કૂખ
લઘુ નવલકથા
રાઘવજી માધડ
પ્રકરણ : ૩
અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના કેમેરામાં દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી.
-પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ફાગણની ફટકેલી ફોરમ વછૂટતી હતી...ને એવું તો કેટકેટલું !
. પ્રકાશ ધડાકાભેર કહી દે તેમ હતો : ‘આ...એ અંજુ નથી’
પણ હકીકત હતી.અંજુ સામે ઊભી મરક મરક હસતી હતી.તેણે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં.વાળ છુટ્ટા હતા.કાળા-સિલ્કી વાળ વચ્ચે ચહેરો વધુ ગોરો અને આકર્ષક લાગતો હતો.આમતો પાકેલ પપૈયા જેવા ઉષ્ણ ચહેરાનો નાક-નકશો જ નહી શરીરની સમગ્ર ભૂગોળ જ બદલાઇ ગઇ હતી. તેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતાં ! પાછી ઊભી હતી મોલના સ્ટેચ્યુ પાસે...તે અદલ સ્ટેચ્યુ જ લાગે !
પણ તે ઊંચો હાથ કરીને ખાસ લહેકાથી બોલી : ‘હલ્લો પ્રકાશ !’
પ્રકાશના કાન એ જુના ને જાણીતા ટહુકાથી સભર થઇ ગયા.હા,સ્વરમાં થોડી ઘટ્ટતા હતી ને ઉચ્ચાર પહોળો થયો હતો. પણ મીઠાશમાં કોઈ ફેર પડ્યો નહોતો. આટલું અંજુની ઓળખ માટે પૂરતું હતું.
પ્રકાશ સહેજ ઝડપથી અંજુની લગોલગ આવી,તેનો હાથ પકડી લીધો.
-કશું જ ન બોલ્યાં...એકબીજા સામે જોતાં રહ્યાં. આંખો જ વાતો કરતી હતી અને વિશેષમાં હથેળીનો સ્પર્શ સંવાદ રચતો હતો.પછી સાથે સાથે ચાલતાં એક જગ્યાએ આવી ને બેઠાં. હજુ એમ જ મૌન જળવાઈ રહ્યું હતું. વાતની શરૂઆત ક્યાંથી કરવી એ મૂંઝવણ હતી.
વળી પ્રકાશના મન પર શોભના સવાર થઇ હતી.તે વારંવાર વચ્ચે આવી જતી હતી. પ્રકાશ જયારે જયારે મોબાઈલમાં અંજુ સાથે વાત કરતો ત્યારે તે સામે જોયા કરતી હતી.તેમાં શંકા હતી કે પછી સ્ત્રી સહજ સ્વભાવ...પ્રકાશ માટે કળવું મુશ્કેલ હતું.અંજુ ઇન્ડિયા આવે છે,તેનાં પ્રશ્ન માટે મને મળવાની છે...આ બધું શોભનાને કહેવું, જણાવી દેવું...પણ માંડી વળેલું. તેને શું કરવા કહેવું ? શું જરૂર છે ? તેવા સવાલે અટકી તેનાંથી છટકી ગયો હતો.
અંજુએ જયારે પૂછ્યું હતું, આપણે ક્યાં મળીશું...પ્રકાશ અવઢવમાં મૂકાઇ ગયો હતો. ઘરે મળવું કે પછી કોઈ અન્ય જગ્યાએ. વળી પાછો તેનાં વિશેનો જે ઇમેઈલ આવ્યો હતો તે પણ પ્રશ્ન હતો. સામે ચાલીને આફત શું કરવા વહોરવી ?
બંનેએ મળવું એ નક્કી હતું. પણ કયા સ્થળે મળવું એ સવાલ હતો. ઘરે બોલાવવામાં...પડોશી કહે : ‘કોઈ લેડીઝને ઘરે બોલાવી...’પોતે જ પ્રશ્ન કરતો અને ઉત્તર પણ પોતે જ વાળતો :‘વાંઢા વિલાસના આ પ્રશ્નો છે. નહિતર તો...’
પણ પછી પડશે એવા દેવાશે...આમ સ્વીકારી અંજુને મળવાના સ્થળ-સમય નક્કી કરી લીધા હતા.
‘પ્રકાશ..’અંજુ સહેજ કોણી દબાવીને બોલી:‘કઈ દુનિયામાં છો...?’પણ તેની નીજી જિંદગીમાં ચંચૂ પાત ન કરવો જોઈએ એમ સમજી વાતને વાળી લેવાના ઈરાદે આગળ બોલી :‘મૂંગા જ બેસી રહેવું છે..!’
પ્રકાશ માત્ર મોઘમ હસ્યો. સવાલ બંનેને લાગુ પડતો હતો.
પછી મૂળ વાત પર આવતાં કહે :‘તું જાણે છે કે, તારા પાસે એક કામ લઈને આવી છું...’
માત્ર મૌનથી ચલાવવું હોય અથવા આંખો દ્વારા હા કહેવી હોય એમ સંમતીપૂર્વક પ્રકાશ અંજુ સામે જોતો રહ્યો.અંજુ કહે:‘મારી અપેક્ષા છે તું આ કામમાં મને મદદ કરે.’ પ્રતિસાદની અપેક્ષાએ ક્ષણભર પ્રકાશના ચહેરાને ફંફોસી લીધો. કોઈ નકાર ભાવ ન દેખાયો. તેથી આગળ બોલી :‘મારે હસબન્ડ અને પણ કામચલાઉ કે ખાલી કહેવા પૂરતો જોઈએ છે તે હકીકત છે.’
