Vaidehima vaidehi - 10 in Gujarati Fiction Stories by Vandan Raval books and stories PDF | વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10)

Featured Books
Categories
Share

વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10)

પ્રકરણ – 10

હું સડાકાભેર ચા પી ગયો! રકાબી નીચે મૂકી. વૃંદાએ પ્રશ્નોનો પ્રહાર શરૂ કર્યા-
“ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલા વિજ્ઞાનીને ઘરનાં છાપરાં પર સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવાઈ પમાડે? પોતાના એક પણ સંબંધીને જાણ ન થાય તેવી રીતે ભમરાહ આવી ગયેલા વશિષ્ઠકાકા, સોલર-પ્લેટસ ઘરનાં છપરાં પર પાથરવાનો સામાન્ય વિચાર લાવેલા વિદ્યાર્થીને, પોતે ભમરાહમાં રહે છે એવું જણાવી દે? તમને આટલે દૂર બોલાવીને, તમે આવવાનાં હોય એ જ દિવસે, વશિષ્ઠકાકા ક્યાંક જતાં રહે? વિજ્ઞાન અત્યારે સૌર-ઊર્જાથી ચાલતી કાર બનાવવા લાગ્યું છે ત્યાં ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીને, એટલે કે તમને, ઘરનાં છાપરે સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવીન લાગે છે?”
છોતરાં વેરી નાખ્યાં!
મેં આંખો બંધ કરી. એક નિઃસાસો નાખ્યો. બોલ્યો-
“વૃંદા....” આંખો ખોલીને મેં કહ્યું- “તારી બુદ્ધિપ્રતિભા વિશે અંદાજ હતો. આ અનુભવ પણ થઈ ગયો!”
“વેદ, આઈ એમ નોટ એ ડિટેક્ટીવ.” તે બોલી- “પણ તેં બહુ ખરાબ વાર્તા બનાવી હતી.”
“બિકોઝ આઈ એમ નોટ એ ડિટેક્ટીવ!” મેં કહ્યું- “વાર્તા એટલી બધી ખરાબ પણ નહોતી. તારાં તર્ક અતિશય ધારદાર છે, વૃંદા. એટલે તને આ વાર્તા ખરાબ લાગી.”
વૃંદા અવનીની શિષ્યા બનવાની લાયકાત ધરાવે છે!
મારે હવે વૃંદાને સાચી વાત કહેવી જ પડશે. લાગતું નથી કે મારું એકેય બહાનું આની આગળ ટકી શકે! પણ મને જે જવાબદારી સોંપાઈ છે એનું શું? શું કરું? વચલો રસ્તો કાઢું. મારે વૃંદાને એ નથી કહેવાનું કે વૈદેહી તકલીફમાં છે. એટલું નહિ કહું, બાકી બધું કહી સંભળાવું. મેં વાત શરૂ કરી. વૃંદાને મેં આટલાં મુદ્દાઓ કહી સંભળાવ્યાં-
“અમદાવાદમાં B.Sc. કર્યું, એક વર્ષ સમજવા માટે પસાર કરવાનો નિર્ણય, એક સાંજે પત્ર આવ્યો, લખેલું હતું કે વૈદેહીને મારી મદદની જરૂર છે, હું નીકળ્યો, ભમરાહ આવી ગયો, વૈદેહીને મળ્યો, એક શેઠ વૈદેહી પાસે કંઈક માંગત હતો, પત્રમાં મને જે સૂચના મળી હતી તે મેં વૈદેહીને સંભળાવી, વૈદેહીને ઘરેણાં મળી ગયાં, એ ઘરેણાં વૈદેહીએ શેઠને પાછા આપ્યાં, સમસ્યા પૂરી, તેણે મને જણાવ્યું કે તેના પપ્પા IUPAPમાં ગયા છે, રાત્રે મને કોઈકના દ્વારા બેભાન કરવામાં આવ્યો, સવારે જાગ્યો, ઘરની છત પર સોલર-પ્લેટ્સ જોઈ અને તું આવી.”
“અને વૈદેહીએ તને પ્રયોગશાળા વિશે જણાવી દીધું?”
“કંઈ નથી જણાવ્યું.”
“વનિતામાસી?”
“એ કોણ?”
“વધારે નાટક ન કરીશ, વેદ!”
“હું આવ્યો ત્યારથી એ હાજર નથી.” વૈદેહીના મમ્મી ગૂમ થઈ ગયાં છે એ વાત મેં ટાળી- “મેં એ વિશે વૈદેહીને કંઈ પૂછ્યું પણ નથી.”
“તું અહીં આવી ગયો એ નવાઈની વાત છે.” તેણે કહ્યું- “એ પત્ર કોણે મોકલ્યો હતો?”
“ક્યાં ખબર છે?”
“શું લાગે છે, એ પત્ર મોકલનાર કેવો માણસ હશે?”
“એના વિશે મારે કંઈ વિચારવું જ નથી, વૃંદા!” મેં સ્પષ્ટપણે કહી દીધું- “મહામાયા છે એ!”
પલાંઠી વાળીને બેસવાથી બનેલાં ખોળામાં મૂકેલાં બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવીને, નજર ચૂલા પર ટેકવીને, ટટ્ટાર બેઠેલી વૃંદા વિચારોમાં ગરકાવ થઈ.
“વૈદેહીએ મને જણાવ્યું હતું એ તું ભીમ્સમાં છે.” મેં પૂછ્યું- “તું અહીં ક્યારે આવી?”
“એક મિનિટ.” તે ઊભી થઈ.
નાસ્તાની ખાલી ડિશ, ચાના વાસણો અને બરણીઓ ઘરમાં લઈ ગઈ. પાછી આવી. એક ચબરખી મને ધરીને બોલી-
“આ વાંચ.”
