રુદ્ર ની પ્રેમકહાની
અધ્યાય - 15
પાતાળલોકમાં એક દિવસ એવું બને છે કે સૂર્યદંડમાંથી આવતી સૂર્યકિરણ પાતાળલોકમાં પ્રસરાતી નથી.. આમ થતાં હેરાન પરેશાન નિમલોકોને લઈને દેવદત્ત ગેબીનાથ ને મળવાં આવે છે.. ગેબીનાથ પોતાની દૈવી શક્તિથી જાણી લેશે કે હિમાલ દેશનો રાજા હિમાન સૂર્યદંડ ચોરી ગયો હોય છે.. હિમાન નાં આ કરવાં પાછળનું કારણ જાણીને સૂર્યદંડ પાછો લાવવાનાં ઉદ્દેશથી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથ ની રજા લઈ શતાયુ અને ઈશાન સાથે હિમાલ દેશ તરફ પ્રયાણ કરે છે.
કારા પર્વત પહોંચી રુદ્ર પોતાનાં સાથી મિત્રો ઈશાન અને શતાયુ સાથે હિમાલ દેશ તરફ જતાં રસ્તે પ્રયાણ કરે છે.. જેવી જ ચડાઈ પુરી કરી લીધાં બાદ એ લોકો હિમાલ દેશ તરફ જતાં રસ્તે કારા પર્વતની બીજી તરફ જતાં ઢોળાવવાળાં રસ્તે પહોંચે છે ત્યારે એમની આંખો આગળનું દ્રશ્ય જોઈને પહોળી થઈ જાય છે.
એ લોકોની નજર પહોંચે ત્યાં સુધી ફક્ત બરફ પ્રસરાયેલો હોય છે.. જાણે આ વિસ્તારે બરફની ચાદર ઓઢી લીધી હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું હોય છે.. આ સાથે એ લોકોએ એક બીજી વાત પણ નોંધી કે અત્યાર સુધીનો રસ્તો તો એમને અંધકારમાં મહાપરાણે પસાર કર્યો હતો પણ હવે અહીં પહોંચ્યાં પછી તો બધું સાફ-સાફ નજરે પડી રહ્યું હતું.. જે પાછળનું કારણ સૂર્યદંડ નો પ્રકાશ હતો જેને હિમાન ચોરી કરીને અહીં લેતો આવ્યો હતો.
"મિત્રો, આગળની યાત્રા થોડી વધુ તકલીફદાયક બનશે કેમકે આગળ નો રસ્તો ઢોળાવવાળો તો છે પણ સાથે-સાથે હિમાચ્છાદિત છે.. "શતાયુ અને ઈશાન ની તરફ ગરદન ઘુમાવી રુદ્ર બોલ્યો.
આ સાથે જ રુદ્ર એ પોતે સવાર હતો એ અશ્વ મેઘદૂત ને હાથ વડે થપકારી આગળ વધવાનો ઈશારો કર્યો એ સાથે જ મેઘદૂતે હિમાલ દેશ ની સરહદમાં પ્રવેશ કરવાં ડગ માંડ્યા.
મહા-મુશ્કેલીથી એ લોકો પર્વતનો ઢોળાવ ઉતરી નીચે સમતલ જમીન સુધી આવી પહોંચ્યાં.. હિમાલ દેશમાં મોટાં ભાગનાં વૃક્ષો અતિશય ઠંડીનાં લીધે સુકાઈ ગયાં હતાં. અને જે વધ્યાં હતાં એમાંથી પણ બધાં ઉપર બરફની ચાદર પથરાઈ ચુકી હતી.
"રુદ્ર, અહીં વસતાં લોકો માટે તો જીવન ખરેખર ત્રાસદાયક બની જતું હશે.. કેમકે આ લોકોને તો પાણી અને ખોરાક બંને મેળવવાં માટે વિકટ પરિસ્થિતિ સામે લડવું પડતું હશે.. "ઈશાન પોતાની નજર ચારે તરફ ઘુમાવતાં બોલ્યો.