પ્રકાશ આંખો તાણી ટટ્ટાર થઇ ગયો.તેને હતું કે અંજુ રૂબરૂ મળશે ત્યારે આવું અજૂગતું નહી બોલે. કંઈ નહીતો બે આંખોની શરમ નડશે.પણ બોલી ગઇ હતી.તેનાં બોલવામાં જરાય ક્ષોભ, સંકોચ નહોતો.
-સ્ત્રી અને એ પણ ગામડાંની સ્ત્રી...બને ત્યાં સુધી પતિનું નામ પણ બોલતી નથી.તેનાં સામે...કામ ચલાઉ પતિની વાત કરે છે !
‘તને નવાઇ લાગી હશે !’અંજુ સહેજ હસીને બોલી:‘મારાં માટે વર એ વસ્તુથી વધારે કશું જ નથી. તેને ગમે ત્યારે ખરીદી શકાય !’
પ્રકાશ મોં વકાસી અંજુ સામે જોતો રહ્યો. ઘડીભર તો થયું કે અંજુ નહી પણ બીજું કોઈ અથવા તેનું ભૂત બોલી રહ્યું કે બોલી ગયું છે.કોઈ અજાણ્યા માણસની જેમ જોતો રહ્યો. સામે અંજુ પણ પ્રકાશના બદલાતા મનોભાવને પામવાની મથામણમાં હતી.
-આવું હું શું કરવા બોલી અથવા બોલવું પડ્યું...
પ્રકાશે આંખનું મટકું માર્યું. તેનાં મનમાં ફરતું ચક્ર દિશા બદલી, પાછું ફરવા લાગ્યું.
-તને આ અંજુ પર વિશ્વાસ નથી...
‘છે ને...’ સામે અંજુ અબોલ હતી છતાંય યંત્ર માફક બોલી ગયો. અંજુને હસવું આવ્યું.
પણ તેનાં હાસ્ય પછવાડે છુપાયેલી વ્યથા દર્દનો દસ્તાવેજ લઇને ડોકાઈ રહી હતી. જે પ્રકાશની ચકોર દ્રષ્ટિમાં કેદ થયા વગર રહી નહી.
‘જેમાં માત્ર કાર્ય પૂર્ણ કરવાનો કે નીપટાવાનો જ ઉદેશ્ય હોય,લાગણી-સંવેદના દાખવ્યા વગર સોદો કરવાનો હોય તેને ખરીદવા જેવું જ કહેવાય ને !?’
‘સાવ એવું નથી. વસ્તુ સાથે પણ પ્રેમ અને મમતા જોડાઈ જતી હોય છે.’ પ્રકાશે કહ્યું : ‘ગામડે નવું મકાન બનાવવાનું થયું ત્યારે ઘણી ઘરવખરી વેચવા કાઢી હતી. ત્યારે બા એ લાકડાની કોતરણી વાળી હાથ ઘંટી-એન્ટિકપીસ- કાઢવા દીધી નહોતી. ને કહ્યું હતું, હું પરણીને આવી ત્યારે આ ઘંટીએ અનાજ દળ્યું હતું !’
અંજુ સઘળું જાણતી, સમજતી હોવા છતાં પ્રકાશના કહેવા પર મન મારીને પણ અબોલ રહી.
‘ક્યારેક જણસ પણ જીવરોખી બની જતી હોય છે.’ પ્રકાશ આગળ ન બોલ્યો.તેણે અંજુના મનોભાવને પામી લીધા હતા. બદલાતા ભાવ વાદળની છાયા જેમ પસાર થતા હતા.
‘મારા ભાઈ ! યુગ બદલાયો, પરિમાણો બદલાયા...ને દરેક બાબતને લાગણી ત્રાજવાથી તોળી ન શકાય.’ પોતાના જ જવાબે પ્રકાશ ઢીલો પડી ગયો.
આ બાજુ અંજુને થયું કે,હવે વાતને લાંબી ખેંચવામાં સાર નથી. ખોટા અર્થો-અનર્થો ઊભા થાય તેનાં કરતા સીધુંને સટ કહી દેવું યોગ્ય લાગે છે.તેથી મૂળ મુદ્દા પર આવીને બોલી :‘જો પ્રકાશ...મારે માત્ર ઇન્ડિયા પૂરતો જ પતિ જોઈએ છે, ઓન પેપર.’પછી એકાદ ક્ષણ પ્રકાશ સામે જોઇને સીધું કહી જ દીધું :‘તું બને તો પણ ચાલે !’
પ્રકાશે સાંભળ્યું અણસાંભળ્યું કર્યું.કાન પર વિશ્વાસ બેઠો નહી.પણ અંજુ કહ્યું હતું તે હકીકત હતી. તેથી સહેજ તણાઇને કહ્યું : ‘શું કહ્યું...હું તારો ભાડૂતી બનું ?’
‘તો કાયમી પતિ બનવાની ઈચ્છા છે !’ કહી અંજુ હસવા લાગી.
પ્રકાશને ગમ્યું નહી. તેની અવગણતા થઇ હોય એવું લાગ્યું. ઘણી સ્ત્રીઓએ આમ જ અવગણતા કરી, પસંદ કર્યો નથી. ક્યાંક પોતાની પસંદગીમાં સફળ નથી થયો. પોતાની સ્થિતિના લીધે થોડું આકરું લાગ્યું.
અંજુ સમજી ગઇ.તેથી હળવાશપૂર્વક બોલી :‘ખરાં અર્થમાં પતિ-પત્ની બની ન શક્યાં તો ખોટા ખોટા પણ...રીયલ નહી તો રીલમાં..!’