હિન્દીમાં લખેલું છે. મેં વાચ્યુ-
અગર અપને મા-બાપ કો જિન્દા દેખના ચાહતી હૈ તો આજ રાત ૧૨ બજે સે પહલે કુખોઝૂ આ જા.
હું મૂંઝાયો. કાલે રાત્રે વૈદેહી જે કાગળ વાંચતી હતી તે આવો જ કાગળ હતો. આવાં જ અક્ષરે તેમાં કંઈક લખેલું હતું. આ ‘કુખોઝૂ’ શું છે? વૃંદા મારી સામે પથ્થર પર બેઠી. તેને વાત શરૂ કરી-
“હું મુંબઈમાં હતી, ભીમ્સની ગર્લ્સ હોસ્ટેલમાં. બોયઝ હોસ્ટેલનાં વિદ્યાર્થીઓએ મંડળ સામે ફરિયાદો નોંધાવી હતી તેનો નિકાલ આવતો નહોતો. તેમણે હડતાલ પાડવાનું નક્કી કર્યું. દશ દિવસ સુધી હડતાલ ચાલશે. છોકરીઓએ તેમનો સાથ આપવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું અચાનક ઘરે પહોંચીને સૌને સરપ્રાઈઝ આપું. હું ગઈ કાલે રાત્રે સાડા સાતે બ્યોહારી પહોંચી. માહગાઢની છેલ્લી બસ રાત્રે આઠ વાગ્યે બ્યોહારીથી ઉપડે છે. હું તેમાં બેસીને માહગાઢ આવી. મારી પાસે ટોર્ચ હતી. હું ટોર્ચના અજવાળે ભમરાહ પહોંચી ત્યારે રાતનાં સવા બાર થઈ ગયા હતા. હું અમારા ઘરે આવી. ઘરે કોઈ નહોતું. મને થયું કે મમ્મી-પપ્પા વશિષ્ઠકાકાના ઘરે હશે. મને સખત થાક લાગ્યો હતો. હું કપડાં બદલ્યા વિના જ સૂઈ ગઈ. સવારે સાડા આઠે જાગી. મમ્મી-પપ્પા નહોતા. મને હજી એમ જ હતું કે તેઓ વૈદેહીના ઘરે હશે. મેં પ્રાતઃવિધિ પતાવી. બધું પૂર્ણ કર્યા પછી ઘરમાંથી આ ચબરખી મળી. હું વૈદેહીના ઘરે આવી અને તું મળ્યો.”
“એટલે પરિવારજનોને નવાઈ પમાડવાના હેતુથી તું અહીં દોડી આવી અને આશ્ચર્યચકિત તો તું પોતે જ થઈ ગઈ!” મેં કહ્યું- “મને કંઈ સૂઝતું જ નથી, વૃંદા! આપણે શું કરવું જોઈએ? આજે રાત્રે બાર વાગ્યા પહેલાં એ જગ્યાએ જવું જોઈએ?”
“તું ભૂલ કરી રહ્યો છે, વેદ!” તે બોલી- “આ ચબરખી ગઈકાલે આવી હતી.”
“એવું તું કઈ રીતે કહી શકે?”
“હું કાલે રાત્રે ઘરે આવી હતી. બહુ ઠંડી લાગતી હતી. એટલે બધી જ બારીઓ અંદરથી બંધ કરીને હું સૂઈ ગઈ હતી. બારણું તો બંધ જ હતું. હું સવારે જાગી ત્યારે પણ બધું બંધ જ હતું. હું પ્રાતઃવિધિમાં લાગી ત્યારે પણ મેં બારી-બારણાં નહોતાં ખોલ્યાં. મને ચબરખી મળી. હું વૈદેહીના ઘરે આવી. તું જો, હજી પણ ઘરની બારીઓ બંધ છે. તો, ચબરખી ક્યારે આવી હોય?”
“એ વાત તો તારી સાચી છે.” હું ગભરાયો- “અર્થાત્, જે બનવાનું હતું એ તો ગઈકાલે રાત્રે બની ગયું.... કુખોઝૂમાં...”
“હા....પણ.... મમ્મી-પપ્પાનું શું થયું હશે?”
શું જવાબ વાળવો એ મને સમજાયું નહિ. વૃંદાએ ગઈકાલે રાત્રે કુખોઝૂ જવાનું હતું અને અત્યારે બપોરના બાર વાગવામાં ચાળીસ મિનિટની વાર છે. પણ કોઈએ આવી મજાક કરી હોય તો?
“તું આ ચબરખીને સાચી માને છે?” મેં તેને પૂછ્યું- “કોઈએ મજાક કરી હોય...”
“કોણ કરે મજાક?” તેણે જવાબ વાળ્યો- “મમ્મી-પપ્પા તો આવી મજાક કરે નહિ. વૈદેહીને તો હજી ખબર જ નથી કે હું અહીં આવી છું. વનિતાકાકી ક્યાં છે એ આપણને ખબર નથી, વશિષ્ઠકાકા બહાર ગયા છે અને..”
“અને?”
“અન્ય કોઈ મને ઓળખતું નથી.”
“વૃંદા, મને આ યાત્રામાં અમુક એવાં માણસો મળ્યાં, જેમને હું પ્રથમ વખત મળાતો હતો પણ તેઓ મારા વિશે બધું જ જાણતા હતા..... તું સમજે છે ને મારી વાત...”
“હં..... પણ આ વાતને મજાક માનીને બેસી ન રહેવાય, વેદ.” તેણે કહ્યું- “અહીં બેસીને તર્ક કર્યે રાખવાથી કંઈ વળવાનું નથી.”
“વાત સાચી છે. પણ શું કરવું જોઈએ આપણે?”
