂપિયા નો ઘા કરું છું.
દયા બિચારી મારા હાથનો માર ખાઈ બેવડ
વળી ગઈ છે. સાત આઠ ઘરના વાસણ પોતા કરી
જાતેજ ઘર ચલાવે છે.

અરવિંદને આજ ખૂબ આઘાત લાગ્યો. અરે હું
જીવવાને લાયક છું?.મારે મરી જ જવું જોઈએ.હું
જીવતે જીવ દારૂ મૂકી નથી શકવાનો.ગમે તેટલું હું
નકી કરીશ પણ સાંજે ઝેર પીવા જવાનો જ.

હે માતાજી મેં મારા છોકરાઓને દુભવ્યા સતત
ફફડતા રાખ્યા, હવે પસ્તાવે શું ફરક પડશે. અને
દયા,એક તો ઘર ચલાવે અને માર સહન કરે.

તેને યાદ આવ્યું,એકવાર દયા એ બીતે બીતે થોડા પૈસા માગેલા, ઘરમાં કંઈ હશે નહીં. ત્યારે મેં
શું કહેલું, આઠ દશ ઘરના કામ કરતા ક્યાંયથી ન
મળ્યા? બાજુ માં પડેલો મારો બુટ ઘા કરેલો.

અરવિંદને અરેરાટી છૂટી ગઈ.અને છોકરાઓ?
મારી પાસે આવવાનું તો દૂર પણ ઘેર જાઉં તો
બિચાળા ફફડતા હોય. ક્યારે હું હાથ ઉપાડીશ કે
લાત મારીશ. અરવિંદનું માથું ભમી ગયું.વીતેલા એ
સમયનું બધું યાદ આવવા લાગ્યું. એકવાર..

નશામાં સુઈ ગયા પછી રાત્રે એકાદ વાગે આંખ
ખુલેલી , જોયું તો છોકરાઓ ગોદડી પર સુતા હતા, તેની બાજુમાં દયા સૂતી હતી, મને ઉઠેલો જોઈ,તે બેઠી થઈ મેં કહેલું,"દયા અહીં આવ" તે
સમજી ગએલી, મારી હવસ બોલાવે છે.

તે ધ્રૂજતી નજીક આવી ધીમેથી બોલી "મને
ત્રીજો મહિનો જાય છે."અને મારો મગજ ગયેલો
તેના ગોઠણ પર લાત મારેલી,"રા..બે નું પૂરું નથી
થતું અને ત્રીજું રાખ્યું ?હું તો સુઈ ગયેલો.

ગોઠણ નું તેણે શું કર્યું હશે,કયાં થી દવા લીધી
હશે,હજુ પણ ધ્યાન થી જોવું છું તો તે થોડી થોડી
ઢચકાય છે.અને એ જયેશ આજ છ વર્ષ નો થઈ
ગયો....હે ચામુંડા માં ,અરવિંદે નિસાસો નાખ્યો.

મારે પણ દારૂ ક્યાં નથી છોડવો, પણ છૂટે તો ને ગમે તેટલા સારા વિચારો આવે પણ રાત્રે તો એજ અડો ભલો.એકવાર ફેકટરી માં સ્વામીનારણ
ના ચાર પાંચ સાધુઓ આવેલા. વ્યસન મુક્તિ ના
પ્રવચનો કરેલા. પુસ્તિકાઓ વહેંચેલી.પણ મને તો એની અસર થાય તોજ નવાઈ.

શેઠ કેવા સારા મળ્યા છે.મારી કારીગરી ને લઇ
ને સૌ મારા વખાણ કરે છે.એ સૌ ને મારી અંદરની
આ વાત ની જાણ થાય તો,

તેણે મનમાં કઈક નકી કર્યું,તે કેબીન ની બહાર
આવ્યો,એક નઝર મુકેશ બાજુ કરી, તે તેના કામ
માં મશગુલ હતો.મશીનોનાં અવાજ થી ટેવાયેલા
તેના કાન આજ અવાજ સહન નહોતા કરી શકતા
તેણે શેડ ની બહાર નીકળી જોયું તો શેઠ આવી
ગયેલા, તે શેઠની કેબિનમાં ગયો.