ઈશાન, શતાયુ અને રુદ્ર આ સાથે જ આગળ વધતાં વધતાં હિમાલ દેશની હદમાં આવી ચુક્યાં હતાં.. એકાએક એક રાની પશુનાં ઘુરકવાનો અવાજ એ લોકોને સંભળાયો.. અવાજની દિશામાં જોઈ એ ત્રણેય કંઈપણ પ્રતિભાવ આપે એ પહેલાં તો વિશાળ કદનું એક વરુ શતાયુ પર કૂદી પડ્યું.. શતાયુ કંઈ સમજે એ પહેલાં તો એ વરુ નાં શરીર નાં વજન નાં કારણે એ પોતાનાં અશ્વ પરથી નીચે પટકાયો.
ઈશાન પોતાનાં દોસ્ત શતાયુ ની મદદ માટે અશ્વ પરથી નીચે આવ્યો અને હાથમાં તલવાર લઈને શતાયુ ની નજીક આંટા મારી રહેલાં કદાવર વરુની તરફ આગળ વધ્યો.. ઈશાન હજુ માંડ પાંચ-છ ડગલાં વધ્યો હતો ત્યાં એક તીર એનાં હાથમાં ખુંપી ગયું.. જેનાં લીધે ઈશાન નાં હાથમાંથી તલવાર છટકી ગઈ.
ઈશાન તલવાર તરફ આગળ વધે એ પહેલાં તો ત્રણ અન્ય વરુ એની અને તલવારની વચ્ચે આવીને ઉભાં રહી ગયાં.. ઈશાને પાછું વળીને જોયું તો ત્યાં પણ બે એજ કદનાં વરુ મોજુદ હતાં. રુદ્ર આ બધું જોઈ પોતાનાં દોસ્તોની વ્હારે આવવાં મેઘદૂત પરથી ઉતરી એ ખૂંખાર વરુઓનાં ઝુંડ તરફ તલવાર લઈને આગળ વધ્યો પણ એનાં પગ ની આગળ આવી પડેલાં તીર નાં કારણે એ ત્યાં જ ઉભો રહી ગયો.
આ સાથે જ રસ્તાની બંને પડખે મોજુદ વૃક્ષોની હરોળ પાછળથી વીસેક હથિયારધારી હિમાલ સૈનિકો આવીને ઉભાં રહ્યાં.. એ લોકોને જોતાં જ બધાં વરુઓ ચુપચાપ એ સૈનિકો ની ફરતે આવીને ઉભાં રહી ગયાં.. રુદ્ર, શતાયુ અને ઈશાન આ દ્રશ્ય જોઈ સમજી ગયાં કે આ વરુઓ એ સૈનિકો નાં પાલતુ છે.
"આ બધાં હુમલાખોરોને આપણી સાથે મહેલમાં લઈ ચલો.. "રુદ્ર, શતાયુ અને ઈશાનની તરફ આંગળી કરી એ બધાં સૈનિકોને ઉદ્દેશતાં એમનું નેતૃત્વ કરી રહેલો એક વ્યક્તિ બોલ્યો.. એ વ્યક્તિની વાતની અસર થઈ અને એ બધાં સૈનિકો રુદ્ર, ઈશાન અને શતાયુ ને ઘેરી વળ્યાં.
રુદ્ર એ આંખોથી ઈશારો કરીને પોતાનાં સાથી મિત્રો શતાયુ અને ઈશાન ને એ લોકો કહે એમ કરવાં કહ્યું.. રુદ્ર ની વાત માની એ બંને પણ રુદ્ર ની માફક કોઈ જાતનો પ્રતિકાર કર્યાં વિના હિમાલ સૈનિકો ની સાથે ચાલી નીકળ્યાં.
રુદ્ર, શતાયુ અને ઈશાન ને પોતાનાં રાજ્ય પર હુમલો કરવાં આવેલાં હુમલાખોરો સમજી રાજા હિમાનનો સેનાપતિ વારંગા પોતાનાં સૈનિકોની મદદથી એ ત્રણેયને બંદી બનાવી હિમાન નાં મહેલ સુધી લઈ આવ્યો હતો.. હિમાન નો મહેલ ખાલી કહેવા પૂરતો મહેલ હતો બાકી અન્ય રાજાઓની તુલનામાં હિમાન વસવાટ કરતો એ મહેલ સામાન્ય કહેવાય એ કક્ષા નો હતો.. મોટાં ભાગે આ મહેલની બનાવટમાં કાષ્ટ નો ઉપયોગ થયો હતો.. અને મહેલની સજાવટ પણ ઠીકઠાક હતી.