“જઈએ...” બોલીને તે ઊભી થઈ.
“ક્યાં?” ઊભા થઈને મેં પૂછ્યું- “કુખોઝૂ?”
“એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ ચબરખીને સાચી માનવી પડશે.”
“ એનો અર્થ એ કે કુખોઝૂમાં ગઈકાલે કશુંક બન્યું હોવું જોઈએ.”
“વેદ.... ન બનવાનું કંઈ બની ગયું હશે તો?”
“અરે,...” ગભરાયો નથી એવો ઢોંગ કરતો હું બોલ્યો- “એવું કંઈ નહિ થયું હોય, વૃંદા! દુનિયા ઘણી સારી છે.”
“આપણું ધાર્યું કંઈ બને છે આ દુનિયામાં?” બોલીને તે ઘરમાં ચાલી.
“આપણે ઈચ્છીએ તે બધું નથી બનતું આ દુનિયામાં.” તેની પાછળ રસોડામાં પ્રવેશીને મેં વાત પૂરી કરી- “પણ જે બને એ છે સારા માટે બને છે.”
“આપણે વૈદેહીને સાથે લઈશું?” મારી વાતને અવગણીને તેણે પૂછ્યું.
“લેવી જ પડશે.”
“તો હવે તું વૈદેહીના ઘરે જા. તે જાગી ગઈ હશે. ન જાગી હોય તો તું જગાડ. તે તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં તું બૅગ તૈયાર કરી લેજે. પાણીની બોટલ, ટોર્ચ અને ચપ્પુ સાથે લેજે. ઘરમાં નાસ્તો પડ્યો હોય તે લઈ લેજે. બૅગમાં જગ્યા ઓછી રોકે અને પેટમાં ગયા પછી ઊર્જા વધુ આપે એવો નાસ્તો લેજે.” બેઠકખંડમાં પોતાની બૅગ ખાલી કરીને તેણે મને સૂચનાઓ આપી.
“અરે, એમ વળી કેટલું દૂર છે?”
“હશે પાંચથી દશ કિલોમીટરની વચ્ચે.”
“ચોક્કસ ખબર નથી?”
ત્યાં એવા બોર્ડ ન માર્યાં હોય ને!”
“ક્યાં?”
“જંગલમાં.”
“અરેરે!” મારાથી બોલાઈ ગયું.
તે શયનખંડમાં ગઈ. હું તેની પાછળ ગયો-
“આપણે જંગલમાં પાંચથી દશ કિલોમીટર ઊંડે જવાનું છે?”
“હા.”
“તું પહેલાં એકેય વખત ગયેલી?”
“એક વખત ગઈ હતી.”
“બસ્સ્સ્?”
“મને રસ્તો યાદ છે.” પગથી દોરીના કટકાં આઘાં કરતાં બોલી- “જો ભૂલા પડ્યાં તો પણ ગમે તેમ કરીને પહોંચી જઈશું.”
શયનખંડમાં ભોંય પર જાડી દોરીના ચાર-પાંચ કટકાં પડ્યાં છે. શેનાં હશે? વૃંદાએ પગથી એ કટકાંઓ એક ખૂણામાં સરકાવ્યા. એ અત્યારે મહત્વનું નથી. હવે વૃંદા બૅગ ભરવા લાગી છે. મેં કહ્યું-
“હજી એક વખત વિચારી લે, વૃંદા! કંઈ પણ થઈ શકે છે.”
“હું જઈશ. તારે ન આવવું હોય તો વાંધો નહિ. હું તને આગ્રહ નથી કરતી. હું તો જઈશ જ.” કહીને તેણે એક જોડી કપડાં બૅગમાં મૂક્યાં.
“કપડાં કેમ લે છે? ત્યાં રાત રોકાવાનો વિચાર છે?”
“ત્યાં શું થયું છે કે શું થવાનું છે એ કશું જ ખબર છે?” તે બીજી વસ્તુઓ બૅગમાં ભરતાં બોલી- “ગમે તેટલો સમય રોકાવું પડે.”
“તારું ચસકી ગયું છે કે શું, વૃંદા?” હું મોટેથી બોલ્યો- “હાલી નીકળી છે તે જંગલમાં જવા.”
બૅગનો ઘા કરીને તે ઊભી થઈ. મારી તરફ ચાલતી ચાલતી તેણે બરાડી- “કુખોઝૂ ચૌદસો કિલોમીટર દૂર નથી, વેદ!”
મને આંચકો લાગ્યો. તે મારી છેક નજીક આવી ગઈ અને ધીમેથી બોલી-
“હું કોઈના કહેવાથી કોઈ અજાણી છોકરીની મદદ કરવા જવાનું નથી કહેતી.”
જાણે વૃંદાએ મારી જીભ જ કાપી નાંખી.
“પ્રશ્ન મારાં મમ્મી-પપ્પાનો છે.”
હું તેની સામે જોઈ રહ્યો. મારી આંખોમાં આંખ પરોવીને તે ઊભી છે. હું તેની સામેથી નજર ખસેડી ન શક્યો..... ખેંચાઈ રહ્યો છું... ઊંડે ઊતરી રહ્યો છું.... સમયના વિશાળ પટને ચીરીને હું ક્યાંય ખોવાઈ ગયો છું.... અમે અનંત છીએ.... કોઈ બંધન અમને નડતાં નથી.... શરીરનું કે અન્ય કોઈ ભૌતિક વસ્તુનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે..... હું અને વૃંદા..... બસ, આ જ તો દુનિયા..... હા, કંઈક અનંત છે વૃંદાની આ દ્રષ્ટિમાં.... કઈંક એવું, જેને પામવાની યોગ્યતા મારામાં જ છે..... અથવા તો વૃંદા મને જ ત્યાં સુધી પ્રવેશવાની અનુમતિ આપે છે.....