પ્રકાશ હજુ પણ ગંભીર જ હતો. તેનું મોં ચઢી ગયું હતું. તે જોઈ અંજુ બોલી :‘હજુ પણ લજામણીના છોડ જેવો જ છો...?’ કહી વાંસામાં ધબ્બો માર્યો. મહાપ્રયાસે હસ્યો.
‘તને ઠીક લાગે તે....કોઈ બળજબરી નથી.’અંજુ ગંભીરતાથી બોલી :‘તારા પર વિશ્વાસના લીધે કહી રહી છું.’
પ્રકાશને થયું કે આ સ્ત્રી આટલું બધું મનમાં સંઘરી ને બેઠી છે ? પતિ-પત્ની બનવાના સમણાં છે !
બંને બેઠાં હતાં તે આખો મોલ સેન્ટ્રલ એ.સી.હોવા છતાં ગરમાવો અનુભવાતો હતો. અકળામણ થતી હતી તે બહારની નહી પણ અંદરની હતી.
પ્રકાશે એક નવી નજરે અંજુ સામે ટગર ટગર જોવા લાગ્યો. અંજુને પણ આ નવી નજરનો થયો. ગમ્યું. થોડી સંકોરાઇ પણ ખરી. પછી ધીમા ને ભાવ નીતરતા સ્વરે બોલી : ‘કલ્પના પણ ન્હોતી ને !’
‘ના...’ પ્રકાશ બોલ્યો : ‘સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. તું આપણે...’
ભાવભીની ભોં પર લપસી રહેલી પોતાની જાતને સંભાળતા એકદમ સજાગ થઇ ગઈ. આમ લપસ્યા પછીની પારાવાર પીડા ભોગવી છે. યાદ માત્રથી કંપારી વછૂટી જાય છે.
‘શું હતું તેનાં કરતા અત્યારે શું છે...તે અગત્યનું છે.’અંજુ સહેજ ઊંચા ને બદલાયેલા અવાજે બોલી : ‘ભૂતકાળને પ્લાસ્ટિકની પીપરમેન્ટ જેમ ચગળતા રહેવાનો કોઈ અર્થ નથી.’
પ્રકાશ અબોલ પણે અંજુ સામે જોતો રહ્યો.
‘મને તારી બધી જ ખબર છે.’અંજુ તણાઈને બોલી:‘મારે કોઈ એક બાળક દત્તક લેવું છે.તેમાં પતિની જરૂર પડે છે.તારે પતિનો રોલ ભજવવાનો છે. હા, આ માટે નિયમ અનુસાર મેરેજ રજિસ્ટર્ડ કરવાના થતા હોય તો કરાવી લઈએ.’
પ્રકાશે માથું ધુણાવ્યું. પણ તેમાં હા કે ના એવું કશું સ્પષ્ટ થતું નહોતું.
‘બસ, તારા પાસે એટલા સુખની અપેક્ષા છે.’ આટલું કહ્યા પછી અંજુ ગદગદિત થઇ ગઇ હતી. તે આંખોમાં ધસી આવતા આંસુને રોકવાનો પ્રયાસ કરવા લાગી.
‘અને એ પણ ઓન પેપર !’
પ્રકાશ ચોંક્યો ને બોલ્યો : ‘ઓન પેપર !?’
પ્રકાશને અંજુના કહેવાનો અર્થ બરાબર સમજાયો નહી. અંજુના એક જ વિધાનમાં જીવનની રામા યણનો જાણે સઘળો સાર સમાયેલો હતો. તેમાં મહાભારતની કથા પણ આવી જતી હતી. ક્યારેક થતું કે શું છે આ જિંદગીનો અર્થ ? અથવા જિંદગી એટલે શું ?
-ક્ષણો સરવાળો વરસો બની ને ઊભો રહે...કદાચ વરસોનું આયોજન ક્ષણમાં સમાપ્ત થઇ જાય. છતાંય આયોજન તો એવું કે જાણે હજારો વર્ષ જીવવાના હોઈએ !
વરસાદના ઝાપટા પછી સૂકાયેલા ઠૂંઠામાં એકાદ કૂંપળ ફૂટે એમ પ્રકાશના મનમાં થયું. તે બહુ નજીવા સમયમાં લીલોછમ થઇ ગયો. અંતરથી ને અંદરથી સારું લાગવા માંડ્યું. ઘડીભરતો મનમાં મલકાતો સારેબાજુ જોવા લાગ્યો. જગત જાણે સારું ને પ્યારું બની ગયું !
અંજુએ કોણીનો ઠોંસો મારીને કહ્યું : ‘પ્રકાશ...!’
બસ ક્ષણભર યથાવત રહ્યો પાછો મૌન બની જાત સાથે સંવાદ કરવા લાગ્યો.
આ સ્ત્રી છેક પરદેશથી અહીં મારા પાસે આવી છે. આવતા પૂર્વે જ મને મળવાનું નક્કી કરી લીધું હશે ...મારા તેને પૂરતો વિશ્વાસ હશે કે પ્રકાશ પોતાના કાર્યમાં મદદ કરશે...ત્યાં જાણે સામેથી કોઈ બોલી ઉઠ્યું : ‘આ જિંદગીનો અર્થ. કોઈ તમારા પર ભરોસો મૂકી શકે !’
અને કોઈ ભલેને કહે:માત્ર લાગણીથી જગત ચાલતું નથી. પણ હું કહું છું ચાલે છે.તું મારા સુધી આવી...તેને શું કહીશું ? નહિતર તો તું જે બીજી ભાષામાં ખરીદવાનું બોલી તે ત્યાં પરદેશમાં ક્યાં નથી શકતું ? અને આ દેશમાં પણ...