"આવ આવ અરવિંદ કેમ ઢીલો દેખાય છે."
શેઠે ફોનનું રીસીવર નીચે મૂકી કહ્યું.
"કંઈ નહીં શેઠ, આજ થોડું વહેલું ઘેર જવું છે.
બે ત્રણ કામ છે.અને માણસોને કામ ચીંધી ને જ
આવ્યો છું."
" કોઈ વાંધો નહીં, અરવિંદ પૈસા ની જરૂર છે?
"હા થોડા જોઈએ". શેઠે ટેબલ ના ખાનામાંથી
ત્રણેક હજાર કાઢી ને અરવિંદ ને આપ્યા "વધારે
જોઈએ?"
"અરે ના ના શેઠ બસ અને પરમ'દી તો પગાર
પણ મળી જશે."
શેઠે હસીને કહ્યું "તારી માટે છૂટ છે અરવિંદ તારી કારીગરી એ તો મારી ફેકટરીનું નામ છે ભાઈ.
કંઈ પણ જરૂર હોય તો બોલજે."
અરવિંદ હસી ને બહાર નીકળી ગયો.એની આંખો માં ઝળઝળિયાં આવી ગયા.શેઠ તો કેવા
દેવ જેવા છે.હવે શું કરું,આઠ વાગશે ને પગ ઝેર
પીવા દોડશે.
આ ત્રણ હજાર જો દયા ને આપ્યા હોય તો તેનો મહિનો કેવો આનંદ થી જાય. પારકા કામ તો
કરવાની જરૂર જ ન રહે.

અને પરમ દિવસે, બાકીના પગાર પેઠે આઠ
હજાર. દયાએ હજુ સુધી પૂછ્યું નહોતું,કેટલો
પગાર મળે છે ? ક્યાંથી પૂછે ? માર ખાવો છે.એકી
સાથે દયા ના હાથમાં દશ હજાર મુકું તો બચાડીને
હાર્ડએટેક આવી જાય.

અરવિંદ ને મનોમન હસવું આવ્યું.બહાર સૌ મને કેવો સજ્જન માને છે.અને ઘેર ? તેને યાદ ન
આવ્યું કે દયાને ક્યા અઠવાડિયે નહોતી મારી. તેનો
જીવ ગભરાવા લાગ્યો.

આવા વિચારમાં જ તે રેલવે ક્રોસિંગ પાસે આવ્યો.ઓવરબ્રિજ ના પગથીયા ચડી તે સાંકડા
પુલ ઉપર ચાલવા લાગ્યો.

તેણે વિચાર્યું, હું સુધરી શકવાનોનથી.આપઘાત
કરી લઉં. મને તો મારી સાથે જ વેર છે.રોજના જ દારૂ પીવા ત્રણસો રૂપિયા જોતા હોય તો મારે કોઈ
જીવવાનો હક નથી.ત્રણસો માટે દયા આખો માસ
બીજાના વાસણ પોતા કરે છે.

તે પુલની વચ્ચે ઉભો રહ્યો. હાથની કોણી તેને
રેલિંગ પર ટેકવી. ઘેર જઇ દયાની માફી માંગુ.?

તેને છોકરાઓ યાદ આવ્યા. કેવા દયામણાં
ચહેરા. આવા મોઢા તો અનાથો ના પણ ન હોય.
તેણે પોતાની ભીની આંખો હાથે થી લૂછી.

આપઘાત કરું તો ઘરના મારાથી તો બચે.લુખું
સુકું ખાઈ ને મોટા થઈ જશે.પણ મારા ત્રાશ થી તો
બચશે.અનાથ કહેવાશે બીજું શું.અને અત્યારે શુ
અનાથ નથી.?

ઘેર જઈ દયા ને ત્રણ હજાર આપીને સુઈ જવું
પણ પીધા વગર ચાલશે. તેને સ્વામિનારાયણ ના સંત ના શબ્દો યાદ આવ્યા. માનવી નું મન ચંચળ
છે. જો મનને વશમાં રાખો અને મંઝિલ નકી કરો
તો કંઇ પણ અસંભવ નથી.

