Hellaro fem zinal sathe vatchit in Gujarati Women Focused by Alpesh Karena books and stories PDF | હેલ્લારો ફેમ જીનલ સાથે વાતચીત

Featured Books
Categories
Share

હેલ્લારો ફેમ જીનલ સાથે વાતચીત

નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ "હેલ્લારો"માં ડાન્સ અને રોલ કરનારી અભિનેત્રી જીનલ સાથે ખાસ વાતચીત...

"હેલ્લારો" ફિલ્મે એક વાત સાબિત કરી બતાવી કે એક ગુજરાતીને સૌથી વધુ ગુજરાતી જ આકર્ષી શકે, અન્યથા કોઈ નહીં. જ્યારથી નેશનલ એવોર્ડ તરીકે ફિલ્મની રજૂઆત થઈ ત્યારથી જ વરરાજાને લગ્ન પહેલા મિંઢોળ બાંધે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આમ પણ મૌલિક નાયકે એક વખત કહેલું કે જે ફિલ્મને નેશનલ એવોર્ડ મળે એનો મતલબ જ એ થયો કે એમાં કામ કરેલા નાનામાં નાના માણસની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. તો આજે વાત કરવી છે હેલ્લારોનાં હાર્દ ભાગમાં નાનો રોલ કરનારી જીનલનો.

રાત્રે ૧૨:૩૦ નજીક સમય થતો આવતો હતો અને કકડીને ભૂખ લાગી. તહેવારોના દિવસો એટલે આજુબાજુ બધી દુકાનો પણ હડતાળ પર હતી. પછી મિત્ર શાંતિ બોલ્યો કે, અલ્પેશ વઘારેલા મમરા છે ચાલ ખાઈએ. મમરા ખાતા ખાતા વાતચીતમાં શાંતિએ ઉમેર્યું કે તને ખબર છે હેલ્લારોમાં આપણી એલ ડી કોલેજની પણ એક છોકરી છે. મે કહ્યુ કોણ, બતાવ જોઈએ. એટલે તરત ઈન્સ્ટા ખોલ્યું અને બતાવ્યું તો એ તો જાણીતો ચેહરો નીકળ્યો. સાહિત્ય સરિતામાં સાથે કામ કરતા હતા પણ એટલો વધુ પરિચય ન્હોતો. નામ એનું જીનલ પટેલ. આમ તો હેલ્લારોમાં જીનલ માત્ર ગીતમાં અને ભીડ વખતે રોલ કરે છે. જીનલને ફોન કર્યો અને હેલ્લારોનાં સારા નરસા અનુભવ, કચ્છી વાતાવરણ, પહેલા જ ફિલ્મનો આનંદ, નેશનલ એવોર્ડ મળ્યાનો રાજીપો વગેરે બાબતો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.

માર્ચ ૨૦૧૮ની વાત છે. જીનલ એલ ડી કોલેજનાં કલ્ચર ગ્રૂપ સાથે કામ કરતી. અલગ અલગ ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા સિવાય કોઈ મોટા થિયેટર કે પછી કોઈ મેજર રોલ પણ નોહતો કર્યો. એવામાં એક દિવસ વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવ્યો કે કોઈ ગુજરાતી ફિલ્મનું ઓડિશન છે ચાલો જઈએ. બધા ગયા અને એમાંથી એલ ડી કોલેજનાં ૪ લોકો સિલેક્ટ થયા. ફોરમ શાહ, ઝીલ પ્રજાપતિ અને મોહિલ પરમાર. પહેલી વાર પત્યું પછી બીજી વખત બોલાવ્યા અને ત્યારે એનું કાસ્ટીંગ ફાઈનલ કર્યું.

ત્યારબાદ ખબર પડી કે આતો હેલ્લારો ફિલ્મનું હતું. હેલ્લારોનાં ડાયરેક્ટ અભિષેક શાહે કહ્યું તમે ઘરે એક વખત પુછી જુઓ કે, આ રીતે જવાનું છે અને શૂટિંગ કરવાનું છે. ત્યાં ને ત્યાં જ બધા પાસે ફોન કરાવ્યો અને ઘરેથી પણ પોઝિટિવ પ્રતિસાદ મળ્યો. હવે શરૂ થઈ એક નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મમાં કામ કરવાની જર્ની...

નિર્ધારિત સમયે બધા પોંહચી ગયા કચ્છની ધરતી પર. જીનલે કહ્યું- અમે જેટલા દિવસ રહ્યા ત્યારે એકપણ વખત એવું નથી લાગવા દીધું કે અમે ઘરથી દૂર છીએ. એક પરિવાર જેટલી જ સાર સંભાળ, બધા માટે રેહવાથી માંડી જમવા સુધીની અતિ ઉત્તમ સુવિધા. બોલિવુડમાં આ વસ્તુ કદાચ ભાગ્યે જ જોવા મળતી હશે.

જીનલે એક ચોટદાર વાત જણાવી કે, જ્યારે અભિષેક સરે અમને બોલાવ્યા તો પુશ્યું કે આ ફિલ્મનો હીરો કોને લેવો જોઈએ કે પછી તમને શું લાગે છે. તો બધાએ અલગ અલગ નામ સજેસ કર્યા. પછી અભિષેક સરે કહ્યું આ ફિલ્મનો હીરો ગરબો છે. ત્યારે જીનલને એટલો તો ભરોષો થઈ ગયો કે જેના પણ હાથમાં છીએ એ એકદમ સેફ અને કંઇક નવી સાચી પ્રેરણા આપતા હાથમાં છીએ.