ત્યાં અંજુ હળવેકથી ઊભી થઇ. તેને પ્રકાશ પાસે હોવા છતાં દૂર હોય એવું લાગ્યું. છતાંય કળાવા દીધું નહી. પણ ઘડિયાળમાં જોઈ લીધું. પછી થોડી અકળામણ અને કૃત્રિમ રોષ સાથે બોલી : ‘તું મને જવાબ તો આપ..’ પ્રકાશે એકદમ અંજુ સામે જોયું. ત્યાં તે બોલી : ‘પ્લીઝ....’
સાલું...સોરી, થેન્કસ, પ્લીઝ...જેવા શબ્દો કયારે આવશે મારી ડીક્ષનરીમાં !
‘શેનો જવાબ !?’
‘આઈમીન...હું જે પર્પઝથી આવી છું તેનો...’
‘મેડમ !’ પ્રકાશ સ્વર બદલીને બોલ્યો : ‘આપ શું સાંભળવા માગો છો ?’
‘પ્લીઝ...પ્રકાશ !’ અંજુ અણસમજુ છોકરી જેમ સહેજ ઊછળી, પગ પછાડીને બોલી : ‘તું હસવામાં ન લઇ જા અને મને જવાબ આપ એટલે...’
‘નહિતર...’ પ્રકાશે રમતિયાળ નજરે અંજુ સામે જોયું અને કહ્યું :‘હું બીજે ચાલી જઈશ...!’
‘પ્રકાશ...!’અંજુથી ચિત્કારી જવાયું:‘મોંએ આવી ગયું કે તું શું સમજે છે મને...હું કોઈ....’પણ મન મારીને બોલી : ‘ના બાબા ના...’
ક્યાંક હસવામાંથી ખસવું થઇ જાય...વાત વણસે એ પહેલા જ વાળી લેતા પ્રકાશે કહ્યું :‘મારા પર વિશ્વાસ રાખીને આવી...ઘણું થઇ ગયું. તેમાં હવે મારે હા સિવાય શું જવાબ આપવાનો હોય !’
અંજુ કશું બોલ્યા વગર,આનંદને અભિવ્યક્ત કરવા તે પ્રકાશ તરફ ઢળી...તેનાં લાંબા ને ખુલ્લા વાળનો જથ્થો પ્રકાશના મોં પર પડ્યો ને પથરાયો.પછી સાવ ઉરાઉર જઇ ચુંબન કરવાના ઈરાદે હોઠ આગળ કર મોં લંબાવ્યું...પણ બંનેના હોઠ એક થાય તે પહેલા ઝટકા સાથે એક ડગલું પાછી હટી ગઇ...
પ્રકાશતો કશું સમજી શક્યો નહોતો. તેનેતો ફળફળતા શ્વાસની અસર અભડાવી ગઇ હતી.
પણ એકાએક ખ્યાલ આવી ગયો કે આ દેશ છે, ઇન્ડિયા છે, પરદેશ નથી.
આમ તો પ્રકાશ માટે આ સ્થિતિ જ વણકલ્પી હતી.અંજુનું આમ ઝૂકવું,તેનાં રેશમી વાળનો ગાલ પર સ્પર્શ થવો. શ્વાસનું લંબાવું...નવતર ને અદભૂત અનુભૂતિ.
પણ ક્ષણોમાં સભાન થઇ ગયાં. કોઈ જોતું કે જોઈ તો નથી ગયું ને ? પણ કોઈને પડી નહોતી આમ જોવાની. સૌ સૌનામાં વ્યસ્ત હતા. કોઈ શોપીંગ કરતાં હતાં, કોઈ ફરતાં હતાં ને કોઈ બેઠાં હતાં...
બંને એમ જ ઊભાં રહ્યાં. શરીર તાણી એકબીજા સામે ભીની નજરે જોતાં રહ્યાં.અંજુના હોઠ પર
ઉગેલો તલસાટ હજુ શમ્યો નહોતો. પણ ચચરતો હતો તેથી બોલી :‘પ્રકાશ ! આ મારાં આનંદની અભિવ્યક્તિ હતી.બટ નેચરલ...તેમાં કોઈ બીજી બાબત નહોતી.એટલે ગેરસમજ...’તે આગળ બોલી શકી નહી.પણ પ્રકાશ સામે તગતગતી નજરે જોઈ રહી. જાણે વરસો પહેલા જોતી હતી તેમ....
‘અંજુ !’ પ્રકાશ એકદમ ઉરાઉર જઇને બોલ્યો :‘હું એટલું જ કહી શકું કે,શ્વાસ અને વિશ્વાસની વચ્ચે જીવે છે આ જગત.’
અંજુ નમણું ને લપસણું મરકલું કરીને આગળ ચાલી.પ્રકાશ તેની પાછળ દોરાયો.બંને એક આઈ સ્ક્રીમ પાર્લર પાસે આવીને ઊભાં રહ્યાં. સેલ્ફ સર્વિસને અનુસર્યા.પછી આઈસ્ક્રીમ કપ હાથમાં લઈ અંજુ બોલી : ‘ત્યાં મોટાભાગનો બિઝનેસ આમ સેલ્ફ સર્વિસથી ચાલે છે.હોટલમાં બેઠા પછી પાણી આવે, ઓર્ડર આપો... એવું કશું જ નહી.ત્યાં કોઈના માટે કામ નાનું છે,મોટું છે એવો સવાલ જ નથી.એટલે કોઈ કામ કરવામાં નાનપ નથી.’