તેને મનોમન હસવું આવ્યું. દુનિયા વ્યસન ને
છોડાવવા કેવા કેવા પ્રયત્નો કરે છે.પણ મારા જેવા
અભાગીયા જીવો તો રાત્રે ભૂત થઈ ને પીવા દોડી
જાય છે.

તેણે નીચે જોયું,ટ્રેન ને દૂરથી આવતી જોઈ,
તેને થોડી સેકંડો માટે અંધારા આવી ગયા,ત્યાંજ
તેને એકાએક ધકો લાગ્યો.તે બે ત્રણ ડગલા દૂર
થઈ ગયો.નીચે થઈ ટ્રેન ધડાકાભેર પસાર થતી
હતી.તેણે જોયું તો ધકો મારનાર એક ડોશી હતી.
અને બડબળ કરતી હતી.પણ ટ્રેન ના અવાજ માં
કઈ સંભળાયું નહીં. ટ્રેન પસાર થઈ ગઈ, અને
શાંતી છવાઈ ગઈ.

"તને કહું છું સાંભળ્યું ? દૂર હટ ધંધો કરવા તો
બેસવા 'દે. અરવિંદે જોયું બે પોટલાં તેના પગ પાસે પડેલા હતા.અને એ ડોશી શેતરંજી પાથરીને
વેચવાનો સામાન ગોઠવતી હતી.તેણે હવે અરવિંદ સામે જોયું.

"મરવા આયો છો ?"
અરવિંદ ધ્રુજી ગયો.ડોશી એ બીજું પોટલું ખોલ્યું
કાસકા, બંગડીઓ,ફોટો ફ્રેમ એવું કંઈક ગોઠવતી
ગઈ.અરવિંદ જતા જતા તેને જોઈ રહ્યો તે બોલી,
"બાયડી ખરાબ મળી હોય તો મૂકી દે, પણ આમ
મરાય નહીં સમજ્યો."
આગળ જઈને તે પગથીયા ઉતરી ગયો. તેને
ડોશી ના શબ્દો યાદ આવ્યાં."મૂકી દે પણ આમ
મરાય નહીં." અરવિંદે વિચાર્યું, મરાય નહીં એટલે
બાયડી ને માર ન મરાય કે મારાથી મરી ન જવાય.
તેને મનમાં હસવું આવ્યું.

તે પગથીયા ઉતરી ને ડાબી તરફ ચાલવા લાગ્યો
દારૂ નો સમય તો સાંજે સાત નો હતો.ઘેર જાઉં ?
તેણે વિચાર્યું,મરીજ જવું છે, એક જુગાડ કરું,
આપઘાત નહીં દારૂ વગર છો મરી જાઉં. તેણે કઈક નકી કર્યું. અને ઊંડો શ્વાસ ભરી તે ઘરની ગલીમાં વળ્યો.

તે ઘરમાં દાખલ થયો ,ત્યારે ઓસરી માં મધુ
જયેશ ને આંક શીખવતી હતી.વિમુ વાસીદુ વાળ
- તી હતી.ત્રણે ની નઝર અરવિંદ તરફ ગઈ. પપા
ને વહેલા આવેલા જોઈ ત્રણે સિયાવિયા થઈ
ગયા. અરવિંદે બુટ કાઢ્યા.

વિમુએ ઝટ વાસીદુ પૂરું કર્યું.જોયુ તો મધુ જયેશ બને પપ્પા સામે જોતા હતા.તેને શું કરવું તે
સૂઝ્યું નહીં, તે જલ્દી પાણીનો લોટો ભરી પપ્પા
પાસે ગઈ.મમી રોજ આમજ કરતી.મધુ જ્યેશે આ જોયું. તેઓ બી ગયા જાણે હમણાં પપ્પા વિમુને થપ્પડ મારશે.

