Ravanoham Part 3 in Gujarati Fiction Stories by Jyotindra Mehta books and stories PDF | રાવણોહ્મ - ભાગ ૩

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રાવણોહ્મ - ભાગ ૩

ભાગ 

ચિઠ્ઠી નાની હતી, તેમાં લખ્યું હતું,’જો તું ઈચ્છતો હોય કે આ ફોટા પબ્લિકલી રિલીઝ ન થાય તો દસ લાખ રૂપિયા તૈયાર રાખજે, હું કાલે ફોન કરીશ.’

 

સોમની માનસિક અવસ્થા વિચિત્ર થઇ ગઈ હતી, તે બેચેન હતો ફોટા જોઈને અને ચિઠ્ઠી વાંચીને હસવું પણ આવી રહ્યું હતું. ચિઠ્ઠી લખનાર કદાચ તેની અસલિયત નહિ જાણતો હોય, નહિતર આવી હિંમત ન કરે. કોઈ સામાન્ય ગુનેગાર હોવો જોઈએ કારણ જો કોઈ કાળી દુનિયાની વ્યક્તિ હોત તો તેના પર વાર કરે,  બાકી આવી ગુસ્તાખી ન કરે. વિચારોનું વાવઝોડુ તેના મસ્તિષ્કમાં ફૂંકાઈ રહ્યું હતું.

 

એક મન કહેતું હતું કે આ લખનારને ખતમ  કરવો જોઈએ તો બીજું મન કહેતું હતું કે આજ સુધી કોઈ સામાન્ય વ્યક્તિની હત્યા નથી કરી તો હવે શું કામ એવું કરવું ! કાલે ફોન આવે પછી વાત એમ વિચારીને વિષય પડતો મુક્યો. પહેલા નીલિમાની ખોજ કરવી પડશે. છ મહિના પહેલા અચાનક ગાયબ થઇ ગઈ.

 

નીલિમા એટલે સુંદરતા, સરળતા અને બુદ્ધિનો અદભુત સમન્વય એકદમ પાયલની જેમ જ. તેને છ મહિનામાં જ નીલિમા પ્રિય થઇ ગઈ હતી. નીલિમા, માંજરી આંખો, ગુલાબી ગાલ, પાતળા હોઠ, હડપચીમાં ખંજન અને રેશમ જેવા વાળ. સ્વર્ગની અપ્સરા જેવી સુંદર અને કેવો મધુર અવાજ. તે પોતે તેને બ્રેક આપવા માગતો હતો પણ તેણે કહ્યું, “સર, મને સેક્રેટરીનું કામ ગમે છે, મારે સિંગર નથી બનવું.”

 

એક વર્ષ પહેલાં સોમે તેને પોતાની સેક્રેટરી બનાવી હતી. તેની કામ કરવાની પદ્ધતિ બહુ પરફેક્ટ હતી તેથી સોમ તેનાથી ખુબ ખુશ હતો. તે શિડ્યુલની ગોઠવણી એવી સરસ રીતે કરતી કે સોમ રેકોર્ડિંગની સાથે પોતાની સંગીત સાધના અને પાયલ બંનેને સમય આપી શકતો. પણ છ મહિના નોકરી કર્યા પછી નીલિમા એક દિવસ અચાનક ગાયબ થઇ ગઈ. સોમે બહુ તપાસ કરાવી પણ સોમને ખબર ન પડી કે તે ક્યાં ગઈ?

 

   સોમે વિચાર્યું કે હવે શક્તિઓની મદદ લેવી પડશે નિલીમાને શોધવામાં. પણ અમાસને હજી વાર છે. તેથી પહેલાં આ ચિઠ્ઠી લખનાર અને પોતાના પર લાગેલા આરોપો વિષે વિચારવું પડશે. સોમનું મન હજી શાંત નહોતું થયું, તે વિચારવા લાગ્યો કે નીલિમા સાથેના ફોટા સત્ય હોય તો કદાચ સિંગરો આરોપ લગાવી રહી હોય તે સત્ય હોય. શું મારી અંદરનો રાવણ મારી પાસે કોઈ ખોટું કામ કરવી રહ્યો છે? સોમે મ્યુઝિક રૂમના સોફામાં લંબાવ્યું અને ત્યાં જ સુઈ ગયો.