બારીમાં બેઠેલા પંખીએ પાંખો ફફડાવી અને અમે ઝબક્યાં. પંખી ઊડી ગયું. હું ત્યાંથી ચાલતો થયો.
મારે વૃંદાની સાથે જવું જોઈએ?
વૃંદાની વાત તો સાચી છે. હું વૃંદાને ના પાડતો હતો પણ ખરું જોતાં તો હું પોતે કંઈ નક્કી કરી શકતો નથી. હું વૈદેહી નામની અજાણી છોકરીને બચાવવા માટે આટલે દૂર આવી ગયો! વૃંદા માટે તો એનાં માબાપનો પ્રશ્ન છે. વૃંદાએ ત્યાં જવું જ જોઈએ. તેની સાથે રહેવું એ મારી ફરજ છે.
કાલે રાત્રે વૈદેહીને આવો જ કાગળ મળ્યો હશે? વૈદેહીને પણ કુખોઝૂ બોલાવી હશે? વૈદેહી કાલે રાત્રે ત્યાં ગઈ હતી? અવની અને ડૉ.પાઠક શું કામ આવ્યા હતાં? વૈદેહી કુખોઝૂ ગઈ હોય તો અત્યારે વનિતામાસી ઘરમાં હાજર હોવા જોઈએ. પણ એ છે કોણ, જે વૃંદા અને વૈદેહીને આવી ચબરખીઓ મોકલે છે? કંઈ સમજાય એવું નથી.
ઘર આવ્યું. હું શયનખંડમાં આવ્યો. અરે.... હજી સૂતી છે! સાડા બાર થયા! વૈદેહી કુખોઝૂ ગઈ જ હશે. હું વૈદેહીના પગની નજીક ઉભડક બેઠો. વૈદેહી કુખોઝૂ ગઈ હતી તો તેનાં મમ્મીનું શું થયું? વૈદેહી કેમ શાંતિથી સૂતી છે? વૈદેહીએ ઓઢેલી રજાઈ મેં પકડી. ઝાટકા સાથે રજાઈ ખેંચી...... ઝાટકો મને વાગ્યો.... અસહ્ય..... હું પાછળાની તરફ પડી ગયો.... ચાદર ખેંચવાથી નહિ..... તો?...... ચાદર નીચે.... કોઈ અન્ય શરીર જોવાથી..... પણ.... પણ..... આ એક..... મૃતદેહ છે..... એક નિષ્પ્રાણ સ્ત્રીશરીર.......
આ વૈદેહી નથી. હું ઊભો થયો....
લીલા રંગની સાડીમાં લપેટાયેલા આ નિર્જીવ શરીરને અવાચક બનીને જોઈ રહ્યો. સાડી ચૂંથાઈ ગયેલી છે. સાડી પર ઘણી જગ્યાએ માટીના ડાઘ છે. ચહેરો સાવ સૂકાઈ ગયો છે. ચહેરો જરા શ્યામ હોવા છતાં પણ જડબા પરની કાળાશ સ્પષ્ટ દેખાય છે. આંખોની આસપાસનો ભાગ સૂજી ગયો છે. જમણા કાનમાંથી લોહી નીકળીને ત્યાં જ સૂકાઈ ગયું છે. વાળ અસ્તવ્યસ્ત થઈ ગયેલાં છે. ગળા પર નાનો કાપો છે. તે કાપામાંથી થોડું લોહી વહીને ત્યાં જ જામી ગયું છે. બંને હાથના કાંડાના ભાગ કાળા પડી ગયાં છે. પગના પંજાના સાંધાના ભાગ પણ એવાં જ છે. મારી નજર ફરીથી ચહેરા પર ગઈ...... હા, હું ઓળખું છું આ ચહેરાને..... વીણામાસી.... વૃંદાના મમ્મી....
ફસડાઈ પડ્યો.... દીવાલને અઢેલીને બેસી પડ્યો..... જાણે મારું શરીર જ નિષ્પ્રાણ બની ગયું.....
આ શું થઈ ગયું?
હું શું કરું?
વૃંદાને શું કહું?
વૃંદાના મમ્મીનું શરીર શાંત થઈ ગયું. મને મારી મમ્મી યાદ આવી ગઈ..... અસીમ પ્રણયપ્રવાહ.... એના વિનાના મારા જીવનની કલ્પના હું નથી કરી શકતો. વૃંદાનું હવે પછીનું જીવન માતાવિહોણું થઈ ગયું! આ મૃતદેહ જોઈને મારી આ હાલત છે, વૃંદાનું શું થશે? પડી ભાંગશે એ તો. ને ત્યારે હું એને સંભાળી નહિ શકું. હું પોતે જ અસ્વસ્થ છું, તેને શું સંભાળીશ! હું જ ફિક્કો પડી ગયો છું.
પણ વૃંદાને ક્યાં કંઈ ખબર છે? હું આ વાત એને જણાવીશ જ નહિ. પણ હું ક્યાં સુધી આ વાત તેનાથી છાની રાખી શકીશ? તેનાં તર્ક બહુ ધારદાર છે એનો અનુભવ મને થઈ ગયો છે. હું..... હું આવી વાત એનાથી છાની નહિ રાખી શકું..... ના.... નહિ થઈ શકે....
હવે શું? વૃંદા સાથે જવું જ નથી. હા, પછી તો કોઈ સવાલ જ નથી.
એવું કરાય? ન કરાય! ખબર નહિ કુખોઝૂમાં શું થયું હશે. ત્યાં તેના પિતાની શું સ્થિતિ હશે? ત્યાં તેની સાથે કોઈ નહિ હોય તો.... શું હાલત થશે વૃંદાની?.... મારે તેની સાથે જવું જોઈએ. તેને એકલી ન જ જવા દેવાય. બસ, નક્કી થઈ ગયું, મારે વૃંદાની સાથે કુખોઝૂ જવાનું જ છે.