"પપ્પા પાણી લો" વિમુ માંડ એટલું બોલી શકી
અરવિંદે ઉંચે જોયું.વિમુ ધ્રૂજતી ઉભી હતી. તેણે
લોટો લઈ એકી શ્વાસમાં પાણી પીધું.તેણે જોયું
વિમુ દૂર જતી રહી. ત્યાંજ કામેથી દયા આવી.

અરવિંદને જોઈને તે હેબત ખાઈ ઉભી રહી.
અરવિંદે જોયું અસલ કંગાલિયત નું રૂપ. ત્રણેય
તેની પાછળ જઇ ઉભા રહી ગયા.

દયાએ ક્યાંકનું વધ્યું ઘટ્યું ખાવાનું લાવેલા બે
ત્રણ ડબલા ઓસરી માં મુક્યા. અને સાડી ના છેડા
થી હાથ લૂછતી અરવિંદ પાસે આવી પૂછ્યું,,,
"આજ વહેલા આવ્યા, તબીયત સારી નથી ?.
"દયા, તબિયત તો અત્યાર સુધી ખરાબ હતી.
આજ સારી થઈ.". દયા કઈ સમજી નહીં.ત્યાં જ
અરવિંદે જયેશ સામે જોઈ કહ્યું," જ્યુ બેટા અહીં
આવ."
જ્યેશે આજ પપ્પા નો પહેલી વાર હસતો
ચહેરો જોયો. તે તો એકદમ ખુશ થઈ ત્યાં દોડ્યો.
અરવિંદે તેને ખોળા માં લીધો.
" તારે નોટબુકો લેવી છે ને ?
"ના પપ્પા ચાલશે," તેણે બીતે બીતે કહ્યું.
અરવિંદે તેના તેલ વગરના ભૂખરા વાળ માં હાથ
ફેરવી કહ્યું,"આજ તો હું તને નવી નોટબુક અને
પેન્સિલ નું તો આખું પેકેટ લઈ દઈશ.".અને મધુ
અને વિમુ સામે જોઈ કહ્યું,"તમને પણ નવી સ્કૂલ
બેગ નથી લેવી?.

નાના જયેશે જોરથી હસીને કહ્યું," પપ્પા સ્કૂલ
બેગ તો મારી હોય, આમના તો થેલા હોય, ઘણા
ચોપડા હોય ને, 'કાં મમી.?"
દયા તો જોતી જ રહી ગઈ. અરવિંદે દયા સામે
જોઈ કહ્યું, "દયા, ચાલો સૌ તૈયાર થઈ જાઓ.,તો
થોડી ખરીદી કરી આવીએ. દયાએ અરવિંદ ની
આંખો માં પાણી જોયા.તેણે વિચાર્યું, તબિયત
સારી નહીં હોય ? તેણે વિમુ ને કહ્યું,"વિમુ બેટા
દૂધ લઈ આવને તારા પપ્પા માટે ચા બનાવું."
"અરે દયા ચા ની જરૂર નથી, હું ફેકટરીમાં જ
પી ને આવ્યો છું.તમે સૌ ચાલો મોડું થશે."તેને
મનમાં એમ કે દારૂ ના સમય પહેલાં ઘેર આવી
જઈએ તો સારું.અને આ હુકમ હોય તેમ સૌ
તૈયાર થઈ ગયા.અરવિંદે બે હજાર દયા ને આપ્યા.

મુખ્ય બજાર માંથી નોટબુકો થેલા ,અને બીજી
ઘરની પરચુરણ વસ્તુઓ લીધી.રેડીમેટ ની દુકાનેથી
જયેશ માટે ટી શર્ટ પેન્ટ લીધા.ત્યાં વિમુએ દયાના
કાનમાં કંઈક કહ્યું.દયા એ હા પાડી.અરવિંદે પૂછ્યું,
"બેટા બીજું શું લેવું છે.?
દયાએ હસી ને કહ્યું,"કંઈ નહીં એતો ચા ગાળવા
ની ગડણી લેવાનું યાદ કરાવે છે." અરવિંદે જોયું,
સૌના ચહેરા કેવા હસતા હતા.પોતાને પણ આ
બધું ખુબજ ગમ્યું. તેને બીક લાગી આ સ્વપ્ન તો
નથી ?. ત્રણ હજાર રૂપરડી માં બધા કેવા કિલોલ
કરે છે.પરમ દહાડે આઠ હજાર આવશે.
પણ માતાજી મારો જુગાડ નો બેડો પાર કરે.

