મારો શું વાંક ?
પ્રકરણ - 3
સતત બદલાતી ઋતુઓની સાથે સમય પણ માર-ફાડ જઈ રહ્યો હતો. જોતજોતામાં તો નાનકડી રહેમત ચૌદ વરસની થઈ ગઈ. આસિફા પોતાના સફેદ વાળની લટો અને ઓઢણીને સરખી કરતી બાર ફળિયામાં આવી અને જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા હુસેનાબાનુંને પૂછવા લાગી કે.... અમ્મા! રહેમતને તમે જોઈ? સવારથી એને ગોતું છું. અલ્લાહ જાણે આ છોકરી ફુદરડીની જેમ ક્યાં ફરતી રહે છે. અમ્મા... આ તમારા દીકરાએ જ એને બગાડી છે. ઘરમાં ઇનો પગ રેતો જ નથી. કાલ સવારે સાસરે જાશે તો મારી નણંદબા મને મેણું મારશે કે છોકરીને ઘરમાં રેતા શીખવાડયું જ નથી. હશે મારી વ્હાલી ! હુસેનાબાનું બોલ્યા કે... એની બેનપણી પાહે ગઈ હશે. હમણાં આવી જાશે... તું નાહકની ચિંતા કરેશ.
તળાવની પાળ ઉપર ફરફર થઈ રહેલો પવન પાળ ઉપર ઊભેલી રહેમતનાં આછા આસમાની ઓઢણાને આમથી તેમ ફંગોળી રહ્યો હતો. ઓઢણાને સરખો કરવાની મથામણમાં રહેમતના પાતળા ગોરા હાથની લીલી નસો સ્પષ્ટ દેખાઈ રહી હતી. કમર સુધીનાં લાંબા અને લીસા વાળ, પવન પણ જાણેકે રહેમતના વાળ સાથે રમત રમી રહ્યો હતો. બપોરના બાર વાગ્યાનાં પ્રખર તાપમાં સૂરજના કિરણોથી રહેમતને બચાવવા જાણેકે પવન વાળની નાની-નાની લટોને તેના મુખ ઉપર ફેલાવી દેતો હતો અને જાણેકે કહેતો હોય કે.. ”જો રહેમત તારું ગોરું મુખ સૂર્યથી તામ્ર્વર્ણુ નાં થઈ જાય એટલે લટોને તારા મુખ ઉપર ફેલાવી રહ્યો છું. ”
ત્યાં તો દૂરથી પાતળો અને મીઠો સાદ સંભળાયો.... એલી રેમૂડી! આમ તડકા સામે શું ઘાલીને ઊભી છે, કાળી પડી જઈશ.. અને પછી તારો ઇરફાન તને લેવા નહીં આવે અને બીજી કોઈને ગોતી લેશે. તળાવની પાળ નીચે ઘૂંટણથી નીચે સુધીનું જાંબલી સ્કર્ટ અને ઉપર લાલ કલરનો બટનવાળો બુસ્કોટ, ચોટલો વાળેલા લાંબા ઘૂંઘરાળા વાળ, અણીયાળી મોટી આંખો અને કપાળ પર લગાવેલા નાના ગોળ ચાંદલા સાથે ઊભેલી હેતલ રહેમતને ચીડવી રહી હતી. ત્યાં તો ગુસ્સામાં તળાવની પાળ ઊતરતી-ઊતરતી રહેમત બોલી... ”અરે... જા રે હેતલડી ! રહેમતની જગા લેવાવાળું અત્યાર સુધી કોઈ બચ્ચું પેદા નથી થયું અને ના ક્યારેય થાશે. મારો ઇરફાન મારી જગા બીજી કોઈને આપે જ નહીં. એમ કહેતા એક જોરથી ધબ્બો હેતલનાં વાંસામાં ઝીંકયો અને તેના હાથમાં રહેલી શેકેલી મકાઇ ઝૂંટવીને ખાવા લાગી.