પ્રશ્ન એમ છે કે આ મૃતદેહ અહીં આવ્યો ક્યારે? સવારે મેં ચાદરથી ઢંકાયેલું શરીર જોયું હતું, એ વૈદેહી નહોતી? એ આ મૃતદેહ જ હતો? તો, વૈદેહી ક્યાં છે? તે કાલે રાત્રે કુખોઝૂ ગઈ હતી? તે હજી પાછી નથી આવી? ત્યાં શું બન્યું હતું?
વીણામાસીની હત્યા કોણે કરી? ક્યારે કરી? કેમ? હું મૃતદેહની નજીક ગયો. સ્પષ્ટ છે કે ગળુ કાપીને વીણામાસીની હત્યા કરવામાં આવી છે. હત્યા કરતાં પહેલાં તેમને ક્યાંક બાંધી રખાયા હશે એ હાથ અને પગનાં કાંડા પરનાં કાળાં ડાઘ પરથી ફલિત થાય છે. તેઓને ટોર્ચર પણ કરવામાં આવ્યા હશે. પણ આ બધું કેમ? વૈદેહીના મમ્મીના ગાયબ થવા સાથે આ હત્યાનો કોઈ સંબંધ હશે? એનો અર્થ એ થયો કે વૃંદા આ બધી બાબતોમાં સપડાઈ ચૂકી છે. આ બધું કોણ કરી રહ્યું છે?
હું કંઈ નિર્ણય નથી લઈ શકતો અને વૃંદા મારી રાહ જોઈ રહી છે. મારે કુખોઝૂ તો જવું જ પડશે. પણ આ મૃતદેહનું શું કરું? હું મૃતદેહની નજીક ગયો.... ઓહ! જીવ આકળવિકળ થવા લાગ્યો. હું વધુ નજીક ન જઈ શક્યો. આ શીશી શેની છે? મેં એ શીશી હાથમાં લીધી. ઉપર લખ્યું છે- Formaldehyde. હું ભૌતિકવિજ્ઞાનનો વિદ્યાર્થી છું પણ આ રસાયણથી માહિતગાર છું. દશમાં ધોરણમાં આ રસાયણ વિશે ભણ્યો હતો. આ રસાયણનો ઉપયોગ મૃતદેહને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે થતો હોય છે. વીણામાસીના મૃતદેહમાં આ રસાયણ દાખલ કરવામાં આવ્યું હશે.
વૈદેહી ગાયબ છે, વૈદેહીનાં મમ્મી ગાયબ છે, વૃંદા જંગલમાં જવાનું કહે છે, વૃંદાના મમ્મીની હત્યા થઈ ગઈ છે, વૃંદાના પપ્પા ગાયબ છે અને હું..... હું હિંમત હારીને બેઠો છું......
માણસ કેટલું સહન કરે, યાર? પરમદિવસે સવારે હું પપ્પાની શાળાની પ્રાર્થનામાં બેઠો હતો! સાંજના સાડા પાંચ સુધી હું કેવી સરસ મનઃસ્થિતિમાં હતો! એ પરબીડિયું ખોલ્યું અને અત્યારે....! અસંખ્ય પ્રશ્નો મારાં મગજને વલોવી રહ્યાં છે, એક લાશ મારી સામે પડી છે, એ મૃત સ્ત્રીની દીકરી સાથેમારે જંગલમાં જવાનુ છે, જેની મદદ માટે હું આવ્યો છું એ ગાયબ છે, જેણે મને અહીં પહોંચાડ્યો છે એના વિશે લેશમાત્ર જાણકારી પણ નથી અને અવની તો.....જોગમાયા!
હું કાઠા કાળજાનો માણસ નથી. હું સંવેદનશીલ છું. એવું નથી કે હું એકદમ સ્વસ્થ છું. કોઈ મારું નામ પૂછેને તોય પાંચેક સેકન્ડ વિચાર કરવો પડે એવી સ્થિતિ છે મારી.
પણ હું શું કામ આટલો હેરાન થઈ રહ્યો છું? શું લાગેવળગે છે મારે વૈદેહી જોડે કે વૃંદા જોડે? મરી ગયેલી આ સ્ત્રી મારી સગી હતી?.... માનવતા! આ દરેક સાથે મારે માનવતાનો સંબંધનો છે. હું માનવ છું અને આ લોકો પણ. હું મારી જીંગદીમાં દુઃખ નથી ઈચ્છતો એમ કોઈ પોતાની જીંદગીમાં દુઃખ નથી ઈચ્છતું. તો હું બીજાને દુઃખી જોઈ શકું? ના. તો એમની તકલીફ એ મારી તકલીફ છે. આ લોકોની મદદ કરવાનો મને અવસર મળ્યો છે એ મારા સુખ માટે છે. અવની મારી મિત્ર છે. તે મને કંઈ નહિ થવા દે. અવનીએ મને કહ્યું હતું કે મારે હિંમત રાખવાની છે. હું સંપૂર્ણ શુભ હેતુથી આ બધું કરી રહ્યો છું. હું ઈષ્ટ કાર્ય કરી રહ્યો છું. મારે શાની બીક રાખવાની હોય? બધું વ્યવસ્થિત થઈ જશે, વેદ, આગળ વધ!
મેં ક્યાંક વાચ્યું હતું કે સંવેદનશીલતા કરતાં સંજ્ઞાનશીલતા વધુ મહત્વપૂર્ણ છે. એ વાત મને સાચી પણ લાગે છે. એને આચરણમાં મૂકવાનો આ જ તો અવસર છે! હા, અત્યારે સંવેદનશીલ થઈને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી. આ લોકોના માથે સમસ્યા તોળાઈ રહી છે. અત્યારે મારે વિચારશીલ રહેવું જોઈએ.