અરવિંદે થોડું ફરસાણ બંધાવ્યું.લારી એ સૌ એ
ભેળ પુરી,અને અન્ય નાસ્તો કર્યો.અને સૌ ચામુંડા
માતાજી ને મંદિરે પહોંચ્યા.દયાએ હાથ જોડીને
મનમાં કહ્યું,"માં આજતો તે મારા માટે સોનાની
સાંજ મોકલી માવડી." તેની આંખો ભીની થઇ.
અરવિંદે એ જોયું, બહાર નીકળી તેણે દયા નો
હાથ હાથમાં લઈ દબાવ્યો.
ઘેર પહોંચી ને સૌ નવી નવી લાવેલી વસ્તુઓ
જોઈ કેવા હરખાતા હતા.મધુ વિમુ તો પોતાના
નવા થેલામાં પુસ્તકો ગોઠવવામાં જામી પડી. નાનો
જયેશ પેન્સિલ ની અણી કાઢવા મથી રહ્યો.
અરવિંદ ના શરીરે કળતર ચાલુ થયું.તે મનમાં
સમજી ગયો, દારૂ...છતાં સૌને આનંદ કરાવતો
રહ્યો. દયા એ સૌ છોકરાંઓ ને થોડું જમાડી
સુવડાવી દીધાં.

તે ઝટપટ અરવિંદ પાસે આવી.દયા સમજી ગઈ, દારૂ વગર તેનું શરીર ખેંચાય છે. તે તેની
નજીક બેસી ને તેનું માથું ખોળા માં લીધું.તેણે
અરવિંદ ની આંખો સાડી ના છેડા થી લૂછી.
"આજ આવા આનંદ ના દિવસે રોવાનું હોય ?"
અરવિંદે ડૂસકું ભર્યું. અને ચહેરો દયાના ખોળામાં
દબાવ્યો.

" દયા તને ખબર છે ?, મારો પગાર કેટલો છે?
"જેટલો હોય તેટલો મારા વાલા મેં કોઈ'દી પૂછ્યું
છે?" અરવિંદે ઊંડો શ્વાસ ભરી કહ્યું,"અગિયાર
હજાર પગાર છે મારો."
દારૂ વગર અરવિંદ આકુળ વ્યાકુળ થઈ પડખાં
ફેરવતો રહ્યો. અને કંઈક તૂટક તૂટક બોલતો રહ્યો,
"દયા,..... થોડા......સમયમાં.........આપણું.....
ઘર .......શેઠ..... જોજેને....."
દયાએ ઝૂકીને તેની આંખો ચૂમી લીધી."દયા મને માફ કર. તું રાંક જેવી, બીજી કોઈ હોત તો
ક્યારની .....મને....".
"એવું ન બોલો મારા નાથ".તમને કઈ નહીં થાય
હું બેઠી છું 'ને,માં ચામુંડા નું નામ લો.".દયા હિબકે
ચડી. "આ છોકરાઓ સામે જુઓ, નીંદરમા પણ
કેવા હરખાય છે. અને કાલ તમે આવશો ત્યારે .
પપ્પા પપ્પા કરતા સામે દોડશે.".

કણસતા અરવિંદે પડખું ફેરવ્યું,તેના પગ ટૂંટિયું
વળી ગયા.

" નથી રહેવાતું ?વ્હાલા, થોડું પી આવોને".
"દયા હવે મોત આવે તો પણ નથી પીવો."
બને આંશુ. સારતા રહ્યા.

"દયા હવેતો તને પીવી છે, જિંદગીભર."
દયા જોશ થી તેની સોળ માં સમાઈ ગઈ.

-----------------------પુર્ણ---------------------


"પ્લીઝ, પસંદ આવી હોય તો like કરજો."