‘ત્યાં પરદેશમાં ગયા પછી બધું સમજે છે પણ અહીં એમ કરતાં, સમજતાં નથી ને !’પ્રકાશના અવા જમાં થોડો આક્રોશ ભળી ગયો.
‘સમય સમજાવશે.’ અંજુએ જાણે અનુભવવાણી ઉચ્ચારી : ‘સમય ભલભલાને સઘળું સમજાવી દેતો હોય છે.’
‘હા...હા...એ તો છે જ ને !’
થોડીવાર બંને અબોલ રહ્યાં. આઈસ્ક્રીમ આરોગતાં આરોગતાં મોલ કલ્ચરનું નિરીક્ષણ કરતાં રહ્યાં. લોકો, લોકોની સ્ટાઇલ, શોપીંગ કરવાની પદ્ધતિ...અને આ આખો પરિવેશ આધુનિક હતો. બદલાતા સમયની માંગ સાથેની ઉઘડતી ઓળખ હતી. જે અંજુએ બરાબર નોધ્યું હતું. એક પ્રકારની નિરાંત પણ થઇ. પોતે જે કામ માટે આવી છે તે હવે સ્વીકાર્ય બને એવું લાગે છે. જગત ઝડપથી બદલાઇ ગયું છે. લોકો શું કહેશે...એવું લગભગ રહ્યું એવું લાગતું નથી. અરે...ત્યાં જેવું જ...કોઈને કોઈની પડી નથી લગતી.
‘આ વેસ્ટર્ન કલ્ચરની નકલ જ છે ને !?’
‘નકલ ભલે ને કરે પણ થોડી અક્કલ વાપરીને કરે તો ક્યાં વાંધો છે.’ પ્રકાશ સાવ કારણ વગરનો બળાપો ઠાલવતા બોલ્યો:‘આંધળું અનુકરણ જ છે.ગામડે જા ત્યારે ત્યાંની રીતભાત ખાસ જોજ્યે.એ સીમમાં ભાત દેવા જાય ત્યાં પણ ગાઉન પહેરે છે...!’
‘કોણ ? પુરુષો....’
‘ના, હવે... પુરુષો થોડા પહેરે !’ પ્રકાશ મોં બગડતા બોલ્યો.
અંજુ પ્રકાશ સામે જોઈ મર્માળુ હસી.તેની નજરમાં પુરુષોની માનસિકતા પ્રત્યેનો નર્યો ધિક્કારતો નહી પણ સુગ ઉભરાતી હતી.
‘સ્ત્રીઓ જ પહેરે છે ને !’ અંજુ બોલી : ‘કેટલું કમ્ફર્ટેબલ રહે...’
‘અરે પણ સીમમાં ભતવારી થાય ત્યાંય...’પ્રકાશ કહે:‘ભતવારીતો કેવી હોય...પવનમાં ભાતીગળ ચુંદડી ફગફગતી હોય, ઘેરદાર ઘાઘરો લહેરાતો હોય...ને ખેતર વચ્ચે જાણે નરવા ને ગરવા રૂપની માલિકણ પસાર થઇ રહી હોય !’
‘બસ...બસ...હવે...’અંજુ પ્રકાશને આગળ બોલતો અટકાવીને સ્ત્રી સહજ આક્રોશ સાથે બોલી:‘તારા મનમાં હજુય એક રમણી રમે છે...પુરુષોના ભોગ-વિલાસનું સાધન કે જે જોવું ગમે...ભોગવવું ગમે...’
પ્રકાશ અંજુનો આક્રોશ ખાસ સમજ્યો ન હોય તેમ ખુલ્લા મને હસવા લાગ્યો.
‘મને લાગે છે કે, આપણા પાસે આ સિવાય ઘણાં વિષયો છે વાત કરવાના.’
થોડા ભાર સાથે અબોલપણે બંને મોલમાં ટહેલવા લાગ્યા. આમ સાથે ચાલવું,પડખે-પડખે રહીને નવતર માહોલને નિહાળવાનો આનંદ મનને ભરી રહ્યો હતો.
‘અંજુ !’પછી એકાએક યાદ આવ્યું હોય એમ સામે ફરીને પ્રકાશે કહ્યું:‘તું ત્યાં શું કરે છે, તારી જોબ...’
અંજુએ કહ્યું : ‘હું ત્યાં હોમ અપાવવાનું કામ કરું છું.’
‘મકાન દલાલ !’
‘હા, એવું જ..’અંજુએ આગળ કહ્યું :‘મારા મોટાભાગના કસ્ટમર્સ દેશી છે - ઓલ આર ઇન્ડિયન્સ...’
‘તારે પોતાનું ઘર છે ?’
‘હા...’ પછી કહે : ‘ઘર છે પણ વર નથી.’
‘તો..તો...આપણે બંને સરખાં...’પ્રકાશ હરખાઈ ઊઠ્યો.અને હાથ ઉલાળી,તાળી પાડીને બોલ્યો: ‘આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા !’
પ્રકાશનું આમ બોલવું અને બોલવા સાથેની ચેષ્ટા અંજુને ઠીક ન લાગી. પ્રતિક્રિયાના પડઘારૂપે સામે બોલાઇ ગયું :‘આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા !’તે વેળા અંજુના સફેદાઈ ગયેલા ચહેરા પર કાળા સળ ઊપસી આવ્યા.આંખો સહેજ ઊંડી ઊતરી ગઇ.નાકનું ટેરવું ચઢીને લાલચટ્ટાક થઇ ગયું. હ્રદયમાં જાણે ઊભો ચીરો પડ્યો.ચીરામાંથી વેદના નીતારતું લોહી ઝમવા લાગ્યું. તેનાંથી મનોમન બોલાઇ ગયું:‘એક સ્ત્રીની વેદના, પુરુષ તરીકે તને નહી સમજાય...’