હું ઊભો થયો. મૃતદેહને ચાદર ઓઢાડી. મૃતદેહ જે ગાદલાં પર છે તે ગાદલું પકડીને ખેંચ્યું. આ રીતે મૃતદેહને એક ખૂણામાં લઈ ગયો. બેઠકખંડમાં આવ્યો. મને વૈદેહીએ જે ગાદલું આપ્યું હતું એ ગાદલું લઈને શયનખંડમાં લઈ આવ્યો. મૃતદેહ પર પાથરી દીધું. દૂરથી જોનારને એવું જ લાગે કે ફક્ત ગાદલાં જ પડ્યાં છે.
બૅગ લીધી. કપડાં તો બૅગમાં જ છે. રસોડામાં આવીને નાસ્તો શોધ્યો. ભર્યો. ચપ્પુ પણ લીધું. આશા રાખું કે કોઈ જાતની હિંસા ન થાય. ઘરમં ટોર્ચ શોધી પણ મળી નહિ. ફાનસ તો બૅગમાં ફાવશે નહિ. ચાલશે, વૃંદા ટોર્ચ લેશે જ. મુખ્ય પ્રશ્ન આવ્યો શૂઝનો. મારાં તો નદીમાં તણાઈ ગયાં હતા. ઘરમાં તપાસ કરી પણ બીજી જોડ શૂઝ મળ્યાં નહિ. વૈદેહી કહેતી હતી કે તે જંગલમાં રખડવા જતી. તેની પાસે સ્પોર્ટ્સ શુઝ હોય જ. પણ અત્યારે નથી મળતાં એનો અર્થ એ કે વૈદેહી કુખોઝૂ ગઈ જ છે. એક્ષ્ટ્રા શુઝ વૃંદાના ઘરે હશે.
ઉપડ્યો.
વૃંદાના ઘરે પહોંચ્યો. તે ઝાંપા પાસે ઊભી છે. નીકળવા માટે તૈયાર છે. તેની નજીક આવીને બોલ્યો-
“બીજી એક જોડ શૂઝ છે?”
“અરે, એટલું બધું પણ નથી રોકાવાનું ત્યાં!”
“નીચે જો.”
“ઓહ!” મારાં ખુલ્લાં પગ જોઈને તે બોલી- “ઘરેથી આ રીતે તો નીકળ્યો નહિ હોય. ક્યાં ખોવાયા?”
“તણાઈ ગયાં-” એ હય! આવું નહોતું બોલવાનું! મેં વૃંદાને એ નથી કહ્યું કે હું નદીમાં કૂદ્યો હતો. મેં એને એ નથી કહ્યું કે વૈદેહી આપઘાત કરવા કૂદી હતી.
“તણાઈ ગયાં?” તેને નવાઈ લાગી.
“.......” હવે શું જવાબ આપું? શું જવાબ આપું....
“ને વૈદેહીને સાથે ન લાવ્યો?”
અરે! વૈદેહી વિશે પ્રશ્ન પૂછાશે એવું તો મેં વિચાર્યું જ નહોતું!
“વેદ, શું વિચારે છે આટલું બધું?”
હું કંઈ બોલી જ નથી શકતો. નીચું તાકીને ઊભો રહ્યો.
“વેદ, વૈદેહી ક્યાં છે?”
“ખબર નહિ....”
“શું બકે છે તું, વેદ? ટ્રેનમાં પાણી ભરાયાં’તાં તે શૂઝ તણાઈ જાય? હમણાં કહેતો હતો કે વૈદેહી સૂતી છે. હવે કહે છે કે ખબર નથી. શું માંડ્યું છે આ બધું?”
“થયું હતું એવું.....” મેં વાર્તા બનાવી- “સવારે મેં ચાદર જોઈ હતી, વૈદેહીને નહોતી જોઈ. પછી તું આવી ગઈ. આપણે અહીં આવ્યાં. પાછા જઈને મેં જોયું તો ચાદર યથાવત્હતી. મને એમ હતું કે વૈદેહી હજી સૂતી છે. મેં ચાદર ખેંચી.... નીચેથી તકિયાં નીકળ્યાં. મને નવાઈ લાગી. અર્થાત્, વૈદેહી સવારથી ઘરમાં નહોતી. મેં મારી બૅગ ભરી. પછી શૂઝ શોધ્યાં. ન મળ્યાં. વૈદેહી કુખોઝૂ ગઈ હશે. તે મારાં શૂઝ પહેરીને સવાર પહેલાંની કુખોઝૂ જવા નીકળી ગઈ હશે.”
“વૈદેહી કુખોઝૂ કેમ જાય?”
“મેં કહ્યું હતું ને કે વૈદેહીને પણ એ ચબરખી હતી, જે તને મળી હતી.” ખરેખર મેં વૃંદાને એવું જણાવ્યુણ ન હોવાં છતાં, તેને એમ ન લગે કે વેદ મારી આગળ અમુક વાતો છુપાવે છે એ માટે, ગપ્પું માર્યું.
“એવું ક્યારે કહ્યું હતું?”
“કહ્યું હતું, તને યાદ નહિ હોય.”
“એમ?” તે વિચારમાં પડી- “તો આપણે ઝડપથી કુખોઝૂ પહોંચવું જોઈએ.”
“શૂઝ....” મેં યાદ દેવડાવ્યું.
“છે.” તે ઘરમાં ગઈ.
મેં શૂઝ પહેર્યાં. અમે ચાલ્યાં.