મહેલ સુધી જતી વખતે રુદ્ર, શતાયુ અને ઈશાને હિમાલ દેશનાં લોકોની રહેણીકરણી ની પણ આછેરી ઝલક મેળવી.. અહીં નાં મોટાંભાગનાં લોકોની ત્વચા નો રંગ શ્વેત થઈ ગયો હતો.. આંખો ઉપર ભ્રમર નહોતી અને નાક ચપટું હતું.. આખાં હિમાલ નગરમાં ઠેર-ઠેર મશાલ ભરાવેલી હતી.. જે દર્શવાતી હતી કે સૂર્યપ્રકાશની ઉણપ પુરી કરવાં આ લોકો કૃત્રિમ રોશનીનો સહારો લેતાં હતાં.. પણ અત્યારે જ્યારે સૂર્યદંડ હિમાલ દેશમાં હતો ત્યારે આ બધી મશાલોને પ્રજ્વલ્લિત કરવામાં આવી નહોતી.
હિમાલ દેશનાં રહેવાસીઓ પણ વારંગા દ્વારા કેદી બનાવાયેલાં રુદ્ર, ઈશાન અને શતાયુ ને ફાટી આંખે જોઈ રહ્યાં હતાં.. કેમકે એમનામાંથી મોટી સંખ્યામાં એવાં લોકો હતાં જેમને પોતાનાંથી અલગ શારીરિક રચના ધરાવતાં લોકોને ક્યારેય જોયાં જ નહોતાં.. આથી જ વારંગા દ્વારા બંદી બનાવીને હિમાન રાજાનાં મહેલ સુધી લઈ જવામાં આવતાં રુદ્ર, શતાયુ અને ઈશાન ને જોવાં ઉમટેલા લોકોનાં મોં પર કુતુહલ સાફ વર્તાતું હતું.
મહેલની બહાર પહેરો ભરી રહેલાં હિમાલ સૈનિકોએ વારંગા ને જોતાં જ જમણાં હાથની મુઠ્ઠી વાળી એને હૃદય સમીપ લાવીને એનાં સન્માનમાં શીશ ઝુકાવ્યું.. હિમાલ લોકોની માન આપવાની આ રીત હતી.
"અહીં ઉભાં રહો.. હું હમણાં મહારાજ ને બોલાવીને લાવું છું.. "મહેલની અંદર આવતાં જ સભાખંડ સુધી પહોંચતા ની સાથે જ વારંગા એ પોતાનાં સૈનિકોને આદેશ આપતાં કહ્યું.. રુદ્ર, શતાયુ અને ઈશાન માટે અહીનાં લોકોની શારીરિક બનાવટ અને એમની રહેણીકરણી નવાઈ ઉપજાવનારી હતી.. આ ઉપરાંત સૈનિકો ની સાથે વરુઓ પણ છેક રાજમહેલમાં આવ્યાં હતાં એ વાત પણ એ લોકો માટે આશ્ચર્યજનક હતી.
સૈનિકોને આદેશ આપી વારંગા સભાખંડ વટાવી આગળ વધ્યો.. એનાં જતાં જ ત્યાં મોજુદ સૌનિકો અંદરોઅંદર કંઈક બીમારીની ચર્ચા કરવાં લાગ્યાં.. રુદ્ર નાં કાને એ લોકોની વાત પડી તો ખરી પણ પૂર્ણપણે એ લોકો શું કહી રહ્યાં હતાં એ રુદ્ર ને ના સમજાયું.. વારંગા નાં ત્યાંથી ગયાંનાં થોડાં જ સમયમાં ઘણાં બધાં લોકોનાં પગરવ નો અવાજ સંભળાયો. આ અવાજ કાને પડતાં જ બધાં સૈનિકો રુદ્ર, શતાયુ અને ઈશાન ની ફરતે ઘેરો બનાવીને સાવધાન મુદ્રામાં ઉભાં રહી ગયાં.