વળી પાછું બંને વચ્ચે મૌન છવાઇ ગયું. કેટલોક સમય એમ જ પસાર થઇ ગયો.
ત્યાં પ્રકાશને એકાએક યાદ આવી ગયું હોય એમ અંજુ સામે જોઈને પૂછ્યું :‘તું અહીંથી ગઇ ત્યારે તો પરણીને ગઇ હતી ને !’
પ્રકાશના આવા સવાલ સામે અંજુને હસવું કે રડવું એ સમજાયું નહી. તે અબોલ રહી એમ પગ ઉપાડતી રહી.
પોતાના સવાલ જવાબ માત્ર મૌનથી મળ્યો તેમાં ઘણું આવી જતું હતું. આગળ પૂછવા જેવું ન લાગ્યું તેથી પ્રકાશ પણ મૌન રહ્યો.આ વેળા તેને એકવાત સમજાય કે કારણ વગર કશું પૂછવું નહી. દરેકને પોતાનું જીવન હોય. તેમાં પડપૂછ શું કરવા કરવી ?
વળી અંજુ હવે એનઆરઆઇ છે...ત્યાં શું હોય, શું ન હોય....ત્યાં પાછો મનમાં છણકો આવ્યો. કોઈ યુવાનનો મેસેજ આવ્યો હતો, અંકલ આંટીને મદદ ન કરશો...
સાલું પૂછવું તો પડે જ...
‘તો પણ પૂછી લેને ?’ પ્રકાશ એકદમ ઊભો રહી ગયો. ‘કોણે આમ કહ્યું...?’
પ્રકાશની આંતરિક ઉથલપાથલ તેની બાહ્યક્રિયા પર અસર કરી ગઇ. શરીર થથરી ગયું હતું ને ચાલ ખોડંગાઇ હતી. સાલ પડખે ચાલતી અંજુ સાથે અથડાઇ જવાયું હતું. ને કાચના વાસણ અથડાયા હોય એવો તીણો રવ, તનના રૂંવે રૂંવે પ્રસરી ગયો હતો. એકદમ સભાન થઇ સહેજ આઘો ખસી ગયો હતો.
અંજુથી કશું અજાણ્યું ન રહ્યું. તેને પ્રકાશના આવા વર્તન પર હસવું આવ્યું. પણ તેણે આ કિસ્સો એકબાજુ હડસેલી દીધો. પછી મૌનનું અભેદ્ય કવચ તોડતી હોય એમ બોલી : પ્રકાશ..બધું જ છે ત્યાં...’
પ્રકાશ ઊભો રહી, પ્રશ્નાર્થભરી નજર તાકીને અંજુ સામે જોઈ રહ્યો.
‘ભૌતિક સુખ-સગવડનાં અનેક સાધનો છે ત્યાં છે.’
પછી કશાય ક્ષોભ વગર બોલી ગઇ : ‘શરીરસુખ માટેના સાધનો પણ છે.’
પ્રકાશથી હલબલી જવાયું. તેનાથી બોલાઇ જ ગયું : ‘એવા સાધનો...!!?’
સામે જરાય અચરજ અનુભવ્યા વગર અંજુએ પોતાનું કહેવું ચાલું જ રાખ્યું : ‘લોકો જીવે છે, જીવનને ભરપેટ માણે છે. મેં પણ માણવાનો પ્રયાસ કર્યો છે. અવેલેબલ સગવડોનો ટેસ્ટ કરી લીધો છે !’
પ્રકાશે પરદેશ વિશેની વાતો સાંભળી હતી.પણ તેમાં કેટલું તથ્ય હોય...એ અનુભવ્યા વગર નક્કી ન થાય. પણ અંજુ દ્વારા જે વ્યક્ત થતું હતું તેમાં તથ્યતા તપાસવા જેવું લાગતું નહોતું.સાચું જ હોય એમ માની મૂકપ્રક્ષેક બની રહ્યો. નવાઇ લાગતી હતી અને સાથે સંભાળવું ગમતું પણ હતું. વચ્ચે વચ્ચે એ અભાવ પણ ઉછાળો મારી જતો હતો કે, પોતે આવા સુખથી ખરેખર વંચિત છે !
‘ટેસ્ટ કરી લીધો એનો અર્થ કશું વેસ્ટ નથી જવા દીધું !’ પણ વિષયની ગંભીરતા સમજી તે બોલ રહ્યો. અને આમ પણ અંજુ ધીમે ધીમે ઊઘડતી જતી હતી. તેનો માંહ્યલો મૂંઝારો બહાર આવી રહ્યો હતો. તેથી વચ્ચે બોલી તેને અટકાવવી નહોતી.
‘પણ અંતે તો...’
‘અંતે તો...?’ કોઈ અંદર અટવાયેલો પદાર્થ બહાર લાવવા હળવી ટપલી મારવી પડે એવું પ્રકાશે આમ કહીને કર્યું. તેની ધારી અસર થઇ.
‘એકને એક દિવસ ઉબકાઈ જવાતું હોય છે...’ અંજુ સહેજ મોં બગાડીને બોલી : ‘માણી, માણીને તમે કેટલુંક માણો...ઊબકા આવે !’
‘શેના ઊબકા આવે !?’ પ્રકાશના હોઠે આવીને લટકી પડ્યું : ‘અહીં તો ભૂખે ભરડા લઇએ છીએ !’