વિનયકાકાનું ઘર પણ ગામનાં છેવાડે છે. ઘરની પાછળથી જંગલ શરૂ થાય છે. અહીંથી જ અમે જંગલમાં પ્રવેશ્યાં. ઘટાદાર વૃક્ષનાં જાડા થડની પડખેથી પસાર થઈએ ત્યારે તેની છાયાનો લાભ મળી રહે છે. ઠંડકભર્યું વાતાવરણ છે. પવન કંઈ ખાસ વેગીલો નથી. વૃક્ષોનાં પર્ણો લહેરાય એટલો પવન તો છે જ. વૃક્ષો એટલી હદે ઘટાદાર છે કે તડકો જમીન સુધી માંડ પહોંચે છે.
“વેદ....”
“હં...”
“બે પ્રશ્નો છે.”
“રહેવા દે!” દયામણા અવાજે હું બોલ્યો- “રહેવા દે, પ્લીઝ!”
તે ઊભી રહી ગઈ. મારી તરફ ફરી. અદબ વાળીને મારી સામે એકીટસે તાકી રહી. પાંચેક સેકન્ડ વીતી. હું બોલ્યો-
“પૂછ.”
“વૈદેહી તારાં શૂઝ પહેરીને કેમ ગઈ? એનાં પોતાનાં છે.”
“મારી પાસે એવી ચમત્કારિક શક્તિઓ છે કે હું વૈદેહીના મનની વાત જાણી લઉં? નેક્ષ્ટ...”
“ચાદર નીચેથી તકિયાં નીકળ્યાં હતાં. વૈદેહીના ઘરમાં તકિયાં છે જ નહિ. ક્યાંથી આવ્યા?”
“તકિયાં પર From Address નહોતું લખેલું!”
તે ચાલતી થઈ. જોરદાર જવાબો આપ્યાં, નહિ!
હું તેની પાછળ દોરવાયો. હવે જમીન પથરાળ બનતી જાય છે. રસ્તો સમતલ નથી. ઘણી જગ્યાએ ચડવું પડે છે અને ઘણાં ઢાળ ઊતરવા પડે છે. દૂરનાં પહાડો આછાં-આછાં દેખાય છે. એક પર્વત, જે ખૂબ નજીક છે, તેની દિશામાં અમે જઈ રહ્યાં છીએ. અલબત્ત, વૃક્ષોને કારણે પર્વતો સ્પષ્ટ દેખાતાં નથી. વૃક્ષોની ભીતરથી પંખીઓનાં અજાણ્યાં અવાજો આવી રહ્યાં છે. ધીમી ગતિનો પવન ઝાડવાં અને પર્વતોની વચ્ચેથી દોડતો હોવાથી સૂસવાટા બોલાવી રહ્યો છે. માટીનો રંગ જાણે વૃક્ષોનાં થડને લાગ્યો છે અને પાંદડાં અનેરી લીલાશ પ્રસરાવી રહ્યાં છે. આ દ્રશ્યોને પીવામાં હું એટલો મગ્ન બની ગયો છું કે અમે કેટલે આગળ આવી ગયાં છીએ એનું ભાન જ નથી રહ્યું.
“થોડો સમય થાક ખાઈશું?” વૃંદાએ પૂછ્યું.
“હા.” મને વૃંદાએ ભાન કરાવ્યું કે અમે ઘણાં સમયથી સતત ચાલી રહ્યાં છીએ અને હવે શરીરને જરા આરામની જરૂર છે- “બેસીએ.”
એક મોટા પથ્થરને અઢેલીને તે બેઠી. હું તેની સામે, એક જાડા થડને ટેકો દઈને બેઠો. સમય જાણવા મેં કાંડા-ઘડિયાળમાં જોયું. ઘરેથી નીકળ્યે લગભગ કલાક થઈ ગયો છે.
“વૃંદા, આવાં દ્રશ્યો નેશનલ જીઓગ્રાફિક અને ડિસ્કવરી પર જોયેલાં.”
“હં!” તે બોલી- “પણ એ બધાં જંગલો આ પ્રકારનાં નથી હોતાં!”
“તમને લોકોને જંગલ-જંગલમાં ફરક લાગે.” મેં મજાક કરી.
“અમને?”
“જીવવિજ્ઞાનનાં કે વનસ્પતિશાસ્ત્રનાં અભ્યાસુઓને.” મેં કહ્યું- “બાકી જંગલ એ જંગલ!”
“એમ!” તે બોલી- “ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્લાસિકલ મિકેનિક્સમાં તમને ફરક લાગે, બાકી મિકેનિક્સ એ મિકેનિક્સ!”
“ક્વોન્ટમ મિકેનિક્સ અને ક્લાસિકલ મિકેનિક્સમાં આકાશ-પાતાળનો ફરક છે.”
“એ મને ખબર છે! મને ભૌતિકવિજ્ઞાન ગમે છે. તને શંકુદ્રુમનાં જંગલો અને અમેઝોનના જંગલોમાં તથા તેની જીવસૃષ્ટિમાં ફરક કેમ નથી લાગતો?”
મેં ખભેથી બૅગ ઊતારી. પાણીની બોટલ કાઢીને વૃંદાને ધરી. તેણે પાણી પીધું. પાણી પીવાને કારણે તેની પાતળી ગરદનની આવર્તનીય હાલક-ડોલક હું નીરખી રહ્યો. બોલ્યો
“હું બાયોલોજીનો કે બોટનીનો વિરોધ નથી કરતો.” મેં કહ્યું.