આ સાથે જ ત્યાં આગમન થયું રાજા હિમાન નું.. હિમાન ને જોતાં જ રુદ્ર, શતાયુ અને ઈશાન એને ઓળખી ગયાં કારણકે ગુરુ ગેબીનાથે જ્યારે સૂર્યદંડ ની ચોરી કરનાર વ્યક્તિનો ચહેરો જ્યારે પોતાની શક્તિથી નિર્મિત કર્યો ત્યારે રુદ્ર, ઈશાન અને શતાયુ ત્યાં જ હતાં.
હિમાનની પાછળ-પાછળ વારંગા અને ચાર અન્ય સૈનિકો પણ અદબભેર ચાલતાં-ચાલતાં સભાખંડ માં આવ્યાં.. સભાખંડ ની મધ્યમાં પાંચ-છ પગથિયાં પછી ઉંચાઈ પર આવેલ આસન જોડે આવીને હિમાન પોતાનાં સૈનિકો તરફ ચહેરો કરીને ઉભો રહ્યો એ સાથે જ દરેક સૈનિકે પોતાનાં જમણાં હાથની મુઠ્ઠી બંધ કરી હૃદય પર હાથ મૂકી ને હિમાન નાં સમ્માન માં શીશ ઝુકાવ્યું.
એ લોકોનું અભિવાદન સ્વીકારી હિમાને આસન ગ્રહણ કર્યું અને વારંગા ને ઉદ્દેશીને રુદ્ર અને એનાં મિત્રો તરફ જોઈને કહ્યું.
"સેનાપતિ, તો આ ત્રણ નવયુવાનો જ એ હુમલાખોરો છે જેમની તમે વાત કરી રહ્યાં હતાં..? "
"હા મહારાજ, આ ત્રણેય અન્ય દેશનાં લોકો છે જે પર્વતરાજ ની બીજી બાજુથી આપણાં વિસ્તારમાં આપણાં લોકોનું અહિત કરવાની કોઈ મંછા લઈને આવ્યાં છે.. "વારંગા એ હિમાન નાં સવાલનો જવાબ આપતાં કહ્યું.. વારંગા એ રુદ્ર કે એનાં દોસ્તોનો હજુ પરિચય પણ નહોતો પૂછ્યો અને જાતે જ મનમાં ઉપજાવેલી વાત મુજબ રુદ્ર અને એનાં મિત્રોને હિમાલ લોકોનું અહિત કરનારાં માની લીધાં.
વારંગા ની વાત સાંભળી હિમાન ક્રોધાવેશ રુદ્ર, શતાયુ અને ઈશાન તરફ જોઈને એક પછી એક સવાલ કરતાં બોલ્યો.
"તમે કોણ છો..? તમને કોને મોકલ્યાં છે..? અને અહીં આવવાં પાછળનો તમારો હેતુ શું છે..? "
"મહા પ્રતાપી રાજા હિમભદ્ર નાં પુત્ર, હિમાલ નરેશ હિમાન ને હું પ્રણામ કરું છું.. હું છું પાતાળલોકનો ઉત્તરાધિકારી, પાતાળ નરેશ દેવદત્ત નો પુત્ર, મહાદેવ નો પરમ ભક્ત અને ગુરુ ગેબીનાથ નો પ્રિય શિષ્ય રુદ્ર.. "પોતાનો પરિચય આપતાં રુદ્ર એ હિમાન ની તરફ નતમસ્તક થઈ નમસ્કારની મુદ્રામાં કહ્યું.
રુદ્ર નાં આમ બોલતાં જ ત્યાં મોજુદ સૈનિકો અને વારંગા ની સાથે-સાથે હિમાન નાં ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું.. પોતે પાતાળલોકનાં ભાવિ રાજા ને કંઈપણ પૂછતાજ વગર બંદી બનાવીને લાવ્યો હતો એ વિચારી વારંગા નો ચહેરો શરમથી ઝૂકી ગયો.. એને હિમાન ની તરફ જોઈ પોતાની ભૂલ ની ક્ષમા માંગી.