દરેક સીન શૂટ થાય એટલે બધાને અભિષેક સર બતાવે કે જુઓ કોનું સરસ થયું અને કોની ક્યાં ત્રુટિ રહી ગઈ. દરેક માણસને એવું જ લાગ્યું કે બધા જ આ ફિલ્મનો એક ભાગ છે. ક્યારેક કોઈને એવું મેહસૂસ ના થવા દીધું કે નાનો રોલ છે તો એનું મહત્વ ઓછું છે. જીનલ આગળ વાત કરે છે કે જે પ્રમાણે એક એક નાની નાની વાત માટે લોકોએ એટલી સખત મેહનત કરી અને ફિલ્મ તૈયાર થઈ ત્યારે દરેક જણને એવું ૧૦૦ ટકા લાગ્યું કે અા મૂવી ગુજરાતી ફિલ્મ જગતનો ઇતિહાસ બદલશે અને ધમાકો કરવાની છે.

ફિલ્મના શૂટિંગ સમયે ખરાબ અનુભવ વિશે માહિતી આપતા જીનલ બોલી કે, એલ વખત અમે બધા મંડપ નીચે બેઠા હતા. ફિલ્મનો સેટ થોડો દૂર ગોઠવેલો હતો. કુદરતને કરવું અને જોરદાર પવન સાથે વાવાઝોડું આવ્યું. આપ બધા જાણો છો એમ કે કચ્છમાં તો અવાર નવાર વાવાઝોડું ત્રાટક્યા કરતું હોય. પવન એટલો વેગીલો હતો કે આખો મંડપ હવામાં ઉડી ગયો. પછી બધાને ચિંતા થઈ કે હાય હાય ફિલ્મના સેટનું શું થયું હશે. બધા દોડીને ગયા તો સેટ હેમખેમ હતો. કશું જ ખરાબી ન્હોતી આવી. બધાને દિલમાં એક હાશકારો અનુભવાયો.

જિંદગીભર યાદ રહે એવા પ્રસંગ વિશે વાત કરતાં જીનલે કહ્યું, એક સાંજે આકાશમાં તારાઓ સ્પષ્ટ જોઈ શકાતા હતા. મોટાભાગે શહેરમાં પ્રદૂષણના કારણે આવો નજારો જોવા નથી મળતો હોતો. બીજી તરફ એક કાકા મસ્ત સૂરમાં માઉથ ઓર્ગન વગાડી રહ્યા હતા. પેલી બાજુ આર્જવ ત્રિવેદી ( છેલ્લા દિવસનો ધુલો) તાલમાં ઢોલ વગાડતા હતા. એક સમયે આવી ત્રણ ત્રણ મેહફીલ જામી હતી. કુદરતના સાનિધ્યમાં આવો સંગમ એ જીનલને લાઇફ ટાઇમ યાદ રેહશે!

જ્યારે નેશનલ એવોર્ડ એનાયત કરાયો ત્યારે જીનલને ખબર નોહતી પણ બીજા લોકોની ઈન્સ્ટા સ્ટોરી અને પછી ધીમે ધીમે તો સમાચાર વાયુવેગે ફેલાતા ગયા. પણ જીનલ ત્યારનો અનુભવ શબ્દોમાં તો ના કહી શકી પણ એટલું કહ્યું કે, અમારો તો નાનો રોલ છે છતાં આટલી પાર વિનાની ખુશી થઇ તો કે ૧૩ અભિનેત્રીને એવોર્ડ મળ્યો એની ખુશી કયા લેવલ પર હશે.

જીનલના માતા પિતા પણ હવે તો રોજ હેલ્લારોનાં ગીત દિવસમાં ૫ વખત સાંભળે છે. જ્યારે છોકરીને આવી સંસ્કૃતિને ઉજાગર કરતી ફિલ્મમાં નાચતા જુએ ત્યારે કયા માવતરને આનંદ ન થાય?.

પહેલી જ ફિલ્મ કરતા હોઈએ અને એ પણ આવી મારફાડ હિટ જાય તો સ્વાભાવિક છે કે બધા કંઇક અને કંઇક નવું સ્વપ્ન સેવે. તો જીનલ હવે ગુજરાતી ફિલ્મને ડાયરેક્શન કરીને કે રોલ કરીને, ગમે તે માધ્યમ દ્વારા કળાને એક નવું રૂપ આપવા માંગે છે. લોકોને કળાની પ્રતીતિ કરાવવા માંગે છે અને આપણા કલ્ચરની વધુ ને વધુ કદર કઈ રીતે થાય એવું કંઇક કરવા માંગે છે. એ સિવાય જીનલ મણિયારો રાસ પણ સરસ રમે એ ખૂબ મોટી અને મમત્વ ભરી વાત કહી શકાય. કારણ કે પોરબંદર બાજુના લોકો જાણતા હશે કે મણિયારાનું શું મહત્વ છે. આટલી નાની ઉંમરમાં માત્ર ૨૧ વર્ષે આટલી મોટી ફિલ્મમાં કામ મળવું એ પણ એક નસીબ અને ટેલેન્ટની વાત છે.

જીનલ માટે હવે જીવનની એક નવી શરૂઆત થઈ ગઈ છે. ભલે તે એન્જિનિયરનું ભણી હોય પણ કામ તો શોખ હોય એવું જ કરવું એ આપણે આમિર ખાન ઘણા સમય પહેલા શીખવી ગયો. તો જીનલ હવે ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી કલ્ચર માટે ઉતરોતર પ્રગતિ ભર્યું કામ કરે એવી શુભેચ્છા અને હેલ્લારોમાં રોલ મળ્યો એ બદલ ફરીથી અભિનંદન સાથે અત્યારે આટલું જ.... જય જય ગરવી ગુજરાત...

અલ્પેશ કારેણા..