 

બીજે દિવસે સવારે જયારે ઉઠ્યો ત્યારે તેના બંગલાની બહાર શોરબકોર થઇ રહ્યો હતો. સોમે બારી પાસે જઈને બહાર જોયું તો બંગલાના ગેટની સામે ભીડ ઉભી હતી હતી અને ‘સંગીતસોમ હાય હાય’ ના નારા લગાવી રહી હતી. સોમે પોતાનો ફોન ઉપાડ્યો અને રશ્મીનનો નંબર જોડ્યો અને કહ્યું, “ઇન્સ્પેક્ટર સાહેબ, મારા ઘર આગળ ટોળું નારા લગાવી રહ્યું છે તેનું કંઈક કરો.”

 

રશ્મિને કહ્યું, “જ્યાં સુધી નારા લગાવી રહી હોય, ત્યાં સુધી હું કંઈ કરી ન શકું.”

 

સોમે કહ્યું, “એટલે આપ એમ કહેવા માગો છો કે કોઈ પથ્થરબાજી ન કરે અને મારા ઘરના કાચ ન ફોડે ત્યાં સુધી કંઈ નહિ કરો.”

 

 “એવું કોણે કહ્યું? આમેય અહીંથી પોલીસટીમ નીકળી ચુકી છે. ઇન્સ્પેક્ટર કુલકર્ણી આવી રહ્યા છે તમને મળવા.” એટલું કહીને સામેથી કૉલ ડીસકનેક્ટ કરી દીધો.

 

  શોરબકોરનો અવાજ થોડી વારમાં બંધ થઇ ગયો. પોલીસની ગાડી તેના બંગલામાં દાખલ થઇ ગઈ હતી. થોડીવારમાં ઇન્સ્પેક્ટર કુલકર્ણી બંગલામાં દાખલ થઇ ગયો હતો.

 

તેણે આવીને સોમ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, “સોરી સર, તમને સવારે સવારે તસ્દી આપી પણ શું કરું ડ્યુટી છે કરવી તો પડે જ ને!” એમ કહીને તે ખંધુ હસ્યો.

 

સોમે કહ્યું, “સારું છે ! કોઈક તો છે જે ડ્યુટી કરે છે અને કોઈ બીજાના ઈશારે નથી ચાલતું.”

 

આ વાત સાંભળીને કુલકર્ણીના ચેહરા પરથી હાસ્ય ગાયબ થઇ ગયું. તેણે કહ્યું, “ઠીક છે સર, મુદ્દા પર આવું છું. મારી પાસે ચાર ઓફિશીયલ કંપ્લેઇન્ટ આવી છે ગઈ કાલે સાંજે. આપની વિરુદ્ધ શારીરિક શોષણ અને અણછાજતી માંગણીઓ કરવાનો આરોપ છે. હું આપનું સ્ટેટમેન્ટ લેવા માટે આવ્યો છું. આપના વિરોધમાં રિના બત્રા, પાયલ મલ્હોત્રા, સરિતા પાટીલ અને સાયલી પવાર આ ચારગાયિકાઓએ કંપ્લેઇન્ટ કરી છે તે વિષે આપનું કંઈ કહેવું છે? અને શું આપ આ ચારેયને ઓળખો છો?”

 

સોમે ખોંખારો ખાધો અને કહ્યું, “આ ચારેય ક્યારેક ને ક્યારેક મારા માટે ગીતો ગાઈ ચુકી છે અને તેમને સારી રીતે ઓળખું છું, પણ પાછલા પાંચ વરસમાં તેમની મુલાકાત નથી થઇ અને મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તેમનું કોઈ શોષણ મેં કર્યું નથી.”

 

ઈન્સ્પેકટરે આગળ કહ્યું, “તેમણે એવો પણ આરોપ કર્યો છે કે તમે ધમકી આપી હતી કે જો તેઓ તમારી માંગણીને તાબે નહિ થાય તો તમે તેમને ઈન્ડસ્ટ્રીમાંથી આઉટ કરી દેશો.”