તેણે બોટલ મને આપી. મેં પાણી પીધું. બોટલ બંધ કરીને બૅગમાં ભરાવી. વાત આગળ વધારી-
“હું એ સમજી શકું છું કે એક જ જંગલનાં વૃક્ષોમાં ત્યાં નભતી જીવસૃષ્ટિમાં પુષ્કળ વૈવિધ્ય જોવા મળે છે. પણ ક્યારેક વિજ્ઞાનમાંથી બહાર આવવું જોઈએ. આખો દિવસ શું વિજ્ઞાન-વિજ્ઞાન! જંગલ કેટલું સુંદર છે! કેટલું આહ્લાદક છે! એનો આનંદ માણવાને બદલે વનસ્પતિશસ્ત્રનાં થોથાં વાચવા બેસાય?”
તે મૌન રહી. બેએક મિનિટ સુધી એમ જ બેસી રહ્યાં. સહેજ વધુ પવન ફૂંકાયો. તે બોલી-
“આપણા જેવાં પથિકોને આરામ આપવાના હેતુથી જ પવન ફૂંકાતો હશે, નહિ?”
“ના. હવાના દબાણમાં ફેરફાર થવાથી.” મારાથી બોલ્યા વિના ન રહેવાયું.
“લે, તું વિજ્ઞાનમાંથી બહાર આવી શકે છે?” તે બોલી- “ને હવે આહ્લાદકતા ક્યાં ગઈ?”
“ચાલો, નીકળીએ!” હું ઊભો થયો!
અમે ચાલ્યાં.
હમણાં દૂર દેખાતો હતો તે પર્વત હવે નજીક આવી ગયો છે. હવે અમારે એ પર્વત ફરીને જવું પડશે. વૃંદા ડાબી બાજુએ ચાલી. હું તેની પાછળ ચાલ્યો. મેં પૂછ્યું-
“વૃંદા, આ જંગલમાં તને રસ્તો કઈ રીતે મળે છે?”
“બહુ સરળ છે.” તેણે પાછળ ફર્યા વિના જવાબ આપ્યો- “તને પણ રસ્તો યાદ રહી જશે.”
“મારે આવી ભયાનક જગ્યાએ ફરીથી આવવું જ નથી!” મેં કહ્યું- “પણ તું મને રસ્તો યાદ રાખવાની પદ્ધતિ સમજાવ.”
“પર્વતોને આધારે રસ્તો યાદ રાખ્યો છે. હાલ આપણે જે પર્વત ફરી રહ્યાં છીએ તે પર્વત ઘરેથી પણ સ્પષ્ટ દેખાય છે. આ પર્વત આપણું પ્રથમ લક્ષ્ય છે. આ પર્વત ફરીને સામે જઈશું પછી બીજા એક પર્વતને લક્ષ્ય બનાવીને આગળ વધવાનું છે. આ રીતે આપણે કુખોઝૂ સુધી પહોંચી જઈશું.”
“રીત સારી છે પણ આટલાં બધાં પર્વતોમાંથી ક્યારે કયા પર્વતને અનુસરવું એ...”
“એ તો યાદ રાખવું પડે!”
“તો તો ભૂલા પડવાની શક્યતાઓ ઘણી જ વધારે છે!” મને બીક લાગી.
“ડરીશ નહિ! મને યાદ છે.....” ચાલતાં ચાલતાં જ પાછળ ફરીને તેણે મારી સામે જોયું અને વાક્ય પૂર્ણ કર્યું- “બધું જ!”
પર્વતોના આધાર નિયમિત આકારનાં નથી હોતાં એની બીજી વાર ખાતરી થઈ. એટલે કે આ પર્વત ફરવામાં અમારે બરાબર અર્ધવર્તુળાકારે ચાલવાનું નથી થતું. આમતેમ આડુંઅવળું ચાલવું પડે છે.
વીસ-પચીસ મિનિટ પછી વૃંદાએ કહ્યું-
“આ ટેકરી પર ચઢીને આગળનું લક્ષ્ય નક્કી કરવું પડશે. વૃક્ષોને કારણે અહીંથી પર્વતોના આકાર બરાબર ઓળખી નથી શકાતાં.”
“તું જોઈ આવ. હું અહીં જ ઊભો છું.” મેં કહ્યું.
વૃંદા જે ટેકરીની વાત કરી રહી છે તે ટેકરી અહીંથી પંદરેક ડગલાં જમણી બાજુ છે. વૃંદા તે તરફ ચાલી. હું નીચે બેઠો. ચારે તરફ દેખાતા દ્રશ્યને માણતા હું ધરાતો જ નથી! જંગલ ભયાનક જ હોય એવું જરૂરી નથી!
“ચાલ.” વૃંદા પાછી આવી.
“કયા પર્વતને અનુસરવાનું છે?” પૂછીને હું ઊભો થયો.
“પેલા.” તેણે આંગળી ચીંધીને એક પર્વત દેખાડ્યો.
અમે આગળ વધ્યા. માંડ પાંચ ડગ આગળ વધ્યા ત્યાં વૃંદા ઊછળી અને બે ડગલાં આગળ જઈ ઊભી રહી. મને કંઈ સમજાય એ પહેલાં તે પાછળ ફરી ગઈ અને મારો હાથ ખેંચ્યો. હું તેની તરફ ખેંચાઈ ગયો. તેણે જમીન પર આંગળી ચીંધી. મેં જોયું. એક લાંબો સાપ. તે સાપ પસાર થઈ રહ્યો છે. પર્વતોની વચ્ચેથી વહેતી નદીની જેમ તેમ વળાંકો લેતો સરકી રહ્યો છે. ઘડીક તેને જોઈ રહ્યાં બાદ અમે અમારા લક્ષ્ય તરફ ચાલ્યાં.
લગભગ પંદરેક મિનિટ વીતી ત્યાં વૃંદા બોલી-
“મારાથી ભૂલ થઈ ગઈ છે,વેદ!”
“અરેરે, રસ્તો ભૂલ્યા!” મારો ભય બહાર ઊછળી આવ્યો!
(ક્રમશઃ)