"રાજકુમાર, અમારાં સેનાપતિ ની તરફથી હું તમારી માફી માંગુ છું.. એને કોઈ ગેરસમજ થઈ અને એ તમને અને તમારાં સાથી મિત્રોને બંદી બનાવીને લઈને આવ્યો એ બદલ હું ક્ષમા યાચના કરું છું.. "પોતાનાં આસન પરથી ઉભાં થઈ રુદ્ર ને ઉદ્દેશી માફી માંગતા રાજા હિમાને કહ્યું.
"રાજન.. ભૂલ દરેક વ્યક્તિથી થઈ શકે છે.. અને તમારાં સેનાપતિ માટે તમને ગર્વ હોવો જોઈએ કે જેને પોતાનાં રાજ્ય પર આવેલી મુસીબતની જરા સરખી પણ એંધાણી મળતાં જ તુરંત એ માટે પગલાં લીધાં.. અને રહી વાત માફ કરવાની તો 'ક્ષમા વીરસ્ય ભૂષણમ'.. ક્ષમા તો વીર નું ઘરેણું છે.. તો હું ખુલ્લાં મનથી આપનાં સેનાપતિ ને માફ કરું છું.. "રુદ્ર એ વિનમ્રતા સાથે કહ્યું.
"ઉત્તમ.. અતિ ઉત્તમ વિચારો.. ખરેખર પાતાળલોકનું ભાવિ ઘણું ઉજળું છે.. "રુદ્ર ની વાત સાંભળી પ્રસન્ન મુખમુદ્રા સાથે હિમાન બોલ્યો.
"આભાર.. "હિમાન ની આ વાત નાં પ્રતિભાવ સ્વરૂપે એમનો આભાર માનતાં રુદ્ર એ કહ્યું.
"રાજકુમાર રુદ્ર, તમે અહીં આવવાનું કારણ જણાવવાનું કષ્ટ લેશો..? "રુદ્ર ની તરફ જોઈને હિમાને પૂછ્યું.
"મારાં અહીં આવવાનું કારણ છે સૂર્યદંડ.. જેની ચોરી કરીને તમે અહીં લેતાં આવ્યાં છો.. "હિમાન નાં પુછાયેલાં પ્રશ્નનો ઉત્તર આપતાં રુદ્ર બોલ્યો.
પોતે સૂર્યદંડ ની ચોરી કરી હોવાની વાત રુદ્ર કઈ રીતે જાણતો હતો એ વિચારી હિમાનને અચરજ થયું.. હવે રુદ્ર એ જે સવાલ કર્યો એનો યોગ્ય ઉત્તર આપવો જરૂરી હતો એ વિચારી ઘણું મનોમંથન કર્યાં બાદ હિમાને પોતાને સૂર્યદંડ ની ચોરી કરવાની કેમ નોબત આવી એ અંગે જણાવવાનું શરૂ કર્યું.
★★★
વધુ નવાં અધ્યાયમાં.
રાજા હિમાન નાં સૂર્યદંડ ની ચોરી કરવાં પાછળનું કારણ શું હતું...? રુદ્ર નિમ લોકો પર આવેલી આ સમસ્યા નું નિવારણ કરી સૂર્યદંડ પાછો લાવી શકશેશકશે..? માનવો અને નિમ લોકો વચ્ચે ક્યારેય સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત થશે..? રુદ્ર નો જન્મ કઈ રીતે આખાં જગતને અસર કરનારો સાબિત થવાનો હતો...? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ નવલકથા નો નવો અધ્યાય.. આ નવલકથા નાં શરુવાતનાં ભાગ નવલકથાનો પાયો તૈયાર કરી રહ્યાં છે.. આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે. આ નવલકથા દર અઠવાડિયે ગુરુવારે અને રવિવારે માતૃભારતી થકી પ્રસારિત થશે.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોતની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ:IT CAUSE DEATH, હતી એક પાગલ, પ્રેમ-અગન
The ring, ડેવિલ રિટર્ન અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન. આર. પટેલ (શિવાય)
***