પ્રકાશે વળી નજરની છાલક અંજુ પર નાખી. અંજુને પોતાની વાતને પુષ્ટિ મળી હોય એવું લાગ્યું.
તેથી આગળ બોલી : ‘આ..આ..કદાચ મને એકલીને પણ લાગુ પડતું હોય, બધાને નહી...ત્યાં તો લોકો જીવે છે, મન ભરીને જીવે છે...’
‘હેં મેડમ, આ જીવવું એટલે શું એ મને સમજાવશો...’ આવું પૂછવું માંડી વાળી કોઈ નાટકનો સંવાદ બોલતો હોય એમ અભિનય સાથે બોલ્યો : ‘એકઝેટલી રાઈટ....તમે સાચાં છો મેડમ !’
અંજુ રીતસરની ડઘાઈ ગઇ. પ્રકાશના એકાએક પલટાયેલા વાતાવરણ માફક આમ બોલવું....તેણે ચીસ નાખતા હોય એમ પૂછ્યું : ‘પણ શું !?’
સામે પ્રકાશને પણ હતું, ‘પણ શું...’ જાણે સમજ્યા વગર જ ચલાવ્યે રાખ્યું હોય !
મોલની બહાર નીકળ્યા એટલે ગરમીનો અનુભવ થયો.શરીરે પરસેવો વળવા લાગ્યો. કશાય નિર્ણય, ઉદેશ્ય વગર રોડ પર ચાલતાં રહ્યાં. ટ્રાફિક હતો. ખાસ કરીને બાઈક સવાર અને ઓટો રીક્ષાવાળા ઘસાઇને પસાર થઇ રહ્યા હતા.કાર્બન, કર્કશ અવાજ અને માથે તપતો તાપ...વળી,પરસેવાના રેગાડા છેક અંદરના વસ્ત્રો સુધી પ્રસરવા લાગ્યા હતા.વરસો પહેલા રાજકોટની બજારોમાં આમ પગપાળા કેટલુંય ચાલ્યાં હતાં. ખિસ્સામાં કશું નહોતું પણ હૈયામાં સપના ભર્યા હતા.પગમાં સસ્તા સ્લીપર હતા પણ મોંઘામૂલની હોંશ ભરી હતી. સાથે ચાલતા કોઈ ભાળી જશે તેનો છૂપો ડર હતો એમ, જે ને જે કહેવું – કરવું હોય એ કરી લે...કોઈને ડર નથી આમને...એવો યુવાનીનો જુસ્સો હતો. જોવા બેસે તો આજ જેવું કશું નહોતું...છતાંય આખું આકાશ મારી પાંખમાં એમ બધું જ હોય એવો આનંદ ને ઉત્સાહ હતો.
અત્યારે...અંજુના પગ અટકી ગયા. તેણે ઊભા રહી પ્રકાશ સામે જોયું...
‘તાપ લાગતો હોય તો રીક્ષામાં...’
અંજુ થોડા ગુસ્સા સાથે પાછી ચાલવા લાગી. તેને કહેવું હતું :‘સાથે ચાલવાનો તને કશો આનંદ નથી આવતો તે તાપની વાત કરે છે ? ટાઢ – તડકો વેઠીને તો મોટા થયા છીએ !’
વળી ઊભા રહીને પ્રકાશ સામે જોયું. પછી બોલી : ‘હું પ્રકાશને શોધું છું...’
સામે પ્રકાશને કુતૂહલ થયું. તે કોઈ બાળક જેમ બોલી ગયો :‘અરે પણ હું તારી સામેને સાથે જ છું..!’
અંજુ સહેજ મરકીને કહે : ‘ખોવાયેલા પ્રકાશને શોધું છું !’
પ્રકાશને ઝબકારો થયો. અંજુનું કહેવું સમજતા વાર ન લાગી. તેણે ઉત્તર આપતા કહી જ દીધું : ‘હુંય ઇ રાજકોટવાળી અંજુડીને ગોતું છું...’
અંજુ વેદનાને દબાવી, સ્મિત સાથે બોલી : ‘મળી જશે, શોધનારની દાનત સાચી હશે તો...’
‘હજુ નથી મળી એમ જ ને !’
વળી બંને ચલાવા લાગ્યાં. ક્યાં જવું, શું કરવું...કશું નક્કી કે પૂર્વ આયોજિત નથી.
‘રાજકોટમાં પણ આમ નીકળી પડતાંને...ન કોઈ પૂછનારું ન રાહ જોનારું...’
‘અત્યારે પણ એમ છે ને !?
દુઝતા ઘાવ પર ઠોકર વાગી હોય એવું અંજુ માટે થયું. પીડા ઉમટી. પીડાના લીધે મોં બગડી ગયું. તે બોલી :‘એ જતો સળગતો સવાલ છે, ઘેર કોઈ રાહ જોનારું નથી...’
પ્રકાશના પગ ખોડાઈ ગયા. હૈયું ધબકારો ચૂકી ગયું...તે કશું જ બોલી શક્યો નહી. પણ પીડા સરખી જ છે તેની સાબિતીનો સવાલ રહ્યો નહોતો. અંજુ પ્રત્યેનો ભાવ, ધારણા પળવારમાં પલટાઈ ગઇ.
એક ગાર્ડનમાં આવીને પાછાં બેઠાં.ગાર્ડન નવ વિકસિત હતો તેથી બેસવું ગમે એવું હતું.ખાસતો ઘટ્ટા દાર ઝાડનો છાંયો તન-મનને રાહત આપનારો હતો.