હેતલ અને રહેમત બેય બાળપણની સાથીદાર કહો તો પાકકી બેનપણીઓ.... હેતલના પિતા રમેશભાઈ અને માં અમૃતાબેનને રાશીદ અને આસિફા સાથે ઘર જેવા સંબંધ. બંને પરિવારો સુખ દુ:ખમાં ઢાલની જેમ એકબીજા સાથે ઊભા હોય. ચૌદ વરસની રહેમતે આ વરસેજ નવમું ધોરણ પાસ કર્યું અને હવે એનું શાળાએ જવાનું બંધ કરાવ્યું છે... કારણકે આ વરસે તેના નિકાહ પઢાવવાના છે. જ્યારે તેની જ ઉંમરની હેતલ દસમા ધોરણમાં આવી છે અને દસમું પાસ કર્યા પછી ગામની બાજુનાં શહેરમાં વધુ અભ્યાસ માટે જવાની છે. કારણકે ગામમાં દસ ધોરણ સુધીની જ શાળા છે.
રસ્તામાં વાતું કરતી-કરતી બેય બેનપણીયું મારફાડ જઈ રહી હતી. એલી રેમૂડી! મારે તો ખૂબ ભણી-ગણીને નોકરી કરીને પગભર થવું છે. તને એક વાત પૂછું રેમૂડી? ધીરેકથી હેતલે કહ્યું... હા બોલને હેતલડી ! એમાં પૂછેશ શું? રહેમતે હેતલને કહ્યું.... હેતલ બોલી કે રેમૂડી તે ભણવાનું શું કામ પડતું મેલ્યું? તું તો મારા કરતાય હોશિયાર છે અને નિકાહ પઢવાની આટલી જલ્દી શું છે? એ તો થોડા વરસો પછીય થઈ શકે છે. એય રેમૂડી! હાલને આપણે બેય હારે ભણીએ. તારા વગર મને જરાય મજા નહીં આવે. હેતલની વાત સાંભળીને રહેમત થોડી વાર સૂનમૂન થઈ ગઈ. ત્યાંજ રહેમતનું ઘર આવી ગયું અને બેયની વાત અધૂરી રહી ગઈ. ભલે હેતલડી ! મારુ ઘર આવી ગયું, હું જાવ છું.. આવજે ... ભલે રેમૂડી આવજે... એટલું કહીને બેય બેનપણીઓ છૂટી પડી.
ફળિયામાં રહેલી ચોકડીમાં હાથ અને મોંઢું ધોઈને રહેમત ઓરડામાં પોતાની અમ્મા અને માં આસિફા પાસે બેઠી. ત્યાંતો આસિફા ઊંચા અવાજે બોલી... એલી છોકરી! તને કઇં હમજ પડે છે કે નહીં. બાર તડકો જો... રખડીને આ આકરાં તડકામાં કાળી પડી જઈશ. થોડાક દિ પછી તારા નિકાહ છે. મારી નણંદબા મને મેણું મારશે કે અમને કાળી વહુ પધરાવી દીધી. મારફાડ બોલતી રહેમત થોડીકવાર તો શાંતચિત્તે એની માં ની વાત સાંભળતી રહી પછી અચાનક બોલી.. હે માં! એક વાત પૂછું? હા તો પૂછને.. મારી ઢીંગલી ! મમતાના રણકાર સાથે આસિફા બોલી.
રહેમત બોલી માં મારા નિકાહની આટલી બધી જલ્દી શું કામ છે? મારેય હેતલની જેમ આગળ ભણવું છે અને નિકાહ તો થોડા સમય પછીય થઈ શકે છે. કડકાઇ સાથે આસિફા બોલી આ શું ગાંડા જેવી વાત કરેશ? હવે તારે ભણીને શું કામ છે? તારા નિકાહ પડાવવાની ઉંમર થઈ ગઈ છે. આપના વડવાઓથી આ પરંપરા હાયલી આવે છે તો તું કોણ છે એને તોડવાવાળી? અને વળી તારે ભણીને શું કામ છે? તારો થનારો ઘરવાળો ઇરફાન તો ભણી રહ્યો છે ને.... અને ભણી-ગણીને મોટો અફસર બનવાનો છે. એ કોના માટે? એના માં-બાપ અને તારા માટે જ કરી રહ્યો છે ને. ॥
મારી દીકરી તું તારી ફઇના ઘરે રાજ કરીશ. આવો સારો જમાઈ તો નસીબવાળાને મળે. તું નાહકની ચિંતા કરેશ. માં નાં મોંઢે ઇરફાનનાં વખાણ સાંભળીને રહેમત થોડી શરમાઇ ગઈ અને પાછી હેતલડીની ભણવાની વાત યાદ આવતા સૂનમૂન થઈ ગઈ. અને આ બધીય વાતો એ ત્રણેયની જાણ બહાર બાર ઊભો-ઊભો રાશીદ સાંભળી રહ્યો હતો.
***