 

સોમે કહ્યું, “તદ્દન વાહિયાત આરોપ છે, આ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે કે કોઈને બહાર કરવું એ કોઈના હાથની વાત નથી. જો કોઈ ગાયક કે ગાયિકા ટેલેન્ટેડ હોય તો તેને કામ તો હંમેશા મળતું રહેવાનું અને જો ટેલેન્ટ લિમિટેડ હોય તો આપોઆપ ઇન્ડસ્ટ્રીની બહાર થઇ જાય.”

 

ઈન્સ્પેકટરે કહ્યું, “તેમનું તો એવું પણ કહેવું છે કે આપના કહેવાથી બીજા મ્યુઝિક ડાયરેક્ટરોએ તેમને કામ આપવાનું બંધ કર્યું.”

 

સોમે કહ્યું, “હું શું કામ એવું કરું? અને જ્યાં સુધી આ ચારેય ગાયિકાઓની વાત છે તેમની ગાયકીની  રેન્જ  લિમિટેડ છે અને અત્યારનો ટ્રેન્ડ જોતા તેમને કામ મળવું મુશ્કેલ છે. તેઓ જે ઝોનમાં ગાય છે તેવા ગીતો પણ ઓછા બને છે તેથી તેમનું કામ ઓછું થઇ ગયું અને આ વાતની તસ્દીક તમે બીજા મ્યુઝીક ડાયરેક્ટરો સાથે વાત કરીને કરી શકો છો.”

 

ઈન્સ્પેકટરે કહ્યું, “તે તો હું કરીશ જ પણ મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો છે કે તેમણે તમારા પર જ આરોપ કેમ લગાવ્યો?”

 

સોમે કહ્યું, “તે વિષે હું કઈ રીતે કહી શકું?”

 

“તમારી વાત પણ સાચી છે આરોપ સિદ્ધ કરવાની જવાબદારી આરોપ કરનારની અને પોલીસની છે. ચાલો, હું નીકળું છું પણ તપાસ ચાલુ છે એટલે મારી રિકવેસ્ટ છે કે આપ મારી કે કોર્ટની પરમિશન વગર શહેર કે દેશ ન છોડશો. આપ જાણો છો એવો નિયમ છે.” કુલકર્ણીએ કહ્યું.

 

   “અમને નિયમની ખબર છે ઇન્સ્પેક્ટર અને સોમ વકીલની સલાહ વગર આને કોઈ જાતનું સ્ટેટમેન્ટ આપીશ નહિ.”પાછળથી પાયલનો કરડાકીભર્યો અવાજ આવ્યો.

 

તેણે આગળ કહ્યું, “તમને શું લાગે છે આવા ક્ષુલ્લક આરોપમાં અમે દેશ છોડી દઈશું.”

 

કુલકર્ણીએ કહ્યું, “અરે! તમને તો ખોટું લાગી ગયું, હું તો ફક્ત મારી ડ્યુટી કરી રહ્યો છું. આને આવું  કહેવું મારી મજબૂરી છે. બાકી હું પણ સાહેબનો મોટો ફેન છું. કદાચ બે ચાર દિવસમાં લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે પણ બોલાવવામાં આવે. તો પ્લીઝ!” એમ કહીને આગળનું વાક્ય પૂરું કર્યા વગર પોતાના દાંત કાઢ્યા.

 

પાયલે પોતાના હાથ નમસ્કારની મુદ્રામાં જોડ્યા અને કહ્યું, “જય શ્રી કૃષ્ણ.”

 

કુલકર્ણીને ખબર ન પડી કે શું કહેવું એટલે તે નીકળી ગયો.

 

  પાયલે કહ્યું, “હું ઓફિસ જાઉં છું. આજે કોઈ રેકોર્ડિંગ નથી?”

 

સોમે કહ્યું, “ના, આજે હું ફ્રી છું.”

 

પાયલે સોમના ગાલ પર હળવું ચુંબન કર્યું અને ઓફિસ જવા નીકળી ગઈ. હવે સોમને ઇંતેજાર હતો બ્લેક્મેલરના કૉલનો.