પછી અંજુએ પેટછૂટી વાત કરતાં કહ્યું :‘અઢળક કમાણી છે,પુષ્કળ પૈસા છે...પણ પૈસાથી મન ભરાતું નથી. ખરું કહું તો ક્યાંય ચિત ચોંટતું નથી. સારું લાગતું નથી..’
પ્રકાશ કાને ને ધ્યાને અંજુ સામે જોઈ રહ્યો. થયું કે અંજુ મારી પોતાની વાત કરે છે કે....
‘ખાલીપાનું એક એક રણ મારામાં વિસ્તારવા લાગ્યું છે. હું એક નહી ને એક દિવસ મરુભૂમિ જેવી થઇ જઈશ.’પછી વેદના દબાવી તેનો ઈલાજ વ્યક્ત કરતી હોય એમ આગળ બોલી:‘મારું જીવન વેરાન બની જાય એ પહેલા મારે તેમાં એક છોડ રોપવો છે,ઉછેરવો છે, આવું..’ ઊંચે ઝાડ સામે જોઇને કહે:‘ ઘટ્ટાદાર વૃક્ષ બનાવવું છે...!’
‘અને એ ઝાડના છાંયે તારે જિંદગીના પાછલા દિવસો પસાર કરવા છે !’
‘ના...’ અંજુ ઘસીને બોલી : ‘મારી એવી કોઈ અપેક્ષા નથી...’
પ્રકાશ સમસમી ગયો. તેને પોતાની વાત પાછી પડ્યાનો થોડો ચચરાટ થયો.
‘તને ખબર છે પ્રકાશ..’અંજુ બોલી:‘ત્યાં વૃદ્ધાવસ્થાની કોઈ ચિંતા જ નથી.કારણ કે બાળકોને વૃદ્ધો રાષ્ટ્રની સંપતિ ગણાય છે. તેની જવાબદારી રાષ્ટ્રની હોય છે.’
પ્રકાશે સાંભળ્યું હતું પણ આજે નક્કી થયું. તેથી સારું લાગ્યું. પ્રતિક્રિયા વગર અબોલ જ રહ્યો.
‘વૃદ્ધ ડે’નિમિતે એક ટી.વી. પ્રોગ્રામ જોયો હતો.તેમાં વૃદ્ધોની દયનીય સ્થિતિ જોઈ,હ્રદય ભરાઈ આવ્યું હતું. સાથેસાથે એક તિખારો પણ સળગ્યો હતો :‘મારી પણ આવી જ વૃદ્ધાવસ્થા હશે !’
પ્રકાશથી હલબલી જવાયું. તેનાં મોં પરની રેખાઓ પહેલા તંગ થઇ પછી એકાએક ઢીલી પડી ગઇ.
ચહેરો સાવ નખાઇ ને બદલાઇ ગયો. સામે અંજુ બારીકાઇથી જોઈ રહી હતી. તેણે તુરંત જ પૂછ્યું : ‘શું થયું પ્રકાશ ?’ પણ કશું બોલ્યા વગર મોં ફેરવી ગયો.
અંજુને થયું કે વાત કરવા જ આવી છું તે, હૈયામાં આવે તે કહી જ દેવું ને પ્રકાશતો....
‘પોતાનો છે...એમ જ ને !’ અંજુએ મનોમન હા પાડી દીધી.
‘દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે મને કોઈ ભરપેટ પ્રેમ કરે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરતો રહે...પણ આ બધી કલ્પનાઓ ને ભ્રમણાએ હોય છે.’
પ્રકાશનો ચહેરો પૂણી જેવો સફેદ થઇ ગયો હતો.મોં પર નૂર રહ્યું નહોતું. પણ અંજુનું કહેવું સાંભળીને તે તંગ ને ટટ્ટાર થઇ ગયો. ધારદાર નજરે અંજુ સામે તાકી રહ્યો. તેને એમ હતું કે, અંજુ માત્રને માત્ર મને જ કહી રહી છે. મારા સિવાય અહીં બીજું છે પણ કોણ ?
અને હું જ છું ને તે જે કહે છે તેમાં...
હવે કહેશે:‘પ્રકાશ મારા જીવનમાં એક પુરુષ છે, જેને હું ખરાં દિલથી ચાહું છું માટે તું બીજું કશું વિચારતો નહી...’ પછી મનમાં જ કહે :‘હું કશું જ વિચારતો નથી, મારે વિચારવું પણ નથી...આતો તું સામેથી આવી એટલે...’
‘કોઈએ કહ્યું છે: બાળક એ પ્રભુએ પૃથ્વી પર લખેલો પ્રેમપત્ર છે. આ પત્રને મારે વાંચવો છે...બાળક ને ભરપેટ પ્રેમ કરવો છે. તેની સાથે મારે રમમાણ થઇ ખોવાઇ જવું છે.. બસ, આ કારણે અહીં આવી છું.’
પળેપળે બદલાતી સ્થિતિને પ્રકાશ જાણે સાક્ષીભાવે જોવાનો પ્રયાસ કરવા લાગ્યો.
‘તું મને મદદ કર.’
અંજુ તેની મૂળ વાત, ઉદ્દેશ્ય પર આવીને ઊભી રહી.
પ્રકાશના મનમાં ગોરમ્ભાતું આકાશ જાણે ઉરાડીને સ્વચ્છ થઇ ગયું.
પણ ત્યાં પેલો ઈમેલ યાદ આવી ગયો. અંજુએ કહ્યું હતું : ડોન્ટ વરી, ઇટ્સ માય પ્રોબ્લેમ !’
***